તે સિરિયલ કિલર હતો કે પછી પ્રસિદ્ધ સાહિત્યકાર....? - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Sanskar
  • તે સિરિયલ કિલર હતો કે પછી પ્રસિદ્ધ સાહિત્યકાર….?

તે સિરિયલ કિલર હતો કે પછી પ્રસિદ્ધ સાહિત્યકાર….?

 | 3:24 am IST

વિચારદંગલઃ વસંત કામદાર

આપણે અગાઉનાં અંકમાં જોયું કે ઓસ્ટ્રિયામાં થયેલી મહિલાઓની શ્રેણીબદ્ધ હત્યાઓની તપાસ સઘન બનતાં શંકાની સાથે જોન અંટરવીગર તરફ તકાઈ.

જોન અંટરવીગરનું બાળપણ દયાજનક હતું. બીજા વિશ્વયુદ્ધ બાદ સંયુક્ત સેનાએ ૧૦ વર્ષ સુધી ઓસ્ટ્રીયામાં પડાવ નાખી રાખ્યો હતો. આવા સમયે સંયુક્ત સેનાનાં સૈનિકો માટે સ્થાનિક મહિલાઓ એ એકમાત્ર મનોરંજનનું સાધન હતું. સંયુક્ત સેનાનો એક અમેરિકન ઓસ્ટ્રિયાની કોઈ સ્વરૂપવાન લલનાના સંપર્કમાં આવ્યો. એ સંપર્કના પરિણામે અનૌરસ બાળકનો જન્મ થયો. જોકે અમેરિકન અધિકારી અને ઓસ્ટ્રિયન ગણિકા વચ્ચે કેવળ વ્યવસાયિક જાતીય સંબંધો હતા અને તેમાં ભાવનાત્મક પવિત્રતાનો લેશ માત્ર વિચાર નહોતો. એ બંનેની વિચારધારાઓ અને વ્યક્તિત્વો વચ્ચે પણ જમીન-આસમાનનો તફાવત હતો. આથી એ બાળકને પારિવારિક વાત્સલ્ય કે હૂંક મળે એ તો લગભગ અશક્ય હતું. એ બાળકની પાસે પિતાની છત્રછાયા તો હતી જ નહીં અને માતાને પણ તે પોતાના દેહવિક્રયમાં અડચણરૂપ લાગવા લાગ્યું હતું. આથી એક દિવસ એ માતા પોતાના બાળકને તેનાં નાનાનાં ઘેર મૂકીને ચાલી ગઈ. બાળકની કરુણાંતિકા અહીંથી અટકતી નથી. એ કેવળ બે જ વર્ષનું બાળક તેનાં નાનાનાં ઘેર ખાતા પીતા શીખે એ પહેલાં તો નાની નાની ચમચીઓ મારફતે દારૂ તેનાં પેટમાં ઠલવાવા લાગ્યો. તેનાં નાના અઠંગ શરાબી હતા. એ દારૂડિયા ડોસાનો માર ખાઈ ખાઈને મોટો થવા લાગ્યો. જુવાન થતા તેણે પોતાને તરછોડી જનાર દયાહિન માતાની શોધ આદરી. દર-બ-દરની ઠોકરો અને રઝળપાટ પછી તેને તેની માતાની માહિતી મળી. પણ તેનું તો તેનાં કોઈ ગ્રાહકે ખૂન કરી નાંખ્યું હતું. એ જુવાન તેની મા પાસેથી તેણે તેની સાથે સતત કરેલાં અન્યાયનો બદલો લેવો હતો પણ એની એ તીવ્ર ઈચ્છા અધૂરી રહી ગઈ. દેહવિક્રયની પ્રવૃત્તિ માટે પંકાયેલી મા ને શિક્ષા કરવા માટે ઝઝૂમતું એનું અજ્ઞાાત મન ક્યારે હિંસક બની ગયું અને પછી શરૂ થયો આખા યુરોપને કંપાવી દેનારી હત્યાઓની વણથંભી વણઝાર…એ માણસને દરેક સેક્સવર્કરમાં તેની મા દેખાતી અને એ તેની ઉપર પૂરી તાકાતથી તૂટી પડતો…જેણે એનું કશું બગાડયું નહોતું. એવી રૂપલલનાઓ એક પછી એક તેનો શિકાર બનવા લાગી. અને પોલીસ તંત્ર પુરાવાઓની શોધમાં આમતેમ ભટકવા લાગ્યું.

આપણે ગતાંકે જોયુ કે વૃદ્ધ ડિટેક્ટીવ સ્કીનરે અંટરગીર તરફ શંકાની સોય ચીંધી તો ખરી પણ એ વાતને સમર્થન આપે તેવા કોઈ પુરાવા નજરે પડતાં નહોતા. સ્કીનરે વર્ષો પહેલા અંટરવીગરને જેલનાં સળીયા પાછળ મોકલી તો આપ્યો પણ જેલમાં કશુંક માનવામાં ન આવે એવું બનવાનું શરૂ થયું. ૧૯૭૬માં અંટરવીગરે જેલમાં બેઠા બેઠા અચાનક વાંચવાનું અને લખવાનું શરૂ કર્યું. જેલ સત્તાવાળાઓ માટે આ તો નવાઈની વાત હતી. અંટરવીગર તો અભણ હતો અને અચાનક તેનામાં સાહિત્ય પ્રત્યે અભિરુચિ પેદા થઈ હતી. અંટરવીગર જેલમાં જ ભણીગણીને વિદ્વાન થઈ ગયો. તેણે જેલમાં બેઠા બેઠા યુરોપનાં ખ્યાતનામ લેખકોને વાંચી નાંખ્યા અને તેમની લેખનશૈલીઓનો ઊંડાણથી અભ્યાસ કર્યો….અને આખરે એક દિવસ તેણે જાતે પુસ્તક લખ્યું. જેલમાં બેઠા બેઠા જ તેણે એ પુસ્તક માટે પ્રકાશક શોધી કાઢયો અને એ પુસ્તક પ્રકાશિત પણ થયું. હદ તો એ વાતની છે કે અંટરવીગર લિખિત એ પુસ્તક એ સમયનું બેસ્ટ સેલર બની ગયું અને સાહિત્યનાં વર્તુળોમાં તેનાં વિશેની ચર્ચાઓ થવા લાગી. પર્ગેટરી (સ્વર્ગ નર્કમાં જાય તે પહેલાં મૃતાત્મા જ્યાં કામચલાઉ રોકાણ કરે છે એ સ્થળ) જેવું સાંકેતિક નામ ધરાવતી એ નવલકથા વાસ્તવમાં તો તેની આત્મકથા ઉપર જ આધારિત હતી. આ નવલકથાનો ભારે લોકપ્રિયતા પ્રાપ્ત થઈ. એ પછી તેનું બીજુ પુસ્તક ‘એન્ડ સ્ટેશન ઝયુચથાઉસ’ પણ બહાર પડયું. આ એક આત્મવિશ્લેષણ કરાવતું ફિલોસોફિકલ પુસ્તક હતું અને તેને પણ સાહિત્ય રસિકોએ વધાવી લીધું. જેલવાસ દરમિયાન એક ખતરનાક કેદીએ લખેલા આ પુસ્તકને સાહિત્યના અનેક પ્રસિદ્ધ પારિતોષિકો પ્રાપ્ત થયા અને એ સમયનાં સામયિકોમાં એ પુસ્તકનાં વિવેચન છપાવા લાગ્યા.

હવે અંટરવીગર માત્ર કેદી નહોતો. તેની ગણના ઓસ્ટ્રિયાના એક લોકપ્રિય લેખક તરીકે થવા લાગી હતી. લોકો તેનાં પુસ્તકોને તેનાં હૃદય પરિવર્તનના પુરાવા તરીકે મૂલવવા લાગ્યા. ઓસ્ટ્રિયામાં તેની મુક્તિ માટે જન આંદોલન શરૂ થઈ ગયાં. અખબારોમાં તેના ઈન્ટરવ્યૂ છપાવા લાગ્યા. અને આખરે ૨૩ મે ૧૯૯૦ના રોજ સરકારે પ્રજાની માંગણી અને લોકલાગણી સામે ઝૂકવું પડયું અને અંટરવીગરને તેની નિશ્ચિત અવધિ પહેલાં જ જેલમાંથી સન્માનપૂર્વક મુક્ત કરી દેવો પડયો.

જેલમાંથી બહાર આવતાં જ અંટરવીગરનો સાહિત્યની સભાઓનાં આમંત્રણો મળવા લાગ્યા. વિવિધ વિષયો ઉપર તેનાં પ્રવચનો ગોઠવાવા લાગ્યા. લોકો તેને સાંભળવા માટે અને મળવા માટે પડાપડી કરવા લાગ્યાં. સામયિકોમાં તેનાં લેખો તેનાં ફોટા સાથે છપાવા લાગ્યા. તેની એક ગુનેેગાર તરીકેની છબી હવે સંપૂર્ણપણે બદલાઈ ચૂકી હતી. હવે તે જીવનની અને લાગણીઓની આંટીધૂંટીઓને ઊંડાણથી સમજનાર અને સમજાવનાર એક પ્રતિષ્ઠિત લેખક હતો…એટલે હવે તે હત્યાઓ પાછી શરૂ કરે એ વાત કોઈના ગળે સહેલાઈથી ઉતરે તેમ નહોતી.

આ કારણથી વૃદ્ધ ડિટેકટીવ સ્કીનરે અંટરવીગર વિશેની પોતાની શંકા અને તપાસ અંગે ઓસ્ટ્રિયન પોલીસ અધિકારીઓને જણાવ્યું તો ખરું, પણ હવે ઓસ્ટ્રિયાના પ્રસિદ્ધ લેખકને એક હત્યારા તરીકે મૂલવાતાં એ અધિકારીઓ પણ ખચકાઈ રહ્યા હતા. હદ તો એ વાતની હતી કે પત્રકારો અંટરવીગર પાસેથી જ ઓસ્ટ્રિયામાં થઈ રહેલી સેક્સવર્કરની હત્યાઓ વિશે અભિપ્રાય માંગી રહ્યા હતા અને અંટરવીગર પણ બહુ છૂટથી એ હત્યાઓને તથા હત્યારાને શોધવામાં પોલીસને મળેલી નિષ્ફળતાઓને વખોડી રહ્યો હતો. એક વાર તો ટી.વી. ઉપર આ અંગે ગોઠવાયેલી ચર્ચામાં પણ તેને માનભેર બોલાવવામાં આવ્યો અને ત્યાં પણ તેણે ભારે આક્રોશ સાથે એ હત્યાઓનાં વિવિધ પાસાઓ વિશે રજૂઆત કરી.

જોકે સામે પક્ષે પોલીસ પણ જાસૂસ સ્કીનરે વ્યક્ત કરેલી શંકાને સાવ અવગણવા માંગતી નહોતી. કેટલાક પોલીસ અધિકારીઓએ ભારે તકેદારી અને ચૂપકીદી સાથે અંટરવીગરની હિલચાલો ઉપર નજર રાખવાનું શરૂ કર્યું. આ અધિકારીઓમાં ડો.અર્નેસ્ટ ગેઈગર નામનો એક ખૂબ જ વિચક્ષણ જાસૂસ પણ હતો. તેનાં મનમાં અંટરવીગરનું સાહિત્યકાર તરીકેનું રૂપાંતર સહેજ પણ ગોઠવાતું નહોતું એટલે તેણે પોતાની તમામ તાકાત કામે લગાવી અંટરવીગરનો પીછો શરૂ કર્યો. તેણે નોંધ્યું કે અંટરવીગર એક વાર તેનાં લેખનકાર્યનાં સંદર્ભમાં અમેરિકા ગયો ત્યારે તેની ગેરહાજરીમાં ઓસ્ટ્રિયા ખાતે થતી હત્યાઓ અચાનક અટકી ગઈ હતી. તેણે અંટરવીગરની મુસાફરીઓની માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું અને ઊંડી તપાસના અંતે તેણે સાબિત કરી બતાવ્યું કે હત્યાઓના સમયે અંટરવીગર હત્યાના સ્થળે હાજર હતો. તે એ શહેરોમાં સાહિત્યની પ્રવૃત્તિઓ માટે આવ્યો હતો અને લાશ ઉપરથી મળી આવેલા વસ્ત્રના તાંતણાઓ પણ તેના જ હતા. આ ઉપરાંત સાક્ષીઓએ પણ તેને ચાળીસેક વર્ષનાં શંકાસ્પદ મુલાકાતી તરીકે ઓળખી બતાવ્યાં. અંટરવીગરે તેની ધરપકડ ટાળવા માટે અખબારોમાં તથા અન્ય સામયિકોમાં મિત્રોની મદદથી જોરદાર ઝુંબેશ ચલાવી અને પોલીસ કાર્યવાહીને પક્ષપાતી ઠેરવવાની કોશિશ કરી પણ અર્નેસ્ટ ગેઈગરે એકઠા કરેલા થોકબંધ પુરાવાઓ સામે તે બધી જ કોશિશ નિષ્ફળ રહી અને આખરે તેની ઉપર કેસ ચાલ્યો અને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો. તેણે જેલમાં જ પોતાના બૂટની રસી વડે આપઘાત કરી લીધો અને પોતાની સગી જનેતાએ કરેલી ભૂલોની શિક્ષા નિર્દોષ યુવતીઓને કરનાર એક સાઈકીક સિરિયલ કિલરનો ત્યાં અંત આવ્યો…માનવામાં આવે કે તે એક અતિશય વિદ્વાન લેખક પણ હતો…