શિક્ષકદિને એક વિદ્યાર્થીનો નિબંધ : જો હું શિક્ષક હોઉં તો! - Sandesh
  • Home
  • Columnist
  • શિક્ષકદિને એક વિદ્યાર્થીનો નિબંધ : જો હું શિક્ષક હોઉં તો!

શિક્ષકદિને એક વિદ્યાર્થીનો નિબંધ : જો હું શિક્ષક હોઉં તો!

 | 1:14 am IST

રિવરફ્રન્ટની પાળેથી : હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

એક જગ્યાએ મેં વાંચેલું કે અજ્ઞાન પર ઢાંકપિછોડો કરવાની કળા અને રૂપાળાં રૂપાળાં જૂઠને સુંવાળા સુંવાળા શબ્દોમાં રજૂ કરવાની કળાનો માસ્ટર એટલે રાજકારણી! ‘મારે જ્ઞાન લેવાનું હજુ બાકી છે’ એટલું તો મને જ્ઞાન છે, એનો અર્થ એ થયો કે હું એટલો તો અજ્ઞાની નથી કે મારે એ બાબતે ઢાંકપિછોડાની કળા શીખવી પડે. વળી, હજુ તો હું પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી છું, એટલે ‘જૂઠ’ કોને કહેવાય એની મને ખબર નથી. મને લાગે છે કે એ અમારા પ્રાઇમરી સિલેબસની બહારનો કોર્સ છે. મારામાં આ બંને કલાનો સંપૂર્ણ અભાવ હોવાથી મેં રાજકારણી બનવાનું માંડી વાળ્યું. પછી થયું કે ડોક્ટર બનું પણ નાનપણથી જ હું જીવદયાપ્રેમી… એટલે એ વિચારેય પડતો મૂક્યો, પછી વિચાર્યું કે કોઈપણ ફેકલ્ટીનો એન્જિનિયર થાઉં… પાછો વિચાર આવ્યો કે કોઈ નિર્દોષ લોકો કવેળા મરે એવી દુઃખદ ઘટનાઓમાં મારે નિમિત્ત શા માટે બનવું? છેવટે નક્કી કરી લીધું કે હું બનીશ તો માત્ર શિક્ષક જ બનીશ. મેં અંતઃકરણની અદાલતમાં આત્માની સાક્ષીએ મારા ખુદનાં જ હૃદય પર હાથ મૂકી કહી દીધું કે હું બનીશ તો શિક્ષક જ બનીશ, શિક્ષક સિવાય બીજું કંઈ જ નહીં બનું!

શિક્ષક બનવાની પ્રેરણા મને શિક્ષક તરફથી જ મળી છે. મને ભણાવનારા શિક્ષકો ખરેખર અમને ભણાવવા માટે જ આવે છે, તેમ છતાં શિક્ષણખાતું અને એના વફાદાર કેટલાક અધિકારીઓ શિક્ષકોને પૂરતો સમય ભણાવવા નથી દેતા. જાતજાતની શિબિરોનું અને ભાતભાતના ઉત્સવોનું આયોજન કરવામાં એમને રોકી રાખવામાં આવે છે. વિદ્યાર્થી તરીકે મને અને મારા જેવા ઘણા અવિચારી વિદ્યાર્થીઓને એવો વિચાર આવે છે કે PTC અને B.Ed. જેવી તાલીમી કોલેજોએ શિક્ષક બનવા માટેનો જૂનો અભ્યાસક્રમ બદલી નાખ્યો છે કે શું? મારા ડેડ અને એમનાય ડેડ – ધેટ મિન્સ મારા ગ્રાન્ડ પાના શિક્ષકો તો સ્ટુડન્ટ્સને ફુલ ડેઝ અને ફુલટાઇમ ભણાવી શકતા’તા, કેમ કે એમને એમના સમયની સરકાર દ્વારા ભણાવવા સિવાયની બીજી કોઈ ઈતર પ્રવૃત્તિ સોંપવામાં નહોતી આવતી પણ હવે મને સમજાયું કે ઠેર ઠેર એવાં હોર્ડિંગ્સ કેમ મૂકવામાં આવ્યાં છે કે ‘શહર બદલ રહા હૈ, દેશ બદલ રહા હૈ…!’ PTC કે B.Ed,માં હવે એવો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો હોવો જોઈએ કે શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને ભણાવશે નહીં તો ચાલશે પણ સરકારી યોજનાઓના પ્રચાર અને પ્રસાર માટે એ સંપૂર્ણ રીતે સજ્જ હોવો જોઈએ.

જો હું શિક્ષક થઈશ તો સૌથી પહેલું કામ મારી જાતને નૈતિક હિંમત આપવાનું કરીશ. મારી જાતને ઈશ્વર સિવાય કોઈથીય નહીં ડરવાની શક્તિ પ્રદાન થાય એવી પ્રાર્થના કરીશ. શિક્ષણખાતું વરસના ૩૬૫ દિવસોમાંથી જે દસ-બાર દિવસ ભણાવવા માટે મારી પાસે રહેવા દે એ દસ-બાર દિવસોમાં હું મારા વિદ્યાર્થીઓને કમસે કમ પરીક્ષા પૂરતુંય ભણાવી શકું. વિદ્યાર્થીઓનું ભવિષ્ય રઝળી ન પડે એ માટે હું મારા ઇષ્ટદેવ કે ઇષ્ટદેવીને પવિત્ર ભાવથી રોજેરોજ પ્રાર્થના કરતો રહીશ. હું સરકારી લાલચોના લપસણા રસ્તે ચાલીશ નહીં.

જો હું શિક્ષક થઈશ તો વિદ્યાર્થીઓ સાથે એવો માનવીય વ્યવહાર રાખીશ કે કોઈ વિદ્યાર્થી સખત બીમાર હોય, ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી હોય તો પણ એ વિદ્યાર્થીને મારા વર્ગમાં ભણવા આવવાનું મન થાય. આજે અમારા મોટાભાગના શિક્ષકો અમને ખૂબ જ પ્રેમથી ભણાવે છે એનો અમને વિદ્યાર્થીઓને જેટલો આનંદ છે એટલું એ વાતે દુઃખ પણ છે કે શિક્ષકો બિચારા નિયમિત ભણાવવા આવે તો છે પણ એમને આજની ‘સિસ્ટમ’ અમારા અભ્યાસના ભોગે પણ ખાતાકીય કામોમાં જોતરી રાખે છે. જો હું શિક્ષક હોઉં તો સરકારશ્રીને કે એમના આદરણીય અધિકારીશ્રીને કે પછી ખાતાકીય કોઈપણ નાનામોટા ચપરાશીશ્રીને વિનમ્રતાપૂર્વક એટલું પૂછવાની હિંમત તો જરૂર કરું, કે હે સાહેબશ્રી, હે મેડમશ્રી, હે ભાઈશ્રી કે હે બહેનશ્રી, હું આ બધા સરકારી કે અર્ધસરકારી ક્રિયાકાંડોમાં જોતરાયેલો રહીશ તો મારા વિદ્યાર્થીઓ – ભણવાની જે ચાહ લઈને આવ્યા છે અને ભણવાની રાહ જોઈને બેઠા છે એમનું શું? મને યાદ છે, ગયા વરસે મારી જ શાળાના એક જાંબાઝ શિક્ષકે અમારી સ્કૂલમાં પધારેલા એક પૂર્ણ સરકારીનો રોફ જમાવતા અર્ધસરકારી અધિકારીશ્રીને, આવો જ લા-જવાબ સવાલ પૂછવાની નૈતિક હિંમત કરેલી, જોકે એ શિક્ષકસાહેબે બતાવેલી એમની નૈતિક હિંમતને બિરદાવતાં પેલા અધિકારીશ્રીએ શિક્ષકને ઇનામ તરીકે સસ્પેન્શનનો ઓર્ડર આપેલો!

જો હું શિક્ષક હોઉં તો બસ, મને પણ મારી નૈતિક ફરજ બજાવવાની હિંમત કરવા બદલ આવું ઇનામ મળે એવું જરૂર ઇચ્છું. ના, મારે ‘શ્રેષ્ઠ શિક્ષક’ કે ‘આદર્શ શિક્ષક’નો રાજકીય ઇલકાબ નથી જોઈતો, મારે તો મારા આત્મા પાસેથી ‘શ્રેષ્ઠ મનુષ્ય’નો માનવીય ઇલકાબ જોઈએ છે! જો હું શિક્ષક હોઉં તો, મારા વિદ્યાર્થીઓને અભય અને નિર્ભય બનવા માટેની પ્રેરણા આપું. અભય અને નિર્ભય – આ બે વચ્ચેનો ભેદ સમજાવું. અભય એટલે કોઈનેય આપણાથી સહેજ પણ ભય ન હોય અને નિર્ભય એટલે આપણને કોઈનાયથી ડર કે ભય ન હોય. આવું અમને અમારા પંડયાસાહેબે કહેલું મને યાદ છે. આ જ અર્થમાં સિંહોનું ‘અભયારણ્ય’ કહેવાય છે, ‘નિર્ભયારણ્ય’ નહીં!  બે વરસ પહેલાં મારી શાળામાં પ્રજાસત્તાકદિનની ઉજવણી કરવામાં આવી ત્યારે અમારા વિસ્તારના એક નેતાશ્રીએ ડાબા હાથે(ડાબા હાથે એટલા માટે કે એ જ ઘડીએ એમનો જમણો હાથ ક્યાંક ‘ઇમર્જન્સી’માં રોકાયેલો હતો.) ધ્વજારોહણ કરાવ્યા પછી એટલું કહ્યું કે : સજ્જનો અને સન્નારીઓ તેમજ માતાઓ અને વડીલો! (મજાની વાત તો એ છે સાહેબ કે એ દિવસે સભાગૃહમાં માત્ર ને માત્ર પ્રાથમિક શાળાના અમે બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સિવાય બીજું કોઈ જ નહોતું!) આપણે આ દિવસે સાચા અર્થમાં ‘પ્રજાસત્તાક’ બન્યા’તા. પ્રજાસત્તાક બનવું એ સારી વાત છે. સારી વાતને અમે હંમેશાં આવકારીએ છીએ, બિરદાવીએ છીએ. આજના પવિત્ર પર્વ પર હું પ્રાર્થના કરીશ કે પૂરો સમાજ પ્રજાસત્તાક બને. સાચું કહું, નેતાશ્રીની આ ગૂઢ વાણીમાં મને કંઈ જ ખબર ન પડી. જો હું શિક્ષક હોઉં તો એ જ ક્ષણે સવિનય શિસ્તભંગ કરીને નેતાશ્રીને એટલું તો જરૂર પૂછું કે સાહેબ, પ્રજાસત્તાકનો પહેલાં અમને અર્થ સમજાવો, પછી અમે અમારા વિદ્યાર્થીઓને સેન્ટ પર સેન્ટ પ્રજાસત્તાક બનાવીશું!

છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા ૯ માસથી ૧૫ વર્ષ સુધીનાં બાળકોને ઓરી અને રૂબેલાની રસી પીવડાવવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આજનાં બાળકો આવતી કાલના મતદારો છે, એમનાં સ્વાસ્થ્ય માટે આ ઘણું જ આવકારદાયક પગલું કહેવાય. વિરોધપક્ષનાં લોકો ૨૦૧૯ના સંદર્ભે આને ‘સમયસર’નું પગલું કહીને બિરદાવે પણ છે. કેટલાક તો આ સંદર્ભે અમુક અધિકારીશ્રીઓની લોખંડી પીઠ પણ થાબડે છે, કેમ કે એ મહાનુભાવોએ આવા સ્વાસ્થ્ય જેવા ગંભીર કાર્યક્રમને પણ ‘ટાર્ગેટ’ પૂરો કરવાના ક્રિયાકાંડમાં ફેરવી નાખતો પરિપત્ર પ્રગટ કર્યો છે! મેં મારી સ્કૂલના વંદનીય એવા ‘આજ્ઞાકિત’ આચાર્યશ્રીને બે હાથ જોડીને વિનંતી કરી કે સાહેબ, મારે આ રસીની જરૂર નથી, તો તરત જ એમણે મારા ગાલને બ્લેકબોર્ડ સમજી એમની હથેળીનું ડસ્ટર ઠપકારતાં કહ્યું : ‘તને રસીની જરૂર છે કે નહીં એવું નક્કી કરનાર તું કોણ?’ ત્યારે મેં એમને કહ્યું કે ‘સાહેબ, આ સ્કૂલમાં તો…’ મને તરત જ એમણે એમનાં પદને શોભે એવા ડોળા કાઢતાં કહ્યું : ‘ચૂપ… આ સ્કૂલમાં તો’ એમ કહીને તું કહેવા શું માગે છે, હેં?’ ચાલ, ચૂપચાપ રસી મૂકાવી દે… અમારે અમારો ટાર્ગેટ પૂરો કરવાનો છે… એ પછી મેં હતું એટલું જોર કરીને મારો હાથ છોડાવતાં કહ્યું : સાહેબ, મારી જૂની સ્કૂલમાં રસીકરણનો ટાર્ગેટ પૂરો કરાવવાની વિધિમાં ભાગ લઈને આવ્યો છું. જુઓ, એ રસી મૂક્યાની આ નિશાની… આ સ્કૂલમાં તો હું ગયા અઠવાડિયે જ દાખલ થયો છું.

એ તો સારું થયું કે મારા ક્લાસટીચરે અમારા પ્રિન્સિપાલને સમજાવતાં કહ્યું કે સર, ટાર્ગેટ તો પૂરો થશે પણ આ વિદ્યાર્થીની વાત તદ્દન સાચી છે, એ એની જૂની શાળામાં રસીનો ટાર્ગેટ… સોરી, રસીનો કોર્સ પૂરો કરીને આવ્યો છે.

આવું છે સાહેબ! જ્યાં જુઓ ત્યાં ‘ટાર્ગેટ’ પૂરો કરવાની જ વાત થતી હોય છે! જોકે આ બાબતે એકલું શિક્ષણખાતું જ નહીં, મોટાભાગનાં ખાતાં ભગવદ્ ગીતાના જગપ્રસિદ્ધ શ્લોકને મૌલિકપણે અનુસરે છે કે ફળની આશા રાખીને જ કર્મ કરો. આજે એ કર્મ ‘ક્રિયાકાંડ’ તરીકે અને ફળ એ ‘ટાર્ગેટ’ તરીકે ઓળખાયછે!

આમ દરેક ક્ષેત્રે ‘ટાર્ગેટ’ પૂરો કરવાની ઉતાવળમાં ને ઉતાવળમાં જ જુઓને, ક્યાંક બંધાઈ રહેલાં મકાનો તૂટી પડે છે, ક્યાંક પુલ તૂટી પડે છે, તો ક્યાંક મોટા મોટા ભૂવા સર્જાઈ જાય છે! ખરેખર, આજે મને એક વિદ્યાર્થી તરીકે એટલું જરૂર શીખવા મળ્યું કે ટાર્ગેટ પૂરો કરવા ખાતર, કોઈ કર્મ ન કરવું એ પણ એક ‘સેવા’કર્મ જ કહેવાય!

ડાયલટોન :

  • પ્રાર્થના ઉપર જાય છે અને કૃપા નીચે આવે છે! – યહૂદી કહેવત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન