દેશમાં પ્રદૂષણથી તોબાતોબા : ૭૭ ટકા લોકોને શુદ્ધ હવા લેવાના ફાંફાં - Sandesh
  • Home
  • Columnist
  • દેશમાં પ્રદૂષણથી તોબાતોબા : ૭૭ ટકા લોકોને શુદ્ધ હવા લેવાના ફાંફાં

દેશમાં પ્રદૂષણથી તોબાતોબા : ૭૭ ટકા લોકોને શુદ્ધ હવા લેવાના ફાંફાં

 | 12:10 am IST

ચલતે ચલતે : અલ્પેશ પટેલ

દેશમાં પ્રદૂષણની સમસ્યા ખતરાની ઘંટડી વગાડી રહીં છે. શહેરોએ વિકાસની આંધળી દોટ મૂકી છે પણ તેની પાછળનું કડવું સત્ય જોઈને આંખે અંધારા આવી જાય તેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે. આપણે જેને વિકાસ કહી રહ્યા છીએ એ આત્મઘાતી વિકાસ સાબિત થાય તો નવાઈ જેવું લાગશે નહીં. ઘર બાળીને તીરથ કરવા જેવી સ્થિતિ આકાર પામી છે. પ્રદૂષણનું પ્રમાણ એટલી હદે વધી ગયું છે કે, સરકારી ધારા-ધોરણો અને કાયદા-કાનૂન અને નીતિ-નિયમોનું ઔદ્યોગિક એકમો દ્વારા સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. દેશમાં વાયુ પ્રદૂષણના અજગરી ભરડાથી ૨૬ ટકા લોકો વહેલા મોતને ભેટી રહ્યા છે. માત્ર એટલું જ નહીં પરંતુ, આજે પણ દેશની ૭૭ ટકા વસતીને શુદ્વ હવા લેવાના ફાંફાં પડી રહ્યા છે. ૨૦૧૭માં વાયુ પ્રદૂષણથી ૧૨.૪ લાખ લોકોનાં મોત નીપજ્યાં હતાં. બોલો, આ પ્રદૂષણ નામનો દૈત્ય ડામવા માટે નેતાઓ થૂંક તો ઘણા ઊડાડે છે પણ ખાટલે મોટી ખોડ એ છે કે, તેનો અમલ થઈ શક્તો નથી. કાયદાને ખિસ્સામાં લઈને ફરનારાઓ બેખૌફ થઈ ચૂક્યા છે અને પોતાના બાપનો બગીચો હોય તેમ મનમાની કરી રહ્યા છે. તેમની સામે કાયદાનો કોરડો ક્યારે વીંઝાશે ? લોકોની જિંદગીને ખતરામાં મૂકનારા ઔદ્યોગિક એકમોને ખંભાતી તાળાં મારવામાં કેમ આવતાં નથી ? કયા શુભ ચોઘડીયાની રાહ જોવામાં આવી રહીં છે ? શું બધા ચોરના ભોઈ ઘંટી ચોર કુલડીમાં ગોળ ભાગી જનતાને મૂર્ખ બનાવી રહ્યા છે ?

અકાળે મોત  

પ્રદૂષણની ગંભીર સમસ્યા પ્રત્યે આંખ આડા કરવા હવે સહેજ પણ પોસાય તેમ નથી. આજે પણ દેશમાં દર આઠમાંથી એકનું મોત વાયુ પ્રદૂષણથી થઈ રહ્યું છે. ખરેખર જો દેશમાં કોઈને પ્રદૂષણની ચિંતા હોત તો આજે આ કપરી સ્થિતિ સર્જાઈ ન હોત. ૨૦૧૭માં ઉત્તર પ્રદેશમાં વાયુ પ્રદૂષણથી ૨,૬૦,૦૨૮ના મોત નીપજ્યાં હતાં. મહારાષ્ટ્રમાં ૧,૦૮,૦૩૮ના જ્યારે બિહારમાં ૯૬,૯૬૭ લોકોનાં મોત નિપજ્યાં હતાં. રાજસ્થાન, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો હવાનું પ્રદૂષણ ફેલાવવામાં અવ્વલ નંબરે છે. વિચાર તો કરો કે, દેશમાં ઘર બહારના પ્રદૂષણથી દર વર્ષે આશરે ૬.૭ લાખ અને ઘરમાં થતા પ્રદૂષણથી ૪.૮ લોકોના મોત નીપજે છે. પ્રદૂષણથી થતા મોતમાં ભારતમાં મૃત્યુદર સૌથી ઊંચો છે. બોલો, પરિસ્થિતિ કેટલી હદે વિકટ બની છે પણ હરામ બરાબર છે કે, કોઈ નેતાને તેની જરાય ચિંતા હોય. હા, એ અલગ બાબત છે કે, જ્યારે પર્યાવરણ બચાવો વિશે મીડિયા સામે બકવાસ કરવાનો હોય ત્યારે વારંવાર વાગી ચૂકેલી રેકર્ડ વગાડે રાખે છે. આવા બબૂચકોને તો જનતા ગાલ ઉપર સણસણતા બે-ચાર તમાચા ઠોકે તો પણ ઓછા પડે તેમ છે.

રાજધાની દિલ્હી  

દેશની રાજધાની દિલ્હીમાંમાં હવાનું પ્રદૂષણ પાર્ટિક્યુલેટ મેટર ૨.૫ના સ્તરે પહોંચી ચૂક્યું છે જે ખતરનાક છે. હવામાં પીએમ ૨.૫નું સ્તર વધે ત્યારે એ બતાવે છે કે, વાતાવરણમાં માનવ શરીર માટે જોખમી ઝેરી તત્ત્વોનું સ્તર એટલી હદે વધી જાય છે કે, લોકો શુદ્વ હવા નહીં પણ ઝેરી તત્ત્વોને શ્વાસમાં લે છે અને જેનાથી અનેક ગંભીર બિમારીઓનો ભોગ બને છે. શ્વાસમાં લેવામાં આવતા ઝેરી તત્વો ૨.૫ માઇક્રોમીટર જેવા બારીક હોય છે કે જે માનવ વાળથી પણ સો ગણા નાના હોય છે. ખરેખર જો પ્રદૂષણના ધારા-ધોરણો જળવાયા હોત તો લોકોનું સરેરાશ આયુષ્ય ૧.૭ વર્ષ વધી શક્યું હોત પણ એ થઈ શક્યું નથી. એમાં બે મત નથી કે, આવનારો સમય વધુ કપરો હશે.

અમદાવાદ  

મેટ્રો સિટી અમદાવાદની વસતી ૬૦થી લાખથી વધુએ પહોંચી છે. પ્રદૂષણ ઓંકતા એકમોને જાણે કે સરકારી નીતિ-નિયમો લાગુ પડતા ન હોય તેમ હવામાં ઝેરી પ્રદૂષણ ભેળવી રહ્યા છે અને લોકોની જિંદગી સાથે ખિલવાડ કરી રહ્યા છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નહોર વગરના વાઘ જેવું સાબિત થતાં લોકો પ્રદૂષણમાં સબડયા કરે છે. પ્રદૂષણ ફેલાવતા એકમોને જાણે કે પ્રદૂષણ ફેલાવવાનો પરવાનો મળી ગયો હોય તેમ તેમને કોઈ રોકવાવાળું પણ નથી. જીપીસીબીના અધિકારીઓ પાછલા બારણે ‘વહીવટ’ પતાવી સબ સલામતના ર્સિટફિકેટ આપી શહેરની જનતાને મરવાના વાંક જીવવા મજબૂર કરી રહ્યા છે. માત્ર અમદાવાદ નહીં આખા રાજ્યમાં પણ આજ હાલત છે. જ્યાં જુઓ ત્યાં જીપીસીબીના નામના છાજીયા લેવાય છે. કેમ કે, કોઈ માઈનો લાલ અધિકારી નથી કે જે છાતી ઠોકીને એકમોને તાળા મારી શકે અને લોકોને પ્રદૂષણથી ઉગારી શકે. પ્રમાણિક્તા અને સિદ્ધાંતો નેવે મૂકી દેવામાં આવ્યા છે. હા, જ્યારે ડોળ કરવાની વાત આવે ત્યારે જાણે કે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર હોય તેમ ડોળ કરવામાં બાબુઓનો આત્મા પણ ડંખતો નથી. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીએ નેતાઓ પ્રદૂષણની ગંભીરતા વિશે પાળેલા પોપટની બોલે છે અને ‘રાત ગઈ બાત ગઈ’ની જેમ ડાહ્યાડમરા થઈ જાય છે. આવા અનેક પાપી નેતાઓ લોકોના મોતના ભાગીદાર બની રહ્યા છે. કેટલાક નેતાઓને ઔદ્યોગિક એકમો પાસેથી ‘મલાઈ’મળી રહે છે એટલે તેમણે પણ લોકોની પડી હોતી નથી. ભરો તમ-તમારે ખિસ્સા ભરો, ભલેને જનતા પ્રદૂષણમાં મરી પણ કેમ ન જાય ?

કાર્બન ડાયોક્સાઈડ  

ગ્લોબલ કાર્બન પ્રોજેક્ટના તાજેતરના એક અહેવાલમાં જણાવાયું છે કે, વિશ્વમાં કાર્બન કાયોક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું છે. ભારતમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ૬.૩ના દરે વધી રહ્યું છે જે માનવ વસતિ માટે વિનાશક સાબિત થશે. વિશ્વમાં સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડ ઓંકતા દેશોમાં ચીન ૨૭ ટકા સાથે પ્રથમ ક્રમાંકે છે. ટોચના પાંચ દેશોમાં ભારત ચોથા નંબર ઉપર છે. પાંચ દેશો જ વિશ્વમાં ૫૮ ટકા કાર્બન ફેલાવી રહ્યા છે. જેમાં ચીન ૨૭ ટકા, અમેરિકા ૧૫ ટકા સાથે બીજા ક્રમે, યુરોપિયન યુનિયન ૧૦ ટકા અને ભારત ૭ ટકા કાર્બન ડાયોક્સાઇડ ફેલાવી રહ્યું છે. માત્ર એટલું જ નહીં પણ વૈશ્વિક વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ૨.૭ ટકા જેટલું વધ્યું છે જે વીતેલા સાત વર્ષનો સૌથી મોટો આંકડો છે.

કોલસો જવાબદાર  

માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં કોલસાનો વધેલો વપરાશ કાર્બન ડાયોક્સાઈડ ફેલાવવા માટે જવાબદાર છે. વિશ્વમાં કોલસાનો ઉપયોગ ત્રણ ટકાના દરે વધ્યો છે. સૂર્ય અને પવન ઊર્જાનો ઉપયોગ કરવાની નીતિ અસરકારક બનતી નથી જેના કારણે કોલસાનો ઉપયોગ ચિંતાજનક હદે વધી રહ્યો છે. કોલસાથી ૭.૧ ટકાના દરે કાર્બન ડાયોક્સાઈડ ફેલાય છે તો ઓઈલથી ૨.૯ ટકાના દરે, જ્યારે ગેસથી છ ટકાના દરે કાર્બન ડાયોક્સાઇડ ફેલાય છે.

એકસૂત્રતા નહીં  

વાયુ પ્રદૂષણથી માત્ર ભારત જ નહીં પરંતુ, વિશ્વમાં ચિંતાનું મોજું છે. રશિયા, જાપાન, જર્મની, ઈરાન, સાઉદી અરેબિયા, દક્ષિણ કોરિયા જેવા દેશો કાર્બન ડાયોક્સાઈડ ફેલાવવામાં અવ્વલ છે. ગત વર્ષે પેરિસમાં આયોજિત ક્લાઈમેટ ચેન્જ સમિટમાં ભારતની આગેવાનીમાં અનેક દેશોએ કાર્બન એમિસન ઘટાડવાની તૈયારી દર્શાવી હતી પરંતુ, જગત જમાદાર અમેરિકા સહિતના વિકસિત દેશોએ એ દિશામાં પગલાં ભરવા માટે ભારે ઉદાસિન જણાયા હતા. આશા રાખીએ કે, ૨૦૧૯માં યોજાનારી યુએન સમિટમાં કાર્બન એમિસન મુદ્દે અસરકારક નીતિ ઘડવામાં આવે. ચીને અગમચેતી વાપરીને સૂર્ય અને પવન ઊર્જાનો ઉપયોગ કરવાની નીતિ ઘડી કાઢી છે જેમાંથી ભારત સહિત વિશ્વના દેશો બોધપાઠ લે તો પણ કાર્બન ડાયોક્સાઇડના વધેલા પ્રમાણને ઘટાડી શકાય છે. ‘જાગ્યા ત્યાંથી સવાર’ની જેમ પ્રદૂષણને ડામવા અસરકારક અને નક્કર પગલાં ભરવા એ વર્તમાન સમયની માગ છે. તેમાં હજુ પણ ચૂક કરાશે તો તેનું પરિણામ આવનારી પેઢીને અચૂક ભોગવવું પડશે એમાં બેમત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન