The 15th part of novel savyamprabha by Devendra Patel
  • Home
  • Supplements
  • Sanskar
  • સ્વયંપ્રભા પ્રકરણ-15: ‘અમારી બે બહેનોની બધી વાતો તમને ના કહેવાય’

સ્વયંપ્રભા પ્રકરણ-15: ‘અમારી બે બહેનોની બધી વાતો તમને ના કહેવાય’

 | 12:19 am IST
  • Share

નવલકથા

પ્રકરણ-૧૫

સવાર પડી.

રામપુરની પૂર્વ દિશામાંથી હજુ હમણાં જ ઊગેલો સૂરજ સોનેરી કિરણોથી ગામને સુશોભિત કરી રહ્યો. ગામના કૂકડા તો ક્યારનાયે બાંગ પોકારી રહ્યા હતા. મંદિરમાં પૂજારીજીએ ભગવાનને ક્યારનાયે જગાડી દીધા હતા. તળાવની પાળ પર આવેલા પીપળાનાં વૃક્ષો પર પક્ષીઓ કલરવ કરી રહ્યાં હતાં.

સાંકળચંદની ડેલીનો મુખ્ય દરવાજો હજુ બંધ હતો. ઉપરની મેડી પરના શયનખંડમાં સૂતેલો કિરણ હજુ હમણાં જ જાગ્યો. એણે જોયું તો સ્વયંપ્રભા એની બાજુમાં નહોતી. એ સમજી ગયો કે સ્વયંપ્રભા વહેલી ઊઠી ગઈ હોવી જોઈએ. એણે બૂમ મારીઃ ‘સ્વયંપ્રભા…!’

કોઈ જવાબ ન મળ્યો.

એણે શયનખંડના ઝરુખાનું બારણું ખોલી બાલ્કનીમાં જઈ જોયું તો નીચે ડેલીના પ્રાંગણમાં સ્વયંપ્રભા તુલસીક્યારાને પાણી રેડી રહી હતી. એ ફરી બોલ્યોઃ ‘સ્વયંપ્રભા’.

સ્વયંપ્રભા બોલીઃ ‘મોં ધોઈને નીચે આવો. ચા બનાવું છું.’

કિરણ બાથરૂમમાં ગયો. કેટલીક વાર બાદ તે નીચે ગયો. બેઠકરૂમમાં ટિપોય પર એક ટ્રેમાં ચા મૂકીને સ્વયંપ્રભા તેનો ઇંતજાર કરી રહી હતી.

સોફા પર બેસતાં કિરણ બોલ્યોઃ ‘વહેલા જાગી ગઈ?’

‘હા…હું રોજ વહેલા જ ઊઠું છું. મહાભારતમાં પણ દ્રૌપદીએ આદર્શ પત્ની બનવા જે સૂચનો કર્યાં છે તેમાં એક આ પણ છે કે પતિ જાગે તે પહેલાં પત્નીએ ઊઠી જવું જોઈએ.’

‘બીજું શું કહ્યું છે દ્રૌપદીએ? અને આવું ક્યારે ને કોને કહ્યું’: કિરણે જિજ્ઞાસા વ્યક્ત કરી.

સ્વયંપ્રભાએ પણ સોફા પર સામે જ બેસતાં કહ્યું: ‘જુઓ કિરણ, મહાભારતમાં આવતી આ વાત છે. ભગવાન કૃષ્ણને દ્રૌપદી સખા કહીને બોલાવતા હતાં. એક વાર ભગવાન શ્રીકૃષ્ણનાં પત્ની રાણી સત્યભામા તેમના પતિ સાથે હસ્તિનાપુર ગયાં. એ વખતે દ્રૌપદીના કક્ષમાં જઈ સત્યભામાએ દ્રૌપદીને પૂછયું કે તમે પાંચ પાંચ પતિઓને ખુશ કેવી રીતે રાખી શકો છો? તો દ્રૌપદીએ સત્યભામાને એક આદર્શ પત્ની બનવાની સાત સલાહ આપી. દ્રૌપદીએ સત્યભામાને કહ્યું: ‘જુઓ દરેક અર્ધાંગિનીએ આ સાત નિયમોનું પાલન કરવું જોઈએ. પહેલાં તો વિવાહિતા સ્ત્રીએ તેના પતિને વશમાં કરવા કદી કોશિશ કરવી જોઈએ નહીં. કેટલીક સ્ત્રીઓ પતિને વશમાં કરવા મંત્ર તંત્ર કે ઔષધિનો સહારો લે છે, તે યોગ્ય નથી. જે દિવસે પતિને એ વાતની ખબર પડી જાય તે દિવસથી પતિ નારાજ થઈ જશે અને તેનો પ્રેમ સ્થિર નહીં હોય. હવે બીજો નિયમ. પરિણીતાએ તેના પતિના પરિવારના તમામ સગાંસંબંધીઓની જાણકારી મેળવી લેવી જોઈએ, કારણ કે એમાંથી એક પણ સંબંધ ભૂલી જવાય તો તે સંબંધ પારિવારિક સંબંધ બગાડી શકે છે. હવે ત્રીજી વાત. પરિણીતાએ કદી કોઈ એવી વાત ન કરવી જોઈએ કે જેથી કોઈનું અપમાન કે અવમાનના થાય. હવે ચોથી વાત. કોઈપણ કામમાં આળસ કરવી નહીં.’

‘એટલે જ આજે તું વહેલી ઊઠી?’

‘હા’: કહેતા સ્વયંપ્રભા બોલીઃ ‘એટલે જ સવારે ઊઠવામાં મેં આળસ કરી નહીં. હવે પાંચમી વાત. પરિણીતાએ તેના ઘરના દરવાજામાં કે ઝરુખામાં જઈ વારંવાર ઊભા રહેવું જોઈએ નહીં. આમ કરવાવાળી સ્ત્રીઓની છબી સમાજમાં ખરાબ ઉપસે છે તેમ દ્રૌપદીએ સત્યભામાને કહ્યું. હવે છઠ્ઠી વાત. સુખી અને સ્વસ્થ વૈવાહિક જીવન માટે પરિણીતાએ ખરાબ ચારિત્ર્યની સ્ત્રીને કદીયે સખી બનાવવી જોઈએ નહીં. ખોટું આચરણ કરનારી સ્ત્રીઓથી દૂર રહેવું જોઈએ અને હવે દ્રૌપદીની છેલ્લી અને સાતમી સલાહ. દ્રૌપદી કહે છે કે વિવાહિતા સ્ત્રીએ કદીયે ક્રોધ કરવો જોઈએ નહીં. પરાયા લોકો સાથે વ્યર્થ વાતો કરવાથી દૂર રહેવું જોેઈએ…’

કિરણ બોલી ઊઠયોઃ ‘એક્સલન્ટ…’

સ્વયંપ્રભા બોલીઃ ‘દ્રૌપદી અત્યંત સ્વરૂપવાન હોવા ઉપરાંત બુદ્ધિમાન પણ હતી. જ્યારે પણ પાંડવો કમજોર પડયા કે સંશયમાં આવી ગયા ત્યારે દ્રૌપદીએ જ તેમનામાં આત્મવિશ્વાસ જગાડયો. ક્યાં, ક્યારે અને શું બોલવું તે વાત તે જાણતી હતી. તે યજ્ઞામાંથી પેદા થયેલા હોઈ તે યજ્ઞાસેની તરીકે પણ જાણીતા છે. તે પણ શ્યામ હતી તેથી તે કૃષ્ણા પણ કહેવાયા. એમના શરીરમાંથી નીકળતી પરિમલ પચાસ કોસ સુધી ફેલાતી હતી. આવા દ્રૌપદીએ ભગવાન કૃષ્ણનાં પત્ની રાણી સત્યભામાને કહ્યું હતું કે, હું અહંકાર અને ક્રોધથી દૂર રહું છું. મારા પતિઓને કડવી વાતો હું કદી કરતી નથી. મારા પાંચેય પતિના સંકેતમાત્રનું અનુસરણ કરું છું. મારા મનને પાંડવો સિવાય બીજા કોઈનીયે પ્રત્યે આકર્ષિત થવા દેતી નથી. પતિઓ ભોજન કરી લે તે પછી જ હું ભોજન કરું છું. મારા પતિ જે ચીજ ખાતા નથી તે ચીજ હું પણ ખાતી નથી. મારા પતિઓને પ્રેમથી જમાડું છું.’ આ બધું વિવરણ મહાભારતના વનપર્વમાં છે જેમાં દ્રૌપદીએ સત્યભામાને સુખી દામ્પત્યજીવનના નિયમો સમજાવ્યા હતા.’

કિરણ બોલ્યોઃ ‘અત્યંત સુંદર’

સ્વયંપ્રભા બોલીઃ ‘હું પણ દ્રૌપદીએ કહેલા સુખી દામ્પત્યજીવનના નિયમોનું પાલન કરીશ.’

‘અને મારા માટે શું સલાહ છે? મારે કયા નિયમોનું પાલન કરવાનું છે?’

સ્વયંપ્રભા બોલીઃ ‘તમારી પત્નીમાં વિશ્વાસ મૂકો. ભૂતકાળની વાત કદીયે ના ઉલેચો. વર્તમાનમાં જીવો અને ભવિષ્યની ચિંતા ન કરો. માનવજીવન અનિશ્ચિતતાઓથી ભરેલું છે. ક્યારે શું થશે એની કોઈનેય ખબર નથી.’

‘તો હવે હું શું કરું?’

‘હવે તમે સ્નાન કરી લો.’

‘તું પાણી રેડ. હું નાહી લઉં.’

સ્વયંપ્રભા બોલીઃ ‘કેમ એક અધ્યાપક થઈને આવા ‘નોટી’ બની ગયા?’

‘કેમ એક અધ્યાપકને સહેજ મસ્તીખોર બનવાની પરવાનગી નથી?’

‘છે.’

‘તો હું બાથરૂમમાં જાઉં છું. તું આવે છેને!’

સ્વયંપ્રભા કૃત્રિમ ગુસ્સો કરતાં બોલીઃ ‘તમે જાવ અહીંથી નહીંતર…?’

‘નહીંતર શું?’

‘હું દ્રૌપદીને બોલાવીશ કે પતિ સવાર સવારમાં ‘નોટી’ થઈ જાય તો એક પત્નીએ શું કરવું?’

‘બીજું શું કરવાનું?’ પતિ કહે તેમ જ વળી?

‘સારું તમે જાવ…હું રાણી દ્રૌપદીને પૂછીને આવું છું.’ : કહેતા સ્વયંપ્રભા હસી રહી.

કિરણ પણ હસી પડયો અને ઘરમાં એક સુખી દામ્પત્યની દિવ્ય જ્યોતિ જાણે કે પ્રકાશ રેલાવી રહી.

૦ ૦ ૦

સાંજનો સમય છે.

રામપુર ફરી એક વાર અસ્તાચળના આંચળા હેઠળ ઢંકાવા લાગ્યું. ચંદુ ગોવાળ પણ ધૂળ ઉડાડતી ગાયોનું ધણ લઈને ક્યારનોય ગામમાં પાછો આવી ગયો હતો. ગોરધનદાસ મહારાજે રામજી મંદિરમાં સાંધ્યઆરતી શરૂ કરી. નગારું પીટાવા લાગ્યું: ઘંટારવથી મંદિરમાં એક અનોખું વાતાવરણ પેદા થયું. સ્વયંપ્રભા આજે એટલે કે લગ્નના બીજા દિવસે રોજની જેમ ફરી મંદિરમાં આરતી સમયે ઉપસ્થિત રહી. આ આરતી પૂરી થયા પછી એણે જ બધાને પ્રસાદ વહેંચ્યો. કિરણ માટે પણ હાથમાં પ્રસાદ લઈ એ ઘેર પહોંચી.

કિરણ પરસાળમાં એક ખુરશીમાં બેઠેલો હતો. ડેલીની અંદરના વિશાળ પ્રાંગણમાં મોટું ફાનસ લટકાવેલું હતું. કિરણે પૂછયું: ‘આવી ગઈ સ્વયંપ્રભા.’

‘હા…તમારા માટે પ્રસાદ લાવી છું.’ કહેતાં એણે કિરણને પ્રસાદ આપ્યો.

‘અને મારા માટે નહીં?’: પાછળથી આવેલો અવાજ સાંભળી સ્વયંપ્રભાએ જોયું તો તેની પાછળ સ્વાતિ ઊભી હતી.

સ્વયંપ્રભા બોલીઃ ‘સ્વાતિ…તું?’

‘હા, હું…મને પણ પ્રસાદ આપ?’: સ્વાતિ બોલી.

સ્વયંપ્રભાએ હસીને સ્વાતિને પણ પ્રસાદ આપ્યો. સ્વાતિ બોલીઃ ‘તારી દરેક ચીજમાં મારો ભાગ…યાદ છેને!’

સ્વયંપ્રભાએ હસીને કહ્યું: ‘હા…’

કિરણ સ્વાતિ સામે જોઈ રહ્યો અને એણે સ્વાતિને પૂછયું: ‘કાલે તો તું આવી હતી. આજે ફરી શું કામ પડયું?’

સ્વાતિ કિરણની બાજુની જ ખુરશીમાં બેસી જતાં બોલીઃ ‘મારે બધું જ તમને કહેવાનું ન હોય…અમારી બંને બહેનો વચ્ચેની વાત તમને ના કહેવાય!’

‘કેમ?’

‘બસ…એમ જ.’

‘પણ મને કહે તો ખરી કે આજે તું ફરી સાંજના સમયે કેમ આવી?’

સ્વાતિ નટખટ થતાં બોલીઃ મિ.કિરણકુમાર, એક વાત સમજી લો કે બે દિવસ પહેલાં આ માત્ર તમારું જ ઘર હતું. હવે આ મારી બહેનનું પણ ઘર છે! સમજ્યા? હું તો રોજ આવીશ, આવીશ, આવીશ અને આવીશ જ. ગમે તે સમયે આવીશ.

‘પણ કેમ?’

‘બસ, એમ જ.’

કિરણ બોલ્યોઃ ‘એટલે આજે તું ફરી એક વાર તારી બહેનની સોડમાં ભરાઈ જવા માંગે છે?’

‘એમ પણ કરું. જુઓ જાજાજી, સ્વયંપ્રભા માત્ર તમારી પત્ની જ નહીં પરંતુ મારી સગી બહેન પણ છે. મારી મા જેટલી જ મને વહાલી છે. એ મારી પીઠ પર હાથ ન ફેરવે ત્યાં સુધી મને ઊંઘ નથી આવતી. એ મારી બીજી મમ્મી જ છે.’

કિરણ બોલ્યોઃ ‘સારું ભાઈ, હવે તમે બંને ઉપર જાવ મને વાંધો નથી. હું તમારા બંનેના વહાલની વચ્ચે નહીં આવું.’

સ્વયંપ્રભા હસી રહી. સ્વાતિ બોલીઃ ‘હવે આવી ગયાને લાઈન પર.’

કિરણ પણ હસી પડયો. એ હસતાં હસતાં બોલ્યોઃ ‘સારું, તું તારી બહેન સાથે મેડી પર જા અને પછી તારા ઘેર જા.’

‘હા, હા…જઈશ, અહીં રોકાઈ જઈશ નહીં. ચિંતા ન કરો’: સ્વાતિ બોલી

બંને બહેનો હસતી હસતી મેડી પર ગઈ.

૦ ૦ ૦

મેડી પરનો શયનખંડ.

સ્વયંપ્રભાએ દીવાલ પરનો લેમ્પ પ્રગટાવ્યો. શયનખંડમાં રતુંબડું અજવાળું પથરાયું. એ પલંગ પર બેઠી. સ્વયંપ્રભાએ કહ્યું: ‘સ્વાતિ, અહીં મારી પાસે બેસ.’

સ્વાતિ એની બહેનની બાજુમાં જ બેસી ગઈ. સ્વયંપ્રભાએ પૂછયું: ‘સ્વાતિ, કોઈ કામ હતું? તારા ચહેરા પર પ્રશ્નોની છાયા દેખાય છે.’

સ્વાતિ એની બાજુમાં જ બેસતાં બોલીઃ ‘હા, બહેન પ્રશ્નો નહીં માત્ર એક જ પ્રશ્ન છે અને એ પૂછવા આવી છું.’

‘શું પ્રશ્ન છે?’

સ્વાતિ બોલીઃ ‘બહેન, ગઈ આખી રાત હું ઊંઘી શકી નથી. મને સતત એક જ પ્રશ્ન સતાવતો હતો કે ગઈ રાત્રે કિરણ જીજાજીએ તને શાશ્વત અંગે કોઈ સવાલો કર્યા હતા કે કેમ? કોઈ પ્રોબ્લેમ તો નથીને? તેઓ બધુંય જાણતા હતા એટલે તારા પર કોઈ શંકા તો કરી નથીને?’

સ્વયંપ્રભા બોલીઃ ‘ના સ્વાતિ, કોઈ જ સમસ્યા નથી. અમે બંનેએ શાશ્વત અંગે ખુલ્લાદિલે ચર્ચા કરી લીધી છે. મેં એમને કહ્યું કે સગાઈ એ સામાજિક ગોઠવણ હતી અને કોઈ કારણસર શાશ્વતે સગાઈ તોડી નાંખી. એ વાત હવે સમાપ્ત થઈ ગઈ છે. મેં જ એમને પૂછી લીધું કે તમને મારા પર કોઈ સંદેહ તો નથીને! એમણે કહ્યું કે સ્વયંપ્રભા, તારા ચારિત્ર્ય માટે મને જરા પણ શંકા નથી પરંતુ ખુલ્લાદિલે વાત કરીને મન નિર્મળ કરી લેવું સારું: અને અમે બંનેએ એ કરી લીધું. સ્વાતિ, તારા જાજાજી કિરણ બહુ જ સારા, સમજદાર અને ઉદાર પણ છે. મને આવા સુંદર પતિ મળવાનો સંતોષ છે.’

‘પણ…’

સ્વયંપ્રભાએ પૂછયું: ‘પણ…શું?’

સ્વાતિ બોલીઃ ‘બહેન…તું સુખી થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરું છું, પરંતુ એક વાતની ગિલ્ટી કોન્સિયન્સ હું અનુભવું છું. મેં તારા નામે શાશ્વતને પત્રો લખ્યા એ કારણે જ શાશ્વતે તારી સાથેની સગાઈ તોડી નાંખી. એ ગિલ્ટી હું ભૂલી શકતી નથી. મેં અજાણતાં જ તારા જીવન સરોવરમાં પથ્થરો નાંખી દીધો એવી અપરાધ ભાવનાથી હું પીડાઉં છું.’

સ્વાતિની આંખમાં ઝળઝળિયાં જોઈ સ્વયંપ્રભા બોલીઃ ‘એ બધું ભૂલી જા, સ્વાતિ. દરેકના જીવનમાં આવા અકસ્માતો આવ્યા જ કરે છે. શાશ્વત મારા માટે હવે ભૂતકાળ બની ગયા છે. તેમને યાદ કરવા તે પણ મારા માટે પાપ છે. તેઓ એમની રીતે સુખી થાય તે માટે આપણે પ્રાર્થના કરીએ. હવે તો કિરણ જ મારા ભગવાન છે. કિરણ જ મારા સર્વસ્વ છે. તારા આ જીજાજી બહુ સારા છે.’

‘ખરેખર?’

‘હા, તારા સમ. બહુ જ સારા છે.’

સ્વાતિએ સહેજ તોફાની સ્વરમાં પૂછયું: ‘બધી જ રીતે?’

‘એટલે?’

સ્વાતિ બોલીઃ ‘મને ખબર નથી…તને ખબર.’

સ્વયંપ્રભાએ ફરી પૂછયું: ‘એટલે?’

સ્વાતિએ સ્વયંપ્રભાના હોઠ પર આંગળાં સ્પર્શ કરતાં પૂછયું: ‘બધી જ રીતે?’

સ્વયંપ્રભા સમજી ગઈ હોય તેમ કૃત્રિમ ગુસ્સો કરતાં બોલીઃ ‘ચાલ, ઘરે જા. હવે બહુ દોઢ ડહાપણ ન કર. ચાલ, ઊભી થા!’

એમ કહેતાં

સ્વયંપ્રભા ખુદ ઊભી થઈ અને સ્વાતિનો પણ હાથ પકડીને તેને ઊભી કરતાં બોલીઃ ‘ચાલ, ઘેર જા…’

‘કેમ?’

સ્વયંપ્રભા બોલીઃ ‘રાત્રે તું બહુ વાર અહીં બેસી રહીશ તો કિરણ ખીજાશે’

‘ભલેને ખીજાય. એમને ખીજવવા તો આવી છું.’

‘એવું ના કરાય. ચાલ, ઘેર જા અને ડાહી થઈ જા’ : કહેતાં સ્વયંપ્રભાએ સ્વાતિના માથે વાત્સલ્યથી હાથ ફેરવ્યો.

સ્વાતિએ કહ્યું: ‘સારું, હું જાઉં છું…પણ મને એ તો કહે કે હું માસી ક્યારે બનીશ?’

સ્વયંપ્રભાએ ફરી કૃત્રિમ ગુસ્સો કરતા કહ્યું: ‘ચાલ, જા હવે.’

‘પણ હું માસી તો બનીશને?’: સ્વાતિએ ફરી પૂછયું.

સ્વયંપ્રભા હસીને બોલીઃ ‘હા, તું માસી જરૂર બનીશ…અને જે દિવસે બનીશ ત્યારે સહુથી પહેલાં તને જાણ કરીશ.’

બંને બહેનો ખડખડાટ હસી પડી. એ જ વખતે કિરણ મેડી પરના શયનખંડમાં પ્રવેશ્યો. એણે પૂછયું: ‘આટલુ બધું હસો છો કેમ?’

સ્વાતિ બોલીઃ ‘તમને ના કહેવાય.’

સ્વાતિ બોલીઃ અમારી બે બહેનોની બધી વાતો તમને ના કહેવાય?

‘સારું, પણ હવે તું અહીંથી જવાનું શું લઈશ?’

સ્વાતિ બોલીઃ ‘મારી બહેનની એક વહાલભરી પપ્પી.’

અને સ્વયંપ્રભાએ સ્વાતિને વાત્સલ્યસભર થઈ એના કપાળ પર ચૂમી લીધી. એના માથા પર હાથ ફેરવ્યો અને જીજાજીને પ્રણામ કરી સ્વાતિ પગથિયાં ઊતરી ગઈ. કિરણ છેક નીચે સુધી એને મૂકી આવ્યો. ડેલીનો દરવાજો બંધ કરી તે ફરી મેડી પરના શયનખંડમાં આવ્યો. સ્વયંપ્રભાએ દીવાલ પરના લેમ્પ તરફ નજર નાંખી.

રાત આગળ ધપતી રહી.

( ક્રમશઃ)

www.devendrapatel.in

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો