NIFTY 10,118.05 -68.55  |  SENSEX 32,760.44 +-181.43  |  USD 65.2100 -0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • આ બોમ્બ તો પૂરા અમેરિકાનું રાષ્ટ્રીય સંતાન કહેવાય!

આ બોમ્બ તો પૂરા અમેરિકાનું રાષ્ટ્રીય સંતાન કહેવાય!

 | 2:05 am IST

રોંગ નંબર : – હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

બહુ જ ટૂંકા સમયમાં ‘માથાનો ફરેલ’ એવો ઇલ્કાબ મેળવનાર અમેરિકી રાષ્ટ્રપ્રમુખ પોતાની કેટલીક વિશિષ્ટ અવળચંડાઈ માટે જાણીતા છે. કહેવાય છે કે માણસના હાથમાં સત્તા આવે છે ત્યારે, આપણું કે બીજા લોકોનું તો ઠીક, ખુદ એ સત્તાધારી શાસકનું પણ પોતાની સત્તા સામે શાણપણ ચાલતું નથી. સીધા-સાદા શાસકો જનતાને પોતાની સત્તાનો પરિચય કરાવે પણ કેટલાક અવળચંડા શાસકો જનતાને પોતાની સત્તાનો પરચો બતાવે! પરિચય તો સત્તા વગર પણ બતાવી શકાય પણ સત્તા વગર પરચો બતાવવા જતાં ખુદને જ એ પરચાનો પરચો મળી જતો હોય છે.

જેમ મોટાભાગના રાજકારણીઓ, ધર્મકારણીઓ કે સમાજકારણીઓ પોતપોતાની ખીચડી પકવવા માટે કંઈક ને કંઈક સળગતું રાખવામાં રાતદા’ડો વ્યસ્ત રહેતા હોય છે, એમ અમેરિકા પણ પોતાના પિત્ઝા પકવવા માટે દુનિયામાં ક્યાંક ને ક્યાંક સળગતું રાખવામાં માહેર છે, કેમ કે એમાં એનું હિત છે. અને આજકાલ તો હિત વગર કોઈ હેત પણ ક્યાં કરે છે? બે દેશો વચ્ચે વૈમનસ્ય પેદા થાય અને વૈમનસ્યનાં એ રો મટીરિયલ્સમાંથી યુદ્ધ જેવું જબરજસ્ત પ્રોડક્શન ચાલુ રહે તો અમેરિકાનાં શસ્ત્ર-સરંજામની ફેક્ટરીઓ દિનદૂની રાત ચૌગુની ધમધમતી રહે!

ભારત સત્યના પ્રયોગો કરે છે. અમેરિકા શસ્ત્રના પ્રયોગો કરે છે. આપણે ત્યાં સત્યનારાયણની પૂજા થાય છે, અમેરિકામાં શસ્ત્રનારાયણની પૂજા થાય છે. અમેરિકાએ આવા જ એક શસ્ત્રપ્રયોગ અને શસ્ત્રપૂજાનું આયોજન અફઘાનિસ્તાનના નાનગરહાર પ્રાંતના અચીન જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી ગુફાઓનાં સંકુલ પર કર્યું. કેટલાક બુદ્ધિવાદીઓ વિચારવા લાગ્યા કે ટ્રમ્પે ગુફાઓનાં સંકુલ પર આવી શસ્ત્રપૂજા કેમ કરી? તો ટ્રમ્પના કેટલાક અતિ વિશ્વાસુ માણસો આ બાબતે એવું કહે છે કે અમારા ટ્રમ્પસર ગુફાવાદી છે. એ ભલે આધુનિક અમેરિકાના આધુનિક નેતા કહેવાતા હોય પણ એમણે એમનાં હૃદયમાં પોતાના પ્રાગૈતિહાસિક કાળનાં કેટલાંક ડ્ઢગ્દછ જાળવી રાખ્યાં છે. એમનાં માથાની હેરસ્ટાઇલ જ એ વાતનો નક્કર પુરાવો છે કે અમારા ટ્રમ્પસર ભલે મૂડીવાદી તરીકે જાહેર થયા હોય પણ હૃદયથી તો એ આજે પણ ગુફાવાદી છે. ટ્રમ્પના આ અતિ વિશ્વાસુ માણસોની વાત સાચી હોય એવું એટલા માટે લાગે છે કે અમેરિકાના એકાદ-બે રાષ્ટ્રપ્રમુખોને બાદ કરતાં મોટાભાગના પ્રમુખોએ અમેરિકાની ગુફાવાદી ઇમેજને વધારે ને વધારે મજબૂત બનાવી છે. ટ્રમ્પ એમાં શિરમોર છે!

કેટલાક હ્યુમન સાઇકોલોજિસ્ટ એવું કહે છે કે જે માણસ અંદરથી(એટલે કે પોતાના આત્મા સો પરમાત્માથી નહીં પણ ભીતરથી) ખૂબ જ બીકણ હોય, બીજાને ડરી જતો જોઈનેય પોક મૂકે એવો ડરપોક હોય એ જ પોતાની બીક કે ડરને છુપાવવા માટે મોટા-મોટા અને ખોટા-ખોટા અવાજે ગાજતો રહે છે અને નાના-મોટા ઠેકડા મારતો રહે છે કે જેથી કરીને દુનિયાને લાગે કે વાહ, ભાઈ તો એકદમ ર્નિર્ભિક અને નીડર છે! અમેરિકાએ આપેલા મોટાભાગના પ્રમુખોએ આ વાતને આજ સુધી સાચી પાડી છે. ટ્રમ્પે પોતાની નેશનલ હીરો તરીકેની સીમા, હિરોશિમાથી વિસ્તારીને છેક અફઘાનિસ્તાનની ગુફાઓ સુધી વિસ્તારી છે. અહીં જે બોમ્બ ફેંકાયો છે એનું અસલ નામ ભલે  એટલે કે મેસિવ ઓર્ડન્સ એર બ્લાસ્ટ હોય પણ કેટલાંક લાડકાં સંતાનોનાં નેકનેમ હોય છે, જેમ કે : લાલો, કાલો, વ્હાલો કે રિન્કી, પિન્કી, ચિન્કી(આ શ્રેણીમાં મન્કીને નહીં મૂકીને આ લોકોએ આપણા પૂર્વજોનું ખરેખર અપમાન કર્યું હોય એમ તમને નથી લાગતું? સાચું કહેજો!) હોય એમ ટ્રમ્પના આ લાડકા બોમ્બનું નેકનેમ ‘મધર ઓફ ઓલ બોમ્બ્સ’ તરીકે જાહેર થયું છે. ચાલો, એ વાતની ખબર તો પડી કે બોમ્બની પણ કોઈ માતા હોય છે! કોઈ બોબ જેવા બોબની પણ કોઈ મોમ હોય તો આ તો પૂરા અમેરિકાનું રાષ્ટ્રીય સંતાન કહેવાય એ બોમ્બની પણ કોક મોમ તો હોય જ ને!  આ જ રીતે બાપનો ક્રેડિટ રશિયા પાસે છે. ‘મધર ઓફ ઓલ બોમ્બ્સ’ ને પછાડવા રશિયાએ ‘ફાધર ઓફ ઓલ બોમ્બ્સ’ વિકસાવ્યો છે.

હવે અવળચંડાઈને નાતે કે અડપલાપણાંનાં સગપણે પણ, પાકિસ્તાને જ એવો દાવો કરવો જોઈએ કે બધા જ બોમ્બનો ક્લોન બાપ અમારી પાસે છે પણ હમણાં એવો દાવો એ નહીં કરે, કેમ કે પાકિસ્તાનની સરકારને લશ્કરના હાથે ડાન્સ કરવાનું ફાવી ગયું છે. આખા વિશ્વમાં એક પાકિસ્તાન એવો દેશ છે, જેની સરકાર અવ્વલ નંબરની ડાન્સર હોય અને એનું લશ્કર નંબર વન કોરિયોગ્રાફર હોય! આનો અર્થ એ થયો કે બધા જ બોમ્બના ક્લોન બાપ બનવાનું શ્રેય લશ્કર લઈ જાય પણ ‘શરીફ’ નવાઝ એવું સ્વીકારે જ નહીં ને? બાકી પાકિસ્તાન પાસે એવા બોમ્બ હોય કે ના હોય પણ એવી ક્ષમતાવાળા બોમ્બના બાપ બનવાનું નપુંસક ગૌરવ તો હોવાનું જ!

ટ્રમ્પના આ નવતર એવા બોમ્બનો પુરૂષાર્થ જોઈને ચીન પોતાના પ્રારબ્ધનો વિચાર કરતો થઈ ગયો છે! ઉત્તર કોરિયાનો સૌથી મોટો ડરપોક શાસક અમેરિકાને ડરાવે છે. અમેરિકા ચીન સાથે આખા જગતને ડરાવે છે ત્યારે ભારત મલક મલક મલકાય છે, કારણ કે ભારતને એટલી તો ખબર પડી ગઈ છે કે બિલાડી કાળી હોય કે ધોળી પણ ઉંદર તો એ પકડવાની જ! ઉંદર પકડવાના પોતાના ધર્મને એ ક્યારેય ભૂલે નહીં. ઉંદર ખુદ બિલાડીને સાચવે તો પણ, બિલાડી તો ઉંદરને ડરાવવાની જ! અમેરિકા ભલેને પાકિસ્તાનને સાચવે પણ એ જ પાકિસ્તાન, અમેરિકાને ‘મા, મા… મને છમ્મવડું’ કહીને રાતે તો ઠીક, દિવસે ય ઊંઘવા નહીં દે! પાકિસ્તાનનું વર્ષોથી એક જ નેશનલ સ્લોગન છે કે ‘અમે જપતા નથી, જપવા દેતા નથી?!’ તાન્ઝાનિયાના તત્કાલીન પ્રમુખ ન્યેરેરે એક વખત અમેરિકા અને રશિયા વચ્ચે ચાલતાં કોલ્ડવોર (બીજા સંદર્ભમાં એને હોટ લવ પણ કહેવાય!) એને જોઈને એક આફ્રિકન કહેવત કહી હતી કે, બે હાથીઓ લડે તો ઝાડનો ખુડદો બોલી જાય! પણ બે હાથીઓ એકબીજાને પ્રેમ કરે તો પણ ઝાડને જ સહન કરવું પડે! રશિયા અને અમેરિકા ઝઘડે તોય સીરિયાનો મરો અને એકબીજાને પ્રેમ કરે તો ય સીરિયાનો મરો!