The best of all ekadashi the bhima ekadashi is most excellent
  • Home
  • Astrology
  • તમામ એકાદશીઓમાં સર્વ શ્રેષ્ઠ એટલે ભીમ અગિયારસ

તમામ એકાદશીઓમાં સર્વ શ્રેષ્ઠ એટલે ભીમ અગિયારસ

 | 10:00 am IST

પ્રાસંગિક

આા વ્રતના બે અધિકારી છે. એક-વૈષ્ણવ અને બીજા સ્માર્ત વૈષ્ણવી. એકાદશી વિધ્ધા અને શુધ્ધા એમ બે પ્રકારની  છે. પતિની આજ્ઞા વગર પત્ની વ્રત ઉપવાસ આદિ કરે તો તે વ્રત કે ઉપવાસ નિષ્ફળ જાય છે, અને પતિના આયુષ્યનો ક્ષય થાય છે, નરકે જાય છે. એવું  શાસ્ત્રોક્ત વિધાન છે.

આ ઉપરાંત એકાદશી એટલે કે અગિયારસના ઉપવાસ બે પ્રકારના  છેઃ ગૃહસ્થોને  સુદ અને વદ એટલે કે કૃષ્ણપક્ષમાં પણ ઉપવાસનો અધિકાર છે. પરંતુ વિધુર, કુંવારા, અપત્નીયુક્ત ગૃહસ્થે (પુરુષે) કૃષ્ણપક્ષમાં વ્રત ન કરવું, પરંતુ સમયપત્ર વ્રતનો સંકલ્પ કરવો એ પ્રમાણે ક્ષય-તિથિએ શુકલ એકાદશીએ વ્રત કરવું.

મુક્તિની ઈચ્છાવાળાએ તથા પુત્ર અને આયુષ્યની ઈચ્છાવાળાએ ઉત્તમ પક્ષની એકાદશીનું  વ્રત કરવું. તેમાં કોઈ જ વિરોધ નથી. વૈષ્ણવોએ કૃષ્ણ એકાદશી કરવી. આ વ્રત શૈવપંથી, સૌરાદી સર્વે કરી શકે છે.

આ વર્ષે ૨૦૧૯માં  ૧૩ જૂને  એકાદશી તિથિ છે. પ્રારંભ ૧૨ જૂને ૬:૨૭ મિનિટથી શરૂ થઈ ૧૩ જૂન ૪:૪૯ મિનિટ સુધી છે. પારણાનું મુહૂર્ત સવારે ૫:૨૭થી ૮:૧૩ છે.

નિર્જલા એકાદશીનાં વ્રતમાં  ખૂબ જ નિયમથી રહેવું પડે છે. તેના નામ પરથી જ ખબર પડે છે, નિર્જળા એટલે કે પાણી વગર. આ એકાદશીમાં પાણી  પીવાની મનાઈ છે. આ વ્રતમાં પાણી પીવાથી વ્રત તૂટી જાય છે. આ વ્રતના પૌરાણિક નિયમ અનુસાર સૂર્યોદયથી લઈને આગલા દિવસ સુધીના સૂર્યોદય સુધી પાણીનો ત્યાગ કરવાનો હોય છે.

પદ્મપુરાણમાં નિર્જળા એકાદશીનાં વ્રતનું ખાસ મહત્ત્વ બતાવ્યું છે અને જણાવ્યું છે કે, જો તમે ૨૪ એકાદશીનું વ્રત ન કરી શકો તો આ એક નિર્જળા એકાદશીનું વ્રત કરીને બધી જ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો.

નિર્જળા એકાદશી વ્રતના દિવસે દાન-પુણ્ય અને ગંગા સ્નાનનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. માન્યતા છે કે, જે ભક્ત સાચા મનથી આ એકાદશીનું વ્રત કરે છે, તેમને વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે. બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે  અને તેમની બધી મનોકામના પૂરી થાય છે. શાસ્ત્રો અનુસાર આ એકાદશીની કથા સાંભળવાથી અને વાંચવાથી હજાર ગાયોનાં દાન જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.

આ એકાદશીએ વ્રત કરવાથી અન્ય એકાદશીએ અન્ન ખાવાનો દોષ છૂટી જાય છે.

મંત્રઃ એવં ય ચગ્તે પૂર્ણા દૂાદશીં પાપનાસિનીમ્ ।

સર્વપાપવિનિમુક્ત : પદં ગચ્છન્ત્યનામમ્ ।।

અર્થાત્ આ પ્રકારે જે પવિત્ર એકાદશીનું વ્રત કરે છે, તે સમસ્ત પાપોમાંથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે.

આ નિર્જળા એકાદશીને અનુલક્ષીને ભીમ અગિયારસ નામ કેમ પડયું તે જાણીએ. એક વખત મહર્ષિ વેદવ્યાસ પાંડવોને ચારેય પુરુષાર્થ-ધર્મ, અર્થ કામ મોક્ષ આપવાવાળી એકાદશીવ્રતનો સંકલ્પ કરાવતા હતા ત્યારે મહાબલિ ભીમે કહ્યું- ‘હે પિતામહ, આપે પ્રતિપક્ષ એક દિવસ ઉપવાસની વાત કહી છે પરંતુ હું એક દિવસ તો શું એક સમય પણ ભોજન વગર નથી રહી શક્તી. મારા ઉદરમાં ભૂખ નામનો અગ્નિ છે. તેને શાંત રાખવા માટે મારે ઘણા લોકોની બરાબરનું અને કેટલીયવાર ભોજન કરવું પડે છે. તો શું હું પોતાની ભૂખના કારણે  એકાદશી જેવા પુણ્યવ્રતથી વંચિત રહી જઈશ?’

ત્યારે મહર્ષિ વેદવ્યાસે ભીમને કહ્યું કે- ‘હે કુંતીનંદન ભીમ, જ્યેષ્ઠ માસની શુકલપક્ષની નિર્જળા નામની એક જ એકાદશીનું વ્રત કરો અને તમને આખા વર્ષની બધી જ એકાદશીનું ફળ પ્રાપ્ત થશે. નિઃ સંદેહ તમે આ લોકમાં સુખ, યશ અને સમૃદ્ધિની તથા મોક્ષની પ્રાપ્તિ થશે.’ આ સાંભળીને ભીમસેન પણ નિર્જલા એકાદશીનું વ્રત કરવા માટે તૈયાર થઈ ગયા અને સમય પર આ વ્રત પૂર્ણ પણ કર્યું. માટે વર્ષભરની એકાદશીનું પુણ્યલાભ આપવાવાળી આ શ્રેષ્ઠ નિર્જળા એકાદશીને ‘ભીમ એકાદશી’ અને ‘પાંડવ એકાદશી’ના નામથી પણ ઓળખવામાં આવે છે.

નારદપુરાણ અનુસાર એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને બેહદ પ્રિય છે. આ દિવસે સવારે સ્નાનાદિથી નિવૃત થઈ ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું અને ત્યારબાદ વ્રતનો સંકલ્પ કરવો. પૂજાઘરમાં ભગવાન વિષ્ણુની ફોટો અથવા મૂર્તિ ઉપર ગંગાજળ છાંટવું. કંકુ-ચોખાથી તિલક કરવું અને  શ્રદ્ધાભાવથી સફેદ ફૂલ ચઢાવવાં. ગાયના ઘીનો દીવો કરી ઈશ્વર પાસે જાણતાં-સમજાણતાં થયેલા જે કોઈપણ પાપ હોય તેની મુક્તિ માટેની પ્રાર્થના કરવી અને આરતી ઉતારવી અને આખો દિવસ પ્રભુસ્મરણ કરવું.

ત્યારબાદ બારસ એટલે કે દ્વાદશી તિથિએ સ્નાન કર્યા બાદ ભગવાનને વ્રત પૂરું થયા બદલ આભાર વ્યક્ત કરવો. ત્યારબાદ બ્રાહ્મણને ભોજન કરાવ્યા બાદ દક્ષિણા સહિત વિદાય કરવા. આ સંપૂર્ણ એકાદશીવ્રત પૂર્ણ થાય છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે કોઈ વ્રત નથી કરી શક્તું તો તેમણે આ દિવસે રીંગણ, ચણાનાં લોટથી બનેલી વસ્તુ, ચોખા, પાન-સોપારી, લસણ, ડુંગળી, માંસ, મદિરા વગેરે ચીજ-વસ્તુથી દૂર રહેવું જોઈએ.

વ્રત ભંગ દોષ-શાસ્ત્રો અનુસાર જે નિર્જલા એકાદશી કરવાવાળો મનુષ્યવ્રતી, વ્રત રાખવા છતાં અન્ન-ગ્રહણ કરે છે તો તેને ચાંડાલદોષ લાગે છે.

આ પુણ્ય એકાદશી કરી સંદેશનાં વાચકો સુખ, સમૃદ્ધિ અને મોક્ષની  પ્રાપ્તિ કરે તેવી શુભેચ્છા.

– ડો.મૌલી રાવલ

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન