શિક્ષકનો દ્રોહ કરીને આપણે કયા મોઢે શિક્ષક દિન ઊજવીએ છીએ ? - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • શિક્ષકનો દ્રોહ કરીને આપણે કયા મોઢે શિક્ષક દિન ઊજવીએ છીએ ?

શિક્ષકનો દ્રોહ કરીને આપણે કયા મોઢે શિક્ષક દિન ઊજવીએ છીએ ?

 | 2:18 am IST

લાઈવ વાયર : મયુર પાઠક

‘શિક્ષક કભી સામાન્ય નહીં હોતા’ ચાણક્યના આ વિધાનનો પ હજાર રૂપિયાના પગારથી વિદ્યા સહાયકોની ભરતી કરી સરકારે કચરો કરી નાખ્યો છે. શિક્ષક ક્યારેય પૈસાથી મપાતો નથી. પગાર પ્રમાણે ભણાવે તે શિક્ષક નથી. પરંતુ આજના જમાનામાં એક મજૂરનો રોજ ૩૦૦ રૂપિયા હોય છે ત્યારે પ હજાર રૂપિયા મહિનાના આપી સરકારે શિક્ષકોનું – શિક્ષણનું અવમૂલ્યન કરી નાખ્યું છે. પૈસા મહત્ત્વના નથી, પરંતુ જ્યારે દુનિયા તમારી સેલરી પરથી તમારી કિંમત આંકતી હોય ત્યારે સેલરી એ સ્વાભિમાનનો ભાગ બનતી હોય છે. સરકારે જ્યારે શિક્ષકનું સ્વાભિમાન જ તોડી નાખ્યું ત્યારે આ અપમાનિત થયેલો શિક્ષક તેના વિદ્યાર્થીઓને નીડરતા, સ્વાભિમાન, કર્તવ્ય પરાયણતા અને વિશ્વાસના પાઠ કેવી રીતે ભણાવશે?

ઋષિ સંસ્કૃતિમાં શિષ્યને ગુરુના ઘરે મૂકવાની પરંપરા હતી. ગુરુ શિષ્યનો સ્વીકાર કરે એટલે તેના વાલીએ તેના પુત્રને ગુરુગૃહે મૂકીને જતું રહેવાનું. દર વર્ષે અનાજ પાણી વાલી મોકલાવે કે ના મોકલાવે શિષ્યના ખાવા-પીવા સાથે તેના અભ્યાસની જવાબદારી ગુરુના માથે રહેતી હતી. મથુરાના રાજાના કુંવર હોવા છતાં કૃષ્ણ સાંદિપનિઋષિના આશ્રમમાં સુદામા જેવા ગરીબ સાથે ભણ્યાં હતાં, અને ઋષિના ઘર માટે લાકડા કાપવા પણ જંગલમાં જતાં હતાં. પાંડવોના સમયથી ટયૂશનની શરૂઆત થઈ હોવાનું ઈતિહાસ કહે છે. હસ્તિનાપુરના રાજકુંવરો કૌરવ અને પાંડવોને ભણાવવા માટે દ્રોણાચાર્યને હાયર કરવામાં આવ્યા હતા. ભારતવર્ષના ઈતિહાસમાં પહેલી વખત કોઈ ગુરુ તેના શિષ્યોને ઘરે જઈને અભ્યાસ કરાવવા લાગ્યા એ મહાભારતમાં નાંધાયેલી પહેલી ઘટના હતી. તે સમયથી ગુરુના પદની ગરિમા ઘટી અને ગુરુના બદલે નવો શબ્દ આચાર્ય (શિક્ષક) અસ્તિત્વમાં આવ્યો.

પોતે જેનું ટયૂશન કરતા હોય તેવા વિદ્યાર્થીની તરફેણ કરવાનું વલણ દ્રોણાચાર્યમાં જોવા મળ્યું. એકલવ્યનો અંગૂઠો ટયૂશન ફી તરીકે લઈ દ્રોણાચાર્ય એ અર્જુન સહિત હસ્તિનાપુરના તેમના તમામ ટયૂશનિયા રાજકુમાર વિદ્યાર્થીઓની તરફદારી જ કરી હતી.

જો કે ગુરુ આચાર્ય બન્યાં તેમાં પણ સમાજનો જ દોષ છે. વિદ્યા આપતા ગુરુનું ભરણ પોષણ કરવાનું સમાજે બંધ કર્યું ત્યારે ગુરુઓએ પોતાના આશ્રય છોડીને આજીવિકા માટે રાજમહેલના આશ્રિત થવાની નોબત આવી. આજના શિક્ષકોને જ્યારે ટૂંકા પગારથી તેના કુટુંબનું ભરણ પોષણ ના થયું ત્યારે ટયૂશન શરૂ કરી થોડી વધારાની આવક ઊભી કરી. જેમને સ્કૂલ-કોલેજોમાં નોકરી ના મળી તે લોકોએ ટયૂશન ક્લાસ ખોલ્યાં.

પરિણામ ખૂબ જ ખતરનાક આવ્યું શિક્ષણનો ઠેકો લઈને બેઠેલી સ્કૂલ કોલેજો કરતા ટયૂશન ક્લાસનું મહત્ત્વ વધી ગયું. કારણ સિમ્પલ હતું. લાગવગ કે અનામતના જોરે જેમણે નોકરી મેળવી હતી તેમના કરતા જે લોકોને નોકરી ન હતી મળી તે લોકો વધારે હોંશિયાર હતા. આથી તેમના ટયૂશન કલાસ હાઉસફુલ થઈ ગયાં. સ્કૂલ-કોલેજોમાં કાગડા ઉડવા માંડયા અને આ શિક્ષણ સંસ્થાઓ માત્ર ર્સિટફિકેટ લેવા માટેની એક સંસ્થા બનીને જ રહી ગઈ.

આજની શિક્ષણ પ્રથા ખાડે ગઈ છે તેનું સૌથી કરુણ ઉદાહરણ એ છે કે ઉત્તર પ્રદેશના પોલીસ ડિપાર્ટમેન્ટમાં ૬૨ પ્યૂનની જગ્યા માટે પ૦ હજાર ગ્રેજ્યુએટ, ૨૮ હજાર પોસ્ટ ગ્રેજ્યુએટ અને ૩૭૦૦ ડોક્ટરેટ થયેલા યુવાનોએ અરજી કરી છે. જે પટાવાળાની જગ્યા માટે શૈક્ષણિક લાયકાત ધોરણ પ પાસની માત્ર હતી. તે જગ્યા માટે આટલા હાઈલી ક્વોલિફાઈડ યુવાનોએ એપ્લાય કરતાં ખુદ યુપી સરકાર પણ મુંઝવણમાં મૂકાઈ ગઈ છે.

આપણા શિક્ષણના આ અધોગતિએ ગયેલા સ્તર માટે જવાબદાર કોણ? સીધી આંગળી શિક્ષક પર જ સૌ પ્રથમ તકાય છે, પરંતુ આજના શિક્ષકને આપણે જ બિચારો-બાપડો બનાવી દીધો છે. શિક્ષકે શિક્ષણની કામગીરી કરતાં બીજી કામગીરી વધારે કરવી પડે છે. મધ્યાહન ભોજન યોજના, રસીકરણ, વસ્તી ગણતરીના કામોમાં સરકારે શિક્ષકને જોતરી દીધો છે ત્યારે શિક્ષક બાળકોને ભણાવે કે આ બધી કડાકૂટ કરે ?

પ હજાર રૂપિયાની સેલરી આપી વિદ્યાસહાયકો પાસે જો આપણે એવી આશા રાખીએ કે તેઓ દેશના ભાવિ નાગરિકોનું ઘડતર કરે, તે વધારે પડતી વાત છે.

સરકારી નોકરીમાં કાયમ થઈ જતાં શિક્ષકોનું પગાર ધોરણ એક દરે સારું છે, પરંતુ શિક્ષકનું સ્વમાન, ગૌરવ આપણે હણી નાખ્યું છે. શિક્ષકની ગરિમા લજવાય તે રીતનું વર્તન આપણે તેની સાથે કર્યું છે. શિક્ષકને ઝુંપડપટ્ટીઓમાં ફેરવીને વસ્તી ગણતરી કરાવી છે. તેની વ્યવસાયિક જિંદગીના શરૂઆતના પ વર્ષની નોકરીમાં માત્ર પ હજારનો પગાર આપીને આપણે તેને જલીલ કર્યો છે. આ પ હજારના પગારની નોકરી માટે પણ તેની પાસે પાંચ લાખ રૂપિયાની લાંચ લઈને તેનું શોષણ પણ કર્યું છે. આ શોષિત, પીડિત, અપમાનિત થયેલો શિક્ષક પાસેથી કોઈપણ ઊંચી અપેક્ષા રાખવી એ ગેરવ્યાજબી માગણી છે.

આજે પ સપ્ટેમ્બરે દેશના રાષ્ટ્રપતિ અને એક જમાનાના શિક્ષક એવા ડો. સર્વપલ્લી રાધાક્રિષ્ણનના જન્મ દિવસને આખો દેશ શિક્ષક દિન તરીકે ઊજવે છે, પરંતુ શિક્ષક દિન ઊજવવાની લાયકાત આપણે કયારનીય ગુમાવી દીધી છે. આખું વર્ષ જે શિક્ષકને આપણે હડધૂત કર્યા છે તે શિક્ષકને એક દિવસ માટે સન્માનિત કરીને આપણે તેનું ખોવાયેલું ગૌરવ પાછું આપી શકવાના નથી. સમાજે શિક્ષક સાથે અન્યાય કર્યો છે આ અન્યાયની ભારે કિંમત સમાજ ચૂકવી રહ્યો છે આજના ગ્રેજ્યુએટ છોકરાને નોકરી માટે એપ્લિકેશન કરતા આવડતું ના હોય તો તે આપણા કર્મોનું જ ફળ છે. કમરતોડ ડોનેશન ઉઘરાવતી ખાનગી શાળાઓ, ખાનગી કોચિંગ કલાસનો ફાલેલો રાફડો, વિદેશોમાં સ્ટડી માટે દોટ મૂકતા આજના યુવાનો આ બધી સમસ્યાઓના મૂળમાં સમાજે શિક્ષક સાથે જે દ્રોહ કર્યો છે તે ભયંકર ભૂલ છે. શિક્ષક સાથેનો દ્રોહ એટલું જબદસ્ત પાપ છે કે તેનું કોઈ પ્રાયશ્ચિત પણ હવે નથી. સમાજે આ ભૂલ માટેની સજા ભોગવવી જ રહી. આપણી આવનારી પેઢીઓ જો શિક્ષકનું સન્માન કરી જાણશે તો એક દિવસ દેશના યુવાનોમાં પાછી તેજસ્વીતા દેખાશે.

શોર્ટ સરકીટ :

૨૧ વર્ષની ઉંમરે ડો. રાધાકૃષ્ણને મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર શિપ સ્વીકારી ત્યારે તેમનો પગાર માત્ર ૩૭ રૂપિયા હતો. તે સમયે પ્રોફેસરો માટે એ ફરજિયાત હતું કે તેઓ જે વિષય ભણાવે તે વિષયનું શિક્ષણ પણ લેવું પડે. ફિલોસોફીના પ્રોફેસરે જ્યારે રાધાકૃષ્ણનની વિદ્વતા જોઈ ત્યારે તેમને પોતાના કલાસ ભરવામાંથી મુક્તિ આપી હતી. સમય જતાં દેશના વડાપ્રધાન પંડિત નહેરુએ ડો. રાધાકૃષ્ણનની યોગ્યતા જોઈ તેમને દેશના રાષ્ટ્રપતિ બનાવ્યાં, પરંતુ રાષ્ટ્રપતિ બનવા પાછળ તેમની શિક્ષક તરીકેની નિષ્ઠા પાયામાં હતી વાત તેમને પોતે કહી હતી.

[email protected]