જન્મ અને મૃત્યુનું આવાગમન - Sandesh

જન્મ અને મૃત્યુનું આવાગમન

 | 12:35 pm IST

આ વાગમનનું ચક્ર હંમેશાં એક સંશોધનનો વિષય રહેલો છે. શું મૃત્યુ પછીનું જીવન છે? આ જન્મની પહેલાં પણ કોઈ જન્મ હતો? આત્મા મૃત્યુ થયા પછી ક્યાં જાય છે? આત્મા છે કે નહીં? જો ના, તો મૃત્યુ પછી શરીરનો નાશ કેમ થાય છે? આ લોકની ઉપર પણ શું બીજો કોઈ લોક છે? માનવનું સંશોધનાત્મક મન પ્રાચીનકાળથી આ રહસ્યને જાણવાનો પ્રયત્ન કરવામાં વ્યસ્ત છે. પરલોક છે એ વાત મોટાભાગના લોકો માને છે, પરંતુ તે ક્યાં છે તેની ઉપર મતભેદ છે. કેટલાંય એવાં સંસ્મરણ મળે છે, જેનાથી એ વાતની ખબર પડે છે. કોમામાં પહોંચ્યા પછી રોગી પાછો આવીને જણાવે છે કે તેની મુલાકાત યમદૂતોની સાથે થઈ કોઈક તેજપ્રકાશનો ઉલ્લેખ થાય છે અથવા અંધારી ગુફાઓનું વર્ણન થાય છે. પરલોક સત્ય છે યમરાજ પણ છે અને યમલોક પણ છે. આમાં કોઈ સંદેહ નથી. કઠોપનિષદમાં નચિકેતા અને યમરાજના સાક્ષાત્કારનું વર્ણન છે. બ્રહ્મસૂત્રમાં યમ, યમલોક, યમ-યાતના તથા શૈશવ વગેરે નરકનો ઉલ્લેખ છે. એટલે સુધી કે સતપુરુષ એ પણ પોતાના ભાગ્યમાં ચિત્રગુપ્ત વગેરે યમના કર્મચારીના વિષયને સત્ય માન્યો છે. આપણા શરીરનાં બે રૂપ માન્ય થયેલ છે. એક રૂપ સ્થૂળ શરીર છે જે પ્રત્યક્ષ દેખાય છે અને બીજું રૂપ સર્વસાધારણને દૃષ્ટિગોચર નથી થઈ શકતું. આપણાં શાસ્ત્રો તથા વિદ્વાનોએ તેનું રૂપ પારદર્શી માન્યું છે જેનાથી પ્રકાશ આરપાર થઈ શકે છે. જીવાત્મા આ સ્થૂળ શરીરને છોડયા પછી આ જ શરીરથી યાત્રા કરીને, બીજા કોઈક ગર્ભમાં પ્રવેશ કરીને પુનર્જન્મ લે છે. સિદ્ધયોગી આ સૂક્ષ્મ શરીર દ્વારા પરકાયાપ્રવેશ જેવો ચમત્કાર કરે છે. પુનઃજન્મ અને પરકાયાપ્રવેશ બંને અલગ અલગ વાત છે. જો વર્તમાન જન્મને જ પ્રથમ માનવામાં આવે તો આપણી ચેતના પરિમિત થઈ જાય છે પરંતુ ‘ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત છે’ની ધારણા એક વૈશ્વિક ચેતના પ્રદાન કરે છે, જે આ પૂર્વમાન્ય કલ્પનાની સાથે આગળ વધે છે કે વ્યક્તિઓના રૂપમાં આપણા આ વર્તમાન શરીરના રૂપમાં પહેલેથી જ આપણું અસ્તિત્વ હતું. પ્રાયઃ આ શરીરને પૈતૃકની સમાન માનવામાં આવે છે. આપણી ભૌતિક સ્વભાવમાં પણ પૂર્વજોને અનુરૂપ કેટલીક વાતો હોઈ શકે છે. મનુષ્યને નિશ્ચિત જ મૃત્યુ અને પુનઃજન્મના મધ્યમાં સ્વર્ગ અને નરકનો અનુભવ પ્રાપ્ત કરવો પડે છે. સ્વર્ગમાં ગયા પછી જ્યારે જીવનાં પુણ્યકર્મોનું ફળ પૂરું થાય છે તો તેણે પુનઃજન્મ લેવો પડે છે. આ જ રીતે નરકલોકમાં પાપકર્મોનું ફળ ભોગવી લીધા પછી જ્યારે જીવ પોતાની ખરાબીઓને દૂર કરીને પવિત્ર થઈ જાય છે ત્યારે તેનો પુનઃજન્મ થાય છે. પ્રેતયોનિમાં ગયા પછી પુનઃજન્મ લગભગ બાર વર્ષ પછી થાય છે. બૃહદારણ્ય કઠોપનિષદમાં કહ્યું છે કે નિશ્ચિત જ આ જીવ પુણ્યકર્મથી પાપયોનિમાં જન્મ લઈને દુઃખ ભોગવે છે. ઉદ્દેશ્ય એ છે કે જીવ પોતાનાં સંચિત કર્મો અનુસાર જ સારી અથવા ખરાબ યોનિમાં જન્મ લે છે. કઠોપનિષદ અનુસાર, મૃત્યુ પછી આ જીવાત્માઓમાંથી પોતપોતાનાં કર્મો અનુસાર શરીર ધારણ કરે છે. પાપ યોનિઓમાં જન્મ લેવો જ યમયાતના રૂપી નરક છે. જીવડાંઓની યોનિ ભોગયોનિ છે. અત્યંત ખરાબ કર્મ કરનાર વ્યક્તિ જે વારંવાર પોતાની ઈન્દ્રિયોને દુરુપયોગ કરે છે અને પોતાની ક્રિયાશીલતાને પતનોન્મુખી કરી લે છે, તેનો જન્મ જડયોનિમાં થાય છે. કોઈક કોઈક મનુષ્યનું આનાથી ઊંધા ક્રમથી પતન પણ થાય છે. અર્થાત્, જીવથી રહિત થયેલ શરીર જ મરે છે, આત્મા કદી મરતો નથી. મરણાસન્ન મનુષ્યને બહુ જ પીડા અને છટપટાહટ થાય છે, કારણ કે બધી જ નાડીઓમાંથી પ્રાણ ખેંચીને એક સ્થાન ઉપર એકત્રિત થાય છે. પ્રાણ નીકળવાનો સમય જ્યારે એકદમ નજીક આવી જાય છે ત્યારે વ્યક્તિ બેહોશ થઈ જાય છે. અચેતન અવસ્થામાં જ પ્રાણ તેના શરીરમાંથી બહાર નીકળે છે. મૃત્યુ સમયે વાણી વગેરે ઈન્દ્રિય મનમાં સ્થિત હોય છે, મન પ્રાણમાં અને પ્રાણ તેજમાં (તેજ એટલે પંચમહાભૂત) તથા તેજ જીવાત્મામાં સ્થિત હોય છે. જીવાત્મા સૂક્ષ્મ શરીરની સાથે આ સ્થૂળ શરીરમાંથી નીકળી જાય છે. આ પણ છાન્દોગ્યોપનિષદમાં કહેલું છે. માટે એ જાણવું જરૂરી છે કે આત્મા ક્યારેય મરતો નથી. તે એક યોનીમાંથી બીજામાં જાય છે.

લૌકિક-અલૌકિક : સલિલ પટેલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન