જાણો વર્તમાન સમયમાં શિક્ષકોની ગરિમા ઝાંખી કેમ થઈ રહી છે ? - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • જાણો વર્તમાન સમયમાં શિક્ષકોની ગરિમા ઝાંખી કેમ થઈ રહી છે ?

જાણો વર્તમાન સમયમાં શિક્ષકોની ગરિમા ઝાંખી કેમ થઈ રહી છે ?

 | 1:55 am IST

માનવજાતના વિકાસ અને વિનાશની શક્યતાઓ શિક્ષકના હાથમાં રહેલી છે એવું ચાણક્યએ સાચું જ કહ્યું હતું. માતા પછી બાળકનાં જીવનઘડતરમાં સૌથી મહત્ત્વનો ફાળો શિક્ષકનો રહેલો છે. એમાં બેમત નથી. પણ આજે સૌથી મોટી કરૂણતા એ છે કે શિક્ષણ અને શિક્ષક આ બંને સામે માત્ર પ્રશ્નાર્થ જ નહીં પડકાર પણ ઊભા થયા છે. કરિયરના શ્રેષ્ઠ ઓપ્શન ગણાતી ટીચિંગ લાઈન આજે વિદ્યાર્થીઓ માટે કરિયરનો લાસ્ટ ઓપ્શન બની છે. સ્ત્રીઓ માટે હોટ ફેવરિટ ટીચિંગ લાઈનમાં તેઓને પણ હવે રસ રહ્યો નથી. શિક્ષક દિને શિક્ષકોની બદલાયેલી દુનિયાનાંલેખા-જોખા કરીએ.

એક સમય હતો કે માસ્તર ગણાતાં શિક્ષક રસ્તામાંથી પસાર થાય તો લોકો ઊભા રહીને એમને નમન કરતાં. માસ્તર એ ગામની સૌથી સન્માનનીય વ્યક્તિ ગણાતી અને બાળકનાં ભવિષ્યની ડોર તેઓ ખચકાટ વિના શિક્ષકનાં હાથમાં મૂકી દેતા. કારણ કે એ સમયે શિક્ષકનું ચારિત્ર્ય અને વ્યક્તિત્વ ઉજ્જવળ ગણાતું. શિક્ષણ એમના માટે માત્ર આજીવિકાનું સાધન નહોતું. ધર્મ પણ હતો. વિદ્યાર્થીઓનું હિત એમના હૈયામાં સદાય વસેલું રહેતું. વિદ્યાર્થીઓને ભણાવવામાં તેઓ એમનાં તન-મન ન્યૌછાવર કરી દેતા. શિક્ષકના આ ગુણો સમયની સાથે અદૃશ્ય થવા માંડયા અને જીવનનાં નવા પડકારો સામે એમની ગુણવત્તાનું પોત નબળું પડવા માંડયું.

સુરતની એક ખૂબ જ જાણીતી સ્કૂલનાં આચાર્યને અમે આ અંગે પૂછયું કે શા માટે શિક્ષકનું સ્થાન લોકહૃદયમાંથી નીચે ઉતરી ગયું?

એમનો જવાબ કંઈક આવો હતો. જુઓ, શિક્ષણ કરતાં આજે અનેક કરિયર એવી છે કે જેમાં સારા પૈસા અને નામ છે તેથી ગુણવતાવાળા શિક્ષકો ઓછા મળે છે. સામાન્ય રીતે પોણો કલાકનાં પિરિયડ માટે બે કલાક વાંચવું પડે….એ તૈયારી આજનાં શિક્ષકની નથી. વળી, ટયુશનને કારણે શિક્ષકની છબી ખરડાઈ છે, પરંતુ એમાં વાંક માત્ર શિક્ષકનો નથી પેરેન્ટ્સનો પણ છે. શિક્ષકો સ્કૂલમાં ભણાવે છે પણ પેરેન્ટ્સે ઘરે ધ્યાન આપવું નથી. એટલે ટયુશન મોકલે છે અને વાંક શિક્ષકનો કાઢે છે. શિક્ષણમાં ભ્રષ્ટાચાર વધ્યો છે પણ એ કોણ કરે છે? પેરેન્ટ્સ અને મેનેજમેન્ટ અને બદનામ શિક્ષકોને કરાય છે. હા, પહેલાં જેવા ડિવોટેડ શિક્ષકો નથી રહ્યાં એ સાચું અન્ય ફીલ્ડ કરતાં આ વ્યવસાય વધુ પ્રમાણિક્તા અને પ્રતિબદ્ધતા માંગે છે એ વાત સાચી છે અને એવા શિક્ષકો આજે પણ છે. જે વિદ્યાર્થીઓના જીવનઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ચારિત્ર્ય નિર્માણની ભૂમિકા ભજવવાનું ગજુ દરેક શિક્ષકની નથી એ વાત દુઃખ સાથે સ્વીકારવી પડે.

બાળકનાં ઘડતરમાં શિક્ષકની ભૂમિકા આજે કેટલી? એ પ્રશ્નનો ઉત્તર કેટલાક પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ પાસેથી મેળવીએ….એન્જિનિયર એવા પ્રમીત શેઠ કહે છે કે ટીચર્સની છાપ તો બાળક પર પડે જ છે તેઓ અમારા કરતાં શિક્ષકની વાતને વધુ સ્વીકારે છે પણ એ ત્રીજા-ચોથા ધોરણ સુધી. બીજુ શિક્ષકોને એમનો સિલેબસ પતાવવામાંથી સમય જ નથી મળતો કે તેઓ વિદ્યાર્થીઓ સાથે જીવનઘડતર-મૂલ્યો, આદર્શો કે ભવ્ય ઈતિહાસ અને મહાન પુરૂષોની વાત કરે…આજે ઘડતર કરતાં માર્કસ અગત્યના છે ત્યારે શિક્ષકો ભણાવવા સિવાય બીજુ શું કરી શકે? અન્ય એક ફાયનાન્શિયલ એડવાઈઝર એવા મમ્મી બિન્દ્રા શાહ કહે છે કે મારા બાળકોનાં સ્કૂલનાં ટીચર ચોવીસ પચ્ચીસ વર્ષનાં હશે. જેઓ ફેશન પરેડમાં આવતાં હોય એમ તૈયાર થઈને આવે છે. અભ્યાસ સિવાય એમની પાસે ટી.વી. સુધી સિવાય બીજું કશું સ્ટુડન્ટ સાથે શેર કરવાનું નથી હોતું. ન તો એમનું અંગ્રેજી એક્સલન્ટ છે કે ન તો ગુજરાતી. તેઓ સ્ટુન્ડન્ટ્સની કેર લે છે, પણ ઝડપથી અકળાય પણ જાય છે. એમની પાસે એમ.એ. બી.એડ જેવી ડિગ્રી પણ નથી. અને આ હાલત શહેરની મોટી ગણાતી અનેક સ્કૂલોમાં છે. ત્રણ-ચાર હજારનાં પગારમાં ભણાવવાનું અને વહીવટી કામ તેઓ કરાવે. જેઓ ખુદ શોષિત હોય તેઓ સારો પર્ફોમન્સ કઈ રીતે આપી શકે? અને આજે તમે ૧૦૦ શિક્ષકોને પૂછશો કે તમે આ વ્યવસાયમાં રાજી-ખુશીથી આવ્યા છો? તો ૯૦ ના પાડશે. મજબૂરીથી થતાં કામમાં ગુણવતાની સુગંધ કયાંથી આવે?

હવે શિક્ષક અંગે વિદ્યાર્થીઓ શું માને છે તે જોઈએ. પુનામાં ઈકોનોમિક્સમાં ભણતો પાર્થ મહેતા કહે છે કે આજ સુધી દરેક સ્ટાન્ડર્ડમાં એક સર-ટીચર તો એવા મળ્યાં જ છે કે જેમને હું આજે પણ યાદ કરું છું. કારણ કે તેઓ પ્રેમથી ભણાવતા, અમારી નાની-નાની વાતમાં રસ લેતાં. પ્રોત્સાહન આપતા. ગરીબ સ્ટુડન્ટને મદદ કરતાં અને સ્ટડી સિવાયની અનેક વાત શેર કરતાં. જેથી અમે ન સારું નોલેજ મળતું. મતલબ કે દરેક એક ટીચર્સ તો યાદ રહે એવા હોય જ છે. અમારા ફિઝિકસના સરે જોબ છોડી ત્યારે અમારો આખો કલાસ રડયો હતો. આજે કોલેજમાં પણ અમુક સરનું નોલેજ અને સ્ટુડન્ટ માટેનો પ્રેમ જોવા મળે છે. તેઓ ગાઈડ કરે છે અને સપોર્ટ પણ કરે છે. હા, આજે એજ્યુકેશન મિશન નથી, પરંતુ પ્રોફેશન છે. તેથી થોડી ગરબડ તો રહેવાની જ.

પાર્થની-વાતને સમર્થન આપતા પ્રયાસ કરે છે અને ફરજ વહુઓની ન હોવી જોઈએ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ સ્વીટી પટેલ કહે છે કે જેમ બધા શિક્ષકો સારા નથી એમ બધા ખરાબ પણ નથી. તેઓ જોબ કરે છે. એટલે એમને જેટલું મળે છે તેટલું જ સામે આપે છે. શિક્ષકને પણ ઘર-પરિવાર છે. એમની પણ આશા-અપેક્ષાઓ છે એમની પાસે મિશન, સેવા કે વધારે કામની અપેક્ષા શા માટે? શિક્ષણ એ એવા, મિશન કે ઉમદા કામ હતું એ સમય ગયો. આજે એ અન્ય પ્રોફેશન જેવો જ વ્યવસાય છે, છતાં જેમ ડોક્ટર પાસે સેવા અને સંવેદનશીલતાની અપેક્ષા રખાય છે તેમ શિક્ષક પાસેથી પ્રમાણિક્તા અને સંસ્કાર ઘડતરની અપેક્ષા રખાય છે એ ખોટું નથી. એ જ લોકોએ આ પ્રોફેશનમાં આવવું જોઈએ કે જેમને એમાં રસ છે. માત્ર નોકરી માટે આવતાં શિક્ષકોએ શિક્ષણને સૌથી વધુ નુકસાન કર્યું છે.

ગૃહિણી અંજલિ પટેલ કહે છે કે મારા શિક્ષકોએ શીખવેલી દરેક વાત મને યાદ છે. આજે પણ હું ઘડિયા, કવિતાઓ અને સુ-વિચાર કે શ્લોક અડધી રાતે બોલી શકું છું. આજે શિક્ષકો પાયો પાકો કરાવતાં જ નથી. અમારા સર જે જાત-જાતની વાત કરતાં, દુનિયાનું નોલેજ આપતાં આજે એવું નથી. ઘણીવાર તો મને મારા દીકરાઓ એનાં સર કરતાં વધારે સ્માર્ટ લાગે છે. આજે શિક્ષણની મેથડ બદલાઈ છે. ઈન્ટરનેટ અને ટીવીને કારણે છોકરાંઓ વધારે સ્માર્ટ બન્યાં છે એ પ્રમાણે શિક્ષકો અપ-ડેટ નથી થતાં. તેઓ અભ્યાસ બહારનું વાંચતા નથી. રિસર્ચ નથી કરતાં. જે પ્રોજેકટ તેઓ સ્ટુડન્ટને બનાવવા આપે છે તે વિશે પૂરું નોલેજ એમને પણ નથી હોતું. કેટલાક ટીચર્સ તો લેસન સમજાવવાને બદલે વાંચી જાય છે સ્ટુડન્ટને પોતાની પાસે જ ટયુશન લેવડાવવાનો આગ્રહ રાખે છે. પોતાની પાસે ટયુશન ન આવતા સ્ટુડન્ટ સાથે ભેદભાવ કરે છે. વિદ્યાર્થીની સાથે ગંદી મજાક કે છેડતી પણ કરે છે. પોતાનો ગુસ્સો સ્ટુડન્ટ પર કાઢે છે. કહેવાનો મતલબ એ કે શિક્ષક એ આદર્શ નથી. સામાન્ય માણસ જ છે. એમની પાસે બાળકનાં ઘડતરની અપેક્ષા રાખવી અશક્ય છે.

પેરેન્ટ્સ, સ્ટુડન્ટ અને સમાજનાં સઘળાં આક્ષેપો અંગે શિક્ષકોનું શું કહેવું છે? દસેક શિક્ષકો સાથે વાતચીત કરી તો તેઓ કહે છે કે સમય સાથે આખી દુનિયા બદલાઈ છે તો શિક્ષક પણ બદલાય જ ને? શિક્ષકોના પગાર-ધોરણ ઓછા છે. સરકાર અને મેનેજમેન્ટ બંને એનું શોષણ કરે છે. બીજા લોકો જોબ સાથે ઓવર ટાઈમ કરી શકે, પરંતુ ટયુશન ન કરી શકે એવું શા માટે? શિક્ષણનું સ્તર સુધારવું હોય તો શિક્ષકોને ટ્રેઈનિંગ આપો, સ્કૂલ અને ઈન્ફાસ્ટ્રકચર સુધારો અને અભ્યાસક્રમને ઈન્ટરનેશનલ લેવલનો બનાવો, વેલ્યૂબેઝ એજ્યુકેશન સિલેબસ તૈયાર કરાવો…શિક્ષણ માત્ર શિક્ષકથી જ નહીં અન્ય પરિબળોને સુધારવાથી સુધરશે. શિક્ષક એ ભગવાન નથી એ સત્ય સમાજે સ્વીકારવું પડશે!

અમિતા મહેતા [email protected]