તરુણોમાં અપરાધખોરી, કોઈ ઉકેલ છે ખરો? - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • તરુણોમાં અપરાધખોરી, કોઈ ઉકેલ છે ખરો?

તરુણોમાં અપરાધખોરી, કોઈ ઉકેલ છે ખરો?

 | 3:23 am IST

અરસપરસ એકેડમીઃ રઈશ મણિયાર

“તરુણોમાં અપરાધખોરી કેમ વધી એવા મારા સવાલમાં તમે કહ્યું કે એનું એક કારણ સેક્યુલર ટ્રેંડ ઓફ્ ગ્રોથ છે. આ સેક્યુલર શબ્દ આમાં ક્યાં આવ્યો?”

કાનાભાઈ હસીને બોલ્યા, “આ ‘સેક્યુલર ટ્રેંડ ઓફ્ ગ્રોથ’ શબ્દથી મૂંઝાશો નહીં. એને બિનસાંપ્રદાયિકતા સાથે કોઈ સંબંધ નથી. એ તો છેલ્લા સો વરસમાં જોવામાં આવ્યું છે કે બાળકોના એવેરેજ હાઈટ, વેઈટ, અને તરુણાવસ્થાના શારીરિક તેમ જ મનોજાતીય ફેરફરો હવે પહેલા કરતાં જલદી આવે છે. દરેક દાયકે આ ફેરફર જોવા મળે છે. બાળકો હવે સારા પોષણ અને વધુ એટેંશન તેમ જ બધુ એક્સપોઝરને કારણે જીવવૈજ્ઞાાનિક રીતે અને માનસિક રીતે જલદી પુખ્ત થાય છે. એને ‘સેક્યુલર ટ્રેંડ ઓફ્ ગ્રોથ’ કહેવામાં આવે છે!”

“પણ એને ગુનાખોરી સાથે શું સંબંધ?”

“વધેલી માનસિક અને શારીરિક શક્તિને કારણે બાળકોની સ્વતંત્રતાની ઝંખના, અપેક્ષાઓ, ઓથોરિટી મેળવવાની ઈચ્છા વધે છે.”

“આ તો સારી વાત કહેવાય..”

“હા અને ના, આમ થવાથી એમને સફ્ળતાઓ પણ જલદી અને વધારે મળે છે અને તેઓ ગુનાઓમાં પણ જલદી સંડોવાય છે.”

“ઓહ, આ તો ચિંતાજનક ગણાય. ગુનાખોરીના ઉદભવ માટે વાતાવરણ અને ઉછેર જવાબદાર છે કે પછી રંગસૂત્રો(જિન્સ) જવાબદાર છે?”

“તમારો સવાલ એ છે કે માણસ નેચરથી ગુનેગાર બને છે કે નર્ચરથી! મારો જવાબ છે બન્નેથી. નેચર કઈ રીતે કારણભૂત છે તે કહું. વિશ્વભરમાં નેવું ટકા જેટલી હત્યા, હુમલા અને આક્રમકતાને લગતા અન્ય ગુના પુરુષો કરે છે, અને પુરુષોમાંય જે પુરુષોમાં ટેસ્ટેસ્ટેરોન નામના હોર્મોનનું પ્રમાણ વધારે હોય તેઓ વધુ ગુનાઓ કરે છે. ટેસ્ટેસ્ટેરોનના લેવલમાં ૧૨-૧૩ વર્ષની ઉંમર પછી ઉછાળો આવે છે અને ૧૮ વર્ષની ઉંમર સુધી આ લેવલ વધે છે. આ જ ઉમરે તરુણોમાં આક્રમક, ઉદ્દંડ, બળવાખોર કે ગુનાહિત વર્તનની શરૂઆત થાય છે. કોઈ પણ પ્રકારની ગુનાહિતતા વ્યક્તિમાં ૨૧ વરસની ઉંમર પછી દેખાય એવું ભાગ્યે જ બને છે. ગુનાખોરીના લક્ષણો મોટેભાગે ૨૧ વર્ષ પહેલા પ્રગટ થઈ જાય છે.”

“ઓહ, સ્ત્રીઓમાં પ્રગટ હિંસકતા કે આક્રમકતા ઓછી હોય છે એ આજે જાણ્યું.”

“હા એ સાચું કે સ્ત્રીઓ મોટેભાગે ગુનામાં પરોક્ષ રીતે સંડોવાયેલી હોય છે, પરંતુ હિંસક ઘટનાઓમાં એમનું ડાયરેક્ટ ઈનવોલ્વમેંટ પુરુષ કરતાં દસમા ભાગનું હોય છે.”

“તરુણોની ગુનાખોરી માટે વાતાવરણ કઈ રીતે જવાબદાર હોય છે? શહેર કે ગામડાનો ફ્રક પડે?”

“સવાલ શહેર કે ગામડાનો નથી. આંકડા સાથે કહું તો અમેરિકાના શિકાગો કે ન્યૂયોર્ક જેવા શહેરમાં દર દાયકે દસ લાખની વસ્તી દીઠ ૧૦૦૦ મર્ડર થાય છે. અને કેનેડા કે ઇંગ્લેંડના પ્રમાણમાં શાંત અને સ્લો જીવનમાં દર દાયકે દસ લાખની વસ્તી દીઠ ૪૦ મર્ડર થાય છે. અર્થાત ગરીબી, બેકારી, સ્પર્ધા, શોષણ, હવા, પાણી, ખોરાક, રહેઠાણ, જીવનસાથી માટેના સંઘર્ષ વગેરેને કારણે ગુનાખોરીનું પ્રમાણ ૨૫ ગણું વધી જાય છે. એટલું જ નહીં જે શહેરોમાં મોડી રાતે રખડવા પર અંકુશ છે અથવા જ્યાં નાના નાના કાયદાનું પાલન સાતત્યપૂર્ણ રીતે થાય છે, એવી જગ્યાઓએ ગુનાખોરી ઓછી થઈ જાય છે. વિશ્વભરમાં સજાગતા આવવાથી છેલ્લા દસ વરસમાં તમામ પ્રકારની ગુનાખોરી ઘટી છે.”

“છતાં પ્રીંટ મિડિયા, ટીવી ચેનલો, ક્રાઈમની સિરિયલો, અને સોશિયલ મિડિયા પર સફ્ર્ કરતાં એમ લાગે છે કે ગુનાખોરી વધી છે!”

“આ બધા દ્વારા આપણે સજાગ થઈએ એમાં કશું ખોટું નથી, પણ ખોટા તારણો ન બાંધવા જોઈએ. એટ ધ સેમ ટાઈમ, તરુણો ગુનાખોરી તરફ્ ન વળે એ માટે સમાજ અને સરકારે સજાગ રહેવું પણ જરૂરી છે.”

“ઉપદેશ આપવાથી ગુનાખોરી ઘટે?” અરજણભાઈનું મગજ ઝડપથી ચાલવા લાગ્યું.

કાનાભાઈએ હસીને કહ્યું, “આપણા દેશમાં તો ઉપદેશકો જ ગુનાઓ કરે છે! પરંતુ એને અપવાદ જ ગણવા જોઈએ કેમ કે કોઈપણ પ્રકારના સત્સંગ, પ્રાર્થના, કથા અને ર્ધાિમક શ્રદ્ધાને કારણે માનવીની આક્રમકતા ઓછી થાય છે એ પુરવાર થયેલી હકીકત છે. શ્રદ્ધાને કારણે વ્યસનીઓના ડ્રગ્સ, આલ્કોહોલ, સેક્સ રિલેટેડ ગુના અને આક્રમકતા ઓછા થાય છે. ‘આલ્કોહોલિક એનોનિમસ’ અને ‘સેક્સ એડિક્ટ એનોનિમસ’ આ જ ધારણા પર સફ્ળ થયેલી સંસ્થાઓ છે. આપણે ત્યાં કથા વગેરેનો બૌદ્ધિક રીતે વિચાર કરીએ તો એ સમયનો બગાડ લાગે, પણ હકીકતમાં એ લોકોના માનસને સાત્વિક રાખવામાં મોટો ફળો આપે છે. શ્રદ્ધા અને ર્ધાિમકતાથી બધાંને ફ્રક ન પડે, પણ ઘણાંને પડે છે, એ હકીકત છે. ઘણા ગુનાઓના મૂળમાં અહંકાર કે પેથોલોજિકલ સેલ્ફ્-લવ હોય છે. દિલમાં શ્રદ્ધાનો જન્મ થવાથી અહંકાર ઓગળે છે, જિદ, ઝનૂન, આત્મસન્માન કે એંટ માટે થતાં ગુનાઓ એનાથી અટકી શકે..! જે તલ્લીન થઈને, સ્વાર્થ કે સુરક્ષા સિવાયના કારણોસર, પ્રાર્થના કરી શકે, એ ભાગ્યે જ ગુનો કરે!”

“માતાપિતા અને સમાજ બાળકોમાં ગુનાખોરી ન ઉદભવે એ માટે શું કરી શકે?”

અરજણભાઈના સવાલનો જવાબ બાકી રાખીને કાનાભાઈએ શાયરી સંભળાવી.

એ જ પકડી રાખે ખુદની વાતને,

લે નહીં કાબૂમાં પ્રત્યાઘાતને,

એ જ બીજાને ઈજા પહોંચાડશે,

જે બહુ ચાહે છે ખુદની જાતને