સૌથી મોટું આશ્ચર્ય : પુસ્તકમેળામાં પુસ્તકો પણ હોય છે!   - Sandesh
  • Home
  • Columnist
  • સૌથી મોટું આશ્ચર્ય : પુસ્તકમેળામાં પુસ્તકો પણ હોય છે!  

સૌથી મોટું આશ્ચર્ય : પુસ્તકમેળામાં પુસ્તકો પણ હોય છે!  

 | 2:43 am IST

રોંગ નંબર :- હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

પુસ્તક મેળો એટલે વિવિધતામાં એકતાનો મેળો! અલગ અલગ ભાવ, અલગ અલગ ભાષા, અલગ અલગ વિષય અને અલગ અલગ પ્રકાશકોની એકતાનો મેળો એટલે પુસ્તકમેળો. પુસ્તક મેળામાં ડાયરો હોય, મિમિક્રી હોય, એકાંકી હોય, વાચિકમ હોય, મનોરંજનના તમામ પ્રકારો હોય, ફૂડકોર્ટ હોય, સાહિત્યિક કાર્યક્રમો હોય, મિટિંગ પોઇન્ટ એટલે કે પ્રિયજનોને મળવાનાં મિલન મથકો હોય, લેખકો અને કવિઓ સાથેના વાર્તાલાપો હોય, કેટલાક મૂર્ધન્ય કે સફળતાપૂર્વક હાથવગા થઈ શકે એવા સિદ્ધહસ્ત અને સહેલાઈથી ઉપલબ્ધ થઈ શકે એવા ઉપલબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારો સાથે વાદ કે વિવાદભર્યા સંવાદો હોય, જેમાં સાહિત્યકાર પોતાના સાહિત્યનું ઓછું અને પોતાનું ઝાઝું પ્રમોશન કરતો હોય (આવું પ્રમોશન જે તે પ્રકાશકના ખર્ચે અને ભોગે થતું હોય – જે માટે જે તે પ્રકાશકે આવા પરમાર્થી સાહિત્યકારનો શબ્દપૂર્વક આભાર માનવો જોઈએ) અને હા, આનંદની વાત તો એ છે કે આ બધા ઉપરાંત પુસ્કમેળામાં પુસ્તકો પણ હોય છે!

અહીં તમને જુદા જુદા ભાવ અને જુદી જુદી ભાવનાનાં પુસ્તકો તો જોવા મળશે જ, પણ જુદા જુદા ભાવ અને જુદી જુદી ભાવનાના સાહિત્યકારો પણ જોવા, જાણવા અને માણવા મળશે.

વરસો પહેલાં એવું નહોતું. આજે તો પુસ્તકમેળામાં આવનારની પૂરેપૂરી કસોટી થતી હોય છે. વેદકાળમાં ઋષિ-મુનિઓ તપ કરતા, ત્યારે એમને તપમાંથી વિચલિત કરવાનાં કાવતરાં રચવામાં આવતાં. આવાં કાવતરાંના ભાગરૂપે સ્વર્ગની અપ્સરાઓ નૃત્ય કરીને ઋષિમુનિઓને તપોભંગ કરતી. આજના આ વેબકાળમાં પણ આપણા વાચકો – ગ્રાહકોનાં મનને ચલિત કરવા માટે જુદી જુદી મનોરંજક પ્રવૃત્તિઓ અપ્સરાઓની જેમ સોળેસોળ શણગાર સજીને પુસ્તકમેળામાં પોતાનાં કામણ પાથરવા હાજર થઈ જાય છે. જોકે આપણો વાચક, આપણો ગ્રાહક, આપણો મુલાકાતી પુસ્તક ખરીદીનાં ધ્યેયમાંથી સહેજપણ વિચલિત થાય એમ નથી. જોકે બધા કંઈ એટલા સંયમી નથી હોતા એટલે કેટલાક ઋષિમુનિઓ થોડી થોડી વારે ‘ટેમ્પ્લીસ’ કે ‘થૂઈ થપ્પા’ એમ બોલીને મનોરંજક પ્રવૃત્તિ જેવી આધુનિક અપ્સરાઓની છાયામાં બેસી આવે છે. આમ છતાં મોટા ભાગના વાચકઋષિઓ પોતાના મનને ‘નહીં… નહીં… ત્યાં નથી જવાનું… હું ‘ત્યાં’ જવા નથી આવ્યો, મારો દૃઢ સંકલ્પ છે પુસ્તકપ્રાપ્તિનો, નહીં કે ચક્ષુવિલાસ કે કર્ણવિલાસ જેવા અત્યાધુનિક ભોગવિલાસ માટેનો…’

ખરેખર આપણો વાચક પેલા ઋષિમુનિઓની જેમ આકરી કસોટીમાંથી આજે પસાર થઈ રહ્યો હોય એમ નથી લાગતું? પુસ્તકમેળામાં એ આવે છે પુસ્તકપ્રેમના કારણે, પણ મનોરંજક પ્રવૃત્તિઓની અપ્સરાઓનાં કામણમાં એવો ખેંચાઈ જાય છે કે છેક ઘરે (અપ્સરાના નહીં, પોતાના ઘરે) પહોંચ્યા પછી એને વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે કે અરે… પુસ્તક તો એકેય ખરીદાયું તો નહીં, જોવાયું પણ નહીં…! આવું છે સાહેબ! માણસ નીકળે છે ક્યાં જવા, અને પહોંચી જાય છે ક્યાં!   અન્ય રાજ્યોમાં યોજાતા અને આપણે ત્યાં પ્ર-યોજાતા પુસ્તકમેળામાં ઘણો ફરક છે. અન્ય રાજ્યોમાં યોજાતા પુસ્તકમેળામાં તો ત્યાંની ભાષાના સાચા સપૂતો કહેવાય એવા તમામ સાહિત્યકારો પુસ્તકમેળામાં નિયમિત હાજરી આપતા હોય છે. જોકે આમાં કંઈ વખાણવા જેવું ન કહેવાય. એ બધા નવરા હોય, કામધંધો કંઈ હોય નહીં એટલે નિયમિત હાજરી આપે એમાં નવાઈ નથી. વળી, એ સાહિત્યકારોને માન-અપમાન જેવું કંઈ હોય નહીં એટલે પુસ્તકમેળામાં, વગર નિમંત્રણે કે પ્રકાશકોના પ્રેમાગ્રહ કે હઠાગ્રહ કે લાલચાગ્રહ કે લાભાગ્રહ વગર સાવ સામાન્ય માણસની જેમ પહોંચી જાય. આપણો સાહિત્યકાર આટલો સામાન્ય નથી. અન્ય ભાષાનો સાહિત્યકાર પોતાના સર્જનના કેન્દ્રમાં વાચકને રાખે છે કેમ કે એને પોતાના શબ્દમાં, પોતાના સર્જનમાં પૂરો વિશ્વાસ છે કે મારાં પુસ્તકને એનો વાચક મળવાનો જ છે. વાચકોના પ્રેમને જ એ મોટામાં મોટું પારિતોષિક માને છે, કેમકે વાચકને જ એ પોતાનો સાચો અને તટ-સ્થ વિવેચક માને છે. આપણો ગુજરાતી સાહિયકાર આ બાબતે અસામાન્ય છે. એ પોતાના સર્જનનાં કેન્દ્રમાં વિવેચકને રાખે છે કેમ કે વિવેચકને જ એ પોતાનો સાચો અને ‘તટસ્થ’ વાચક માને છે.

દિલ્હીના પ્રગતિ મેદાનમાં યોજાતા પુસ્તકમેળાનો એક અનુભવ યાદ આવે છે. ૧૯૯૬-૯૭માં આ લખનાર અને એમ. જે. લાઈબ્રેરીના ભૂતપૂર્વ લાઈબ્રેરિયન છગન ભૈયા, બંને એ પુસ્તક મેળામાં ગયેલા. અમને બંનેને આશ્ચર્ય એ વાતનું થયું કે સાહિત્યિક લોકપ્રિયતાની સ્પર્ધામાં ટકરાઈ રહેલા અને પારસ્પરિક વિરોધી વિચારધારા ધરાવતા બે કવિઓ એકબીજાનાં કાવ્યસંગ્રહો ખરીદી રહ્યા’તા! અલબત્ત, બંને હતા તો અલગ અલગ બુક સ્ટોલમાં, તેમ છતાં એ હૃદયભાવથી લગોલગ હતા! આપણો સાહિત્યકાર આવાં બેવડાં ધોરણોમાં નથી માનતો. અલગ અલગ તોય લગોલગ અને લગોલગ તોય અલગ અલગ એવું બેવડું બેવડું એને ન ફાવે. એનું તો એક જ સ્ટાન્ડર્ડ, કે સ્વયંથી અલગ અને સર્વથી લગોલગ તો ક્યારેક સ્વયંથી લગોલગ અને સર્વથી અલગ!

ખુશવંતસિંહ જેવા આખાબોલા પત્રકાર સાહિત્યકારે કહ્યું છે કે ‘દુનિયામાં એકપણ પુરુષ એવો જન્મ્યો નથી કે જેનામાં સ્ત્રી દાક્ષિણ્ય ન હોય. કદાચ કોઈ એવો દાવો કરે કે પોતે સ્ત્રી દાક્ષિણ્યવાળો નથી, તો એનું પુરુષપણું ચેક કરાવવું જોઈએ.’ આપણો સાહિત્યકાર પણ આવો દાવો કરી શકે એમ નથી કેમ કે એના સાહિત્યનાં કેન્દ્રમાં જ એ દાક્ષિણ્ય સમાયું છે. જેટલો ભાવ સ્ત્રી દાક્ષિણ્ય માટેનો હોય છે, ભલે એટલો બધો નહીં, પણ વન ફોર્થ જેટલોય ભાવ સર્જકતા માટેનો હોય તો પણ એ સર્જકતા એને અમર કરી દે! સાહિત્યકાર જો પ્રામાણિક હોય, સાહિત્યકારને જો સ્વધર્મ જેવું કંઈક હોય તો સાહિત્યકાર મૌલિક થયા વિના રહી શકતો નથી. કરુણા અને સંવેદના વચ્ચે એ ‘પોતાનો’ શ્વાસ ભરતો રહે છે.

કોઈપણ ભાષામાં જ્યારે ‘રાઇટર’ અને ‘ઓથર’ વચ્ચેનો ભેદ ભૂંસાઈ જાય છે ત્યારે એ ભાષાને અને એના સાહિત્યને ઘણુંબધું સહન કરવું પડે છે. રાઇટર પુસ્તકોની કે ઇન્ટરનેટની દુનિયામાં પસાર થઈને લખે છે. ઓથર અનુભવોની દુનિયામાંથી પસાર થઈને લખે છે. એક લખે છે. બીજો સર્જે છે. રાઇટર ઓથરને સૂંઘે છે અને ઓથર સમયને સૂંઘે છે, સમયની સરાણમાં પોતાને તરાશે છે, અને પછી જ સર્જનનું શિલ્પ ઘડે છે. રાઇટર પોતાને શબ્દબ્રહ્મ સમજવામાં સ્વાવલંબી હોય છે. ઓથરને શબ્દબ્રહ્મ તરીકે સમય ઓળખાવે છે. રાઇટર અક્ષરોના જુદા જુદા આઇનામાં નિજદર્શન કરી પેલા ર્નિસસની જેમ ખુશ થાય છે અને ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ની જેમ એ પોતાની અને પોતાનાંની સામે નાચતો રહેતો હોય છે. ઓથરનાં ભાગ્યમાં આવું સુખ નથી હોતું. આને કહેવાય મૌલિકતાની સજા! જે ભાષામાં લહિયાઓ અને તરજુમિયા લહિયાઓનો પ્રભાવ વધવા માંડે અને ઓથરનો ઉજાસ આથમવા માંડે ત્યારે એ ભાષાના સમાજની આવતીકાલ, આજના અંધારામાં રહેશે એ નક્કી!

આવતીકાલને જો આપણે ખોવાઈ ગયેલી આજનું સરનામું શોધીને આપવું હોય તો પુસ્તક મેળો એક યજ્ઞાકર્મ બનવો જોઈએ, ક્રિયાકાંડ નહીં! એક કવિરાજ હતા. ભારતના કોઈ રાજ્ય સરકારના એ ક્લાસવન અધિકારી પણ હતા. ડબલ રોલ જેવું ફિલ્મો કે નાટકોમાં જ હોય એવું ના હોય! જે દિવસે આ અધિકારી લાંબી રજાઓ પર ઊતરી જતા ત્યારે એમનો અંદરનો કવિ જાગી જતો. અને જ્યારે એ રજાઓ પૂરી કરીને ડયૂટી પર હાજર થઈ જતા ત્યારે જાગેલો કવિ ઊંઘી જતો અને ભીતરનો અક્કડ અધિકારી જાગી જતો!

એક દિવસ શહેરમાં આંદોલન જેવું કંઈક શરૂ થયું અને કેટલાક નેતાઓએ એને પંપાળી પંપાળીને મોટું કર્યું. ગોળીબાર થયો. બે-પાંચ જણા મરણને શરણ થઈ ગયા. આવા નાજુક સમયે આ અધિકારીનો અંદરનો કવિ આત્મા પેલી ઢળી પડેલી લાશો જોઈને વિચલિત થઈ જાગી ગયો. જાગી ગયેલી સંવેદનાની સુનામી એવી આવી કે એમણે શાસન અને શાસકની ધારદાર ટીકા કરતી એક જલદ કવિતા લખીને છપાવી દીધી. કોઈ હિતેચ્છુ અધિકારીએ આ કવિતા મુખ્યમંત્રીને બતાવી. આ સમય દરમિયાન પેલા અધિકારીશ્રીની રજાઓ પૂરી થઈ જવાથી ઓફિસમાં હાજર થવા ગયા ત્યાં જ કોઈકે એમને ગૂડ ન્યૂઝ આપ્યા કે સાહેબ, તમને તો સી.એમ. સાહેબે સસ્પેન્ડ કરી આજીવન રજા પર મોકલી દીધા છે. આટલું સાંભળતાં જ, કડક અધિકારી હોવા છતાં, એમનો મુલાયમ કવિ આત્મા ફફડી ગયો. નોકરી બચાવવા માટે એમણે એક વગદાર નેતાશ્રીને પકડયા. ‘સાહેબ, મને સી.એમ. સાહેબ પાસે લઈ જાઓ મારે એમની માફી માગવી છે.’ પેલા વગદાર નેતાએ આ અધિકારીને સી.એમ. સાહેબ પાસે લઈ જઈ ઓળખ આપી કે તરત જ જાગી ગયેલા કવિ આત્માએ સી.એમ. સાહેબના ચરણાર્વિંદમાં શ્રીફળ મૂકે એમ મસ્તક મૂકી દીધું.

થોડી ક્ષણો પછી સી.એમ. સાહેબે પેલા વગદાર નેતા તરફ જોઈને કહ્યું : ‘જુઓ ભાઈ, જેણે પેલી કવિતા લખી છે એ કવિ આ માણસ ન હોઈ શકે.’

આવું છે સાહેબ! ગુજરાતી સાહિત્ય નોબેલ પ્રાઇઝ સુધી પહોંચી શક્યું નથી એનો યશ આવા સાહસિક સાહિત્યકારોના લોખંડી ‘વિકલ્પ’ને ફાળે જાય છે.

ડાયલટોન :  

। જે સ્મિતની પાછળ આંસુ છૂપામાં હોય છે એ સ્મિત પવિત્ર છે.

  • અંગ્રેજ કવિ – રોબર્ટ ફ્રોસ્ટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;