પ્રભુકૃપા - Sandesh

પ્રભુકૃપા

 | 1:03 am IST

ઘણીવાર આપણે એવું ઈચ્છીએ છીએ કે ભગવાનની કૃપા આપણને ચોક્કસ કાર્યમાં સહાય કરે તો આમ આપણા કાર્ય માટે તેની મદદ માંગવી યોગ્ય કહેવાય કે નહીં. આ વિષે માર્ગદર્શન આપતાં શ્રીમાતાજી કહે છે કે; ‘ઉત્તમ પરિસ્થિતિ તો એ છે કે ભગવાનની કૃપાને જેમ કરવું હોય તેમ કરવા દેવું પણ ખરેખર જો કોઈ વસ્તુ મેળવવી હોય તો પછી દિલની પૂરી સચ્ચાઈથી તે માગણી ભગવાનની કૃપા પાસે રજૂ કરી દેવી. એ વધારે સારું છે. પછી તે કાર્ય કરવું કે ન કરવું, એ વસ્તુ આપવી કે ન આપવી તે ભગવાનની કૃપા ઉપર આધારિત છે.’ આ રીતે ભગવદ્કૃપા પાસે માગણી કરવી એ કંઈ ખોટું નથી. પણ ખોટું તો ત્યારે થાય છે કે ભગવાનની કૃપા પાસે માગણી મૂકી અને પછી જો એ પ્રમાણે ન થયું ને માણસ બળવો પોકારે ને ઉદ્ંડ બની જાય તો એ ખરેખર ખોટું છે. ત્યારે માણસે એમ સમજવું જોઈએ કે તેની અભીપ્સા સાચી નહીં હોય અથવા તો જે વસ્તુની તેણે માગણી કરી છે તે તેના હિતમાં નહીં હોય. ભગવાનની કૃપા પાસે કેવી રીતે માંગણી કરવી જોઈએ એ વિષે પણ શ્રીમાતાજીએ માર્ગદર્શન આપ્યું છે કે ‘…પણ ખરેખર તો મનુષ્યે ભગવાન પાસે એ રીતે માંગવું જોઈએ કે મારા માટે જે જરૂરનું હોય તે કરો. મારા અસ્તિત્વના સત્ય પ્રત્યે મને દોરી જાઓ. તમારા પરમ જ્ઞાનમાં તમને જણાય કે મને આ વસ્તુની જરૂર છે, તે મને આપો.’ આ રીતે ભગવાન પાસે માગણી કરીને તેની કૃપાને જો મુક્ત રીતે કાર્ય કરવા દેવામાં આવે તો ભગવાનની કૃપા એને સીધી ભગવાન પ્રત્યે જ દોરી જાય છે.

પરંતુ મનુષ્ય પોતાના મનથી કૃપાના કાર્યને સમજી શક્તો નથી. તેને ઓળખી પણ શક્તો નથી. એક વખત પણ જો માણસને કૃપાનો સ્પર્શ થઈ જાય તો પછી વસ્તુસ્થિતિ સદંતર બદલાઈ જાય છે. ક્ષણભરનો કૃપા-સ્પર્શ મનુષ્યના આંતરચક્ષુને ખોલી નાંખે છે ને પછી તો જગતને જોવાની તેની દ્રષ્ટિ જ બદલાઈ જાય છે. પ્રભુકૃપા તો મહાન ચમત્કારોની સર્જક છે. તેના માટે કશું પણ અશક્ય, અવિરોધ્ય કે મુશ્કેલ નથી. તે પ્રચંડ છે, છતાં કરુણાથી સભર છે. તે શક્તિદાયિની છે. તે મહાન પરિવર્તનકારી છે. તે પ્રભુના પ્રેમથી પરિપૂર્ણ છે. તે જ્યારે માનવના અંતરમાં ઊતરી આવે છે ત્યારે માનવની ચેતનાને જાણે અનંતમાં ઉડ્ડયન કરવાની પાંખો ફૂટી હોય એવી અસીમ શક્તિને વિશાળતાનો તેને અનુભવ થવા લાગે છે. શ્રીમાતાજી કહે છે; ‘એક વાર પણ જો તમે એ કૃપાને જુઓ, તો પછી તમે તેને કદી ભૂલી નહીં શકો. પછી તમને જણાશે કે હવે મને કોઈ ભય રહ્યો નથી. વ્યથા, પરિતાપ, પીછેહઠ પણ રહ્યા નથી. દુઃખ પણ રહ્યું નથી.’ આવી પરમપ્રભુના અંતરમાંથી અવિરતપણે વહેતી કૃપાધારામાં આપણે પણ આપણા જીવનને વહેતું મૂકી દઈએ એવી આજના સુપ્રભાતે પ્રાર્થના.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન