પીઠ પર ખીલ થાય છે, તેના દાગ રહી જાય છે ! - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • પીઠ પર ખીલ થાય છે, તેના દાગ રહી જાય છે !

પીઠ પર ખીલ થાય છે, તેના દાગ રહી જાય છે !

 | 12:39 am IST

બ્યુટી ક્વેરી : ધારિકા જનસારી

પ્રશ્ન– હું એક કોલેજિયન યુવતી છું. મને અલગ-અલગ સ્ટાઈલના કપડાં પહેરવા ગમે છે. પરંતુ એક સમસ્યા છે. મારી પીઠ પર ખીલ થાય છે અને તેના દાગ રહી જાય છે. તો તેને દૂર કરવા શું કરવું જોઈએ? જણાવશો?

જવાબ– ખીલની સમસ્યા ખાલી ચહેરા પર નથી હોતી અમુક મહિલાઓને પીઠ પર પણ ખીલ થતા હોય છે તેના કારણે બેકલેસ પહેરવામાં તકલીફ પડતી હોય છે. તેનો ઘરેલુ ઉપચારમાં ખીરા કાકડી ત્વચાને મુલાયમ કરવાનું કામ કરે છે, અને ત્વચાની અશુદ્ધિઓને દૂર કરે છે. થોડી કાકડી લઈ તેની પેસ્ટ બનાવી પીઠ પર નિયમિત લગાવો. અને થોડી વાર બાદ ઠંડા પાણીથી ધોઈ લો. સાથે તમે ડુંગળીના રસમાં લીંબુનો રસ, મધ મિક્સ કરી પીઠ પર અઠવાડિયે એક વખત લગાવવાથી પણ ફાયદો થશે.

પ્રશ્ન– નમસ્તે, મને સ્લીવલેસ પહેરવાનો ઘણો શોખ છે. પરંતુ મારા અંડરઆર્મસ ડાર્ક થઈ ગયા છે. તેના કારણે હું સ્લીવલેસ ડ્રેસ કે ટોપ પહેરી શકતી નથી. મેં ઘણી ક્રીમોનો ઉપયોગ કર્યો છતાં પણ કંઈ ફાયદો જણાતો નથી. તો કોઈ ઉપચાર જણાવશો?

જવાબ– તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો. તેની છાલને ૧૦-૧૫ મિનિટ અંડરઆર્મસ પર મસાજ કરો અને ઠંડા પાણીથી ધોઈ નાખો. આમ અઠવાડિયામાં બે-ત્રણ વાર કરવું. લીંબુના રસમાં તમે ખાંડ મિક્સ કરીને પણ મસાજ કરી શકો છો. એ ઉપરાંત તમે બટાકાની સ્લાઈસને દિવસમાં ૫ મિનિટ અંડરઆર્મસ પર મસાજ કરી શકો છો. તેનાથી પણ ત્વચામાં ફેરફાર જોવા મળશે. દૂધની સાથે કેસર મિક્સ કરીને પણ લગાવી શકો છો. જરૂર ફાયદો થશે.

પ્રશ્ન– મને આઇબ્રો થ્રેડિંગ કરાવ્યા બાદ ભ્રમરોની આસપાસ ઝીણીઝીણી ફોલ્લીઓ થઈ જાય છે. બળતરા પણ થવા લાગે છે, સાથે સાથે ખંજવાળ પણ આવે છે. તો તેનાથી દૂર કઈ રીતે રહી શકાય તેના ઘરેલુ ઉપચાર બતાવવા વિનંતી?

જવાબ– કેટલીક મહિલાઓ આઇબ્રો કરાવ્યા બાદ તેની દરકાર રાખતી નથી. ઘણીવાર આઇબ્રો રુક્ષ થઈ જતી હોય છે. જેનાથી બળતરા કે ખંજવાળ આવ્યા કરે છે. પહેલા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે થ્રેડિંગ બાદ તરત તડકામાં નીકળવું નહીં. તડકામાં કોઈ વાર નીકળો તો સનસ્ક્રીન લોશન લગાવવું. વારંવાર આંગળી ન લગાવો. આપણો હાથ જો વારંવાર ત્યાં જશે તો ખંજવાળ તેમજ બળતરાનું પ્રમાણ વધશે માટે બને એટલું આંગળીઓ લગાવવી નહીં. આઇબ્રો કરાવ્યા બાદ તરત જ તેની પર મોઇશ્ચરાઇઝરથી થોડી વાર મસાજ કરવો ફાયદાકારક રહેશે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે થ્રેડિંગના તુરંત બાદ આઇ મેકઅપ કરવો નહીં. બે કલાક બાદ આઇ મેકઅપ કરવો જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન