તેલંગણા વિધાનસભાભંગનો દાવ કેસીઆરને ફળશે? - Sandesh
  • Home
  • Columnist
  • તેલંગણા વિધાનસભાભંગનો દાવ કેસીઆરને ફળશે?

તેલંગણા વિધાનસભાભંગનો દાવ કેસીઆરને ફળશે?

 | 12:29 am IST

સ્નેપ શોટ

લોકસભાની ચૂંટણી ક્યારે જાહેર થાય છે તેના પર તમામ રાજકીય પક્ષોની નજર રહેલી છે. લોકસભાની ચૂંટણી પહેલાં ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી થવાની છે, જેમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મિઝોરમનો સમાવેશ થાય છે. આ ચાર રાજ્યોની ચૂંટણી ૨૦૧૮ના નવેમ્બરથી ડિસેમ્બર મહિનામાં ડયૂ છે. આ સંજોગોમાં રાજકીય અટકળો એવી થઈ રહી છે કે લોકસભાની ચૂંટણીની પણ આ ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સાથે જાહેરાત કરી દેવાય. દેશનાં ચૂંટણી પંચે પણ કહ્યું હતું કે, ચાર રાજ્યોની વિધાનસભાની સાથે લોકસભાની ચૂંટણી કરવામાં અમને કોઈ તકલીફ પડે તેમ નથી,  એટલે હવે રાજકીય નિરીક્ષકો બે શક્યતાઓ જોઈ રહ્યા છે. એક શક્યતામાં ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ જુદી જુદી તારીખે તેમના નિયત સમયે એટલે કે ૨૦૧૮ના નવેમ્બર અને ડિસેમ્બર વચ્ચે યોજાય અને લોકસભાની ચૂંટણી પણ તેના નિયત સમયે એટલે કે ૨૦૧૯માં યોજાય, બીજી શક્યતા એ છે કે આ ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સાથે જ ડિસેમ્બરમાં લોકસભાની ચૂંટણીની પણ જાહેરાત કરી દેવામાં આવે.

ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની સાથે લોકસભાની ચૂંટણી યોજાય તો કોને નફો અને નુકસાન થાય તેની ગણતરીઓનો ક્યાસ સત્તાધારી ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષોએ કાઢી લીધો છે અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સત્તાધારી ભાજપ પાર્ટીના રણનીતિકારોનું માનવું છે કે જો વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સાથે થાય તો ભાજપને ફાયદો થઈ શકે છે. કોંગ્રેસ સહિત વિપક્ષોનો પણ આ જ મત છે અને એટલે જ તેઓ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે કરાવવાની વાતના વિરોધમાં છે.

આ કશમકશની વચ્ચે તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ તેલંગણા વિધાનસભાની ચૂંટણી જલદી કરાવવાના મૂડમાં છે. મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે રવિવારે કેબિનેટની મિટિંગ બોલાવી હતી અને તેલંગણાની ચૂંટણી વહેલી કરાવવા મુદ્દે તેમણે પોતાની કેબિનેટનો મત લીધો હતો. તેલંગણાના મિનિસ્ટરોએ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવને ચૂંટણીનો સમય નક્કી કરવાના તમામ સર્વાધિકાર આપી દીધા હોવાનું જાણવા મળે છે.

તેલંગણા વિધાનસભાની ટર્મ મે-૨૦૧૯ના રોજ પૂરી થાય છે, પરંતુ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ મે-૨૦૧૯ સુધી રાહ જોવા તૈયાર નથી. તેઓ જલદી ચૂંટણી યોજીને પોતાની સત્તા કાયમ રાખવાના મતમાં છે. તેલંગણાના મુખ્યમંત્રી રાવ લોકસભાની ચૂંટણી પહેલાં તેલંગણાની ચૂંટણી યોજાય તે મતમાં છે અને તેમાં જ તેઓ પોતાની પાર્ટીનું હિત જોઈ રહ્યા છે.

આંધ્ર પ્રદેશમાંથી તેલંગણા રાજ્ય ૨૦૧૪માં છૂટું પડયું અને તેના પ્રથમ મુખ્યમંત્રી તરીકે કે. ચંદ્રશેખર રાવે પદભાર સંભાળ્યો હતો. પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં  સીએમ રાવ જનકલ્યાણકારી યોજનાઓ દ્વારા તેલંગણાની પ્રજાના લાડીલા મુખ્યમંત્રી બનીને રહ્યા છે. મંત્રીમંડળની બેઠકમાં તાજેતરમાં જ ચંદ્રશેખર રાવે  ૭૧ કરોડ રૂપિયાના ખર્ચે  ૭૫ એકર જમીન ઉપર પછાત વર્ગોને માટે આત્મગૌરવભવન બનાવવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત રાજ્યની આશાકર્મી મહિલાઓનો પગાર ૬,૦૦૦થી વધારીને ૭,૫૦૦ રૂપિયા કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ગોપાલમિત્રોનો પગાર ૩,૫૦૦ રૂપિયાથી વધારીને ૮,૫૦૦ રૂપિયા કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત મંદિરના પૂજારીઓની નિવૃત્તિમર્યાદા વધારીને ૬૫ વર્ષ કરવાનું નક્કી કરાયું છે.

આમ લોકરંજક નિર્ણયો છેલ્લી કેબિનેટમાં લઈને ચંદ્રશેખર રાવ ૬ઠ્ઠી સપ્ટેમ્બરે એટલે કે આજે તેલંગણા વિધાનસભાનાં વિસર્જનની જાહેરાત કરી દે તેવી શક્યતા નિર્માણ થઈ છે. ૬ નંબર તેલંગણા સીએમ માટે લક્કી નંબર છે અને કહેવાય છે કે મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવને જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ વિશ્વાસ છે અને તેઓ તેમના ખાસ જ્યોતિષીઓની સલાહ વગર કોઈ નિર્ણય લેતા નથી.

તેલંગણામાં રાજકીય ગલિયારોમાં જે ચર્ચા ચાલી છે તે મુજબ મુખ્યમંત્રી રાવ રંગારેડ્ડી જિલ્લામાં મોટી રેલીમાં વિધાનસભાભંગની જાહેરાત કરી શકે છે. ગયા અઠવાડિયે મુખ્યમંત્રી રાવ દિલ્હીમાં વડા પ્રધાન મોદી અને ગૃહમંત્રી રાજનાથસિંહ સહિત કેટલાક નેતાઓને મળ્યા હતા અને આ મુલાકાત પાછળ રાજ્યમાં વહેલી ચૂંટણી યોજવા અંગે વાતચીત થઈ હોવાનું મનાઈ રહ્યું છે. છેલ્લા ૫૦ દિવસમાં વડા પ્રધાન મોદી સાથે તેલંગણાના મુખ્યમંત્રીની આ બીજી મુલાકાત છે. અત્યારે  તેલંગણાના મુખ્યમંત્રી રાવને વડા પ્રધાન મોદી સાથે  સારા સંબંધ છે. લોકસભામાં  અવિશ્વાસની દરખાસ્ત દરમિયાન  ટીઆરએસ(તેલંગણા રાષ્ટ્ર સમિતિ)ના સાંસદો ગેરહાજર રહ્યા હતા જે બતાવે છે કે તેમનાં અને ભાજપનાં સમીકરણો અત્યારે સારાં છે. વડા પ્રધાન મોદીએ લોકસભામાં તેલંગણામાં થઈ રહેલા વિકાસકાર્યોની પ્રશંસા કરી હતી. આમ ટીઆરએસ અને ભાજપ વચ્ચે વધતી  નજદિકિયાં રાજકીય નિરીક્ષકોનાં ધ્યાને આવેલી જ છે. ભાજપ માટે કે. ચંદ્રશેખર રાવ દક્ષિણમાં હુકમનું પત્તું છે. આંધ્ર પ્રદેશમાં ભાજપના એક વખતના સાથી આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રાબાબુ નાયડુએ ભાજપ સાથે છેડો ફાડી નાખ્યા બાદ ભાજપ માટે ચંદ્રશેખર રાવ મહત્ત્વની વ્યક્તિ બની ગયા છે. તેલંગણામાં વહેલી ચૂંટણી જોઈતી હોય તો કેન્દ્ર સરકાર તેમને સપોર્ટ કરશે એ વાત નક્કી છે. તેલંગણામાં મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે ટીડીપી અને કોંગ્રેસ છે. ભાજપનું અહીંયાં ખાસ અસ્તિત્વ નથી, આ સંજોગોમાં કોંગ્રેસ અને ટીડીપી તેલંગણામાં ના જીતે તેમાં ભાજપને રસ છે. તેલંગણાના મુખ્યમંત્રીને શંકા છે કે આગામી ચૂંટણીમાં કોંગ્રેસ અને ટીડીપીનું ચૂંટણી ગઠબંધન થઈ શકે છે. લોકસભાની ચૂંટણીમાં આ ગઠબંધન આકાર લે તે પહેલાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી તેલંગણાના મુખ્યમંત્રી વિપક્ષોને ઊંઘતા ઝડપવા માગે છે.

તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે એક તબક્કે ભાજપ અને કોંગ્રેસવિરોધી એક ત્રીજો મોરચો રચવાની કોશિશ કરી હતી પરંતુ તેલંગણા કોંગ્રેસે ચંદ્રશેખર રાવને ભાજપના એજન્ટ તરીકે ઓળખાવી આખી વાતનું પિલ્લું વાળી દીધું હતું. આવનારા દિવસોમાં ટીઆરએસ લોકસભાનાં ઇલેક્શન પછી ભાજપ સાથે ગઠબંધનમાં રહેશે તેવી પૂરી શક્યતા છે. આજકાલમાં તેલંગણા વિધાનસભાભંગ કરવાની જાહેરાતના ન્યૂઝ ચમકે નહીં તો જ નવાઈ.

[email protected]