The 16th part of novel savyamprabha by Devendra Patel
  • Home
  • Featured
  • સ્વયંપ્રભા બોલી : ‘સ્વાતિ, તું માસી બનવાની છે’

સ્વયંપ્રભા બોલી : ‘સ્વાતિ, તું માસી બનવાની છે’

 | 6:00 am IST
  • Share

નવલકથા :- પ્રકરણ-૧૬

સમય વહેતો ગયો. ગ્રીષ્મમાં લેવાયેલાં લગ્નને હવે કેટલાક માસ વીતી ગયા હતા. ચોમાસું પણ દસ્તક દઈ રહ્યું હતું. અષાઢ મહિનો બેસી ગયો હતો. એ સાંજે કાળાં ડિબાંગ વાદળો પૂર્વ દિશામાંથી ચઢી આવ્યાં. રાતે બહુ વરસાદ થાય એવાં એંધાણ હતાં.

રોજની જેમ ગામના રામજી મંદિરમાં સાંજની આરતી પછી સ્વયંપ્રભાએ હાથમાં પ્રસાદ લઈ એણે આજે સીધો એના પિયરના ઘેર જવાનો રસ્તો પકડયો. આજે એણે રોજ કરતાં સહેજ વધુ ચમકતી સાડી પહેરી હતી. એ એના પિતાની ડેલીમાં પ્રવેશી. વસંતરાય રોજની જેમ હીંચકા પર બેઠેલા હતા. વાસંતીબહેન સામેની પાટ પર બેસી હાથમાં માળા ફેરવતાં હતાં. વસંતરાય દીકરીને જોઈ ખુશ થતાં બોલ્યાઃ ‘આવ બેટા! કેમ છે તું?’

‘હું ઠીક છું બાપુ, તમે ને બા કેમ છો?’: સ્વયંપ્રભા બોલી.

વાસંતીબહેન બોલ્યાં: ‘હું પણ ઠીક છું, બેટા!’

સ્વયંપ્રભા બોલીઃ ‘મને થયું કે આજે થોડી વાર તમને બધાંને મળતી જાઉં, લ્યો આ પ્રસાદ.’

કહેતાં એણે બા-બાપુને પ્રસાદ આપ્યો અને ફરી બોલીઃ ‘સ્વાતિ ક્યાં છે?’

વસંતરાય બોલ્યાઃ ‘તે મેડી ઉપર છે.’

‘તો હું પણ ઉપરના રૂમમાં જાઉં છું: કહેતાં સ્વયંપ્રભા મેડીનો દાદર ચડી ગઈ. એના હાથમાં પ્રસાદ હતો. પરસાળમાં ફાનસ સળગતું હતું.

એ ઉપરના શયનખંડમાં ગઈ. સ્વાતિ સૂતાં સૂતાં કાંઈક વાંચતી હતી. સ્વયંપ્રભા બોલીઃ ‘સ્વાતિ…!’

સ્વાતિએ પુસ્તકમાંથી મોં હટાવીને જોયું તો સામે સ્વયંપ્રભા પ્રસાદ લઈને ઊભી હતી. સ્વાતિ બોલીઃ ‘વ્હોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ!’

‘લે…આ પ્રસાદ’: બોલતાં સ્વયંપ્રભાએ સ્વાતિને પ્રસાદ આપ્યો. સ્વાતિનો ચહેરો જોઈ સ્વયંપ્રભા બોલીઃ ‘સ્વાતિ, તારા ચહેરા પર હજુ ઉદાસી કેમ છે?’

સ્વાતિ બોલીઃ’હું તારાથી કાંઈ છુપાવવા માંગતી નથી. બહેન, હું પેલી વાત ભૂલી શકતી નથી.’

‘કઈ વાત?’

‘તારા બદલે મેં પત્રો લખ્યા હતા તે… મેં આવું કર્યું જ કેમ? એ પાપનું હું ક્યારે પ્રાયિશ્ચિત કરી શકીશ?’

સ્વાતિની બાજુમાં જ પલંગ પર બેસતાં સ્વયંપ્રભા બોલીઃ ‘એ ભૂતકાળને ભૂલી જા. તેં કોઈ પાપ કર્યું નથી. જો આજે હું તને એક સરપ્રાઈઝ આપવા આવી છું.’

સ્વાતિએ પૂછયું: ‘કઈ સરપ્રાઈઝ?’

સ્વયંપ્રભાએ ઊભા થઈ બેડરૂમનું બારણું બંધ કર્યું. તે વળી પલંગ પર સ્વાતિની બાજુમાં બેઠી અને ધીમેથી બોલીઃ ‘સ્વાતિ, તું માસી બનવાની છે!’

સ્વાતિ ખુશીથી ઝૂમી ઊઠીઃ ‘રિઅલ્લી?’

‘હા…હું પ્રેગ્નન્ટ છું.’: સહેજ શરમાતાં સ્વયંપ્રભા બોલી.

સ્વાતિ ઊભી થતાં બોલીઃ ‘ગ્રેટ હું હમણાં જ બા-બાપુને કહી આવું છું’: કહેતાં એણે મોટેથી બૂમ મારીઃ ‘બા!’

સ્વયંપ્રભાએ એનું મોં દબાવી દેતાં કહ્યું:’ હમણાં નહીં હું જાઉં પછી તું એમને કહેજે.

‘કેમ?’

‘મને શરમ આવે છે.’

‘સારું’: કહેતાં સ્વાતિ સ્વયંપ્રભાને બાઝી પડી. કેટલીયે વાર બાદ છૂટા પડતાં તે બોલીઃ ‘તને દીકરી જ આવશે. હું તેનું નામ સુલેખા પાડીશ. એ સમજણી થશે ત્યારે હું એને વાર્તાઓ કહીશ. પેલી ઓ.હેન્રીવાળી ‘ધી લાસ્ટ લીફ’ વાર્તા પણ કહીશ. રવીન્દ્રનાથ ટાગોરની કાબુલીવાલાવાળી વાર્તા પણ કહીશ. હું આજે બહુ ખુશ છું બહેન. અને ફરી એક વાર સ્વાતિ સ્વયંપ્રભાને વહાલથી વળગી પડી. દીવાલ પર લટકતું ફાનસ પણ આજે જરૂર કરતાં વધુ પ્રકાશી રહ્યું.

સ્વયંપ્રભા મેડા પરથી ઊતરીને નીચે આવી. વસંતરાય હજુ હીંચકે જ બેઠેલા હતા. વાસંતીબહેન પાટ પર બેઠેલાં હતાં. સ્વયંપ્રભાએ નીચે આવતાં જ કહ્યું: ‘બાપુજી, હું જાઉં છું, મોડું થઈ ગયું.’

વાસંતીબહેન બોલ્યાં: ‘આટલી વારમાં તું શું આવીને જાય છે? કોઈ વાત છે?’

‘ના બા…કોઈ વાત નથી અને જો હશે તો તમને સ્વાતિ કહેશે’: બોલતાં બોલતાં સ્વયંપ્રભા શરમાઈ અને ઝડપથી હસતી હસતી જતી રહી.

વાસંતીબહેને વસંતરાય સામે જોઈને કહ્યું: ‘માનો ના માનો પણ કોઈ વાત તો જરૂર છે.’

વસંતરાય બોલ્યાઃ ‘હા…મને પણ એવું જ લાગે છે. આજે એણે રેશમી સાડી પહેરી હતી. આજે કોઈ પ્રસંગ તો છે નહીં…એમ કરો સ્વાતિને નીચે બોલાવો. સ્વયંપ્રભાએ એને જરૂર કાંઈ કહ્યું હશે.’

વાસંતીબહેને મોટેથી બૂમ મારીઃ ‘સ્વાતિ બેટા…નીચે આવ.’

‘એ આવી’: સ્વાતિ મેડી પરથી જ બોલી.

સ્વાતિ ઝડપથી દાદરનાં પગથિયાં ઊતરતી નીચે આવી. એના ચહેરા પણ આજે ગજબની ખુશી હતી.

વાસંતીબહેને પૂછયું: ‘બેટા, સ્વયંપ્રભા આજે કોઈ વાત કરવા આવી હતી? કોઈ સમાચાર છે?’

સ્વાતિ વાસંતીબહેનની બાજુમાં જ બેસતાં બોલીઃ ‘હા…બા, સારા સમાચાર છે. હું માસી બનવાની છું.’

‘સાચે જ?’

‘હા…બા, બહેનને સારા દિવસો છે.’

વાસંતીબહેને આખો બંધ કરી ભગવાનને હાથ જોડતાં ઉચ્ચાર્યું: ‘હે ઈશ્વર! છેવટે તંે મારી દીકરીની સામે જોયું ખરું.’

વસંતરાય પણ ખુશ થયા. તેઓ બોલ્યાઃ ‘તો પછી હવે યોગ્ય સમયે સ્વયંપ્રભાના સીમંતની પણ તૈયારી કરવી પડશે. એની આ પહેલી પ્રસૂતિ તો આપણા ઘરમાં જ થશેને!’

‘હા’ વાસંતીબહેન બોલ્યાં અને ઉમેર્યું: ‘હે ભગવાન! તેં મારી દીકરી પર બહુ જ કૃપા કરી. તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે.’

સ્વાતિ બોલી ઊઠીઃ ‘મારી બહેનને દીકરી જ આવશે. મેં તેનું નામ સુલેખા રાખવાનો નિર્ણય કર્યો છે. હું એને મારી પાસે જ રાખીશ.’

‘તો તારી બહેન શું કરશે?’: વાસંતીબહેન બોલ્યાં

‘એને જે કરવું હોય તે કરે. એની પહેલી દીકરીને હું જ મોટી કરીશ. હું જ એને નવરાવીશ-ધોવરાવીશ. હું જ એને રમાડીશ. હું જ એને સ્કૂલે મૂક્વા જઈશ. હું જ એનું હોમવર્ક કરાવીશ. હું જ એને વાર્તાઓ કહીશ. મારી બહેને જે રીતે મને તેની પાસે હંમેશાં સુવરાવી તેમ હું જ એના સંતાનને મારી બાજુમાં સુવરાવીશ.’

વસંતરાય બોલ્યાઃ ‘બસ બસ હવે? સપનાં જોવાનું બંધ કર અને જા તારા રૂમમાં.’

સ્વાતિ બોલીઃ ‘તમને તો મારી કોઈ વાત જ ગમતી નથી’: એટલું કહી એ મોં ચઢાવી ફરી મેડી પર જતી રહી.

બીજા જ દિવસે સ્વાતિ ઘરમાં ઊન અને સોયો લઈ આવી. આજે પાટ પર બેસી તે ઊનથી કાંઈ ભરી રહી હતી. વાસંતીબહેન રસોડામાંથી બહાર આવ્યાં. તેમણે સ્વાતિને પૂછયું: ‘સ્વાતિ, આ તું શું કરી રહી છે?’

બહેનની આવનારી દીકરી માટે સ્વેટર ભરી રહી છું: સ્વાતિ બોલી

‘પણ એ તો સ્વયંપ્રભાએ ભરવાનું હોય…’

‘ના… હું જ ભરીશ.’

વાસંતીબહેન બોલ્યાં: ‘પણ દીકરી કે દીકરો જે આવે તે પણ સંતાનની મા તો સ્વયંપ્રભા હશે. તું આ બધું શા માટે કરે છે?’

સ્વાતિ સ્વેટર ભરતાં ભરતાં બોલીઃ ‘માસી અને મા-બધું એક જ છે. ‘માસી’ શબ્દમાં ‘મા’ કરતાં એક અક્ષર વધુ છે તેથી હું જ મા.’

‘બેટા, તું હજુ બહુ નાની છે. તારે પણ લગ્ન કરવાનાં છે. તું મા બને ત્યારે આ બધું કરજે’: વાસંતીબહેન બોલ્યાં.

સ્વાતિ બોલીઃ ‘અત્યારે હું જે કરું છું તે મને કરવા દો. મારી બહેનનું જે બધું તે બધું જ મારું. એનું સંતાન પણ મારું જ બાળક.’

‘એમ કરવામાં ને કરવામાં તો તેં સ્વયંપ્રભાના નામે પત્રો લખ્યા અને એ કારણથી જ તેની સગાઈ તૂટી ગઈ. એ તો સારું છે કે કિરણ જેવો સારો અને રૂપાળો છોકરો સ્વયંપ્રભાને મળી ગયો અને સગાઈ તૂટવાની વાત જાણવા છતાં તે તારી બહેનને પરણવા તૈયાર થયો. કિરણે હા પાડી ના હોત તો આપણી આબરૂ ધૂળધાણી થઈ જાત.’

અને એ શબ્દો સ્વાતિના માથા પર હથોડાની જેમ ઝીંકાયા. એણે સ્વેટર ભરવાનું બંધ કરી દીધું અને આંખમાંથી સરી પડેલાં આંસુ સાથે તે દાદર ચડી મેડી પર જતી રહી. એ વખતે પરસાળમાં પ્રવેશી રહેલા વસંતરાયે એ વાત સાંભળી લીધી હતી. એમણે વાસંતીબહેનને ઠપકો આપતા કહ્યું: ‘તમે સ્વાતિને આ શબ્દો કહ્યા તે ઠીક નથી કર્યું. જે વાત પતી ગઈ છે એને આ રીતે ના ઉખેળાય. વળી સ્વાતિ હજુ ભલે નાની છે પણ સમજદાર અને લાગણીશીલ પણ છે. એ બહેનો વચ્ચેનો પ્રેમ અનન્ય છે. તમે આવું કહી સ્વાતિના રૂઝાયેલા ઘા ફરી તાજા કર્યા. ઉપર જાવ અને દીકરીને પંપાળી લો.’

વાસંતીબહેનને પણ ભૂલ સમજાઈ. તેઓ બોલ્યાં: ‘તમારી વાત સાચી છે. સ્ત્રીસહજ સ્વભાવથી હું બોલી ગઈ. મારે એ વાત યાદ કરવા જેવી નહોતી. હું મેડી પર જઈ સ્વાતિને મનાવી લઉં છું.’

અને વાસંતીબહેન પસ્તાવાના ભાવ સાથે મેડી પર ગયાં. એમણે જોયું તો સ્વાતિ પલંગમાં ઊંધી સૂતી સૂતી ધ્રૂસકે ધ્રૂસકે રડતી હતી. વાસંતીબહેન પલંગમાં એની પાસે બેઠાં. એની પીઠ પર હાથ ફેરવતાં ફેરવતાં બોલ્યાં: ‘રડ નહીં બેટા…રડ નહીં. મારાથી ભૂલથી બોલાઈ ગયું…છાની થઈ જા બેટા.’

સ્વાતિ રડતાં રડતાં બોલીઃ ‘હું પાપી છું, પાપી છું બા. મારા કારણે જ બહેનની સગાઈ તૂટી ગઈ. મારી એ ભૂલ હતી. મારું એ પાપ હતું. હવે હું શું કરું તો એ પાપમાંથી મુક્તિ મળે?’

‘તું શાંત થઈ જા બેટા, સ્વયંપ્રભા હવે સારા ઘેર પરણી છે. કિરણ પણ એની પસંદગીનો જ પતિ છે. હવે તો તેને સારા દિવસો જાય છે. જે થઈ ગયું હોય તે ભૂલી જા, બેટા. મારાથી જૂની વાત યાદ થઈ ગઈ એ મારી ભૂલ હતી. મને માફ કરી દે, બેટા!’: વાસંતીબહેન પણ રડી રહ્યાં.

પરંતુ સ્વાતિનું રુદન હજુ અટકતું નહોતું. સ્વાતિના રુદનને સાંભળીને શયનખંડની દીવાલો પણ જાણે કે રડી પડી. સ્વાતિના પૃાતાપના પડઘા ચારેકોર ગુંજી રહ્યા.

કેટલીયે વાર સુધી શયનખંડમાં મૌન પથરાયેલું રહ્યું. વાસંતીબહેન ઊભાં થઈ પાણી લઈ આવ્યાં અને સ્વાતિને પલંગમાં જ બેઠી કરી તેને પાણી પીવરાવ્યું. સ્વાતિ હવે સ્વસ્થ હતી. કેટલીક વાર બાદ એણે માની આંખમાં પણ આંસુ જોઈ કહ્યું: ‘સોરી, બા.મેં તમને પણ રડાવી દીધાં.’

‘કાંઈ વાંધો નહીં બેટા, તું મારી દીકરી છે. મને તું સ્વયંપ્રભા જેટલી જ વહાલી છે. હવે મારી એક જ ઈચ્છા છે કે તું પણ તારું ભણવાનું પૂરું થાય એટલે લગ્ન કરી લે. તને સુકુમાર ગમે છે એની અમને ખબર છે. એ પણ ખાનદાન પરિવારનો પુત્ર છે. લગ્ન ભલે બે વર્ષ પછી થાય પણ તારી ઈચ્છા હોય તો તમારા બંનેની સગાઈ કરી દઈએ. તું એને પૂછી લે પછી અમે તેનાં બા-બાપુને પૂછી લઈએ. તું કાલે જ સુકુમારને પૂછી લે.’

સ્વાતિએ મોં હલાવતાં કહ્યુઃ ‘સારું બા, કાલે જન્માષ્ટમી છે. દર ગોકળ આઠમે વાત્રક નદીના કાંઠે ધારેશ્વરનો મેળો ભરાય છે. હું જાઉં?’

‘હા, જજેને બેટા, પણ તું એકલી ના જઈશ. સુકુમારને પણ સાથે લઈ જજે. એને પૂછી લે કે આ શ્રાવણ મહિનામાં જ સારો દિવસ જોઈને તમારા બંનેની સગાઈ કરી નાંખીએ તો કેવું?’

‘હા…’

‘હવે ખુશ છે?’

સ્વાતિએ મોં હલાવી હા પાડી.

વાત્રક નદી અરવલ્લીની શોભા છે. બાયડની નજીકથી પસાર થતી આ નદી વાત્રકના કાંઠે એક પણ પર્યટન ધામ છે. વાત્રકના કિનારે એક પૌરાણિક મંદિર છે. વર્ષોથી અહીં મેળો ભરાય છે. આસપાસનાં ગામના લોકો રોજની જેમ આજે પણ જન્માષ્ટમીનો મેળો મહાલવા આવ્યા છે. રસ્તા પર પાથરણાં પાથરી કેટલાક લોકો ભાતભાતની ચીજવસ્તુઓ વેચી રહ્યા છે. કોઈ બંગડીવાળા છે તો કોઈ છૂંદણાંવાળા. કોઈ જાદુના ખેલ બતાવે છે તો કોઈ ચકડોળ પર સહેલાણીઓને મોજ કરાવે છે. કોઈ ગૌમુખમાંથી નીકળતા ધોધને જોઈ રહે છે તો કોઈ નદીમાં સ્નાન કરે છે.

આજે ચકડોળમાં સ્વાતિ અને સુકુમાર પણ બેઠેલાં છે. ચકડોળ ફરતાં જ નાનાં બાળકો ચિચિયારીઓ પાડી ઊઠે છે. ચકડોળમાંથી ઊતર્યા બાદ સુકુમાર સ્વાતિને પૂછે છેઃ ‘સ્વાતિ, તારે કાંઈ ખરીદવું છે?’

‘ના.’

‘તારે ફોટો પડાવવો છે?’

‘ના.’

‘તારે છૂંદણું કરાવવું છે?’

‘ના.’

‘તો શું કરવું છે?’

‘ચાલ, લોકોથી દૂર જઈને વાતો કરીએ.’

‘સારું’: કહેતા સુકુમારે ઉમેર્યું: ‘ક્યાં જવું છે?’

‘દૂર પેલા લીમડાના ઝાડ નીચે કોઈ નથી. ત્યાં જઈ વાત કરીએ’: સ્વાતિ બોલી.

અને બેઉ માનવવસતીથી દૂર આવેલા લીમડાના એક વૃક્ષ નીચે ગયાં. બંને નીચે જ બેઠાં. સ્વાતિ મૌન હતી.

સુકુમારે પૂછયું: ‘સ્વાતિ, આજે તું પહેલાંના જેવી ખુશ નથી. આપણે આનંદ માણવા તો અહીં આવ્યાં છીએ.’

સ્વાતિ બોલીઃ ‘તારી વાત સાચી છે, સુકુમાર આજે હું તારી સાથે એક વાત કરવા જ તને અહીં લઈ આવી છું.’

‘તો કહેને!’

સ્વાતિ બોલીઃ ‘સુકુમાર, હું તને ચાહું છું. દિલથી ચાહું છું. એકમાત્ર તને જ ચાહું છું. મારાં માતા-પિતાની પણ ઈચ્છા છે કે આપણી સગાઈ થાય પણ…’

‘પણ શું?’

સ્વાતિ બોલીઃ ‘હું પરણવા માંગતી નથી.’

સુકુમાર સ્તબ્ધ થઈ ગયો. કેટલીક વાર પછી તે બોલ્યોઃ ‘પણ કેમ? હું તને ગમતો નથી? તારા મનમાં બીજું કોઈ છે? મારો કોઈ વાંક છે? મારામાં કોઈ ખામી છે?’

સ્વાતિ બોલીઃ ‘ના…મારા મનમાં તારા સિવાય બીજું કોઈ નથી. તારામાં કોઈ ખામી પણ નથી…વાંક અને ખામી તો મારામાં છે.’

‘એટલે?’

‘એટલે એ જ કે મેં છોકરમત કરી અને સ્વયંપ્રભા પર આવેલા પત્રોના જવાબ સ્વયંપ્રભાના નામે શાશ્વતને લખ્યા. એ કારણે એની સગાઈ તૂટી ગઈ. એ તો એનું સદ્ભાગ્ય કે કિરણ એની સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયા પરંતુ એ તૈયાર ના થયા હોય તો મારી બહેનની શું દશા થાત? મેં આ પાપ કર્યું છે, હું અપરાધી છું. સ્વયંપ્રભા ભલે કશું કહેતી નથી પરંતુ હું તેની ગુનેગાર છું. મેં કરેલા એ પાપનું હવે પ્રાયિશ્ચિત કરવા માંગું છું. એ પ્રાયિશ્ચિતની શરૂઆત હું કુંવારી રહીને કરવા માંગું છું. એ અંદરથી સુખી ન હોય તો હું લગ્ન કરીને કેવી રીતે ખુશી પામી શકું?’

‘પણ સ્વયંપ્રભા અંદરથી ખુશ નથી એમ કેવી રીતે લાગ્યું?’: સુકુમારે પૂછયું.

‘એને લાગે કે ન લાગે મને એ સગાઈ તૂટવા બદલ હું જ ગુનેગાર છું એમ લાગે છે. મારી બહેનની વ્યથા એ મારી વ્યથા છે. એના ભીતરના દુઃખની સામે હું મારા મનપસંદ વ્યક્તિ સાથે ઘર વસાવી શકું નહીં. આ મારો અંતિમ નિર્ણય છે. તને આ કહેવા જ હું અહીં લઈ આવી છું.’: સ્વાતિ એકશ્વાસે બોલી ગઈ.

‘પણ સ્વાતિ…મારો તો વિચાર કર.’

સ્વાતિ બોલીઃ ‘તું સારી છોકરી પસંદ કરીને પરણી જજે…મને ભૂલી જા…’

‘પણ કેમ?’

સ્વાતિ બોલીઃ ‘હવે વધારે પ્રશ્નો પૂછીશ તો અત્યારે જ આ વાત્રકમાં ડૂબી મરીશ.’ અને સુકુમાર મૌન થઈ ગયો. તે સ્તબ્ધ હતો. નિઃશબ્દ હતો. આઘાતમાં હતો. હવે તે શૂન્યમનસ્ક પણ બની ગયો. કેટલીક વાર બાદ મૌનને તોડતા સ્વાતિ બોલીઃ ‘અને હા…એક સમાચાર આપું તને. મારી બહેન પ્રેગ્નન્ટ છે. એના આવનાર સંતાનને હું ભરપૂર પ્રેમ આપીશ. એના માટે બધું જ કરી છૂટીશ અને…!’

સુકુમારે પૂછયું: ‘અને શું?’

‘કાંઈ જ નહીં’: એટલું બોલતાં સ્વાતિ રડી પડી. સુકુમારે સ્વાતિને પોતાની નજીક ખેંચી લીધી. એણે ઈન્કાર ન કર્યો. દૂર ક્યાંક વરસાદ થયો હોવાથી વાત્રક પણ આજે ઉફાન પર હતી.

આ વાતને કેટલાક મહિનાઓ વીત્યા. ચોમાસાએ પણ હવે વિદાય લીધી હતી. શિયાળો બેસી ગયો હતો. રામપુર પણ હવે રાત્રે તાપણાંથી સોહતું હતું. ખેતરોમાં ક્યારનાયે ઘઉં વવાઈ ચૂક્યા હતા.

રામપુરમાં વસંતરાયની ડેલીમાં પણ આજે રાત્રે કોઈ ઉત્સુકતા હતી. રાતના નવેક વાગ્યા હતા. પરસાળમાં ફાનસ સળગતું હતું. વસંતરાય, શાલ ઓઢીને બેઠેલા હતા. સામેની પાટ પર વાસંતીબહેન અને સ્વાતિ પણ બેઠેલાં હતાં. બધાની નજર મેડી પર હતી. બધાં જ મૌન હતાં.

બરાબર નવ ને પંદર મિનિટે એક નાનકડા નવજાત શિશુના રડવાનો અવાજ સંભળાયો. બધાં એ તરફ જોઈ રહ્યાં. મેડી પરના શયનખંડમાં સ્વયંપ્રભા અને એક દાયણ હતી. પ્રસૂતિની પીડાની થોડીક ચીસો બાદ નાનકડા નવજાત શિશુના રડવાના અવાજે વસંતરાયની ડેલીમાં હજાર હજાર મૃદંગના સ્વર રેલાવી દીધા. મેડી પર શયનખંડમાંથી જ બહાર આવીને દાયણ બોલીઃ ‘વાસંતીબહેન, તમારી દીકરીના ઘેર લક્ષ્મીજી પધાર્યાં છે. બહુ જ રૂપાળી છે, કોઈ તકલીફ નથી.’

અને સ્વાતિ ખુશીની મારી ઝૂમી ઊઠી. એ બોલીઃ ‘મેં કહ્યું હતું ને કે મારી બહેનને દીકરી જ આવશે. હું જોવા ઉપર જાઉં?’

‘ના’: કહેતાં વાસંતીબહેને ઉમેર્યું: ‘હમણાં નહીં.’

અને સ્વાતિને એમણે હાથ પકડીને પાટ પર ફરી બેસાડી દીધી.

સ્વાતિ બોલીઃ ‘મારે એને જોવી છે.’

‘હમણાં નહીં…!’: કહેતાં વાસંતીબહેને એને ફરી બેસાડી દીધી.

સ્વાતિ બોલીઃ ‘તો હું જીજાજીને આ શુભ સમાચાર કહી આવું?’

વાસંતીબહેને હા પાડી અને અગાઉથી લાવેલો ઘૂઘરો વગાડતી વગાડતી સ્વાતિ ડેલીની બહાર જઈ કિરણના ઘર તરફ દોડી ગઈ. રાતના તારલિયા પણ સ્વાતિનાં ઉમંગ ને ખુશી જોઈ મરક મરક હસી રહ્યા.

(ક્રમશઃ)

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો