Terrorist Zaki Musa Spotted-In Punjab In Sikh Costume, High Alert In Firozpur-Bathinda District
  • Home
  • Featured
  • પંજાબમાં છુપાયો છે ખુંખાર આતંકી ઝાકિર મૂસા, સેના-પેરા મિલિટરી તૈનાત

પંજાબમાં છુપાયો છે ખુંખાર આતંકી ઝાકિર મૂસા, સેના-પેરા મિલિટરી તૈનાત

 | 2:58 pm IST

કાશ્મીરી આતંકવાદી ઝાકિર મૂસા પંજાબમાં હોવાનું જાણવા મળ્યું છે. આ જાણકારી હાથ લાગ્યા બાદ ભઠિંદા અને ફિરોઝપુર જિલ્લામાં સુરક્ષા એજંસીઓને હાઈ-એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ગુપ્તચર અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, મૂસા શિખ વેશ ધારણ કરી માથે પાઘડી પણ પહેરી શકે છે. મૂસા અંસાર ગઝવત-ઉલ-હિંદ પ્રખુમ છે અને માનવામાં આવે છે કે તે વૈશ્વિક આતંકી સમુહ સાથે પણ જોડાયેલો છે.

ઝાકિર મૂસાને લઈને આ જાણકારી સામે આવ્યા બાદ સેનાના જવાનો, પંજાબ પોલીસ અને અન્ય અર્ધસૈનિક બળોને ભઢિંડા રેલવે સ્ટેશન જેવા મહત્વપૂર્ણ અને આસપાસના વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે. આજે સવારથી જ અહીં તપાસ હાથ ધરી દેવામાં આવી છે. ખુણે ખુણે પોલીસ તૈનાત કરવામાં આવી છે. ઠેર ઠેર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

બીજી બાજુ આ ભઠિંડા અને ફિરોઝપુર જિલ્લામાં લોકોને સાવચેતી રાખવા અને સચેત રહેવા સુરક્ષા એજંસીઓએ ઠેર ઠેર ઝાકિર મુસાના પોસ્ટર લગાવ્યા છે. જેમાંથી એક પોસ્ટર શિખ વેશમાં છે. આ અગાઉ નવેંમ્બરમાં પણ પંજાબના ગુરૂદાસપુર અને અમૃતસરના સરહદી વિસ્તારોમાં ઝાકિર મૂસા છુપાયો હોવાની જાણકારી હાથ લાગ્યા બાદ તેના પોસ્ટર લગાવવામાં આવ્યાં હતાં. કાશ્મીર ખીણમાં અલ-કાયદાના એક સેલ, આતંકવાદી સંગઠન અંસાર ગઝવત-ઉલ હિંદનો પ્રમુખ મૂસા પંજાબના સ્થળો અને લોકોથી સારી રીતે પરિચિત છે.

ઉલ્લેખનીય છે કે, ગત મહિને અમૃતસરમાં નિરંકારી સત્સંગ ભવમાં ગ્રેનેડ હુમલો થયો હતો. જેમાં ત્રણ લોકો માર્યા ગયાં હતાં અને 15 લોકો ઘાયલ થયાં હતાં. પોલીસે આ મામલે મુખ્ય આરોપીની અટકાયત કરી હતી. પોલીસનો દાવો છે કે અટકાયતમાં લેવામાં આવેલા આરોપીના સંબંધ પાકિસ્તાનના કેટલાક લોકો અને ખાલિસ્તાનના સમર્થકો સાથે છે. આ સ્થિતિમાં ખુંખાર આતંકી મૂસા પંજાબમાં છુપાયો હોવાના અહેવાલ સામે આવ્યા બાદ ફરીથી કોઈ આતંકી ઘટના સામે આવવાની આશંકા સેવાઈ રહી છે.