Thalesima Patient gave birth to a healthy baby girl in Ahmedabad
  • Home
  • Ahmedabad
  • થેલિસિમિયાગ્રસ્ત અમદાવાદની કિંજલે સ્વસ્થ બાળકીને આપ્યો જન્મ, ગુજરાતમાં પ્રથમ કેસ

થેલિસિમિયાગ્રસ્ત અમદાવાદની કિંજલે સ્વસ્થ બાળકીને આપ્યો જન્મ, ગુજરાતમાં પ્રથમ કેસ

 | 10:09 pm IST

વિશ્વમાં થેલિસિમિયાથી પીડિત લોકો પોતાનું જીવન ટકાવી રાખવા માટે ખૂબજ મોટા પ્રમાણમાં તકલીફોનો સામનો કરતા હોય છે ત્યારે અમદાવાદની કિંજલ શાહ કે જેને ત્રણ મહિનાની ઉંમરથી જ થેલિસિમિયા મેજર છે. જેના લીધે તેને શરૂઆતનાં દિવસોમાં મહિનામાં એકવાર બ્લડ ચડાવવું પડતું હતું. જે વધીને દર પંદર દિવસે બ્લડ ચડાવવાની પ્રોસેસ બની ગઈ છે. ડૉક્ટર્સે પણ એક સમયે કિંજલનાં આયુષ્ય અંગે ગેરંટી લેવાનું છોડી દિધું હતું. કિંજલને પોતાના લગ્ન અંગે પણ શંકા હતી કે તેમની સાથે મેરેજ કરવા કોણ હામી ભરશે ત્યારે તેની સાથે લગ્ન કરવા માટે અમદાવાદનાં નવીન લાઠીએ હામી ભરી. બંનેનું દામ્પત્ય જીવન સુખમય ચાલ્યું અને તેમના થકી તેમને એક બાળક જન્મ્યુ છે. જે એક થેલિસિમિયા મેજર પેશન્ટ થકી જ્વલ્લેજ જોવા મળતો કેસ છે. અત્યારસુધી ભારતભરમાં થેલિસિમિયા મેજર પેશન્ટે નવજાત શીશુને જન્મ આપ્યો હોય તેવા 5 કે 6 કેસ બન્યા છે જેમાંથી ગુજરાતમાં અમદાવાદની કિંજલનો કેસ પ્રથમ છે.

કિંજલને અત્યારસુધી 500થી વધુ વખત બ્લડ ચડાવવામાં આવ્યું છે

આ કેસ અંગે વાત કરતા નવજાત શિશુ અને બાળરોગનાં નિષ્ણાંત ડૉ. અનિલ ખત્રીએ જણાવ્યું કે, ‘કિંજલ થેલિસિમિયા મેજર છે અને તેને અત્યારસુધી 500થી વધુ વખત બ્લડ ચડાવવામાં આવ્યું છે. ગર્ભાવસ્થા દરમિયાન પણ કિંજલને બ્લડ ચડાવવામાં આવ્યું છે. ગર્ભાવસ્થા દરમિયાન કિંજલનાં પેટ પર એક પંપ અટેચ કરીને પંપથી 12થી 14કલાક રોજ ડેસપરલ ઈન્જેક્શન આપવામાં આવતુ હતું. પ્રેગનન્સી દરમિયાન તેના હાર્ટ, લિવર અને શરીરનાં હોર્મોન્સ પર પ્રોપર ધ્યાન રાખવું પડતું હતું. પ્રેગનન્સી દરમિયાન તેનાં શરીરમાંથી આયર્નનું પ્રમાણ ઘટાડવા માટે રેગ્યુલર દવાઓ અને ટ્રીટમેન્ટ આપવામાં આવતી જેથી તેની ડિલીવરીમાં કોઇ તકલીફ પડી નહીં.’

એક સમયે થેલિસિમિયા મેજરને લીધે લગ્ન થવા અંગે શંકા હતી

મેં હિમ્મત હાર્યા વગર મારી બીમારીનો સામનો કર્યો છે. જેનાં લીધે મારી ફેમિલીને પણ ઘણી તકલીફો પડી છે પણ તેમનો પણ મને ખૂબ સપોર્ટ મળ્યો છે. મારી રેગ્યુલર તપાસ અને રેગ્યુલર બ્લડ ચડાવવાની પ્રોસેસને લીધે મને પ્રેગ્નન્સી દરમિયાન વધારે તકલીફ નહોતી પડી. ડૉક્ટર દ્વારા જણાવવામાં આવતા પ્રિકોશન્સને ફોલો કરીને હું એક તંદુરસ્ત બાળકીને જન્મ આપી શકી છું. મારી થેલિસિમિયા મેજરની બીમારીને લીધે મને લગ્ન થવા અંગે પણ શંકા હતી પણ નવીન લાઠીએ મને અપનાવી અને તેમની દેખભાળને લીધે પણ આજે અમે એક સ્વસ્થ બાળકને જન્મ આપી શક્યા છીએ.
કિંજલ શાહ, થેલિસિમિયા મેજર પેશન્ટ

થેલિસિમિયા મેજર શું છે ?
ઈન્ડિયામાં 1લાખથી વધુ થેલિસિમિયા મેજર પેશન્ટસ છે જેમાંથી ગુજરાતમાં 8,000 અને અમદાવાદમાં 900 લોકો થેલિસિમિયા મેજર નોંધવામાં આવ્યા છે. વ્યક્તિનાં શરીરમાંથી લાલ કણ ટુટી જાય એટલે હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટે છે. જે એક જિનેટીક ડિસીઝ છે, હિમોગ્લોબિનનું પ્રમાણ જાળવી રાખવા માટે બ્લડ ચડાવવું પડતું હોય છે. જો થેલિસિમિયા માઇનર વાળી બે વ્યક્તિ લગ્ન કરે તો તેમનંુ બાળક થેલિસિમિયા મેજર જન્મી શકે છે. જો હસ્બન્ડ નોર્મલ હોય તો બાળકને થેલિસિમિયા માઇનર થઈ શકે છે જેમાં વધારે ચિંતા કરવા જેવી નથી હોતી. અમિતાભ બચ્ચનને પણ થેલિસિમિયા માઇનર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન