બચ્ચાં કેમ રડે છે?   - Sandesh

બચ્ચાં કેમ રડે છે?  

 | 12:10 am IST

એક ગીચ જંગલ હતું. એ જંગલમાં કોયલ, પોપટ, મોર તથા શિયાળ, સસલાં, હરણ, હાથીભાઈ, વાંદરા વગેરે પંખીઓ અને પ્રાણીઓ રહેતાં હતાં. જંગલમાં એક સિંહ પણ રહેતો હતો. સિંહ જંગલમાં જ્યાં તક મળે ત્યાં શિકાર કરી જમી લેતો. જંગલમાં અંદર ખૂબ ગીચ ભાગમાં પથ્થરોની એક ગુફામાં એ રહેતો હતો. એક વખત સિંહને ફરતાં ફરતાં એક નવી ગુફા ગમી ગઈ. એટલે સિંહે ત્યાં રહેવા માંડયું.

આ બાજુ કાલુ શિયાળની પત્ની કલિકાને બચ્ચાં જન્મવાની તૈયારી હતી. એણે કાલુને કહ્યું, જલદી કોઈ ગુફા શોધવી પડશે. બંને ગુફા શોધતા હતા. એવામાં એમણે સિંહની ગુફા જોઈ. કલિકા કહે, ‘આમાં જ રહી જઈએ. મારાથી હવે આગળ જવાય એવું નથી.’

કાલુ શિયાળ કહે, ‘પણ આમાંથી સિંહની આછી ગંધ આવે છે. એ પાછો આવશે તો?’

કલિકા કહે, ‘સિંહ તો ત્યાં ઝરા પાસેની ગુફામાં રહે છે. મારાથી હવે રહેવાય એવું નથી.’

કાલુ શિયાળે કહ્યું, ‘ભલે તો અહીં જ બચ્ચાંને જન્મ આપ.’ કલિકા શિયાળવીએ ચાર બચ્ચાંને જન્મ આપ્યો. કાલુ અને કલિકા બચ્ચાંને ઉછેરવા લાગ્યા. દોઢ-બે મહિના થયા હશે ત્યાં સિંહને થયું, ‘લાવ મારી જૂની ગુફા જોતો આવું!’

કાલુ શિયાળની નજર પડી તો દૂરથી સિંહ આવતો દેખાયો. એણે કલિકાને કહ્યું, ‘આવી બન્યું, સિંહ અહીં આવી રહ્યો છે. એ આપણા બચ્ચાંને મારીને ખાઈ જશે.’

કલિકા કહે, ‘એક આઈડિયા છે.’ -અને કલિકાએ શિયાળના કાનમાં કશુંક કહ્યું. શિયાળ હસીને બોલ્યું, ‘ભલે!’

જેવો સિંહ નજીક આવ્યો કે તરત શિયાળે કહ્યું, ‘રેડી.’

કલિકાએ બચ્ચાંને ચીંટીયા ભર્યા, એ રડવા લાગ્યા. શિયાળે ઘોઘરો અવાજ કરી પૂછયું, ‘બચ્ચાં કેમ રડે છે?’

શિયાળવી કલિકા બોલી, ‘સિંહમામાનું કાળજું ખાવા માગે છે.’

શિયાળ કહે, ‘કાલે તો લાવી આપ્યું હતું. એમાંથી બચ્યું છે. એ ખવડાવ!’

કલિકા કહે, ‘એ તો વાસી થઈ ગયું છે. જાઓ સિંહનો શિકાર કરી તાજું કાળજું લઈ આવો.’

સિંહને થયું, આ તો કોઈ ભયાનક પ્રાણી આવી ગયું છે. સિંહનો શિકાર કરે છે! બાપ રે…! કરતો એ તો ઊભી પૂંછડીએ ભાગ્યો.

રસ્તામાં વાંદરાએ બૂમ પાડી, ‘અરે સિંહભાઈ આમ ઊભી પૂંછડીએ ક્યાં દોડયા?’

સિંહ કહે, ‘અરે! જંગલમાં નવી જાતનું ભયાનક પ્રાણી આવ્યું છે. એ સિંહના કાળજાં ખાય છે.’

વાંદરો કહે, ‘જંગલમાં તમારાથી શક્તિશાળી કોણ હોય? તમે કેમ બીઓ છો, ચાલો આપણે બંને જઈને તપાસ કરીએ!’

સિંહને મનમાં બીક હતી, છતાં વાંદરા પર રૂઆબ કરવા કહે, ‘ચાલ! તું કહે છે તો તપાસ કરી આવીએ! પણ તું ભાગી ન જાય એ માટે આપણા બંનેના પૂંછડા બાંધી દઈએ.’ બંનેએ પોતપોતાની પૂંછડીઓ બાંધી દીધી.

બંનેને આવતાં જોઈને શિયાળે કહ્યું, ‘કલિકા આ વખતે તો સિંહ અને વાંદરો બંને આવે છે.’

કલિકા કહે, ‘નજીક આવે તો ઈશારો કરો.’

સિંહ અને વાંદરો નજીક આવતાં જ શિયાળે ઈશારો કર્યો. કલિકાએ બચ્ચાંને ચીંટીયા ભરીને રડાવ્યા. પછી ઘોઘરા અવાજ બોલી, ‘હજી તમે સિંહનો શિકાર કરવા ગયા નથી? એક કામ કરજો. સાથે સાથે એક વાંદરાનોય શિકાર કરતા આવજો!’

શિયાળ ઘોઘરા અવાજે બોલ્યું, ‘કેમ?’

કલિકા કહે,’મને વાંદરાનું કાળજું ખૂબ ભાવે છે.’

શિયાળે ઘોઘરા અવાજે કહ્યું, ‘વાંદરાની ગંધ આવે છે, લાગે છે નજીકમાં જ છે, હમણાં જ લાવી આપું!’

આ સાંભળતાં જ વાંદરો તો એવો ગભરાયો કે છલાંગ મારીને ભાગ્યો. સાથે સિંહ પણ ખેંચાયો. સિંહ પણ દોડવા લાગ્યો. વાંદરો છલાંગ લગાવીને ઝાડ પર ચઢવા જાય, પણ પૂંછડું બંધાયેલું હતું એટલે પાછો નીચે પછડાય. સિંહ તો કશુંય જોયા વગર દોડતો જ રહ્યો. બિચારો વાંદરો અથડાતો-પછડાતો રહ્યો અને મરી ગયો. સિંહ છેક નવી ગુફાએ જઈને ઊભો રહ્યો. જોયું તો વાંદરો જમીન પર ચત્તોપાટ પડયો હતો. એનું મોં ઊઘાડું રહી ગયું હતું.

સિંહ ખિજાયો, ‘મને બીતો જોઈને હસે છે?’ કહી એણે વાંદરાને લાત મારી. વાંદરો તો મરી ગયો હતો. બિચારો ગબડીને ખાડામાં પડયો.

આ ઘટના જોઈ રહેલા કાગડાએ કહ્યું, ‘જોયું! સૌથી શક્તિશાળી હોય એની સામે હોશિયારી બતાવીએ તો આવું થાય! વાંદરાએ સિંહને દોડવા દીધો હોત તો આ મરવું ન પડત! ચાલ બધાને કહી દઉં કે જંગલમાં એ બાજુ કોઈ ન જાય! ત્યાં સિંહના કાળજાં ખાનાર ભયાનક પ્રાણી રહેવા આવ્યું છે.’