કેનેડીના મર્ડરથી કોરોના વાઈરસઃ સદીઓથી થતી અજાયબ આગાહીઓ  - Sandesh
  • Home
  • Corona live
  • કેનેડીના મર્ડરથી કોરોના વાઈરસઃ સદીઓથી થતી અજાયબ આગાહીઓ 

કેનેડીના મર્ડરથી કોરોના વાઈરસઃ સદીઓથી થતી અજાયબ આગાહીઓ 

 | 9:15 pm IST

કોરાના વાઇરસથી સમગ્ર વિશ્વ ફફડી ઊઠયું છે. ડિસેમ્બર-૨૦૧૯માં ચીનના વુહાનમાં બહાર આવેલી ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ નામની આ મહામારીએ ૭૯૯૪ લોકોનો ભોગ લઈ લીધો છે. ૧૪૦ દેશોમાં તેના દર્દીઓનો આંક બે લાખ થવા જાય છે.  બધું જ લોકડાઉન થઈ રહ્યું છે. વિશ્વનું શું થવાનું છે! ગોળાકાર પૃથ્વીની ઉપર જાણે એક બિહામણો ઓછાયો પડયો છે ત્યારે સૃષ્ટિના સર્જનની જેમ હવે સૃષ્ટિના અંત વિશે પણ ભાતભાતની દંતકથા વહેતી થઈ રહી છે. જોકે, આવી આગાહીઓ ભૂતકાળમાં બહુ સાચી પડી નથી પરંતુ કેટલાક દિગ્ગજ આગાહીકારોની વાતો વિચારતા જરૂર કરી દે છે.

ફ્રાન્સના યહૂદી પરિવારમાં ૧૫૦૩માં જન્મેલા માઈકલ ડી નોસ્ટ્રાડેમસે ‘ધ પ્રોફેસીઝ’માં લખેલી ભવિષ્યવાણીઓના ગૂઢાર્થને લોકોએ ફ્રાન્સની ક્રાંતિ, કેનેડીની હત્યા, અમેરિકા પર ૯/૧૧ના હુમલા સાથે જોડી દીધા છે. ત્રીજા વિશ્વયુદ્ધ અને ગ્લોબલ વોર્મિંગનો તેણે ઉલ્લેખ કરેલો. સાથે તે લખે છે કે પૃથ્વી ઉપર મહામારી મોટો ખતરો સાબિત થશે. પ્લેગ, ઈબોલા, બર્ડ ફ્લૂ, સ્વાઈન ફ્લૂ અને કોરોનાને પણ તેના કથન સાથે જોડવામાં આવે છે.  નોસ્ટ્રાડેમસના સમયકાળની અવધિ મુજબ ૧૮૮૯થી ૨૨૪૬ના ગાળાને રજતયુગ કહેવાય છે. જેમાં ચન્દ્ર બીજી મહાન ચક્ર અવધિમાં પસાર થાય છે. ૨૦૨૫ સુધીમાં તેણે વિશ્વયુદ્ધ થાય તેના સંકેત આપ્યા છે. એવો પણ ઉલ્લેખ છે કે આ સમયમાં એક વિશ્વનેતા ઉદય પામી શાંતિ લાવશે.

સદીના મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકીંગના મતે સૃષ્ટિનું આયુષ્ય હજુ ૧ હજાર વર્ષ છે. ઓક્સફર્ડમાં એક સ્પીચમાં તેમણે કહેલું, ગ્લોબલ વોર્મિંગ, મહામારી, પરમાણુ હુમલા જેવી વિપદાથી દર વખતે બચવું સંભવ નથી. માણસે અસ્તિત્વ ટકાવવા બીજા પ્લેનેટને શોધવો પડશે.

સર આઈઝેક ન્યૂટન ભૌતિકશાસ્ત્રમાં સીમાચિહ્ન છે. વિજ્ઞાનની સાથે તેમને ધર્મશાસ્ત્ર તરફ પણ ઊંડો લગાવ હતો. બાઈબલના અધ્યયન પછી તેમણે લખેલું કે રોમન એમ્પાયરના ગઠનથી ૧૨૬૦ વર્ષ પછી એટલે કે ૨૦૬૦માં સૃષ્ટિના અંતની શરૂઆત થશે. ૧૭૦૪ના આ લેખમાં વિજ્ઞાન કરતાં ધર્મનો આધાર વધુ છે. ચિત્રકાર લિયોનાર્દો દા વિન્ચીએ પેઈન્ટિંગની સાથે ભવિષ્યવાણીઓ પણ કરી છે. તેમના મતે ૪૦૦૬માં વિશ્વમાં વિનાશક પૂર આવશે અને આખી દુનિયા પાણીપાણી થઈ જશે. તેમણે ૨૧ માર્ચથી ૧ નવેમ્બર સુધીની નિશ્ચિત તારીખો પણ આપી છે.

મેક્સિકોની માયા સભ્યતાનું ૧૬મી સદીમાં પતન થઈ ગયેલું. ૩૦૦ ઈ.થી ૯૦૦ ઈ. દરમિયાન મેક્સિકો, હોન્ડુરાસ, ગ્વાટેમાલા, સાલ્વાડોરમાં આ સભ્યતા ઉન્નત શિખરે હતી. તેના કેલેન્ડર મુજબ સૃષ્ટિનું આયુષ્ય ૫૧૨૬ વર્ષ ગણી ૨૧ ડિસેમ્બર, ૨૦૧૨ને અંતિમ દિવસ જાહેર કરી કેલેન્ડરને પણ ત્યાં જ સમાપ્ત કરી દેવાયેલું પરંતુ આ દિવસે કે આજ સુધી કોઈ મહાપ્રલય આવ્યો નથી.

બલ્ગેરિયાના બાબા વંગાને બાલ્કન નોસ્ટ્રાડેમસ ગણાય છે. અમેરિકા ઉપર ૯/૧૧ના હુમલા, સુનામી અને ત્રાસવાદી સંગઠનો વિશેની તેની ભવિષ્યવાણી સાચી પડી છે. તેમના મતે હવે પછીનાં ૧૦૦ વર્ષોમાં માણસ કૃત્રિમ સૂર્ય બનાવી લેશે. ૨૦૦ વર્ષમાં આપણે એલિયન સભ્યતા સુધી પહોંચી જઈશું. વર્ષ ૩૦૦૫માં મંગળ ગ્રહ ઉપર માનવયુદ્ધ થશે ને ૫૦૭૯માં દુનિયા ખત્મ થઈ જશે.

END TIME PROPHECIES નામની સંસ્થાએ ૨૯ જુલાઈ, ૨૦૧૬ને પૃથ્વીનો અંતિમ દિવસ ગણાવી કહેલું કે પૃથ્વીના ચુંબકીય ધ્રુવમાં વિક્ષેપ સર્જાશે અને એક વિશાળ ઉલ્કાપિંડ ધરતી સાથે ટકરાશે પણ આવું કશું બન્યું ન હતું.

વિશ્વના અંત વિશે અનેક ફિલ્મો પણ બની છે. ધ ડે ધ અર્થ કોટ ફાયર, વ્હેન વર્લ્ડસ કોલાઈડ, ધ ક્વાએટ અર્થ ધ સેક્રિફાઈસ, વ્હેન ધ વીન્ડ બ્લોવ્ઝ, લાસ્ટ નાઈટ જેવી ફિલ્મોએ ધૂમ મચાવી છે. દુનિયાને તો કાંઈ થયું નથી પરંતુ ફિલ્મો બનાવનારા ન્યાલ થઈ ગયા છે.

ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે ? અને પાંચમની છઠ્ઠ થતી નથી એવી કહેવતો આપણે બોલીએ છીએ પરંતુ ભવિષ્યવાણી હંમેશાં આપણને વિચારતા કરી દે છે.

ઝૂમ ઈન  

તૂફાનોં સે આંખ મિલાઓ

સૈલાબોં પર વાર કરો

મલ્લાહોં કા ચક્કર છોડો

તૈર કે દરિયા પાર કરો

ઝૂમ આઉટ  

આંખ મેં પાની રખો

હાઠોં પે ચિનગારી રખો

જિંદા રહના હૈ તો..

તરકીબેં બહુત સારી રખો

fb/jayesh thakrar wide angle

વાઈડ એન્ગલ : જયેશ ઠકરાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન