હૈદરાબાદ ટેસ્ટ માટે ટીમ જાહેર, ટેસ્ટ પર તિતલી વાવાઝોડાની પડશે અસર - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • હૈદરાબાદ ટેસ્ટ માટે ટીમ જાહેર, ટેસ્ટ પર તિતલી વાવાઝોડાની પડશે અસર

હૈદરાબાદ ટેસ્ટ માટે ટીમ જાહેર, ટેસ્ટ પર તિતલી વાવાઝોડાની પડશે અસર

 | 5:53 pm IST

આવતી કાલથી શરૃ થઈ રહેલી વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમે એક દિવસ અગાઉ ૧૨ સભ્યોવાળી ટીમની જાહેરાત કરી છે અને રાજકોટમાં મોટી જીત મેળવનાર ટીમને હૈદરાબાદ ટેસ્ટમાં પણ જાળવી રાખી છે. વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમે સિરીઝની પ્રથમ ટેસ્ટ ઇનિંગ અને ૨૭૨ રને જીતી સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી હતી. રાજકોટ ટેસ્ટમાં પૃથ્વી શોએ પોતાની પદાર્પણ ટેસ્ટ મેચમાં ભારતને મજબૂત શરૃઆત અપાવી હતી અને તેનું સ્થાન પણ નિવૃત છે. રાજકોટમાં નિષ્ફળ રહેલા ઓપનર લોકેશ રાહુલને ૧૨ સભ્યોમાં સ્થાન અપાયું છે. રાહુલને ફોર્મ મેળવવા માટે વધુ એક તક મળી શકે છે. મિડલ ઓર્ડરમાં કોઈ બદલાવ કર્યો નથી. ઘરેલુ ક્રિકેટમાં ફોર્મમાં રહેલા મયંક અગ્રવાલને ફરી એક વાર ટીમમાં સ્થાન અપાયું નથી.

ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, પૃથ્વી શો, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, અશ્વિન, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, મોહંમદ શમી અને શાર્દુલ ઠાકુર.

હૈદરાબાદ ટેસ્ટ પર તિતલી વાવાઝોડાની અસર
ચક્રવાતી તોફાન તિતલીની અસર હૈદરાબાદ ટેસ્ટ પર પણ પડી શકે છે. આ તોફાન ઉત્તરી આંધ્ર પ્રદેશ અને સાઉથ ઓડિશાના તટીય વિસ્તારો સુધી પહોંચી ગયું છે. ભારતીય હવામાન ખાતા દ્વારા આ વાવાઝોડાની ચેતવણી આપી દીધી છે. તેવામાં હૈદરાબાદ ટેસ્ટ પર પણ તેની અસર થઈ શકે છે. અત્યારે આ તોફાની પવન ૧૪૦થી ૧૫૦ કિમીની પ્રતિ કલાકની ઝડપે પહોંચી રહ્યો છે. તેની ગતિ ૧૬૫ કિમી પ્રતિ કલાકે પહોંચવાની શક્યતા છે. હૈદરાબાદમાં પણ વરસાદની શક્યતાને કારણે મેચને અસર કરી શકે છે.

ભારતીય ટીમ આજથી અહીં શરૃ થઈ રહેલી વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં વિજય મેળવી સિરીઝ ૨-૦થી જીતવાના લક્ષ્ય સાથે ઊતરશે જ્યારે વિન્ડીઝની ટીમ વાપસીના ઇરાદે મેદાને ઊતરશે. ભારતે રાજકોટમાં પ્રથમ ટેસ્ટ ઇનિંગ અને ૨૭૨ રનના રેકોર્ડ અંતરથી જીતી હતી તથા બીજી ટેસ્ટ મેચમાં પણ વિન્ડીઝ તરફથી કોઈ પડકાર મળે તેવી શક્યતા ઘણી ઓછી છે. આથી આ મુકાબલો ફરી એક વખત એક તરફથી જોવા મળી શકે છે. આ ઉપરાંત વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન જેસન હોલ્ડર હજુ સંપૂર્ણ સ્વસ્થ નથી જ્યારે તેના એક માત્ર ઉપયોગી ઝડપી બોલર શેનન ગેબ્રિયલનું પણ રમવું શંકાસ્પદ છે.

ભારતીય ટીમ માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં વિન્ડીઝ સામેની સિરીઝ એકરીતે તૈયારી માટે ખાસ મદદરૃપ બની શકે તેમ નથી. આ પહેલાં ભારતે ૨૦૧૧માં વેસ્ટ ઇન્ડીઝ સામે એકતરફી સિરીઝમાં ૨-૦થી જીત મેળવી હતી પરંતુ તે પછી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ૦-૪થી હાર મળી હતી. તે જ રીતે ૨૦૧૩માં પણ ભારતે બંને ટેસ્ટ મેચ ત્રણ દિવસની અંદર જીતી લીધા હતા પરતં તે પછી સાઉથ આફ્રિકાના પ્રવાસમાં કોઈ ફરક પડયો નહોતો.

વેસ્ટ ઇન્ડીઝ ટીમનો સવાલ છે તો કાયરન પોવેલ અને રોસ્ટન ચેઝને બાદ કરતાં બાકના બેટ્સમેનો ભારતીય સ્પિનરો સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેનોએ ધૈર્ય રાખવું પડશે જે પ્રથમ મેચમાં જોવા મળ્યો નહોતો.

ટેસ્ટમાં ભારતમાં બનેલી નહીં પરંતુ ડયૂક બોલનો ઉપયોગ કરવો જોઈએ
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, વિશ્વભરમાં ટેસ્ટ ક્રિકેટ ઇંગ્લેન્ડમાં બનેલી ડયૂક બોલથી રમવી જોઈએ. તેણે એસજી બોલની ખરાબ ગુણવત્તા પર નારાજગી વ્યક્ત કરી હતી જેનો ભારતમાં ઉપયોગ કરાય છે. હૈદરાબાદ ટેસ્ટની પૂર્વ સંધ્યાએ કોહલીએ કહ્યું કે, મારા માતે ડયૂકના બોલ ટેસ્ટ ક્રિકેટ માટે સૌથી સારા છે. હું વિશ્વભરમાં આ બોલના ઉપયોગ કરવાની ભલામણ કરીશ. આ બોલમાં નિરંતરતા જોવા મળે છે. બોલના ઉપયોગ માટે આઈસીસીએ કોઈ સ્પષ્ટ દિશા નિર્દેશ આપ્યા નથી અને દરેક દેશ અલગ-અલગબોલનો ઉપયોગ કરે છે. ભારત સ્વદેશમાં બનેલા એસજી બોલનો ઉપયોગ કરે છે. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ ડયૂક જ્યારે ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને શ્રીલંકા કૂકાબૂરાનો ઉપયોગ કરે છે. કોહલી પહેલાં અશ્વિને પણ કહ્યું હતું કે, એસજી બોલની તુલનાએ કૂકાબૂરાથી બોલિંગ કરવામાં વધુ સારું રહે છે. અશ્વિની ફરિયાદ અંગે કોહલીએ કહ્યું કે, હું અશ્વિનની સાથે સહમત છું. પાંચ ઓવરમાં બોલ ઘસાઈ જાય છે આવું પહેલાં ક્યારેય જોવા મળ્યું નહોતું.