તેલંગણામાં કે. ચન્દ્રશેખર રાવે લાગ જોઈ સોગઠી મારી - Sandesh
  • Home
  • Columnist
  • તેલંગણામાં કે. ચન્દ્રશેખર રાવે લાગ જોઈ સોગઠી મારી

તેલંગણામાં કે. ચન્દ્રશેખર રાવે લાગ જોઈ સોગઠી મારી

 | 1:13 am IST

રાજકીય લેખાંજોખાં : વિનોદ પટેલ

દેશમાં સંસદ અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાનો મુદ્દો ગાજી રહ્યો છે ત્યારે જ તેલંગણાના મુખ્ય પ્રધાન કે. ચન્દ્રશેખર રાવે(કેસીઆર) લાગ જોઈને સોગઠી મારી લીધી છે. તેલંગણામાં ૧૧૯ સભ્યોની વિધાનસભામાં તેલંગણા રાષ્ટ્રીય સમિતિ (ટીઆરએસ)ની ૯૦ બેઠકો છે.વિરોધપક્ષ કોંગ્રેસ ૧૪ બેઠકો સાથે ન બરાબર છે તો ભાજપને માત્ર પાંચ બેઠકો જ મળેલી છે. અસાદુદ્દીન ઓવૈસીના પક્ષની સાત બેઠકો છે અને તે રાવને ટેકો આપે છે.

કેસીઆર રાજકારણના પાકા ખેલાડી છે. મુખ્ય પ્રધાને બપોરે એક વાગ્યાના સુમારે પ્રગતિભવન ખાતે પ્રધાનમંડળની બેઠક બોલાવીને વિધાનસભા બરખાસ્ત કરવાનો નિર્ણય લીધો હતો. એ પછી તરત રાવ તેમના પ્રધાનમંડળના સાથીઓ સાથે ગવર્નર ઈ. એસ. એલ. નરસિંહનને મળ્યા હતા અને તેમનાં પ્રધાનમંડળના ઠરાવની નકલ તેમને સોંપી હતી. રાજ્યપાલે રાવને રખેવાળ મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહેવાની વિનંતી કરી હતી, જે રાવે સ્વીકારી હતી. હવે રાવે ૧૦૫ ઉમેદવારોની યાદી બહાર પાડીને પહેલો ઘા રાણાનો કરી વિધાનસભાની ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ કર્યા છે. હવે તેઓ શુક્રવારે હુસ્નાબાદમાં પ્રજા આશીર્વાદસભા યોજીને ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે.

મુદ્દો એ છે કે રાવ ઇચ્છે છે કે તેલંગણા વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતે યોજાનારી ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સાથે યોજાય. આ વર્ષના અંતે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમ વિધાનસભાઓની ચૂંટણીઓ યોજાવાની છે. ભાજપ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરાવી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો લાભ વિધાનસભાની ચૂંટણીઓમાં મેળવવા માગે છે. ભાજપના પ્રમુખ અમિત શાહે તાજેતરમાં આ બાબતે એક જાહેર પત્ર લખી ભાજપ કેમ એક સાથે ચૂંટણી યોજવાની તરફેણ કરે છે તે બાબત સમજાવી હતી, પરંતુ કોંગ્રેસ અને નાના પ્રાદેશિક પક્ષોનો આમાં ગરાસ લૂંટાઈ જાય તેમ છે. જો ચૂંટણીઓ એક સાથે યોજાય અને કોઈ લહેર ચાલે કે મોદી-ગાંધીની જોડી વચ્ચે રાજકીય કવ્વાલી ચાલે તો શક્ય છે કે જે તે વિધાનસભાની ચૂંટણીમાં પ્રાદેશિક મુદ્દા બાજુએ રહી જાય અને કેન્દ્રના નેતાઓની લોકપ્રિયતાના આધારે ચૂંટણીનાં પરિણામો આવે.

કેસીઆરે પણ લાગ જોઈને સોગઠી એટલા માટે મારી છે કે તેમને લોકસભાની ચૂંટણીમાં પોતાનું જોર બતાવવા માટે પૂરતો સમય મળી રહે. આમ તો તેલંગણા વિધાનસભાની ચૂંટણી ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી સાથે યોજાવાની હતી, પરંતુ એમાં રાવને નુકસાન એ છે કે જો કોંગ્રેસ કે ભાજપ ગજું કાઢે તો તેમને વિધાનસભાની ચૂંટણીમાં તેટલું નુકસાન થાય, પરંતુ જો તેમને વહેલી ચૂંટણી લડવાની તક મળે તો તેમને વિધાનસભાની ચૂંટણીમાં કોઈ મજબૂત પ્રાદેશિક નેતાના અભાવે પોતાનું સ્થાન મજબૂત બનાવવાની તક મળશે. જો વિધાનસભામાં સ્થિતિ મજબૂત બને તો રાવ એ પછી એપ્રિલમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં જોર કરી કેન્દ્રમાં પણ પોતાનું સ્થાન જમાવવાના પ્રયાસ કરી શકે.

જો કોંગ્રેસ ચાર વિધાનસભાની ચૂંટણીઓમાં બહેતર દેખાવ કરે તો શક્ય છે કે તેલંગણામાં ટીડીપી સાથે યુતિ કરી તે પ્રાદેશિક સ્તરે તેનું જોર વધારે, જે રાવને પરવડે તેમ નથી, તેથી તેમણે વિધાનસભાભંગ કરવાની સોગઠી મારી છે. હવે જો ચૂંટણી પંચ તેલંગણામાં વિધાનસભાની ચૂંટણીઓ જાહેર કરે તો રાવને પહેલાં તેલંગણા વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરવાની તક મળશે, કેમ કે કોંગ્રેસ અને ભાજપનું હાલ તેલંગણામાં ઝાઝું ઊપજે તેમ નથી. વિધાનસભાની ચૂંટણીમાં રાવ સામે કોઈ હરીફ ન હોવાથી જો તેમની સ્થિતિ મજબૂત બનશે તો તેઓ લોકસભાની ચૂંટણીમાં જરૂર અનુસાર ભાજપ કે કોંગ્રેસ સાથે તડજોડની રાજનીતિ ખેલશે. આમ વહેલી ચૂંટણી કરાવવાનો ખેલ જો પાર પડશે તો રાવને બંને ચૂંટણીમાં તેનો લાભ મળશે.

રાવનાં આ પગલાંને પરિણામે સ્થાનિક કોંગ્રેસ અને ભાજપનાં એકમોમાં સોપો પડી ગયો છે. કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ દિલ્હી ભણી હડી કાઢી છે તો ટીડીપીના નેતા ચન્દ્રાબાબુ નાયડુ પણ રાવના આ અણધાર્યા પગલાંથી વિમાસણમાં મુકાયા છે.

ટૂંકમાં તેલંગણાના મુખ્ય પ્રધાન કે. ચન્દ્રશેખર રાવે સમય જોઈને જે રાજકીય પગલું ભર્યું છે, તેને કારણે રાજકીય ચહલપહલ વધી ગઈ છે અને ફરી એક વાર દેશમાં સંસદ અને વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે યોજવાનો મુદ્દો વધારે જોરથી ગાજે તો નવાઈ નહીં.