પ્રેમતત્ત્વનું શ્રેષ્ઠ સ્વરૂપ : રાધા-કૃષ્ણની પ્રેમલક્ષણા ભક્તિ - Sandesh
  • Home
  • Columnist
  • પ્રેમતત્ત્વનું શ્રેષ્ઠ સ્વરૂપ : રાધા-કૃષ્ણની પ્રેમલક્ષણા ભક્તિ

પ્રેમતત્ત્વનું શ્રેષ્ઠ સ્વરૂપ : રાધા-કૃષ્ણની પ્રેમલક્ષણા ભક્તિ

 | 1:42 am IST

સામયિક : પ્રભાકર ખમાર

જમુનાનાં જળ કદી ઓછાં ન થાય,

એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ,

રાધાનાં શમણાંના સાત રંગ રેલાવ્યા તંઈ

પ્રેમનું એક મોરપીંછ રંગાયું જઈ,

વૃંદાવનની કુંજ ગલીમાં વેણુનાદથી ગૂંજતી

સપ્તરંગી છે રાધા-કૃષ્ણની પ્રેમલક્ષણા ભક્તિ.

પ્રેમલક્ષણા ભક્તિ એ પરમાત્મા પ્રત્યેના પ્રેમનું પવિત્ર સ્વરૂપ છે. એમાં કૃષ્ણ અને રાધા પ્રેમતત્ત્વનું પ્રતીક છે. પ્રેમલક્ષણા ભક્તિમાં કૃષ્ણને પરબ્રહ્મ માન્યા છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સ્વરૂપે તેમનાં પ્રાગટયને વર્ષોનાં વહાણાં વહી ગયાં છતાં આ ઐતિહાસિક અવતારપુરુષ આજે પણ જનજનનાં હૃદયમાં સદા સ્મરણાંકિત છે. સોમનાથ મંદિરના શ્રીમદ્ આદ્ય જગદ્ગુરુ જ્ઞા।નાનંદ સરસ્વતીનાં શાસ્ત્રોક્ત સંશોધન અનુસાર શ્રીકૃષ્ણનાં પ્રાગટયનું આ ૫,૨૪૭મું વર્ષ છે. તેઓએ ૧૨૫ વર્ષ ૭ માસ અને ૬ દિવસનું આયુષ્ય ભોગવ્યું હતું. પાંચ હજારથી પણ વધુ વર્ષો પછી પણ શ્રીકૃષ્ણ લોકહૃદયે અજરાઅમર છે, તો રાધાની પ્રેમાનુભૂતિ અવિસ્મરણીય છે.

મધ્યકાલીન સાહિત્યમાં વિકસેલી પ્રેમલક્ષણા કવિતા રચનાર સારસ્વતોમાં નરસિંહ મહેતા એ આદ્યકવિ છે, એ પછી મીરાં અને ભાલણની પ્રેમલક્ષણા ભક્તિ કાવ્યો સ્વરૂપે જબકી ઊઠે છે. દયારામ તેનો અંતિમ પ્રતિનિધિ ગણાય છે. નરસિંહે રાસલીલા બતાવી, મીરાંએ વ્રજની મોહિની લગાડી, દયારામે ગોપીભાવે કૃષ્ણને ભજવાનું શીખવ્યું, એટલે જ નરસિંહ, મીરાં, દયારામ આજે પણ જીવે છે. પ્રેમલક્ષણા ભક્તિમય ભજનો દ્વારા એ ગુજરાતની જીભે બેઠા છે, કંઠે ઢળ્યા છે, હૈયે ગુંજ્યા છે. મહાભારત અને હરિવંશમાં રાધા-કૃષ્ણનું સવિસ્તાર વર્ણન છે. ભાગવતમાં એનું ભાવવાહી આલેખન છે. ભારતની તમામ મુખ્ય ભાષાઓમાં રાધા-કૃષ્ણના કૃષ્ણપ્રેમનો મહિમા ગવાયો છે. બંગાળમાં ચંડીદાસે અને મિથિલામાં વિદ્યાપતિએ પોતાનાં ગીતોમાં રાધા-કૃષ્ણના પ્રેમત્વને ઝીલ્યું છે, તો ઉત્તર ભારતમાં તે સર્વોચ્ચ સ્થાને છે. દક્ષિણ ભારતમાં પણ રાધા-કૃષ્ણના સંબંધોના ભિન્ન ભિન્ન સંખ્યાબંધ ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. એમાં અસમાનતા હોવા છતાં સૌનો ઉદ્દેશ રાધા-કૃષ્ણની પ્રેમલક્ષણા ભક્તિ છે.

રાધા વિના કૃષ્ણનો વિચાર કરવો મુશ્કેલ છે એમ કૃષ્ણ વિના રાધાનું અસ્તિત્વ અશક્ય છે. રાધા અને કૃષ્ણની જોડી પ્રેમના પર્યાય સ્વરૂપ લોકજીભે વણાઈ ગયેલી સિદ્ધહસ્ત હકીકત છે. એમનું વ્યક્તિત્વ અભિન્ન છે.  વૃંદાવનમાં વાંસળી કૃષ્ણની છે તો સંગીતના મધુર સૂર રાધાના છે. પ્રેમગીત શ્રીકૃષ્ણના હોઠનું છે તો એ ગીતની કાવ્યમાધુરી રાધાની છે. શ્રીકૃષ્ણ જો ફૂલ છે તો રાધા સુવાસ છે. શ્રીકૃષ્ણ જો મૂળ છે તો રાધા એમાંથી પાંગરતો પ્રેમછોડ છે. એ રીતે રાધા અને શ્રીકૃષ્ણ ભારતના ઉત્તમ પ્રકારના પ્રેમપ્રતીકો છે.

રાધા શબ્દ ઊલટાવીએ તો ધારા શબ્દ બને છે. રાધા એટલે શું? પ્રેમની જે પવિત્ર જલધારા વહેતી મૂકે એનું નામ રાધા. પરસ્પરમાં સમર્પણનો ભાવ એટલે જ રાધા-કૃષ્ણની પ્રેમલક્ષણા ભક્તિ. પ્રેમનાં અનેક પરિમાણ હોય છે. રાધા-કૃષ્ણ પ્રત્યેનો માનવીય પ્રેમ એ પવિત્રતાનું ઉત્તમ પરિમાણ છે.  શ્રીકૃષ્ણના પ્રેમસ્વરૂપ વિભૂતિ તત્ત્વને વિવિધ સ્વરૂપે ઇતિહાસમાં આલેખાયેલું છે. માતા જશોદાનો પ્રેમ, ગોપ-ગોપીઓનો પ્રેમ, અર્જુનનો પ્રેમ, નરસિંહ મહેતાનો પ્રેમ, સુદામાનો પ્રેમ, દ્રૌપદીનો ભગિનીપ્રેમ, બલરામનો બંધુપ્રેમ, રુક્મિણી સહિત આઠ પત્નીઓ સાથેનો પ્રેમ અને રાધાનો નિર્વ્યાજ પ્રેમ એ જ શ્રીકૃષ્ણની પ્રેમલક્ષણા ભક્તિનું સત્ય છે.

રાધા અને કૃષ્ણ કવિઓનું પ્રિય પાત્ર કેમ બન્યા? કારણ કે કૃષ્ણનાં ચારિત્ર્યમાં, એના જીવનવ્યવહારમાં, એની મસ્તી અને ભક્તિમાં, એની વિવિધ સ્વરૂપની પ્રેમત્વની પરિભાષામાં આપણે સૌથી વિશેષ માનવીય ભાવો માણી શકીએ છીએ.

મહાન કવિવર્યની પ્રતિભાથી પોંખાયેલા કવિ ન્હાનાલાલે ‘પ્રેમભક્તિ’નું ઉપનામ ધારણ કર્યું હતું. ન્હાનાલાલે રાધા-કૃષ્ણના પ્રેમને જીવનભાવનાનો પરમ અંશ બતાવ્યો છે. પ્રણય, પ્રકૃતિ અને પ્રભુ એ રાધા-કૃષ્ણની પ્રેમલક્ષણા ભક્તિનું ઉત્તમ દિવ્ય સ્વરૂપ છે. એમ પ્રેમભક્તિના આશક કવિ ન્હાનાલાલ માને છે. તેઓ કહે છે કે પ્રેમ જ્યારે પરમાત્માને ચરણે જઈને ઠરે છે, પ્રેમલક્ષ્ય જ્યારે માત્ર પરમેશ્વર હોય છે, ત્યારે તેનું સ્વરૂપ ભક્તિ કહેવાય છે. નરસિંહથી દયારામ સુધીના અને મીરાંથી ન્હાનાલાલ સુધીના કવિઓએ પ્રેમલક્ષણા ભક્તિ રચી છે. કવિ સુંદરમ્નું એક ગીત છે…!

મેરે પિયા મૈં કછુ નહીં જાનું

મૈં તો ચૂપ ચૂપ ચાહ રહી,

મૈં તો પલ પલ બ્યાહ રહી.

આ કાવ્યપંક્તિમાં હસ્તમેળાપની વાત નથી પણ રાધા-કૃષ્ણની હૃદયમેળાપની પ્રેમલક્ષણા ભક્તિની અભિવ્યક્તિ છે. સંત સુરદાસનું ‘સબ સે ઊંચી પ્રેમસગાઈ’ નામનું ભજન ગાંધીજીને ખૂબ જ પ્રિય હતું. સુરદાસજીએ આ ભજનમાં પ્રેમલક્ષણા ભક્તિના વિવિધ પ્રકારનાં અનેક પ્રાચીન દૃષ્ટાંતો આપ્યાં છે. પ્રેમને ખાતર જ ભગવાન શ્રીકૃષ્ણે દુર્યોધનની શાહી મિજબાનીનો અસ્વીકાર કરી વિદુરને ત્યાં માત્ર ભાજીનું સાવ સાધારણ ભોજન કરવાનું પસંદ કર્યું હતું. પ્રેમને કારણે જ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞામાં શ્રીકૃષ્ણએ એંઠું ઉઠાવવાનું કામ પોતે લીધું. મહાભારતમાં અર્જુનના સારથી બન્યા. દ્રૌપદીનાં ચીર પૂર્યાં. પ્રેમલક્ષણા ભક્તિનાં આવાં અનેક ઉદાહરણો એટલે જ સબ સે ઊંચી પ્રેમસગાઈના પર્યાય રાધા-કૃષ્ણનું જીવન-કવન. રાધા અને કૃષ્ણનાં પ્રેમલક્ષણા સ્વરૂપને, એમનાં અલૌકિક આકર્ષણને, એમનાં નિર્દોષ પ્રેમત્વને, એમના રાગ-વિરાગ-અનુરાગને, એમની મનમોજી મસ્તી અને ભાવમયી ભક્તિને આજનું વિજ્ઞા।ન, આજના ચિંતકો, આજના સુધારકો, ફિઝિકલ કેમેસ્ટ્રી કહી શકે ખરા? રાધા અને કૃષ્ણના સંબંધમાં ઘણા વિવેચકો અને અભ્યાસીઓને પ્રેમી યુગલનું સ્વરૂપ સ્વીકાર્ય નથી. એમાં સત્યનું તત્ત્વ છે. વિજ્ઞાનની દૃષ્ટિએ તે પૂર્ણરૂપનું પ્રકૃતિ અને પુરુષત્વનું મિલન છે.

કવિ કરસનદાસ માણેકના શબ્દોમાં મૂલવીએ તો ”કૃષ્ણ એટલે કામવૃત્તિ વિનાના પ્રેમલક્ષણા ભક્તિના પ્રણયી.” રાધા સાથેના પ્રેમની પરિભાષા કૃષ્ણ પોતાનાં ચારિત્ર્ય અને વ્યવહારથી દર્શાવે છે. કૃષ્ણ એક વિભૂતિ છે તો રાધા એક પ્રેમાનુભૂતિ છે. રાધા એ કૃષ્ણની શોભા છે તો કૃષ્ણ એ રાધાની આભા છે. સોળ કળાના નિપુણ એવા કૃષ્ણને જાણવા, સમજવા અને અનુભવવા માટે તો ભક્તિભાવે રાધા જ બનવું પડે.