આ પ્રાણી જમીન કરતાં ઝાડ પર જ રહેવાનું વધુ પસંદ કરે છે - Sandesh
  • Home
  • Kids Corner
  • આ પ્રાણી જમીન કરતાં ઝાડ પર જ રહેવાનું વધુ પસંદ કરે છે

આ પ્રાણી જમીન કરતાં ઝાડ પર જ રહેવાનું વધુ પસંદ કરે છે

 | 12:01 am IST

જંગલબુક :- નીરવ દેસાઈ

સામાન્ય રીતે દક્ષિણ અને મધ્ય આફ્રિકામાં ટ્રોપિકલ જંગલોમાં કિંકાજોઉ જોવા મળે છે. તેઓ મોટા ભાગનો સમય વૃક્ષો પર જ પસાર કરે છે. કિંકાજોઉના પાછળના પગ વધારે મજબૂત હોય છે, જેનો ઉપયોગ કરીને તેઓ સરળતાથી વૃક્ષની ડાળી પર તેમજ થડ પર ચડી-ઉતરી શકે છે. તેઓ તેમના પગ તેમજ પૂંછડીની મદદથી સહેલાઈથી ડાળીઓ પર હરીફરી શકે છે. કિંકાજોઉ તેની પૂંછડીનો ઉપયોગ હાથની માફક પણ કરે છે. તે તેની પૂંછડી ડાળીઓ પર વીંટાળીને લટકી શકે છે. કિંકાજોઉનું કદ તેના માથાથી લઈને પગ સુધી ૧૬થી ૨૪ ઈંચ જેટલું હોય છે. તેમજ તેનું વજન ૧.૪ કિલોથી લઈને ૪.૬ કિલો જેટલું હોય છે. તેની પૂંછડીની લંબાઈ પણ તેના શરીરના કદ જેટલી એટલે કે ૧૬થી ૨૪ ઈંચ જેટલી હોય છે. તે તેના પગ અને ઘૂંટણને ૧૮૦ ં સુધી ફેરવી શકે છે. કિંકાજોઉની જીભ લાંબી હોય છે. તે તેની લાંબી જીભ દ્વારા મધપૂડામાંથી બધું મધ ખાઈ જાય છે. આ કારણે તેને હની બેઅર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તે ફળ તથા અન્ય નાનાં જીવજંતુ પણ ખાય છે. ક્યારેક ક્યારેક તેઓ પક્ષીઓના બચ્ચાંને પણ ખાઈ જાય છે. ફળ ખાતી વખતે તે પોતાની જીભથી બધો રસ ચૂસી લે છે. આ રીતે તે જંગલના વિસ્તારમાં પણ પોતાનું યોગદાન આપે છે, કેમ કે તે જ્યારે ફળ ચૂસે છે ત્યારે તેના બીજ જમીન પર પડવાથી વૃક્ષો ઊગે છે. આ ઉપરાંત અંજીર તેનો અતિ પ્રિય ખોરાક છે અને ક્યારેક જમીન પર ચાલતાં નાના જીવોને પણ તે આરોગી જાય છે. તેમાં પણ ખાસ કરીને કીડીઓને વધુ પ્રમાણમાં ખાય છે. તે રાત્રિ ભોજન પ્રાણી છે. તે સામાન્ય રીતે લગભગ સાંજે સાત વાગ્યાથી મધ્યરાત્રિ સુધી ભોજનની શોધખોળમાં નીકળે છે અને ખોરાક આરોગે છે. જ્યારે સવારે અને બપોરે તે વૃક્ષની બખોલમાં તેમજ પાંદડાની છાયામાં આરામ કરતું હોય છે. કિંકાજોઉની રૃંવાટી સુંવાળી અને સોનેરી રંગની હોય છે. તેની આંખો મોટી હોય છે અને કાન નાના હોય છે. આ સાથે તેના પગ ટૂંકા હોય છે અને દરેક પગના પંજામાં અંગૂઠા સાથે પાંચ પાંચ આંગળીઓ હોય છે. માદા કિંકાજોઉ ૧૧૨થી ૧૧૮ દિવસની ગર્ભાવસ્થા બાદ એક અથવા બે બચ્ચાને જન્મ આપે છે. જન્મ સમયે તેના બચ્ચાંની આંખો બંધ હોય છે અને લગભગ એક મહિના સુધી તે આંખો ખોલતું નથી. તેનો વિકાસ ઝડપથી થાય છે અને બીજા મહિના સુધીમાં તો તે વૃક્ષની ડાળીઓ પર લટકવા લાગે છે. કિંકાજોઉનું આયુષ્ય આશરે ચાલીસ વર્ષ જેટલું હોય છે. જોકે હાલમાં તેનો શિકાર કરી તેના માંસ, ચામડાનો વેપાર કરવામાં આવે છે, જેના કારણે તેમની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો જોવા મળી રહ્યો છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન