શરૂઆત ક્યાંકથી તો કરવી જ પડશે! - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • શરૂઆત ક્યાંકથી તો કરવી જ પડશે!

શરૂઆત ક્યાંકથી તો કરવી જ પડશે!

 | 12:42 am IST

મંથનમંચ : કે. વિભાવરી

બીજી સવારે નિશા ઊઠી તો એની આંખમાં અનેરો આનંદ હતો. પૂરબે એની સામે જોયું તો એ શી ખબર કેમ શરમાઈ ગઈ. વાળ કોરા કરવા માથામાં વીંટેલો ટોવેલ સરખો કરતાં પૂરબની તોફાની આંખો જોઈ રહી.

વહેલો ઊઠીને પરવારી જજે! કહેતાં એ બેડરૂમની બહાર નીકળી અને પોતે રસોડામાં પરોવાઈ.

સાસુજી, સસરાજી અને જેઠનો નાસ્તો બની ગયો હતો. એમના માટે ચા અને કોફી બનાવવામાં એ પરોવાઈ. પછી બધાના ટિફિન માટે શાક-રોટલી વગેરે બનાવવાની તૈયારી કરવા લાગી.

નાસ્તો કરતાં મનસુખલાલે પૂરબને કહ્યું, બેઠા અભ્યાસ કેમનો ચાલે છે?

ભણવામાં તો કશો વાંધો નથી. હા, ભણી રહ્યા પછી કોની સાથે જોડાવું એની ગડમથલમાં છું.

મનસુખલાલે આનંદથી કહ્યું, અરે! તુ સરસ રીતે પાસ તો થઈ જા. સારામાં સારા વકીલનો આસિસ્ટન્ટ બની શકીશ. બેસ્ટ તાલીમ મેળવી શકીશ.

પૂરબે બધા તરફથી નજર ચોરીને કોલર ઊંચો કરી નિશા સામે ગર્વ બતાવી લીધો અને નિશાએ મોં મચકોડીને જવાબ પણ આપી દીધો.

નિશાની જેઠાણીના ધ્યાનમાં આ વાત આવી, એ મનોમન હસી પડી. આ લોકો જબર રોમેન્ટીક છે!

જોતજોતામાં પૂરબનું ભણવાનું પૂરું થઈ ગયું. ધાર્યા મુજબ પૂરબ સરસ માર્ક સાથે પાસ થઈ ગયો હતો. શહેરના ટોચના ધારાશાસ્ત્રી વાય. કે. દીવાનને ત્યાં આસિસ્ટન્ટ તરીકે નોકરી પણ મળી ગઈ.

પહેલા દિવસે પૂરબ થનગનાટ સાથે નોકરીએ જવા નીકળ્યો. પૂરબ સરસ તૈયાર થઈને ઓફિસે પહોંચી ગયો. એને હતું કે ધારાશાસ્ત્રી એને એકાદ કેસની ફાઈલ અભ્યાસ કરવા આપશે અને નોટ્સ લખવાનું કામ સોંપશે.

ઓફિસે પહોંચીને રિપોર્ટિંગ કર્યા પછી તરત જ એનું સપનું ચકનાચુર થઈ ગયું. વાય. કે. દીવાન સાહેબે તો એને મળવાય ન બોલાવ્યો. માત્ર એટલું કહ્યું, સાંજે જતાં પહેલાં મને મળતો જજે!

પછી એ તો એમના ત્રણ સહાયકો સાથે કોર્ટ જવા નીકળી ગયો. પૂરબ ઓફિસમાં પોતાના ટેબલ પર બેસી ગયો. એને સમજ નહોતી પડતી કે શું કરવું.

નવા જોડાયા છો? એક યુવાને આવીને તેને પૂછયું.

હા, આસિસ્ટન્ટ તરીકે, પણ સાહેબે તો વાત જ ન કરી. પૂરબે નવાઈથી કહ્યું.

ખોટું ન લગાડીશ ભાઈ. સાહેબના આઠ આસિસ્ટન્ટ છે. તારો નંબર નવમો છે. તારે શરૂઆતમાં તો કાગળો ફાઈલ કરવાના, સાહેબને ચા લાવી આપવાની એવા જ કામ કરવા પડશે.

શું!?! પૂરબ માની ન શક્યો.

જો ભાઈ. આમાં નવાઈ પામવાની જરૂર નથી. કાગળો ફાઈલ કરવાના થાય ત્યારે એનો અભ્યાસ કરતા રહેવાનું. સાહેબ કોર્ટમાં જાય અને પાછા આવે એટલા કલાકનો સમય તારી પાસે ફાજલ હશે. કેસનો અભ્યાસ કરતો રહીશ તો કોઈ દિવસ સાહેબના ધ્યાનમાં આવશે અને તે દિવસથી તારું નસીબ ખુલવા લાગશે.

પૂરબનું માથું ચકરાઈ ગયું. એને હજુ માન્યામાં જ નહોતું આવતું. આટલી મહેનત કરીને પાંચ વર્ષ ભણીને સારા માર્ક્સ લાવીને આખરે સાહેબના પટાવાળાનું કામ કરવાનું!

તમારું નામ શું? એણે પૂછયું.

પૂરબ. અને તમારું નામ?

વિરલ. હું અહીં કારકૂન છું. સાત વર્ષથી કામ કરું છું. સાહેબ આખા અઠવાડિયામાં કયા કયા કેસનું હિયરિંગ કરશે અને એ માટે એમને કયારે કઈ ફાઈલોની જરૂર પડશે એની મને પાકા પાયે ખબર હોય. એ બધું સમયસર સાહેબના ટેબલ પર હું અચૂક મૂકી દઉં. ત્યારે માંડ હવે દીવાન સાહેબ મને જોઈને ગુડ વર્ક યંગ મેન! કહેતા થયા છે.

સાત વર્ષ? પૂરબ ખરેખર ડઘાઈ ગયો હતો.

ભાઈ, ધીરજના ફળ મીઠાં હોય છે. આ તો રીયલ લાઈફ છે, થોડું કંઈ ફિલ્મ કે નાટક છે કે એકાદ-બે દ્રશ્ય પછી હીરો સીધો કોર્ટમાં કેસ લડવા ઊભો થઈ જાય. તને સલાહ આપું, સાહેબને એક-બે કેસ લાવી આપીશ તો તારું કામ ઝડપથી શરૂ થઈ જશે.

શું કરવું? પૂરબ હજી અવઢવમાં હતો.

[email protected]