the-13th-part-of-novel-swayamprabha-by-devendra-patel
  • Home
  • Supplements
  • Sanskar
  • સ્વયંપ્રભા પ્રકરણ-13 : બહેન, થોડી વાર માટે મારે તારી સાથે રહેવું છે, તારી બાજુમાં સૂઈ જવા દે…

સ્વયંપ્રભા પ્રકરણ-13 : બહેન, થોડી વાર માટે મારે તારી સાથે રહેવું છે, તારી બાજુમાં સૂઈ જવા દે…

 | 10:09 am IST
  • Share

નવલકથા :- પ્રકરણ-૧૩

સાંજ પડવા આવી હતી.

એક ભયાનક વાવાઝોડું આવીને સમાપ્ત થઈ ગયું હોય તેવો સન્નાટો વસંતરાયના ઘરમાં છવાયેલો હતો. ઘર રંગાયેલું હતું. દીવાલ પર રિવાજ મુજબ ‘અમારી સુપુત્રી સ્વયંપ્રભાનાં શેઠ સાંકળચંદના સુપુત્ર કિરણ સાથે વસંતપંચમીના દિવસે શુભ લગ્ન નિરધાર્યાં છે’ એવું લખાણ લખેલું હતું. થોડા વખત પહેલાં તો ઘર આખું મહેમાનોથી ભરેલું હતું. મહેમાનો હવે વિખરાઈ રહ્યા હતા. ગોર મહારાજ અને ગામના બે ચાર આગેવાનો હજુ પરસાળમાં બેઠેલા હતા. સરપંચ માવજીભાઈ પટેલે કહ્યું: ‘વસંતરાય, તમે તો જબરો વટ રાખ્યો. રાવ સાહેબના ઘરવાળાઓએ સગાઈ તોડી નાંખી તો શું થઈ ગયું? તમે નિર્ધારિત તિથિએ જ સ્વયંપ્રભાને સાંકળચંદ જેવા ખાનદાન પરિવારના ભણેલાગણેલા પુત્ર સાથે દીકરીને પરણાવી દીધી. તમારી જગાએ બીજો કોઈ હોય તો ભાંગી જ પડે.

વસંતરાય હીંચકેથી જ બોલ્યાઃ ‘ઈશ્વરની એવી મરજી હશે. પણ તમે તમારાં ભાભીને સમજાવો કે એની પુત્રી સારા ઘરે જ પરણી છે. મનમાં કોઈ જ દુઃખ ન લાવે. જમાઈ કિરણ પણ એક ભણેલોગણેલો યુવાન છે. કોલેજમાં ભણાવે છે. સો વીઘા જમીનનો માલિક છે વળી ગામમાં જ તેનું ઘર છે. ગામમાં જ પિયર અને ગામમાં જ સાસરું…એથી રૂડું શું?’

એ બોલતી વખતે એમની નજર એમનાં પત્ની વાસંતીબહેન પર હતી. વાસંતીબહેન પરસાળમાં લટકતી પેટ્રોમેક્સ તરફ જોઈ રહ્યાં હતાં.

સરપંચ બોલ્યાઃ ‘ભાભી, કોઈ ચિંતા ન કરો. સ્વયંપ્રભાને સારું જ મળ્યું છે. કેમ ગોર મહારાજ?’

સામેની પાટ પર બેઠેલા ગોર મહારાજ બોલ્યાઃ ‘હા ભાભી, દીકરીને સારું જ મળ્યું છે. કહેવાય છે કે લગ્નો તો સ્વર્ગમાંથી જ નક્કી થયેલાં હોય છે, ધરતી પર તો માત્ર વિધિવિધાન જ થાય છે.’

ના રહેવાતાં વાસંતીબહેન છેવટે બોલ્યાં: ‘મહારાજ, સગાઈ તૂટી ગયા બાદ તમારા ભાઈએ કરેલા નિર્ણયથી અમારી સમાજમાં આબરૂ તો સચવાઈ ગઈ પરંતુ મારી સ્વયંપ્રભા સુખી તો થશેને!’

ગોર મહારાજ બોલ્યાઃ ‘ભાભી, સુખ અને દુઃખ એ તો ઉપરવાળાના હાથમાં છે. દુઃખ તો ભગવાને પણ માનવ અવતાર લઈને સહન કર્યાં છે. ભગવાન શ્રી રામનો જે દિવસે રાજ્યાભિષેક થવાનો હતો તે દિવસે જ તેમને વનમાં જવું પડયું. પુત્રવિરહમાં રાજા દશરથે પ્રાણ ત્યજી દીધા. ભગવાન હોવા છતાં રામે વર્ષો સુધી વનમાં ભટકવું પડયું. રાવણ સાથે યુદ્ધ કરવું પડયું. ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની નજર સમક્ષ જ યાદવોનો નરસંહાર જોવો પડયો. જન્મની સાથે જ માતા દેવકીથી દૂર થવું પડયું. અંતે એક પારધીની ભૂલના કારણે પગમાં લાગેલા તીરને નિમિત્ત બનાવી ભગવાન સ્વધામ પણ પધાર્યા. દેવોના દેવ મહાદેવ પણ સ્મશાનભૂમિની રાખ દેહ પર લગાડતા રહ્યા. એ બધાએ પણ દુઃખો જ સહન કરીને દુનિયાને એક જ સંદેશો આપ્યો છે કે સંસાર દુઃખમય છે અને શરીર ક્ષણભંગુર છે.’

વાસંતીબહેન બોલ્યાં: ‘પણ શું સમજું?’

ગોર મહારાજ બોલ્યાઃ ‘બસ, એટલું જ સમજી લો કે તમારી સ્વયંપ્રભા એક તપસ્વિની જેવી હશે. આવનારાં અનેક વર્ષો સુધી આસપાસનાં સો ગામોના લોકો માટે સ્વયંપ્રભા એક આદર્શ સ્ત્રી હશે. સ્વયંપ્રભા સુખી થશે કે દુઃખી એ તો ઉપરવાળાના હાથની વાત છે પરંતુ તે આ મલકની શાન હશે. આવી પુત્રીનાં માતા-પિતા બનવું તે પણ એક ગૌરવની વાત છે.’

સરપંચ માધવભાઈ પટેલ બોલ્યાઃ ‘હા, સાચી વાત છે. ભાભી, સ્વયંપ્રભા જેવી પુત્રી ભાગ્યશાળીને જ મળે. ચાલો, હું જાઉં છું. તમે બધા થાકી ગયા હશો હવે આરામ કરો.’

કહેતાં બધા ઊભા થયા અને વિદાય લઈ પોતપોતાના ઘરે જવા નીકળ્યા.

એ બધાના ગયા બાદ વાસંતીબહેન બોલ્યાં: ‘સ્વાતિ ઉપરના રૂમમાંથી હજુ નીચે આવી નથી.’

‘એને બોલાવો’: વસંતરાય બોલ્યા

વાસંતીબહેને કહ્યું: ‘એ ઉપરના રૂમમાં બારણું બંધ કરીને રડયા કરે છે. બહાર જ આવતી નથી.’

વસંતરાય જાતે ઉપરના રૂમ તરફ ગયા. એમણે મેડી પરના એ રૂમનું બારણું ખટખટાવ્યું જે રૂમમાં તે અને સ્વયંપ્રભા સાથે જ સૂઈ જતા હતાં. કેટલીક વાર બાદ સ્વાતિએ બારણું ખોલ્યું: રડતાં રડતાં જ તે બહાર આવી. પિતાએ એને છાતીસરસી ચાંપી દેતાં તેના માથે હાથ ફેરવ્યો.

સ્વાતિ બોલીઃ ‘હું આજે બહેન વગર એકલી કેવી રીતે સૂઈ શકીશ?’ રોજ હું એને વળગીને સૂઈ જતી હતી. એ કાયમ મારી પીઠ પર હાથ ફેરવીને મને સુવાડી દેતી હતી. મારે થોડી વાર માટે પણ એની પાસે જવું છે.

વસંતરાય બોલ્યાઃ ‘જો બેટા, હવે તે પરણીને જતી રહી છે. તારે પણ હવે લગ્ન કરીને એક દિવસ જવાનું છે. એક કામ કર, આજે તું મંદિરમાં જા. આજે સ્વયંપ્રભા કદાચ મંદિરમાં જઈ શકી નહીં હોય. જો આરતી થઈ રહી છે. તું મંદિરે જઈ અમારા માટે ભગવાનનો પ્રસાદ લઈ આવ…બેટા, મારું આટલું કામ કરીશ?’

સ્વાતિએ રડતાં રડતાં જ મોં હલાવી હા પાડી. અને પિતાથી અળગી થઈ મેડીએથી નીચે ઊતરી. બહાર હવે કોઈ મહેમાન નહોતા. સ્વાતિએ ડેલીની બહાર નીકળી મંદિર તરફ જવાનો રસ્તો લીધો.

બરાબર એ જ સમયે ગામના મંદિરમાં રોજની જેમ ફરી એક વાર સાંધ્યઆરતીનો ઘંટારવ સંભળાયો. બહાર અંધારું થવા આવ્યું હતું.

કિરણનું ડેલીબંધ મકાન.  

અહીંથી પણ બધા મહેમાનો હવે પોતપોતાના ઘરે જવા રવાના થઈ ગયા હતા. કિરણના ડેલીબંધ મકાનમાં જલતી પેટ્રોમેક્સ પણ હવે ઝાંખી થવા આવી હતી. સ્વયંપ્રભા એ જ ઊંચા મકાનની મેડી પરના શયનખંડમાં વસ્ત્રો બદલી રહી હતી. નીચે પરસાળમાં કિરણ હવે એકલો હતો. એણે બચપણમાં જ માતા-પિતા ગુમાવ્યાં હતાં છતાં દુઃખો સામે ઝઝૂમીને પહાડની જેમ ઊભો રહી જિંદગી વીતાવી રહ્યો હતો એ હવે ઉપરની મેડી પર જાય એ પહેલાં પેટ્રોમેક્સ બુઝાવવા એ તરફ ગયો એ વખતે જ એની ડેલીના મુખ્ય દ્વાર પરની સાંકળ ખખડતી હોય એવો અવાજ સાંભળ્યો. એ મનોમન બબડયો. હવે અત્યારે કોણ હશે?

એવું વિચારતાં એ ડેલીનું બારણું ખોલવા ગયો. બારણું ખોલ્યું. જોયું તો સામે સ્વાતિ ઊભી હતી. એ બોલ્યોઃ ‘સ્વાતિ…તું?’

‘હા…જીજાજી, હું મંદિરમાં ગઈ હતી. આજે આટલાં વર્ષોમાં પહેલી જ વાર મારી બહેન આરતી સમયે મંદિરમાં નહોતી એટલે હું ગઈ. મંદિરમાંથી આ પ્રસાદ લાવી છું. લો…આ પ્રસાદ!’

કહેતાં એણે કિરણને પ્રસાદ આપ્યો. કિરણે પ્રસાદ લઈ લીધો. સ્વાતિ બોલીઃ ‘મારી બહેન ક્યાં?’

‘એ ઉપરના રૂમમાં છે.’

‘હું એને મળવા જઈ શકું?’

‘સ્વાતિ, આ તારું જ ઘર છે. મારા ઘરમાં તારે ક્યાંય પણ જવા માટે મારી પરવાનગીની જરૂર નથી.’

‘ના…મારે હજુ એક પરવાનગીની જરૂર છે.’

‘કઈ?’

‘હું અને મારી બહેન આખી જિંદગી સાથે જ ઉછર્યાં છીએ. અમે સાથે જ રમ્યા છીએ. સાથે જ તોફાન-મસ્તી કરી છે અને…?’

‘અને શું?’

‘જીજાજી, એક વાત કહું તમને? હું કદી એકલી સૂતી નથી. હું મારી બહેનની સાથે જ સૂઈ જતી હતી. હું એની સોડમાં ભરાઈ જતી હતી. એ મારી પીઠ પંપાળતી અને મને એક માની જેમ ઉંઘાડી દેતી હતી. આજે પણ મારે થોડી વાર માટે સ્વયંપ્રભા સાથે સૂઈ જવું છે.’

કિરણ બોલ્યોઃ ‘હા…સ્વાતિ. તારી બહેન પર એ અધિકાર આજે પણ કાયમ છે. તું ખુશીથી ઉપર જા…તારે જેટલી વાર સુધી એની સાથે રહેવું હોય તેટલી વાર રહે…મને તો ખુશી થશે.’

અને સ્વાતિ કિરણની પરવાનગી લઈ મેડી પરના ઉપરના રૂમમાં ગઈ.

મેડી પરના ઉપરના શયનખંડનું બારણું ખુલ્લું જ હતું. શયનખંડની દીવાલ પર એક કલાત્મક લેમ્પ પ્રજ્વલિત હતો. સ્વાતિ એ શયનખંડમાં પ્રવેશી. સ્વયંપ્રભા એકલી જ પલંગમાં બેઠેલી હતી. એણે સ્વાતિને પ્રવેશતી જોઈ આશ્ચર્યથી

પૂછયું: ‘સ્વાતિ તું?’

સ્વાતિ બોલીઃ ‘હા…બહેન, આજે હું મંદિરમાં ગઈ હતી. સાંજની આરતીનો પ્રસાદ લાવી છું. તું પણ લે.’

‘હા…લાવ!’

સ્વાતિએ સ્વયંપ્રભાને પ્રસાદ આપ્યો અને પ્રસાદનો પડિયો બાજુના ટેબલ પર મૂક્યો.

સ્વાતિ બોલીઃ ‘હું તારી બાજુમાં બેસી શકું બહેન?’

‘હા.’ પણ તારી આંખો તો જો કેટલું બધું રડી છે તું? તારી આંખો સૂજી ગઈ છે.

‘રડું નહીં તો શું કરું? કેટલું બધું બની ગયું? તારી સગાઈ તૂટી ગઈ. એ જ મુહૂર્તે લગ્ન થઈ ગયાં. તું મારાથી વિખૂટી પડી ગઈ. હવે હું એકલી ઘરમાં શું કરીશ?’

‘તારે પણ એક દિવસ લગ્ન કરીને પિતાનું ઘર છોડવાનું જ છે ને!’

સ્વાતિ મૌન રહી.

‘કેમ, કાંઈ બોલી નહીં?’

‘શું બોલું?’

‘મેં કહ્યું કે તારે પણ એક દિવસ લગ્ન કરીને પિતાનું ઘર છોડવાનું છે!’

સ્વાતિ બોલીઃ ‘એ તો સમય નક્કી કરશે. પણ આજે મારી એક અભિલાષા છેલ્લી વાર પૂરી કરીશ, બહેન?’

‘કઈ?’

‘બહેન, આજે મારે છેલ્લી વાર થોડી જ વાર માટે તારી સાથે રહેવું છે. મને તારી બાજુમાં સૂઈ જવા દે. મારી પીઠ પર રોજની જેમ હાથ ફેરવ. થોડી વાર માટે જ. પછી હું જતી રહીશ. થોડી જ વારમાં જતી રહીશ.’

અને સ્વયંપ્રભાએ સ્વાતિને તેની સોડમાં સુવરાવી દીધી. એક નાનકડી બાળકી એની માને વળગી પડતી હોય તેમ સ્વાતિ તેની બહેનને વળગી પડી. હવે સ્વયંપ્રભાનો હાથ સ્વાતિની પીઠ પર ફરી રહ્યો.

અને થોડી જ વારમાં સ્વાતિ ધીમેથી ઊભી થઈ. સ્વયંપ્રભાને વહાલ કરી પ્રસાદનો પડિયો હાથમાં લીધો અને બોલીઃ ‘હું જાઉં બહેન, બા-બાપુ મારી રાહ જોતાં હશે.’

સ્વયંપ્રભાએ મોં હલાવી અનુમતી આપી અને બીજી જ ક્ષણે સ્વાતિ શયનખંડમાંથી બહાર નીકળી ગઈ.

નીચે આવી એણે જીજાજી કિરણની રજા લીધી. સ્વાતિના ગયા બાદ કિરણે ડેલીનો દરવાજો બંધ કરી દીધો. બહાર અંધારું હવે વધુ પ્રગાઢ બન્યું હતું.

રાતના અંધારામાં હવે સ્વાતિ તેના ઘર તરફ જઈ રહી હતી. ફળિયામાં લોકોની અવરજવર ઘટી ગઈ હતી. રાતનું વધેલું ખાવાનું માંગવા કેટલાક ભિક્ષુકો રોજની જેમ આજે પણ ટહેલ નાંખતા હતા. સ્વાતિ હાથમાં પ્રસાદનો પડિયો લઈ તેના ઘર તરફ જઈ રહી હતી ત્યાં જ પાછળથી કોઈ બોલ્યું: ‘સ્વાતિ!’

સ્વાતિએ પાછળ જોયું તો સુકુમાર હતો. એ બોલીઃ ‘સુકુમાર…તું?’

‘હા…’

‘તું અહીં ક્યાંથી?’

‘તને શોધતો શોધતો અહીં આવ્યો…હું તને શોધવા મંદિરમાં ગયો હતો. આરતી વખતે હું મોડો પડયો પણ મને ખબર પડી એટલે તારી પાછળ પાછળ જ હું અહીં આવ્યો. તને તારા જાજીજાની ડેલીમાં પ્રવેશતી જોઈને હું બહાર જ તારી રાહ જોતો ઊભો રહ્યો’: સુકુમાર બોલ્યો.

‘ઓહ!’

સુકુમારે પૂછયું: ‘મને પ્રસાદ નહીં આપે?’

‘હા…આપીશને!’: કહેતાં સ્વાતિએ થોડો પ્રસાદ સુકુમારને આપ્યો અને બોલીઃ ‘હવે થોડો જ વધ્યો છે. જે મારાં બા-બાપુજી માટે છે.’

સુકુમાર બોલ્યોઃ ‘કેમ છે.સ્વયંપ્રભા?’

‘ઠીક છે.’

‘એની શાશ્વત સાથેની સગાઈ તૂટી ગઈ અને એ જ મુહૂર્તે પરણી પણ ખરી. એ સ્વસ્થ છે?’

‘મારી બહેેન જેવું આ જગતમાં કોઈ જ નથી. અને થશે પણ નહીં.’

‘એટલે?’

સ્વાતિ બોલીઃ ‘એ એક શક્તિશાળી સ્ત્રી છે…પેલી સ્તુતિ યાદ છેને…યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ આ સહુથી શક્તિશાળી દેવીમંત્ર છે. મા દુર્ગાનો આ મંત્ર છે.’

‘બસ, મારી બહેન પણ એવી જ એક પવિત્ર અને શક્તિશાળી સાક્ષાત્ જગતજનની માતાનો જ અવતાર છે. એની પર ગમે તેટલી મુશ્કેલીઓ આવશે તેને કોઈ પરાજિત કરાવી શકશે નહીં. તે શરીરથી અબળા છે પણ હૃદય અને આત્માથી શક્તિશાળી નારી છે. મને તેની બહેન હોવાનો ગર્વ છે.’

સુકુમાર બોલ્યોઃ ‘હા…સ્વાતિ, આજે આખા ગામમાં એક જ વાત છે કે શાશ્વતે સગાઈ તોડી નાંખી છતાં લેવાયેલા મુહૂર્તે જ તારા પિતાએ એવા જ બીજા એક ખાનદાન પરિવારના પુત્ર સાથે સ્વયંપ્રભાને પરણાવી દીધી અને સ્વયંપ્રભા સંમત પણ થઈ ગઈ…શી ઈઝ ગ્રેટ.’

‘હા, સુકુમાર…શી ઈઝ ગ્રેટ…અમારા ગોર મહારાજ પણ કહેતા હતા કે સ્વયંપ્રભાનું જીવન એક તપસ્વિની જેવું હશે.’

‘પણ એ તો પરણી ગઈ…તો તપસ્વિની કેવી રીતેઃ સુકુમારે પ્રશ્ન કર્યો.’

સ્વાતિ બોલીઃ ‘એ તને નહીં સમજાય!’

‘તો તું સમજાવને!’

‘ના…આજે નહીં સમય આવે તને બધું સમજાઈ જશે.’

‘એટલે તે લગ્ન પછી પણ તપસ્વિની જેવું જીવન ગાળશે?’

સ્વાતિ બોલીઃ ‘મારી બહેનને સમજવા આખું જગત નાનું પડે…હું એને સમજી શકું છું, કારણ કે હું એની બહેન છું. અમારાં ખોળિયાં જ જુદાં છે પણ અમારો આત્મા એક જ છે. અમારાં હૃદય એક છે. અમારા બંનેનાં શરીરમાં એક જ લોહી વહે છે. એના સુખે હું સુખી અને એના દુઃખે હું દુઃખી.’

સુકુમાર કાંઈક સમજ્યો અને વધુ સમજવા કોશિશ કરી રહ્યો. કેટલીક વાર બાદ બોલ્યોઃ ‘ઠીક છે, સ્વાતિ. તારી બહેન તો પરણી ગઈ…હવે આપણે ક્યારે…?’

સ્વાતિ બોલીઃ ‘મેં કહ્યુંને કે મારી બહેનના સુખે હું સુખી અને એના દુઃખે હું પણ દુઃખ ભોગવતી રહીશ. અત્યારે તું જા…મારે ઘેર જવામાં મોડું થાય છે. ગૂડ નાઈટ.’

એટલું કહીને સ્વાતિ અંધારામાં એના મહોલ્લા તરફ રવાના થઈ. સુકુમારને સ્વાતિની વાત કાંઈક ન પણ સમજાઈ.

સમસમ રાત આગળ વધી રહી છે.

કિરણે ડેલીના દરવાજા હવે બંધ કરી દીધા હતા. એણે નીચેની પેટ્રોમેક્સ પણ બુઝાવી દીધી અને તે હવે લગ્નની પ્રથમ રાત્રિએ ડેલીની મેડીએ શયનખંડમાં જવા લાકડાની સીડી ચડી રહ્યો. એ ઉપર ગયો. એણે જોયું તો શયનખંડમાં દીવાલ પરનો લેમ્પ પ્રજ્વલિત હતો. એ પલંગ પર બેઠેલી સ્વયંપ્રભાને જોઈ રહ્યો. સ્વયંપ્રભા સાક્ષાત્ તપસ્વિની-તેજસ્વી દેવી જેવી લાગતી હતી.’

(ક્રમશઃ)

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો