Tests closed in state, lockdown open: Now Gujarat running on 'lucky immunity'
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • રાજ્યમાં ટેસ્ટ બંધ, લોકડાઉન ખુલ્લું: હવે ‘હર્ડ ઈમ્યૂનિટી’ના નસીબે સળસળાટ દોડતું ગુજરાત, જાણો હર્ડ ઈમ્યૂનિટી શું છે

રાજ્યમાં ટેસ્ટ બંધ, લોકડાઉન ખુલ્લું: હવે ‘હર્ડ ઈમ્યૂનિટી’ના નસીબે સળસળાટ દોડતું ગુજરાત, જાણો હર્ડ ઈમ્યૂનિટી શું છે

 | 6:36 am IST

ગુજરાતમાં લોકડાઉન ૪.૦ એ વ્યવહારૂ અર્થમાં લોકડાઉનનો અંશ માત્ર રહ્યું છે. કન્ટેનમેન્ટ ઝોનની માંડ આઠ ટકા વસતિ માટે લોકડાઉનના નિયમો રહ્યા છે, પાલન કેટલું એ તો એ વિસ્તારના લોકોને જ ખબર છે. અમદાવાદ કે જ્યાં રાજ્યના ૮૦ ટકાથી વધુ કેસ અને મૃત્યુ નોંધાયા છે ત્યાં પશ્ચિમ બાદ પૂર્વના વિસ્તારોમાં પણ નિયંત્રણો હળવા બનવા માંડયા છે.

સરકાર ભલે સત્તાવાર કહે નહી, પણ તેણે હવે સામેથી કોરોનાગ્રસ્તને શોધવા ટેસ્ટિંગ, કોન્ટેક્ટ ટ્રેસિંગ, ચેપગ્રસ્તના પરિવારજનોના ટેસ્ટિંગ લગભગ બંધ કરી દીધા છે. લોકો ફરિયાદ લઈ આવે તો એસિમ્પ્ટોમેટિક છો, કહીને હોમ આઈસોલેશનમાં રહેવાનું કહી દેવાય છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્તની મૃત્યુ શૈયા જે ઝડપે તૈયાર થતી જાય છે તે જોતાં ચિહનો ધરાવતા લોકો પણ હોસ્પિટલ્સમાં જવાનું ટાળી રહ્યા છે. આમ, ટેસ્ટિંગ બંધ, લોકડાઉન ખુલ્લું – એટલે કે ગુજરાત હવે તેના નાગરિકોમાં હર્ડ ઈમ્યૂનિટી કેટલી મજબુત છે તેના નસીબના આધારે જ દોડતું થયું છે.

કોવિડ-૧૯ વાઇરસ સામેના જંગમાં વિશ્વભરમાં હજુ ક્યાંય કોઈ અસરકારક વેક્સિન કે રણનીતિનું હથિયાર શોધાયું નથી ત્યારે કદાચ ગુજરાતે રશિયા અને અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટની મહદ્ અંશે સફળ ગણાવાયેલી હર્ડ ઈમ્યૂનિટીની વ્યૂહરચના જ આખરી અને સહેલો રસ્તો દેખાયો લાગે છે.

સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને ઠંડા અને પશ્ચિમના રાષ્ટ્રોમાં માત્ર રશિયા જ એક એવો દેશ છે જ્યાં મહામારીનું પ્રમાણ અને મૃત્યુઆંક નીચો છે. છેલ્લા આંકડા મુજબ, રશિયામાં કુલ ૨,૯૦,૬૭૮ કોરોના પોઝિટિવ નોંધાયા છે, જેમાંથી ૭૦,૨૦૯ રિકવર થયા છે અને ૨,૭૨૨ના મૃત્યુ થયા છે.

રશિયાની ગામલેઈ રિસર્ચ ઈન્સ્ટીટયુટ ઓફ એપિડેમિયોલોજી એન્ડ માઈક્રોબાયોલોજીના ડિરેક્ટર એલેક્ઝાન્ડર ગિન્ટ્સબર્ગનું સ્પષ્ટપણે માનવું છે કે, રશિયન્સમાં હર્ડ ઈમ્યૂનિટીનું પ્રમાણ ઊંચું હોવાથી અને સત્તાવાર સ્તરે આ હર્ડ ઈમ્યૂનિટીના આધારે જ મહામારીની વૈતરણી પાર પાડવાની વ્યૂહરચના હોવાથી પશ્ચિમના બીજા દેશોની સરખામણીમાં રશિયામાં રોગનો પ્રકોપ ઓછો વર્તાયો છે.

અમેરિકાના કેલિફોર્નિયા જેવા વિશાળ સ્ટેટમાં પણ કોરોનાનો પ્રકોપ ન્યૂયોર્ક જેવા સ્ટેટની સરખામણીમાં ઓછો રહ્યો હોવા પાછળનું કારણ પણ હર્ડ ઈમ્યૂનિટી જવાબદાર હોવાનું સ્ટેનફર્ડ મેડિસિનના સંશોધકોના એક અભ્યાસમાં બહાર આવ્યું છે.

હર્ડ ઈમ્યૂનિટી શું છે

હર્ડ ઈમ્યૂનિટી એટલે જ્યારે કોરોના જેવા ચેપી વાઈરસની મહામારી ફેલાયેલી હોય અને તેની રસી શોધાઈ જ ન હોય ત્યારે માત્ર સામાન્ય લોકોની વ્યક્તિગત રોગપ્રતિકારક શક્તિના બળે જ જંગ લડવાની રણનીતિ અપનાવાય. જેમ જેમ વધુ લોકો આ વાઈરસના સંક્રમણમાં આવે અને તેમની રોગપ્રતિકારક શક્તિના બળે શરીરમાં એન્ટીજન સર્જાય એટલે આપોઆપ આવી વ્યક્તિ ચેપની ચેઈનને તોડે અને આગળ વધતો અટકાવે.

આમાં, જોખમ એ છે કે, જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે અથવા તો કો-મોર્બિડિટી છે કે વૃદ્ધાવસ્થા છે તેમને આ વાઈરસ ભરખી જાય તેનો ય ભય રહે. મૃત્યુઆંક વધવા પણ માંડે. પણ એક વખત સમગ્ર વસતિમાં તે ફેલાઈ જાય એટલે વાઈરસને નવો હોસ્ટ ન મળે અને સંક્રમણ રોકાય. ત્યાં સુધીમાં કદાચ તેની રસી પણ શોધાઈ જાય. આ હર્ડ ઈમ્યૂનિટી આધારિત રણનીતિ ગણાય.

હર્ડ ઈમ્યૂનિટીની રણનીતિનો વેક્સિન ઈન્ડસ્ટ્રી જ ઉગ્ર વિરોધ કરે છે

હર્ડ ઈમ્યૂનિટીની રણનીતિનો આગ્રહ અનેક વાયરોલોજિસ્ટ સહિતના નિષ્ણાતો રાખી રહ્યા હોવા છતાં મોટાભાગના દેશમાં તેનો સત્તાવાર સ્વીકાર કરવામાં આવતો નથી. આની પાછળનું કારણ એ છે કે, ફાર્મા ઈન્ડસ્ટ્રી અને ખાસ કરીને તો વેક્સિન ઈન્ડસ્ટ્રી આનો જીવ પર આવી વિરોધ કરે છે. જો આ રણનીતિ સત્તાવાર અપનાવાય તો રસી શોધાય કે નહીં તેની કોઈને એવી ઉતાવળ જ ન રહે, ક્યાંક તો જરૂર પણ ન રહે.

આ ઈન્ડસ્ટ્રી એટલે સુધી પાવરફૂલ છે કે, ૨૦૦૯માં એચ૧એન૧ના સંક્રમણ વખતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(હુ)એ આ રોગચાળો હોવાનું ઉપજાવી કાઢેલું અને પાછળથી ઘટસ્ફોટ થયેલો કે વેક્સીન ઈન્ડસ્ટ્રીના લાભ માટે પેન્ડેમિક જાહેર કરી દેવાયેલું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન