થપ્પડ મારવાથી બાળકમાં આપઘાત અને આક્રમકતાની વૃત્તિમાં વધારો - Sandesh
  • Home
  • World
  • થપ્પડ મારવાથી બાળકમાં આપઘાત અને આક્રમકતાની વૃત્તિમાં વધારો

થપ્પડ મારવાથી બાળકમાં આપઘાત અને આક્રમકતાની વૃત્તિમાં વધારો

 | 12:21 am IST

નાની નાની વાતે બાળકોને ધોલ-ધપાટ મારતાં માતા-પિતાઓએ સાવધાન થઈ જવાની જરૂર છે. માતા-પિતાની વારંવારની થપ્પડ બાળકોને લાંબા ગાળાનું નુકસાન કરી બેસે છે. બાળકોને કરવામાં આવતી શારીરિક સજા અને થપ્પડને કારણે તેમના મગજમાં બદલાવ આવે છે અને તેમનામાં આક્રમકતા અને આપઘાતની વૃત્તિ ઊભી થાય છે. અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ દ્વારા સોમવારે જારી કરવામાં આવેલી સંશોધિત નીતિમાં જણાવ્યાનુસાર, બાળકોને વારંવાર માર મારવાથી તેમનામાં આક્રમકતા, મગજ ફેરફાર, માદક દ્રવ્યોના બંધાણી તથા આપઘાતની વૃત્તિ વિકસિત થાય છે.

મારઝૂડ કરવાથી બાળકોમાં શિસ્ત આવતી નથી

બાળકોને સીધા રાખવા કે તેમનામાં શિસ્તની ભાવના કેળવવા માટે માતા-પિતાઓએ બાળકોને માર મારતા હોય છે પરંતુ તેની પ્રતિકૂળ અસર પડે છે. અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ ગ્રૂપ કહે છે કે બાળકોને થપ્પડ ન મારવી જોઈએ કે તેનું અપમાન પણ ન કરવું જોઈએ તેને બદલે તેમના તંદુરસ્ત શિસ્તની ભાવના વિકસિત કરવી જોઈએ. યુવા માતા-પિતાઓની એક સામાન્ય આદત બાળકોને થપ્પડ મારવાની હોય છે.કેટલાક માતા-પિતાઓ એવં માનતાં હોય છે કે થપ્પડ મારવાને કારણે બાળકોમાં થોડા સમય પૂરતો સુધારો આવતો હોય છે પરંતુ અભ્યાસ દર્શાવે છે કે થપ્પડ એ કોઈ બાળકોને સુધારવાનું અસરકારક માધ્યમ નથી.

૯૯ ટકા બાળકોએ શાળામાં થપ્પડ ખાધી

શાળામાં ૯૯ ટકા બાળકોને થપ્પડ કે શારીરિક ઈજાનો સામનો કરવો પડયો છે. રાષ્ટ્રીય બાળ સુરક્ષા પંચ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સંશોધન અનુસાર શાળામાં લગભગ તમામ બાળકોએ વત્તા ઓછા પ્રમાણમાં થપ્પડ ખાવાનો વારો આવ્યો છે. ગમે તેવા હોશિયાર બાળકોને પણ એક વાર તો થપ્પડ ખાધી જ હોય છે.

માર મારવાને કારણે બાળકોમાં આક્રમકતાની ભાવના વિકસે છે

આ ગ્રૂપે એવું સૂચન કર્યું છે કે બાળકોને મારવાને બદલે તેમના ટીવી જોવાનો સમય ઘટાડી દેવો જોઈએ. જોકે બીજા કેટલાંક અભ્યાસમાં એવું પણ દર્શાવાયું છે કે જે બાળકોએ માતા-પિતાની થપ્પડ ખાધી હશે તેઓ તંદુરસ્ત બન્યાં તેવા પણ દાખલા છે. પરંતુ છેલ્લા બે દાયકામાં થયેલા અભ્યાસમાં સંખ્યાબંધ પુરાવાઓ સાંપડયાં છે કે માર મારવાને કારણે બાળકોમાં આક્રમકતાની ભાવના વિકસે છે અને તેઓ બળવાખોર બને છે. આ પહેલાના પણ અભ્યાસમાં એવું દર્શાવાયું હતું કે બાળકોને અપાતી શારીરિક સજાને કારણે તેમના માનસમાં પરિવર્તન આવે છે. બાળકના મગજમાં ગ્રે મેટરનું પ્રમાણ ઘટતાં સ્ટ્રેટ હોર્મોનનો વધારો થાય છે. એકેડમી ઓફ પીડિયાટ્રિક્સની સ્ટડીમાં એવું પણ જણાવાયું છે કે થપ્પડ મારવાના લાંબા ગાળાના પરિણામોમાં આપઘાતની વૃત્તિ, માદક દ્રવ્યોનું બંધાણ અને ગુસ્સો સામેલ છે. એકેડમીએ એવી પણ ચેતવણી ઉચ્ચારી છે કે માતા-પિતાઓએ તેમના બાળકો સાથે મૌખિક ગાળાગાળી ન કરવી જોઈએ. બાળકની સાથે મોખિક ગાળાગાળી કે નજીવી વાતે તેમના પર ગુસ્સે થવું માતા-પિતાને ભારે પડી શકે છે.