That's enough to get relief from menstrual distress
  • Home
  • Featured
  • માસિક-ધર્મની તકલીફમાં રાહત મેળવવા કરો બસ આટલું

માસિક-ધર્મની તકલીફમાં રાહત મેળવવા કરો બસ આટલું

 | 11:00 am IST

હેલ્થ । મમતા પંડયા

સ્ત્રીઓમાં માસિક-ધર્મ એ એક એવા અધિકારની મધુર ઘંટડી છે. જેમાં સ્ત્રી ચાહે ત્યારે માતૃત્વનું આયોજન કરી શકે છે. પરંતુ તેની સાથે આવતી અસુવિધા અને તકલીફો આ ઘટનાને એક અપ્રિય અને ડરામણી બાબત બનાવી દે છે. આ તકલીફોમાં રાહત મેળવવા નીચે દર્શાવ્યા પ્રમાણે કરો.

દુખાવામાં રાહત

દુખાવાને દૂર કરવા માટે વપરાતી ગોળીઓને છેલ્લાં ઉપાય તરીકે બાકાત રાખો. આપણું રસોડું ઘણાં એવા મસાલા અને ઔષધો ધરાવે છે. જે માસિક-ધર્મ સાથે આવતી તકલીફોમાં ઉપયોગી છે. હળદર, આદં-સૂંઠ, તુલસી, ફૂદીનો, તજ વગેરેનો કઢી, શાક, સલાડ, સૂપ વગેરેમાં ઉપયોગ કરો. દુખાવાવાળા ભાગમાં ગરમ પાણીની બેગ વડે શેક કરો.

સંતુલિત-આહાર

જરૂરી પોષક-તત્ત્વો ધરાવતો સંતુલિત-આહાર રોજ ખાવો જરૂરી છે. પરંતું માસિક-ધર્મના સમયે કેલ્શિયમ અને લોહતત્ત્વ પૂરતી માત્રામાં મળે તે વધુ જરૂરી હોય છે. કેલ્શિયમ માટે દૂધ, ચીઝ, પનીર અને દહીંનો ઉપયોગ કરો. જો તમે સંપૂર્ણ શાકાહારી (વેગન) હોય તો સોયા-મિલ્ક, તોફુ-પનીર, તોફુ-કર્ડ વગેરેનું સેવન કરો. પાલખમાં રેસા અને ખનિજ-તત્ત્વો મોટી માત્રામાં હોય છે. તેથી તેનું સેવન કરો. જો તમને પાલખનો સ્વાદ ગમતો ના હોય તો તેની પ્યુરી કરીને પાલખ-પનીર અથવા પાલખ-દાળ બનાવીને ખાઓ. ઘઉંના લોટમાં આ પ્યુરી ઉમેરીને પરોઠા બનાવો. નટ્સમાં લોહતત્ત્વ અને એન્ટિ-ઓક્સિડન્ટ્સ હોય છે. તેથી તે ખાઓ.

પાણીનું સેવન

માસિક-ધર્મ દરમિયાન સ્ત્રીનું શરીર ઘણું પાણી ગુમાવે છે. તેથી તેની પૂર્તિ માટે પાણી, ફળો કે શાકના રસ વગેરેનું સેવન કરો. ગ્રીન-ટી પીઓ. કેફીન આ સમયમાં ફાયદાકારક ના હોવાને કારણે તેનો ઉપયોગ મર્યાદિત માત્રામાં કરો. ચા-કોફી ઓછા પીઓ.

હળવી કસરતો

આ સમયે વજન ઊંચકવાની કે અન્ય ભારે કસરતો કરવી યોગ્ય નથી. તેથી સવારે કે સાંજે ખુલ્લી હવામાં ચાલો. યોગાભ્યાસના હળવા આસનો કરી શકાય. નિષ્ણાતની સલાહ લો. હળવી કસરત કરવાથી દુખાવામાં રાહત મળશે.

સ્વચ્છતા

માસિક-ધર્મ સમયે સ્વચ્છતા રાખવી અત્યંત જરૂરી છે. સ્વચ્છતાના અભાવે બીજા ચેપો લાગી શકે છે. જે તમારી તકલીફમાં વધારો કરશે. સારી કવોલિટીવાળા સેનિટરી-નેપ્કિન્સનો ઉપયોગ કરો અને વધુ રક્તસ્ત્રાવ હોય ત્યારે તેને વારંવાર બદલતા રહો. નોધો અને તેની નજીકના ભાગોને ધોઇને સ્વચ્છ રાખો. વધુ દુખાવો કે અસ્વાભાવિક સ્ત્રાવની સ્થિતિમાં ગાયનેકોલોજિસ્ટની સલાહ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન