The 60% of the World Cup finishes, England's most prolific way in five contenders
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડ કપની 60 % મેચો પૂરી, પાંચ દાવેદાર ટીમમાં ઇંગ્લેન્ડનો માર્ગ સૌથી કપરો, જાણો કેવી-રીતે

વર્લ્ડ કપની 60 % મેચો પૂરી, પાંચ દાવેદાર ટીમમાં ઇંગ્લેન્ડનો માર્ગ સૌથી કપરો, જાણો કેવી-રીતે

 | 7:50 am IST

આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ૪૮માંથી ૨૯ મેચો પૂરી થઇ ચૂકી છે. આ વખત રાઉન્ડ રોબિન લીગના આધારે વર્લ્ડ કપ રમાઇ રહ્યો છે. અત્યાર સુધી રમાયેલી ૬૦% મેચોમાં ભારત અને ન્યૂઝીલેન્ડ એક પણ મેચ હારી નથી. બંને ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરવા માટેની પ્રબળ દાવેદાર છે.

વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ પણ છેલ્લા એક વર્ષના પ્રદર્શનને સુધારીને ટૂર્નામેન્ટમાં પાંચમાંથી ચાર મેચો જીતી છે. યજમાન ઇંગ્લેન્ડે શાનદાર શરૂઆત કરીને પાંચમાંથી ચાર મુકાબલા જીત્યા છે પરંતુ છઠ્ઠી મેચમાં શ્રીલંકા સામે થયેલા પરાજયના કારણે તેની સેમિફાઇનલમાં પ્રવેશવાની આશાને મોટો ફટકો પડયો છે. તેના બાકીના ત્રણેય મુકાબલા ઓસ્ટ્રેલિયા, ભારત અને ન્યૂઝીલેન્ડ સામે છે જે અત્યંત મુશ્કેલ છે.

પાક.નું સેમિ.માં પહોંચવું મુશ્કેલ છે

પાકિસ્તાન પાસે પાંચ મેચમાં ત્રણ જ પોઇન્ટ છે. તેનો રનરેટ પણ -૧.૯૩૩ છે. આ સ્થિતિમાં તેણે બાકીના ચાર મેચમાં સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન તથા બાંગ્લાદેશ સામે મોટા માર્જિનથી જીતવું પડશે. બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની તુલનામાં તેના મુકાબલા આસાન છે પરંતુ સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ સામે મોટા માર્જિનથી જીતવું તેના માટે અત્યંત મુશ્કેલ છે. ટૂર્નામેન્ટની બે ટીમો અફઘાનિસ્તાન તથા સાઉથ આફ્રિકા સેમિફાઇનલની હોડમાંથી બહાર થઇ ચૂકી છે.

શક્તિશાળી ટીમો સામેની ભારતની મેચો પૂરી

ભારતીય ટીમે તેના પ્રારંભિક ચાર મુકાબલામાંથી ત્રણ મજબૂત ટીમો સામે રમ્યા હતા. તેણે સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનને આસાનીથી હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડ સામેની મેચ વરસાદના કારણે રદ થઇ હતી. હવે ભારતે ચાર મેચ રમવાની છે જેમાં વેસ્ટ ઇન્ડિઝ, ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ તથા શ્રીલંકા છે. માનવામાં આવી રહ્યું છે કે ઇંગ્લેન્ડને બાદ કરતાં અન્ય ટીમો સામે ભારતને વિજય મેળવવામાં કોઇ મુશ્કેલી નડે તેમ લાગતું નથી.

શ્રીલંકા, બાંગ્લાદેશ અને વિન્ડીઝ પણ અંતિમ-૪ની રેસમાં છે

ઇંગ્લેન્ડને હરાવી શ્રીલંકાએ છ મેચમાં છ પોઇન્ટ મેળવ્યા છે. તેની બાકીની મેચો સાઉથ આફ્રિકા, વિન્ડીઝ તથા ભારત સામે છે. શ્રીલંકન ટીમ ત્રણેય મેચ જીતી જશે તો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. બીજી તરફ બાંગ્લાદેશને અફઘાનિસ્તાન, ભારત અને પાકિસ્તાન સામે રમવાનું બાકી છે. તેણે પણ ત્રણેય મેચ જીતવી પડશે. વેસ્ટ ઇન્ડિઝે પણ બાકીની તમામ મેચો જીતવી પડે તેમ છે.

સેમિફાઇનલ માટે ઓસી.ને એક પોઇન્ટની જરૂર

ન્યૂઝીલેન્ડ પાંચ મેચમાં નવ પોઇન્ટ અને ઓસ્ટ્રેલિયાના છ મેચમાં ૧૦ પોઇન્ટ છે. ઓસ્ટ્રેલિયાના બાકીના મુકાબલા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ તથા સાઉથ આફ્રિકા સામે છે. તે માત્ર એક વિજય સાથે સેમિફાઇનલમાં પહોંચી જશે.  વેસ્ટ ઇન્ડિઝ સામેના મુકાબલા બાદ ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે રમવાનું છે. બે વિજય સાથે તે અંતિમ ચારમાં પહોંચી જશે.

ઓસ્ટ્રેલિયા અને ભારત સામે ઇંગ્લેન્ડ ૨૭ વર્ષથી વર્લ્ડ કપમાં જીત્યું નથી

શ્રીલંકા સામેના પરાજયે ઇંગ્લેન્ડ માટે સમસ્યાઓ ઉભી કરી છે. તેણે ઓસ્ટ્રેલિયા, ભારત અને ન્યૂઝીલેન્ડ સામે રમવાનું છે અને આ ત્રણેય ટીમો પોઇન્ટ ટેબલમાં ટોપ-૪માં છે.

ઓસ્ટ્રેલિયા અને ભારત સામે ઇંગ્લેન્ડ ૧૯૯૨ના વર્લ્ડ કપમાં તથા ન્યૂઝીલેન્ડ સામે ૧૯૮૩ના વર્લ્ડ કપ બાદ જીતી જીતી શક્યું નથી. આ ત્રણમાંથી ઇંગ્લેન્ડે કોઇ પણ બે ટીમોને હરાવવી જ પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન