મોડાસા નગરપાલિકામાં પ્રમુખની ચૂંટણી બાદ ભાજપામાં ભડકો - Sandesh
  • Home
  • Gujarat
  • મોડાસા નગરપાલિકામાં પ્રમુખની ચૂંટણી બાદ ભાજપામાં ભડકો

મોડાસા નગરપાલિકામાં પ્રમુખની ચૂંટણી બાદ ભાજપામાં ભડકો

 | 7:27 pm IST

મોડાસા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપાએ અપક્ષોની મદદથી સત્તા જાળવી રાખી હતી,તેના કલાકોમાં જ ભાજપાના નારાજ સદસ્યોએ પ્રમુખની પસંદગી સામે ઉઠાવ્યો હતો અને છ સદસ્યોએ રાજીનામા ધરી દીધા હતા. ૧૮ બેઠકો ધરાવનાર ભાજપાના છ સદસ્યોના રાજીનામાથી ભાજપામાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. હજુ પણ ચાર જેટલા ભાજપાના સદસ્યો રાજીનામા આપે તેવી શક્યતાઓ રહેલી છે ત્યારે આગામી દિવસોમાં મોડાસા પાલિકામાં સત્તાના સમીકરણો બદલાય તો નવાઈ નહી. ભાજપાના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયાના કલાકોમાં જ ભડકો થતાં ખળભળાટ મચી ગયો છે.

મોડાસા નગરપાલિકામાં ૩૬ બેઠકો પૈકિ ભાજપા પાસે ૧૮,કોંગ્રેસ પાસે ૧૦ અને અપક્ષમાંથી ૮ સદસ્યો ચૂંટાઈ આવ્યા હતા. દરમિયાન બહુમતી માટે ૧૯ બેઠકોનો જાદુઈ આંકડો કોઈની પણ પાસે ના હોય પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી રસાકસી ભરી બની હતી. ભાજપા માટે સત્તા મેળવવા અપક્ષો ઉપર મદાર રાખવામાં આવ્યો હતો અને આખરે પાંચ અપક્ષ સદસ્યોના ટેકાથી ર૩ મત સાથે સત્તા જાળવી રાખી હતી. જો કે ભાજપામાં છેલ્લા એક માસથી પ્રમુખપદ માટે ૧૩ અને પાંચ સદસ્યોના જૂથ વહેચાયા હતા. બંને જૂથોએ પ્રમુખપદ માટે એડીચોટીનુ જોર લગાવી દઈ ભાજપાના હાઈ કમાન્ડ સુંધી રજુઆતો કરી પરંતુ પાર્ટીએ પ્રમુખ તરીકે સુભાષભાઈ શાહની પસંદગી કરતાં ૧૩ સદસ્યોનુ જૂથ નારાજ થયુ હતુ.

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તો ભાજપાના તમામ સદસ્યોએ પાર્ટીના વ્હીપ મુજબ હાથ ઉંચો કરી વોટીંગ કર્યુ હતુ.પરંતુ ભાજપાને સત્તા મળ્યાના કલાકોમાં જ છ નારાજ સદસ્યોએ રાજીનામા ધરી દેતાં ભાજપામાં ભૂકંપ સર્જાયો છે. મોડાસા પાલિકામાં સત્તા મેળવવા ૧૯ બેઠકોની બહુમતી કોઈની પણ પાસે નથી. માંડ પાંચ સદસ્યોના ટેકાથી ભાજપાએ સત્તા મેળવી છે ત્યારે પ્રમુખની પસંદગીથી નારાજ થઈ ભાજપાના છ સદસ્યોએ રાજીનામા આપી દેતાં ખળભળાટ મચી ગયો છે. નારાજ ૧૩ પૈકિ છ સદસ્યોએ રાજીનામા આપ્યા છે અને હજુ વધુ ચાર સદસ્યો રાજીનામા આપનાર હોવાનુ મનાઈ રહ્યુ છે ત્યારે આગામી દિવસોમાં રાજકિય ગરમાવો વધશે. બીજી તરફ ભાજપાના ૧૮ પૈકિ છ સદસ્યોના રાજીનામા મંજુર થાય તો આંકડો ૧ર ઉપર આવી જશે. આવા સંજોગોમાં ભાજપા ડેમેજ કંટ્રોલ કરી સત્તા જાળવી રાખે છે કે પછી હાથમાં આવેલુ શાસન ખોવાનો વારો આવે છે તે જોવુ રહ્યુ.

ભાજપાના ૧૩ સદસ્યોની મત આપતી વખતે જ નારાજગી દેખાઈ હતી
ભાજપાના ૧૮ સદસ્યોમાં પ્રમુખપદ માટે જૂથ રચાઈ ગયા હતા. એક જૂથમાં ૧૩ સદસ્યો તો બીજા જૂથના પાંચ સદસ્યોએ પ્રમુખપદ માટે હાઈકમાન્ડ સુંધી રજુઆતો કરી હતી. પરંતુ પાર્ટીએ પાંચ સદસ્યોનુ જૂથ ધરાવનારને પ્રમુખ પદ સોંપ્યુ હતુ. પક્ષના આદેશને પગલે બાકીના તમામે હાથ ઉંચો કરી ભાજપાના ઉમેદવારને મત તો આપ્યો હતો. પરંતુ પ્રમુખપદની રેસમાં રહેલાઓની નારાજગી મતદાન વખતે જ સ્પષ્ટ જોઈ શકાઈ હતી. જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે વિજેતા ઉમેદવારોની બેઠક મળી હતી. જ્યાં કેટલાક નારાજ સદસ્યોની ગરેહાજરી સૂચક રહી હતી અને બાદમાં નારાજ છ સદસ્યોએ રાજીનામા આપી દીધા હતા.

રાજીનામા મંજુર થાય તો ભાજપ ૧૭ મત ઉપર આવી જાય
ભાજપાએ ર૩ મતથી સત્તા મેળવી છે. જેમાં ૧૮ ભાજપા અને પાંચ અપક્ષનો સમાવેશ થયા છે. જો છ સદસ્યોના રાજીનામા મંજુર થાય તો ભાજપા પાસે ૧ર બેઠક રહે અને અપક્ષો મળીને ૧૭ મત રહે. સત્તા માટે ૧૯ મત જાળવી રાખવા જરૃરી છે ત્યારે ભાજપા માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. જો કે કોંગ્રેસ માટે પણ ૧૯ના જાદુઈ આંક સુંધી પહોંચવુ અઘરૃ છે.

ઓસ્ટ્રેલિયાથી સદસ્યને બોલાવાયા પણ કોંગ્રેસને સત્તા ના મળી
ચૂંટણી અગાઉ કોંગ્રેસના એક સદસ્ય ઓસ્ટ્રેલિયા ગયા હતા. મોડાસા પાલિકામાં કોઈની પણ પાસે બહુમતી ના હોય સત્તાનાં સમીકરણો ગમે ત્યારે બદલાય તેવા સંજોગો ઉભા થયા હતા. બીજી તરફ ભાજપામાં જ પ્રમુખ પદ માટે જૂથબંધી થતાં તેનો લાભ મળી શકે તેવા આશયથી કોંગ્રેસે ઓસ્ટ્રેલિયાથી પોતાના સદસ્યને બોલાવી લીધા હતા પણ ફેરો ફોગટ ગયો હતો.