Teacher's affection for student is great ideal of teacher's life
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • શિક્ષકનો વિદ્યાર્થી પ્રત્યેનો સ્નેહ શિક્ષક જીવનનો મહાન આદર્શ છે

શિક્ષકનો વિદ્યાર્થી પ્રત્યેનો સ્નેહ શિક્ષક જીવનનો મહાન આદર્શ છે

 | 7:50 am IST
  • Share

શિક્ષકનો શિષ્ય પ્રત્યેનો પ્રેમભાવ એ શિક્ષક જીવનનો મહાન આદર્શ ગણાવો જોઈએ, પોતાના દૈનિક જીવનમાં પ્રેમનું આ તત્ત્વ જેને પ્રબળ જણાતું ન હોય તેવા કોઈએ શિક્ષક થવું ન જોઈએ, સમાજે પણ એવી વ્યક્તિને શિક્ષક તરીકે સ્વીકારવી ન જોઈએ

શિક્ષક અને શિષ્ય વચ્ચેનો પ્રેમ સંબંધ એ શિક્ષણનું સર્વોતમ સાધન છે. તેનાથી વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગે વાળવાનું શિક્ષકનું કાર્ય સરળ બને છે, પરિણામે શિસ્ત કે સજાના પ્રશ્નો જ ઊભા થતા નથી. જે શિક્ષકમાં વાત્સલ્ય છે, અનુકંપા છે, એ શિક્ષક વિદ્યાર્થીઓને પોતાની તરફ આકર્ષી શકે છે. વિદ્યાર્થી પણ ડર કે સંકોચ વગર પોતાની મુશ્કેલીઓ રજૂ કરે છે. વિદ્યાર્થી માટે શિક્ષકમાં સંરક્ષક અને સહાયક પ્રેમ જાગે છે ત્યારે વિદ્યાર્થીઓમાં પડઘો પડે છે અને તેનો ભાવ શિક્ષક પ્રત્યેના સન્માનરૃપે પ્રગટ થાય છે.આ શબ્દો છે જે. કૃષ્ણર્મૂિતના. જે આજે પણ એટલા જ પ્રસ્તુત છે.

અમદાવાદની જાણીતી શેઠ સી.એન. ડી.એલ.એડ્. કોલેજમાં જવાનું થયું. ડો. ભગવાનભાઈ પટેલ એક સારા પ્રયોગશીલ આચાર્ય છે. ખૂબ ઓછું બોલવું, પ્રસિદ્ધિમાં ન આવવું પણ કર્મે કરે જવું એ તેમની લાક્ષણિકતા છે. પોતાના પ્રશિક્ષણાર્થીઓને ખૂબ ઓછા ખર્ચે છતાં ઉત્તમ સુવિધાઓ સાથે ઉત્તમ શિક્ષક તાલીમ મળે તે માટે અવનવા પ્રયોગો કરે છે. મોટાભાગની કોલેજોમાં ઇન્ટરશિપ કાગળ પર દોડી રહી છે. પણ અહીંયાં શૈક્ષણિક પ્રવાસ સાથે ઇન્ટરશિપનાં સુંદર સમન્વય કરી એક સુંદર શિક્ષણ સંસ્થાની નિવાસી મુલાકાત જોડી જીવંત પ્રત્યક્ષ અનુભવો પૂરા પાડવાનું આયોજન દાદ માગી લે તેવું રહ્યું છે. (કોરાનાકાળ પહેલાંના વર્ષો)

નખશિખ પ્રમાણિક એવા આ આચાર્ય રાજ્ય પરીક્ષા બોર્ડના પાલાકેન્દ્ર – મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રની છેલ્લા ત્રણ- ચાર વર્ષથી કરકસરયુક્ત પારદર્શક વહીવટના સંચાલનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. એડવાન્સ ફાળવવામાં આવેલ નાણાંમાંથી વધેલા ત્રીજા-ચોથા ભાગના નાણાં જમા કરાવવામાં કેટલાક સંનિષ્ઠ આચાર્યોમાં તેમની ગણના થાય છે. ઓફિસમાં ત્રણ-ચાર પ્રેરણાદાયી પુસ્તકો પડયા હોય. શિક્ષક, શિક્ષણ અને અધ્યાત્મપરિચય પુસ્તિકા મીઠા આવકાર સાથે આપી. ઇ.સ. ૨૦૧૩માં પરિચય ટ્રસ્ટ મુંબઇ દ્રારા પ્રકાશિત અને જાણીતા ચિંતક, પ્રાધ્યાપક ર્કાિતકેય ભટ્ટ લિખિત આજે પણ શિક્ષકોને ખૂબ જ સહાયક થઈ પડે તેવી છે. થોડા ફેરફાર સાથે તેના મહત્ત્વના અંશો પ્રસ્તુત છે.

 કૃષ્ણર્મૂિતએ આદર્શ શિક્ષકના મહત્ત્વના ગુણોની વાત કરી છે. જેમાં પ્રેમભાવ, વાત્સલ્ય, વિવેકદૃષ્ટિ, નિષ્કામ ભાવના જેવા ગુણોનો સમાવેશ થાય છે. શિક્ષક અને વિદ્યાર્થીઓનો સંબંધ ગુરુ અને તેના શિષ્યમંડળ જેવો બની રહે એ માટે આ ગુણો અતિ આવશ્યક છે. (૧) પ્રેમભાવ-વાત્સલ્ય ઃ જે.કૃષ્ણર્મૂિત દર્શાવે છે કે, શિક્ષક અને શિષ્ય સંબંધમાં આજે દેખાતી કલુશિતા પ્રેમભાવનાના અભાવના કારણે છે. આજની જડ અને પ્રેમવિહોણી શિક્ષણ પ્રણાલીના કારણે વિદ્યાર્થી સાંજે ઘેર આવે છે ત્યારે નિરાશ અને શ્રમિત જણાય છે. શિક્ષકનો શિષ્ય પ્રત્યેનો પ્રેમભાવ એ શિક્ષક જીવનનો મહાન આદર્શ ગણાવો જોઈએ. પોતાના દૈનિક જીવનમાં પ્રેમનું આ તત્ત્વ જેને પ્રબળ જણાતું ન હોય તેવા કોઈએ શિક્ષક થવું ન જોઈએ, સમાજે પણ એવી વ્યક્તિને શિક્ષક તરીકે સ્વીકારવી ન જોઈએ.

(૨) વિવેક દૃષ્ટિ ઃ શિક્ષક જીવન માટેનો બીજો આવશ્યક અને સહાયક ગુણ તેની વિવેકદૃષ્ટિ છે. વિદ્યાર્થીને તેની રસવૃત્તિને અનુરૃપ કયું શિક્ષણ, કઈ રીતે આપવું એની પરખ શિક્ષકમાં હોવી જોઈએ. તેનાથી વિદ્યાર્થીની પ્રગતિ ઘણી ઝડપી બની શકે તેમ છે. શૈક્ષણિક સંસ્થાનું કામ શરૃ થાય એ પહેલાં ગીત અને સંગીતના સૂરોથી વાતાવરણ સુંદર બને એ પણ એટલું જ જરૃરી છે. સામૂહિક પ્રાર્થના તથા પ્રેરણાદાયક ટૂંકા પ્રવચનની વિદ્યાર્થીઓ પર ઘણી ઊંડી અસર પડે છે. તેનાથી તેમના મન સ્વસ્થ બને છે. શિસ્ત અને શાંતિ સ્વભાવિક બને છે.

ધાર્યું શિક્ષણ વિદ્યાર્થી જીવનભર મેળવી શકે છે પરંતુ શરીરનો વિકાસ તો અમુક વર્ષો સુધીમાં જ થઈ શકે છે.એ ન્યાયે કૃષ્ણર્મૂિત વિદ્યાર્થીના તંદુરસ્ત શારીરિક વિકાસની વિચારણાને પ્રધાન સ્થાન આપવા જણાવે છે. આ માટે કદાચ વર્ગશિક્ષકે સહુ વિદ્યાર્થીને આનંદ આવે, વિષય નીરસ ન બની જાય એનું ધ્યાન રાખીને શીખવે તો શીખતી વખતે વિદ્યાર્થીઓને જે થાક અને કંટાળો લાગે છે તે ચાલ્યો જશે. વિદ્યાર્થી-શિક્ષક બેઉના પોશાક સ્વચ્છ અને સુઘડ હોવાનો આગ્રહ રાખી જણાવે છે, ‘આવી નાની બાબતોમાં ઝીણવટ ભર્યા વિવેકની ખાસ જરૃર છે.વિવેકદૃષ્ટિનો સદ્ગુણ અત્યંત આવશ્યક છે.

(૩) નિષ્કામભાવના ઃ વિદ્યાર્થીમાં રહેલી ગુપ્ત શક્તિઓ પ્રગટે અને વિકસે એ જોવાનો ધર્મ પ્રત્યેક શિક્ષકનો છે. શિક્ષકમાં નિષ્કામભાવના હોવી આવશ્યક છે. જો આ ગુણ શિક્ષકમાં નહીં હોય તો પોતાની પાસેના વિદ્યાર્થીઓમાં મહત્ત્વાકાંક્ષાઓ અને તેમની શકિતઓ પ્રત્યે દુર્લભ સેવશે. પરિણામે બાળકોનો વિકાસ રૃંધાશે. જે. કૃષ્ણર્મૂિત લખે છે કે, શિક્ષક જ્યારે આ ગુણ કેળવવાનો પ્રયાસ કરે ત્યારે એને ઘણી મુશ્કેલીઓ સામે દેખાય છે. આવે વખતે ભગવદ્ગીતાનો આદર્શ સહાયભૂત થઈ શકે છે. જે સાચો શિક્ષક છે અને જેને અધ્યાપનમાં રસ છે તેનામાં વિદ્યાર્થીને સુંદર રીતે શીખવવાની ઇચ્છા જ મુખ્ય હોય છે અને તેને પોતાનો જીવનધર્મ સમજે છે.

શિક્ષકની આચારસંહિતામાં કૃષ્ણર્મૂિત છ સદ્ગુણોને આવશ્યક ગણાવે છે. ૧. મનોનિગ્રહ ૨. કાર્યનિગ્રહ ૩. સહિષ્ણુતા ૪. પ્રસન્નતા ૫. એકાગ્રતા અને ૬. આત્મવિશ્વાસ-શ્રદ્ધા. (૧) મનોનિગ્રહ ઃ મનમાં જરાય ક્રોધ કે અધીરાઈ ન આવે એવો, પોતાના સ્વભાવ પરનો સંયમ એટલે મનોનિગ્રહ. જ્યારે શિક્ષક પોતે ક્રોધી અને અધીરો બને છે ત્યારે વિદ્યાર્થીઓને ઘણું નુકસાન કરી બેસે છે. આવો શિક્ષક વિદ્યાર્થીને અન્યાય કરવા માંડે છે. વિદ્યાર્થીનો એની પરનો વિશ્વાસ ઊઠી જાય છે. તેના અભાવે જ આજની શિક્ષણ સંસ્થાઓમાં શિક્ષણ ભારરૃપ બનતું જાય છે. ઘરમાં કે શાળામાં ગમે તેટલી મુશ્કેલી હોય છતાં શિક્ષક તો એનો સામનો વીરતાથી હસતે મુખે કરવો જોઈએ. સાથે સાથે પોતાના જીવન દૃષ્ટાંતથી વિદ્યાર્થીઓમાં હિંમત અને તાકાત પ્રેરવા જોઈએ.

(૨) કાર્યનિગ્રહ ઃ કાર્યનિગ્રહ એ શિક્ષકની વિશિષ્ટ ફરજ છે. વિદ્યાર્થીઓમાં જે ખાસ શક્તિઓ હોય છે, તેનો વિકાસ થાય એ માટે તકો આપવી, નિરીક્ષણ કરતા રહેવું પણ એમાં વિક્ષેપ ન નાખવો. વિદ્યાર્થીઓ જાતે નિર્ણય લેતા થાય, એમનામાં અંતઃ પ્રેરણા પ્રગટે એવી દિશામાં પ્રયાસો કરવાના જીવનમાં ચારિત્ર્યનું બળ જે પ્રગટતું જોઈએ તે પ્રગટતું નથી, વિકસતું નથી. શિક્ષકે પોતાની ફરજમાં આંચ આવે એવી બહારની પ્રવૃત્તિ હાથ ધરવી ન જોઈએ. શિક્ષકના જીવનનો પ્રધાનરસ માત્ર બાળકોના શિક્ષણનો જ હોય ! બીજો નહીં. (૩) સહિષ્ણુતા ઃ જેમ તમને તમારા પોતાના ધર્મ માટે માન અને રસ હોય છે એવો જ રસ બીજાઓના ધર્મ પ્રત્યે પણ હોવો ઘટે. ઘણીવાર શિક્ષકો પોતાના ધર્મ સિદ્ધાંતો જ સર્વોત્તમ છે એમ માની લે છે અને તેથી બધાએ તેનો સ્વીકાર કરવો જોઈએ એવી આશા રાખે છે. આની ધૂનમાં શિક્ષકો વિદ્યાર્થીઓની માન્યતા અને આસ્થાનો નાશ કરે છે.

(૪) પ્રસન્નતા ઃ વિદ્યાર્થીઓ વચ્ચે રહેતા શિક્ષકે હંમેશાં પ્રસન્ન રહેવું જોઈએ. ખિન્ન અને નિરાશ રહેતા શિક્ષકો પાસે વિદ્યાર્થીઓ સારી રીતે ભણી શકતા નથી. શિક્ષકના ભાવને વિદ્યાર્થીઓ તરત જ ઓળખી કાઢે છે. તે પ્રસન્નવદન હશે તો વિદ્યાર્થીઓની શ્રદ્ધા વધશે અને એમની ચિંતા, મનનો ભાર, શ્રમ હળવાં થઈ જશે. (૫) એકાગ્રતાઃ એકાગ્રતા એટલે અખંડ ઉત્સાહ. એકાગ્રતા માટે શિક્ષકે બે બાબતો પર ખાસ ધ્યાન આપવું જરૃરી છે. તમારા હાથમાં જે કાર્ય આવી પડે તે પૂરી શક્તિ ખરચીને કરો, પૂરા હૃદયથી કરો અને મનમાં એવો ભાવ રાખો કે એ કાર્ય હું કોઈ માનવીને ખાતર નહીં પણ પ્રભુને ખાતર કરી રહ્યો છું.શિક્ષક પોતાના વિદ્યાર્થીઓમાં જે આદર્શ જગાડવા માગતો હોય એની લઘુ પ્રતિકૃતિરૃપે એનું જીવન અને આચાર હોવાં જોઈએ.

(૬) આત્મવિશ્વાસ ઃ વિદ્યાર્થીઓને સુંદર શિક્ષણ આપવાની અને જગતના ભાવિકાર્ય માટે એમને તૈયાર કરવાની શક્તિ, આત્મવિશ્વાસ અને શ્રદ્ધા શિક્ષકમાં હોવાં જોઈએ. એની પ્રતીતિ એને થવી જોઈએ. એ જ રીતે વિદ્યાર્થીઓમાં પણ શિક્ષક પ્રત્યે સંપૂર્ણ વિશ્વાસ પ્રગટવો જોઈએ. છેલ્લે કૃષ્ણર્મૂિત લેખે છે, જે શિક્ષક પોતાની અંદરની આ દિવ્યતાનું દર્શન કરી શકે છે એ ખરેખરો સુખી અને આનંદી બની શકે છે. માનવી માત્રમાં આવી દિવ્યતા રહેલી છે. એને પ્રગટવવા મથવું, એ શિક્ષકજીવનનો મહાન અધિકાર અને ધર્મ છે ;શિક્ષણનો એક મહાન આદર્શ છે.

ગુરુમંત્ર ઃ શિક્ષણને અને શિક્ષક-વિદ્યાર્થીના સંબંધને વ્યવસાયના રૃપમાં ન જોતાં દેશના વિકાસની રીતે જોેવો જોઈએ. માતાપિતા અને શિક્ષકો પૂરા સર્મિપત થઈને બાળકોના જીવનને આકાર આપે તો ભારતને એક નવી જિંદગી મળશે.”- ડો. અબ્દુલ કલામ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો