ટીમ ઇન્ડિયાનો બાંગ્લાદેશ સામે ટી-૨૦ ક્રિકેટમાં વિજયી છગ્ગો - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ટીમ ઇન્ડિયાનો બાંગ્લાદેશ સામે ટી-૨૦ ક્રિકેટમાં વિજયી છગ્ગો

ટીમ ઇન્ડિયાનો બાંગ્લાદેશ સામે ટી-૨૦ ક્રિકેટમાં વિજયી છગ્ગો

 | 1:27 am IST

કોલંબો, તા. ૮

૨૦૧૬માં ભારતમાં યોજાયેલી ટી-૨૦ વર્લ્ડ કપ બાદ પ્રથમ વાર ભારત સામે ટકરાયેલી બાંગ્લાદેશની ટીમે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત ૨૦ ઓવરના અંતે આઠ વિકેટ ગુમાવી ૧૩૯ રન બનાવ્યા હતા. ૧૪૦ રનના લક્ષ્યાંકને ભારતીય ટીમે ચાર વિકેટ ગુમાવી ૧૮.૪ ઓવરમાં વિજય મેળવી લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે ટી-૨૦માં બાંગ્લાદેશને ૨૦૦૯માં પ્રથમ વાર પરાજય આપ્યો હતો. તે પછી ૨૦૧૪માં આઠ વિકેટ જ્યારે ૨૦૧૬માં ૪૫ રને, આઠ રને અને ટી-૨૦ વર્લ્ડ કપમાં એક રને હાર આપી હતી.

ટોસ હારી પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી બાંગ્લાદેશની ટીમે ૨૫ રનના સ્કોરે બંને ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી. તમિમ ઇકબાલ ૧૫ અને સૌમ્ય સરકાર ૧૪ રન બનાવી આઉટ થયા હતા. ૬૬ રનના સ્કોરે વિજય શંકરે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય વિકેટ ઝડપતાં રહીમને અંગત ૧૮ રને પેવેલિયન મોકલ્યો હતો. કેપ્ટન મહમદુલ્લાહ પણ શંકરનો બીજો શિકાર બનતાં બાંગ્લાદેશે ૧૧મી ઓવરમાં ૭૭ રને ચોથી વિકેટ ગુમાવી દીધી હતી. લિટન દાસે શબ્બીર સાથે મળી ટીમનો સ્કોર ૧૦૦ રનની પાર પહોંચાડયો હતો ત્યારે યૂઝવેન્દ્ર ચહલે લિટનને અંગત ૩૪ રને આઉટ કરી ભારતને પાંચમી સફળતા અપાવી હતી. મેંહદી હસન પણ માત્ર ત્રણ રન ઉનડકટનો શિકાર બન્યો હતો. અંતિમ ઓવરોમાં શબ્બીર રહેમાન પાસે ફટકાબાજીની આશા હતી પરંતુ જયદેવ ઉનડકટે તેને પણ ૧૯મી ઓવરમાં આઉટ કરતાં ૧૩૪ રનમાં સાતમી વિકેટ ગુમાવી દીધી હતી. અંતિમ ઓવરમાં પાંચ રન આવતાં બાંગ્લાદેશનો સ્કોર ૨૦ ઓવરના અંતે આઠ વિકેટે ૧૩૯ રન થયો હતો.

૧૪૦ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ૧૭ રન અને ઋષભ પંત સાત રન બનાવી આઉટ થાય હતા. ભારતે ૪૦ રનના સ્કોરે બે વિકેટ ગુમાવી હતી ત્યારે શિખર ધવન અને ચોથા ક્રમાંકે બેટિંગમાં આવેલા સુરેશ રૈનાએ ૬૮ રનની ભાગીદારી નોંધાવી ટીમને જીતની નજીક પહોંચાડી દીધી હતી. ભારતનો સ્કોર ૧૦૮ રન થયો ત્યારે રૈના આઉટ થઈ પરત ફર્યો હતો. ધવને ત્યારબાદ આ સિરીઝમાં સતત બીજી અર્ધી સદી પૂર્ણ કરી હતી. ધવન પણ ૫૫ રન બનાવી આઉટ થયા બાદ મનીષ પાંડે અને દિનેશ કાર્તિકે ૧૯મી ઓવરમાં વિજય અપાવી દીધો હતો.