Sasarias torture daughter of a former royal family of Rajkot
  • Home
  • Ahmedabad
  • રાજકોટના પૂર્વ રાજવી પરિવારના પુત્રી પર સાસરીયાઓનો સિતમ, ગુજારતા આવો અત્યાચાર

રાજકોટના પૂર્વ રાજવી પરિવારના પુત્રી પર સાસરીયાઓનો સિતમ, ગુજારતા આવો અત્યાચાર

 | 8:42 pm IST

રાજકોટ રાજવી પરિવારના સ્વ.પ્રહલાદસિંહ પ્રધ્યુમનસિંહ જાડેજાના પુત્રી મેઘાવીબાને અમદાવાદના એસ.પી. રીંગ રોડ પરની ઓર્ચિડ ગ્રીન ફીલ્ડ વુડ ટાઉનશીપમાં રહેતા હાર્ડ ડ્રીંકર પતિ મેઘરાજસિંહ ચુડાસમા તથા બોડકદેવ જજીઝ બંગલો પાછળ આવેલી ક્રિષ્ના સોસાયટીમાં રહેતા સાસુ વિનાદેવી, નિવૃત બેંક મેનેજર સસરા મનહરસિંહ મુળરાજસિંહ ચુડાસમા તથા દિયર અભયરાજસિંહ સામે ત્રાસ ગુજારી ઘરેથી પહેરેલા કપડે કાઢી મુક્યા સહિતના આરોપસર રાજકોટ મહિલા પોલીસમથકે ફરિયાદ નોંધાતા ચર્ચા જાગી છે.

ફરિયાદમાં મુકાયેલા આરોપ મુજબ વર્તમાન ઠાકોર સાહેબ માધાંતાસિંહજીના કાકાના પુત્રી મેઘાવીબાના મુળ ધંધુકાના વાગડ ગામના વતની અને અમદાવાદ રહેતા મેઘરાજસિંહ ચુડાસમા સાથે રાજકોટ જીમખાના ખાતે એક દાયકા પૂર્વે તા.29/4/2008ના રોજ લગ્ન થયા હતા. મોટાબાપુ સ્વ.મનોહરસિંહ જાડેજા રાજકોટના રાજવી હોવાથી કરિયાવરમાં હીરા, માણેક, સોના, ચાંદીના ઘરેણા, સોના, ચાંદીના વાસણો, એન્ટીક ફર્નિચર સહિતની કિંમતી વસ્તુઓ અપાઈ હતી. પતિ મેઘરાજસિંહ જે તે સમયે જામનગરની એક ખાનગી કંપનીમાં ઉચ્ચ હોદા પર નોકરી કરતા હતા. વાગડમાં ખેતીની જમીન, ફાર્મ, મકાન સહિતની મિલ્કત હોવાનું પણ જણાવાયું હતું.

લગ્નના દસ દિવસ બાદ જ પતિ હાર્ડ ડ્રીંકર અને ચેઈન સ્મોકર હોવાનો ખ્યાલ આવ્યો, આવક બધી પોતાના અંગત ખર્ચમાં જ ઉડાવી દેતા હતા. બે માસ સુધી સમજાવવા પ્રયાસો કર્યા પરંતુ નશીલી આદતો દિનપ્રતિદિન વધવા લાગી ઘરખર્ચ માટે રકમ આપતા નહી. જેથી સાસુ, સસરાને સમજાવવા કહેતા તેઓએ સમજાવવાના બદલે ઉલ્ટાના તમારો ખર્ચ જાતે તમારે કાઢી લેવાનો કહીં ધમકાવી હતી. નસીલી આદતોને લઈને જામનગર સ્થિત કંપનીમાંથી નોકરી મુકાઈ અને ત્યાંથી અમદાવાદ આવ્યા, સુરત બે બેંકમાં છ-છ માસ નોકરી કરી હતી. એ છોડીને મુંબઈ રહેવા ચાલ્યા ગયા હતા. ત્યાં તો સાવ સ્વતંત્રતા મળી જતા નશામાં ધુત રહેવા લાગ્યા હતા.

પતિ નશામાં ધુત બનીને જ ધમાલો મચાવતા તેનો વિડીયો પણ કંટાળીને પરિણીતાએ સાસરાને મોકલ્યો હતો. તેઓ પણ સ્થિતિ જોઈને અચંબીત બની ગયા હતા. માતા તથા ભાઈએ સમજાવતા તેઓની સાથે પણ અપશબ્દો કહીં ગેરવર્તન કર્યુ હતું. મુંબઈથી કાર લઈને અમદાવાદ આવતા હતા ત્યારે નશાના કારણે અકસ્માત સર્જાયો હતો જો કે સદનસીબે ચમત્કારીક બચાવ થયો હતો. દિયર અપરિણીત અને ડ્રગ એડીક્ટ છે તેઓ દુબઈ, મુંબઈ વચ્ચે કુરિયરનું કામ ખેતીવાડી તથા ગીર ગાયનો ડેરી ઉદ્યોગ ચલાવતા હોવાનું તથા વાતે વાતે જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાનો આરોપ મુક્યો છે.

બાળકી પોતાનો ખર્ચ કાઢવા ટીચર તરીકે નોકરી કરવા લાગ્યા તો ઘરકામ છોડાવ્યું

લગ્નજીવન દરમિયાન એક બાળકીનો જન્મ થયો હતો. પતિ ઘરખર્ચ, પોતાના તથા બાળકીના અભ્યાસ માટેનો ખર્ચ ન આપતા અને સાસરીયાઓએ નોકરી કરવાનું કહેતા ના છુટકે પોતે આર્ટ ટીચર તરીકે નોકરીએ લાગ્યા હતા. નોકરી કરવા લાગ્યાએ પણ પતિ, સાસરીયાને ન ગમ્યું અને ઘરકામ છોડાવી મુકતા ઘરનું બધુ કામ પણ આવી પડયું હતું જેથી અંતે પરિણીતાએ મજબુરીવશ નોકરી છોડી દેવી પડી હતી. પરિણીતાને ભાઈએ ફ્લેટ લેવા માટે નાણા આપ્યા હતા એ ફ્લેટ પણ મેઘાવીબાના નામને બદલે સાસરીયાઓએ પોતાના નામે લઈ લીધો હતો.

કરિયાવર પરત જોઈતો હોય તો છુટાછેડા આપી જાવની ધમકી

રાજવી પરિવારના પુત્રી હોવાથી કરિયાવર પણ ખુબ કિંમતી કરાયો હતો જે હાલ સાસરીયામાં જ છે. બે વર્ષથી પીયર રહેતા મેઘાવીબા અને તેમના પરિવારજનોએ પારિવારિક, કોર્ટ સહિતના રસ્તાઓથી સમાધાનનો પ્રયાસ કર્યો હતો અંતે બે માસ પહેલા પોલીસને અરજી આપતા પોલીસના પ્રયાસો છતાં કોઈ હકારાત્મક નિષ્કર્ષ નીકળ્યો ન હતો અને અંતે સાસરીયાઓ સામે ગુનો નોંધાવાયો હતો. મેઘાવીબાને અપાયેલો કિંમતી કરિયાવર પાછો મંગાતા છુટાછેડા આપી જાવ તો કરિયાવર મળે કહીં ધમકાવ્યાનો પણ આરોપ મુક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન