દેશમાં ટોળાશાહી કેમ વકરી રહી છે..? - Sandesh
  • Home
  • Supplements
  • Stree
  • દેશમાં ટોળાશાહી કેમ વકરી રહી છે..?

દેશમાં ટોળાશાહી કેમ વકરી રહી છે..?

 | 12:32 am IST

કવર સ્ટોરી । રીના બ્રહ્મભટ્ટ

અલ્પાએ જેવો તે મેસેજ વાંચ્યો કે સૌથી પહેલું કામ તેણે આ મેસેજ તેની બહેન ટીનાને ફોરવર્ડ કરવાનું કર્યું અને આટલું પુરતું ન હોય એમ તુરંત ભૂલ્યા વગર કોલ કરી ચેતવણી પણ આપી કે, વિઆનનું ધ્યાન રાખજે. બચ્ચા ચોર ટોળી શહેરમાં ઠેર ઠેર ફરી રહી છે. આ એક કાલ્પનિક છતાં સત્ય સ્નેપ શોટ છે. જો કે, મોબાઈલ મેનિયા અને સોશિયલ મીડિયાની પ્રવર્તતી આણ બાદ આજે અફવાઓનું બજાર ગરમ છે. ધમધમી રહ્યું છે. ક્યાં મેસેજ કે વીડિયો સાચા કે ક્યાં ખોટા તે કાંઈ જ નક્કી નથી કરી શકાતું નથી પરંતુ એક વાત નક્કી છે કે, આપણે વર્ચ્યુઅલ વર્લ્ડમાં તે હદે ઊંડા ઉતારી ચૂક્યા છીએ કે વાસ્તવિક દુનિયાની પેરેલલ આ અવાસ્તવિક દુનિયાની આખી માયાનગરી માયાજાળ સમી ઊભી થઈ ગઈ છે. જેમાં કોઈ પક્ષ કોઈ વ્યક્તિ કે કોઈ કંપની તેને લાગે વળગતા મેસેજ બનાવી બાકાયદા ફરતા કરી નાખે છે.

અને લોકો પણ કંઈ પણ જોયા વિના, જાણ્યા વગર કે તેની ખરાઈ કર્યા વગર મેસેજીસની વહેતી ગંગામાં હાથ જબોળી લે છે. લોકોને તે જાણવાની કોઈ દરકાર નથી હોતી કે, બહુ સુપેરે તમારું બ્રેનવોશ કરીને તમારો અભિપ્રાય બદલવાના અહીં આ સ્થળે કારનામાં ચાલે છે અને તમે ચુપચાપ આ કારનામાંનો એક હિસ્સો બની જાવ છો. જેની તમને ખબર પણ પડતી નથી અને આવા મેસેજીસ આગળ ફોરવર્ડ કરીને તમે આ સાજીસનો એક છુપો ભાગીદાર પણ બની જાવ છો અને આવા જ અફવાઓના બજારમાં કેટલાક સમયથી બાળકો ચોરવાની ગેંગ અંગેના કેટલાક મેસેજીસ વાઈરલ થયા હતાં અને લોકોએ પણ આ અફવાની ખરાઈ કરવાને બદલે વહેતી ગંગામાં જંપલાવી શકમંદ લોકોને ટાર્ગેટ બનાવી મારી નાખ્યા. જી, હા દેશના કેટલાક હિસ્સોમાં આ અફવાઓના પગલે ૨૦૧૪ બાદ દેશના અલગ-અલગ હિસ્સાઓમાં ૧૦૦ જેટલા લોકોને મારી નાખ્યા છે. તો ઈજા પામનારાઓની સંખ્યા અલગ છે. ગુજરાતમાં પણ હાલમાં જ અમદાવાદના વાડજ વિસ્તારમાં અને તે સિવાય બોટાદ, જામનગર, ધોરાજી, સુરત સહિત ઠેક-ઠેકાણા આવા બનાવો બની રહ્યાં છે. ગયા અઠવાડિયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા ગામમાં બે યુવાનોને બાળકોની ઉઠાંતરી કરતી ગેંગના સાગરિત માની લેવામાં આવ્યા અને મારી મારીને અધમૂવા કરી નાખ્યા.

તેમજ આ સિવાય દેશભરમાં પણ આસામ, ત્રિપુરા, કર્ણાટક, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પણ આવા બનાવો નોંધાયા છે. જેને પગલે એક મેસેજ તેવો પણ ગયો છે કે, દેશમાં ટોળાશાહી હાવી થતી ચાલી છે.

જી, હા આ મેસેજ દેશમાં ટોળાશાહી મામલે એક નવી જ ચર્ચા જગાવી છે કેમ કે આ અગાઉ પણ દેશમાં ગૌહત્યા મામલે પણ આવા જ બનાવો બન્યા હતાં. જેના થોડા સમયના અંતરાલ બાદ આ નવો સિલસિલો મેસેજીસ વાઈરલ થયા બાદ બનવાનું ચાલુ થયું છે. જે હજુ અટક્યો નથી અને તેનો ટાર્ગેટ ગરીબ, રખડતા ભીખારીઓ મુખ્યત્વે બની રહ્યાં છે. કેમ કે આવા મેસેજીસ અલગ-અલગ પ્રકારે બનાવવામાં આવ્યા હતાં.

પરંતુ અનર્થ થવાની શરૂઆત ત્યાં થાય છે કે, જેમાં કોઈએ કરેલ છેડખાની કે કંપનીએ તેનો ડેટા વધારે વપરાવવા કરેલ આ એક કીમિયો હોય અને લોકો તેને વાસ્તવિક સમજી વિફરી બેસે અને ઝપા-ઝપીમાં લોકોના જાન જાય કેમ કે આવા મેસેજીસ ખૂબ ઝડપથી ફેલાતા હોય છે. બાળકોની સલામતી જેવી અત્યંત સંવેદનશીલ બાબત લોકોની સંવેદના આસાનીથી જગાડી જાય છે. તો બીજી તરફ તે પણ એક નગ્ન સચ્ચાઈ છે કે, દેશમાં હ્યુમન ટ્રાફિકિંગનું પ્રમાણ કેટલાક સમયથી વધી ચૂક્યું છે અને બાળકો તેમનો સોફ્ટ ટાર્ગેટ હોય છે અને આ માટે આખી ચેનલ કામે લાગેલ હોય છે. જેમાં માસૂમ બાળકો એકવાર આ નરાધમોને હાથે લાગ્યા બાદ તેનો ઉપયોગ તેઓ એક માલ-સામાન તરીકે કરતા હોય તેમ કરે છે. તેમનું આ બાળકો અંગેનું વલણ એક નોન લીવિંગ થિંગ જેવું હોય છે. તેમની કોમળતા પણ તેમને સ્પર્શતી હોતી નથી અને બડી બેરહમીથી આ માસૂમોને મુઠ્ઠીભર રૂપિયા માટે દેશ-વિદેશમાં સપ્લાય કરે છે. જેમાં તેમની સાથે ભીખ મંગાવાથી લઈને લેબર વર્ક, સેક્સ અબ્યુઝ કે ભીખ મંગાવવા જેવા કામો કરાવાય છે અને આ માટે જરૂર પડે આ બાળકોને અત્યંત બેરહમીથી અપંગ બનાવવા જેવા નિર્મમ કામો પણ આ લોકો કરે છે અને એેક વાર બાળક આ લોકોના હાથમાં ગયા પછી પાછું મેળવવું અત્યંત દુષ્કર અને કપરું બની જતું હોય છે.

ત્યારે બહુ સ્વાભાવિક રીતે કોઈપણ પેરેન્ટ્સ તેના બાળકો માટે ચિંતિત હોય તે સ્વાભાવિક છે અને તેમાં પણ જ્યારે આવા મેસેજીસ મળે છે ત્યારે લોકો કોઈપણ પ્રકારનું જોખમ ઉઠાવવાને બદલે તુરંત એક્શનમાં આવી જાય છે.

વેલ ત્યારે ભીડ દ્વારા કોની માર-પીટ દ્વારા કરતી હત્યાની ઘટનાઓને જોઈને સુપ્રીમે કરેલ ટિપ્પણી અત્યંત મહત્ત્વની છે કે, આવી ઘટનાઓ માટે કોઈ તર્ક માન્ય ના હોઈ શકે કોર્ટે કહ્યું કે, આની પાછળના ઈરાદાઓ જોઈને કોઈ વાત સાંભળવી નથી. કારણ કોઈપણ હોય કે ઈરાદો પણ કોઈપણ હોય પરંતુ આ એક જધન્ય અપરાધ છે અને તેને કોઈપણ સ્થિતિમાં રોકાવો જોઈએ.

ત્યારે ઉલ્લેખનીય છે કે, દેશમાં ગૌહત્યાના મામલા બાદ પાછલા બે માસમાં મોબ લીચિંગની ૧૩ જેટલી જુદી જુદી ઘટનાઓમાં ૨૭ જેટલાં લોકોના મૃત્યુ નીપજ્યાં છે. પરંતુ અહીં ખતરાની ઘંટી ત્યાં સંભળાય છે કે, ટોળાશાહી વકરતી જાય છે. લોકો કાયદો હાથમાં લેવાનું શીખી રહ્યાં છે. તેમની લાઠીથી ગુનેગાર જણાતા લોકોનો ફેસલો તુરંત કરવા આતુર છે અને આ એક શરૂઆત છે. આગામી સમયમાં આવી ઘટનાઓમાં તેજી આવી શકે પછી કારણ કોઈપણ હોય પરંતુ પ્રજા અગર તેના ફેસલા આ પ્રકારની વર્ચુઅલ દોરવણીથી જાતે જ કરવા લાગશે તો ??? સમજી શકાય છે ને સ્થિતિની ભયાનકતા ? અંદાજ લગાવી શકાય તેમ છે અને વળી ટોળાને બુદ્ધિ નથી હોતી. ટોળું ઘેટાંઓના ટોળા જેવું હોય છે. તેથી આ સ્થિતિની કલ્પના પણ વધુ ખતરનાક છે અને છેલ્લે ટોળાશાહી વકરવાનું બીજું મુખ્ય કારણ તે છે કે, લોકોને સરકારી તંત્ર પર ખાસ ભરોસો રહ્યો નથી. અત્યાર સુધી ગુમ થયેલા બાળકોમાંથી મોસ્ટલી પરત ફર્યા હોય તેવું જોવા મળતું નથી. સમગ્ર સિસ્ટમ દોષપૂર્ણ જણાઈ રહી છે. વળી સ્થિતિ તેવી પણ જોવામાં આવે છે કે કાયદો સામાન્ય લોકો માટે જ છે. કાયદાની પહોંચથી પહોંચ ધરાવતો વર્ગ આમ પણ દૂર હોય છે. હાલ કેટલાક સમયથી ગુનાખોરીથી લઈ આર્થિક બાબતો સુધી લોકોની સ્થિતિ અત્યંત વિકટ બનતી ચાલી છે. નાની બાળાઓ ડે બાય ડે વધુ સલામત બની રહી છે. માસૂમ બાળાઓ સાથેના ગુનાઓમાં તેજી આવી છે અને આ સ્થિતિએ લોકોમાં અસલામતીની ભાવના વધુ ઊભી કરી છે. જેને કારણે આજે આ સ્થિતિ આવી છે. સ્થિતિ સ્ફોટક બને તે પહેલાં હવે દેશમાં કાયદાનું શાસન સ્થપાય અને ગુનેગારી ઘટે તેવી તજવીજ હાથ ધરાવી જોઈએ.