વલસાડઃ ધરમપુરમાં પ્રા.શાળાના શિક્ષકે ત્રણ વિદ્યાર્થીઓને માર્યો ઢોર માર - Sandesh
NIFTY 10,360.15 -50.75  |  SENSEX 33,685.54 +-150.20  |  USD 64.9300 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • વલસાડઃ ધરમપુરમાં પ્રા.શાળાના શિક્ષકે ત્રણ વિદ્યાર્થીઓને માર્યો ઢોર માર

વલસાડઃ ધરમપુરમાં પ્રા.શાળાના શિક્ષકે ત્રણ વિદ્યાર્થીઓને માર્યો ઢોર માર

 | 9:23 pm IST

વલસાડ જિલ્લાના ધરમપુરમાં રાજમહેલ રોડ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ધો ૬માં અભ્યાસ કરતા ૩ વિદ્યાર્થીઓને શિક્ષકે ઢોર માર માર્યો હતો. આ અંગેની જાણ થતા રોષે ભરાયેલા વાલીઓએ ગત રોજ મોડી સાંજે ધરમપુર પોલીસ મથકમાં પહોંચી જઈ શિક્ષક સામે ફરિયાદ અરજી આપી હતી. જોકે બાદમાં આચાર્યએ ફરી આવી ઘટના ન બને એ માટે ખાતરી આપતા મામલો શાંત થયો હતો.

મળતી માહિતી મુજબ ધરમપુરના રાજમહેલ રોડ ખાતે વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ શાખા સંચાલિત પ્રા શાળામાં ધો ૬ માં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓને શાળાના શિક્ષક નટુભાઈએ ઢોર માર માર્યો હતો. શિક્ષકના કથિત રોષનો ભોગ બનેલા વિદ્યાર્થીઓના શરીર પર મારના નિશાન ઉપસી આવ્યા હતા. ઘરે પહોંચેલા ત્રણેય વિદ્યાર્થીઓએ શિક્ષકે તેમને ઢોર માર માર્યો હોવાની જાણ વાલીઓને કરતા વાલીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી.

રોષે ભરાયેલા ત્રણેય વિદ્યાર્થીઓના વાલીઓ ગત મોડી સાંજે ધરમપુર પોલીસ મથકમાં પહોંચ્યા હતા અને તેમના સંતાનોને માર મારનાર શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ અરજી આપી હતી, જેમાં વાલીઓએ શિક્ષક બાળકોને વધારે પડતા પરેશાન કરતા હોઈ બાળકો શાળાએ જતા ગભરાતા હોવાની કેફિયત રજૂ કરી છે.

વધુમાં ઘટનાને પગલે આજરોજ શિક્ષકના રોષનો ભોગ બનનાર વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને સ્થાનિક આગેવાનો શાળાએ પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી.આચાર્યએ વિદ્યાર્થીઓના વાલીઓને અને આગેવાનોને આવી ઘટના બીજી વાર નહિ બને તેવી ખાત્રી આપતા વાલીઓનો રોષ ઠંડો પડયો હતો, તેવા સંજોગોમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરી જરૃરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા કરવામાં આવી છે.