સતત કર્મમય રહેવું કલ્યાણકારી છે! - Sandesh

સતત કર્મમય રહેવું કલ્યાણકારી છે!

 | 4:08 am IST

“ન મે પાર્થાસ્તિ કર્તવ્યં ત્રિષુ લોકેષુ કિંચન ।

નાનાવાપ્તમવાપ્તવ્યં વર્ત એવ ચ કર્મણિ ।।”

અર્થ –   “હે અર્જુન, ત્રણે લોકમાં મારે કંઈ પણ કર્મ કરવાનું છે, નહિ કે મારે નથી કશાની કમી કે નથી કંઈ મેળવવાની જરૂર. તેમ છતાં હું કર્મમાં પરોવાયેલો જ રહું છું.”

“યદિ હ્યહં ન વર્તેયં જાતુ કર્મણ્યતંદ્રિતઃ ।

મમ વર્ત્માનુ વર્તંતે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ ।।”

અર્થ –   “કેમ કે હું સાવધાન રહી મારા કર્મ નહિ કરું તો હે અર્જુન લોકો બધી રીતે મારા માર્ગને અનુસરશે”

….ઉપરના બંને શ્લોકમાં ભગવાન જે સર્વગુણ સંપન્ન અને સાધન સંપન્ન લોકો છે, તેમનું માર્ગદર્શન કરે છે અથવા તો તેમની ફરજ બતાવે છે. ભગવાન અર્જુનને કહે છે કે, જો મારા જીવનમાં કંઈ જ ખામી કે ખોટ નથી તેમ છતાં હું મારું કર્મ સતત કરતો જ રહું છું. મનુષ્ય નિવૃત્ત થાય પછી એમ માનતો હોય છે કે હવે તેને આરામ કરવાનો સમય આવ્યો છે. આમ થવાનું કારણ એ જણાય છે, કે ત્રીસ-પાંત્રીસ વર્ષની નોકરી અથવા તો સતતની પ્રવૃત્તિ બાદ મનુષ્ય નિવૃત્ત થાય ત્યારે થોડા દિવસ કામમાંથી મુક્તિ મેળવવાનો આનંદ લેવાનું મન થાય તો એ સ્વાભાવિક અને સ્વીકારી શકાય તેવી બાબત છે.

બીજી તરફ માણસ સ્વભાવથી જ એવું પ્રાણી છે, જે કામ કર્યા સિવાય રહી શકે નહિ. ભગવાને બીજા શ્લોકમાં જે વાત કરી છે તે આગળના શ્લોકનું મહત્ત્વ વધારે સમજાવે છે, અથવા તો સ્પષ્ટ કરે છે. સજ્જનો, સંતો, મહાત્માઓ કે વિદ્વાનો અથવા તો સમાજમાં જેમને ડાહ્યા અને જ્ઞાાની ગણવામાં આવે છે તેઓ જો કર્મ કરવાનું ટાળે તો લોકો તેમના માર્ગનું અનુકરણ કરતા હોવાથી તે સમાજને માટે યોગ્ય થશે નહિ.

એટલે ભગવાન કહે છે કે બીજા લોકો જે મને અનુસરવાના છે તેમના માર્ગદર્શન માટે પણ મારે કર્મમાં પ્રવૃત્ત રહેવું જરૂરી છે. એટલે અહીં વ્યક્તિને સતત કર્મમય રહેવાનું જણાવાયું છે, અને તેમાંય સજ્જનો અથવા સારી વ્યક્તિઓના કર્મમય રહેવાથી સમગ્ર જગત પણ કર્મમય જ રહે છે, કેમ કે સમાજનો મોટો સમૂહ તેમને અનુસરવાનો હોય છે.

અહીં સવાલ એ પણ આવે કે માણસે કર્મમય તો રહેવું, પણ કેવાં કર્મ કરવાં જોઈએ? તો તેની પણ સ્પષ્ટતા કરી દઈએ કે, દરેકે કર્મમય રહીને માત્ર અને માત્ર સત્કર્મો જ કરવાનાં છે. વળી આગળના ચોવીસમાં શ્લોકમાં ભગવાને કહ્યું છે કે, જો લોકો સતત કર્મ નહિ કરે તો તેમ કરીને પણ તેઓ તેમનો નાશ નોતરશે તે પણ ધ્યાનમાં રાખવું અનિવાર્ય છે. ચાલો આપણે પણ સતત કર્મમય રહેવાનો અને મનુષ્યને કલ્યાણકારી હોય તેવાં જ કર્મ કરવાનો સંકલ્પ લઈએ…

– અનંત પટેલ