NIFTY 10,223.20 -98.55  |  SENSEX 33,033.56 +-281.00  |  USD 65.4800 +0.32
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : શ્રાપને કારણે આ મંદિર પાસેના અન્નના ભંડાર પથ્થરો બની ગયા હતા

Video : શ્રાપને કારણે આ મંદિર પાસેના અન્નના ભંડાર પથ્થરો બની ગયા હતા

 | 3:31 pm IST

સોમવારનો દિવસ એટલે દેવોના દેવ મહાદેવનો દિવસ. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના કાળાસર ગામમાં બિરાજમાન છે ઠાંગનાથ મહાદેવ. કાળાસર ગાનવી સીમા પાસે આવેલ પર્વતમાળામાં ઠાંગનાથ મહાદેવનું મંદિર આવેલું છે. જે ચોટીલાથી 15 કિલોમીટર દૂર આવેલુ છે. આ મંદિરમાં ખાસ કરીને સોમવારના દિવસે ભક્તોની ભીડ જોવા મળે છે. આ મંદિર સાથે એક રોચક ઈતિહાસ પણ જોડાયેલો છે.

જો વાત કરવામાં આવે ઠાંગનાથ મહાદેવના ઈતિહાસની તો ચોટીલાથી દક્ષિણ તરફ આવેલી પર્વતમાળાને ઠાંગા તરીકે ઓળખવામાં આવે છે. તથા અહીં આસપાસ રહેતા લોકોને ઠાંગા લોકો તરીકે ઓળખવામાં આવે છે. એક માન્યતા મુજબ આ મંદિર આશરે 800 વર્ષ જુનું મંદિર છે અને આ જ પૌરાણિકતાના કારણે ભક્તો અહિં અપાર આસ્થા ધરાવે છે.

આ મંદિર સાથે એક કથા પણ જોડાયેલી છે. જેમાં વર્ષો પહેલા આ વિસ્તારમાં દુષ્કાળની પરિસ્થિતિ હતી અને દુષ્કાળ હોવાના કારણે પ્રજા પાસે ખાવા માટે અન્ન પણ ન હતુ. આવી સ્થિતિમાં તમામ પ્રજા કાળા ખાચર પાસે મદદ માટે ગઈ હતી. ત્યારે તે સમયે પ્રજાવત્સલ રાજવી પ્રજાનું દુખ જોઈને દ્રવી ઉઠ્યા હતા અને તેમણે પ્રજાનું દુખ જોઈને પોતાના પાસેના તમામ અન્નના ભંડારો ખોલી આપ્યા હતા. ધીરે ધીરે જ્યારે ભંડાર ખાલી થવા લાગ્યા, તો કાળા ખાચરે ઠાંગેશ્વર મહાદેવના દર્શન કરી પ્રજાનું દુખ દૂર કરવા બાધા આખડી રાખી અને મહાદેવ સામે પોતાનો જીવ આપી કમળ પૂજા કરવાનો આકરો નિર્ણય કર્યો. કાળા ખાચરે તલવારથી કમળ પૂજા કરી અને ઠાંગનાથ મહાદેવે પ્રસન્ન થઈને તેમને વરદાન માંગવા કહ્યુ. ત્યારે કાળા ખાચરે પ્રજા માટે અન્નની માંગણી કરી. ત્યારે મહાદેવે કહ્યુ કે હું તારી પ્રજા માટે જાર અને બાજરીનું પોઠીયુ મોકલી રહ્યો છુ. પરંતુ અહીંથી જતા પાછળ વળીને જોતો નહિં નહિંતર તે બધુ જ પથ્થર થઈ જશે. બસ આવુ કહીને શિવજી અદ્રશ્ય થઈ ગયા.

આટલુ સાંભળીને કાળા ખાચર ગામ તરફ ચાલી નિકળ્યા અને ઉત્સાહમા ને ઉત્સાહમાં શિવજીએ કહેલા શબ્દો ભૂલી ગયા અને તેમણે પાછળ વળીને જોયુ તો જે અનાજની પોઠું તરત જ પથ્થર બની ગયું. જાર અને બાજરાનો જથ્થો પત્થરમાં પરિવર્તીત થઈ ગયા. આજે પણ ઠાંગનાથ મહાદેવના મંદિરે બે ઢગલા દેખાય છે અને દુરથી જો જોવામાં આવે તો આ ઢગલા બાજરા અને જારના જ હોય તેવી પ્રતીત થાય છે.

આ મંદિર પર્વતની ટોચ પર આવેલુ હોવાથી આસપાસનું વાતાવરણ રમણીય લાગે છે. આ મંદિરમાં જવા માટે 250 પગથિયા ચઢવા પડે છે. ભાદરવી અમાસના દિવસે અહિ મેળો ભરાય છે અને ચોટીલાના રાજવી પરિવાર દ્વારા અહિં ધજા ચઢાવવામાં આવે છે.