રૂપનો પડદો પાતળો નથી હોતો! - Sandesh

રૂપનો પડદો પાતળો નથી હોતો!

 | 3:25 am IST

ક્લાસિક:દીપક સોલિયા

દોસ્તોયેવસ્કીકૃત ‘ધ ઇડિયટ’- ૧૯

લિઝાવેતા અને એની ત્રણ દીકરીઓ સમક્ષ પ્રિન્સે પોતાની જીવનકહાણી વર્ણવી જેનો સાર એટલો હતો કે માનસિક બીમારીને કારણે એણે રશિયાથી દૂર એક ગામડામાં રહેવું પડયું. ગામડાના એ વસવાટ દરમિયાન એને સમજાયું કે એને મોટેરાંઓ કરતાં બાળકો સાથે રહેવાનું જ વધુ ફવે છે. છેવટે, અનિવાર્ય સંજોગોને કારણે એણે પ્રિય ગામડું છોડવું પડયું અને અતિ પ્રિય બાળકોનો સંગાથ છોડવો પડયો ત્યારે એને એટલું સમજાયું કે એ રશિયામાં, સમાજની મુખ્ય ધારામાં એક નવી જિંદગી શરૂ કરી રહ્યો હતો. હવે આગળ…

પ્રિન્સે લિઝાવેતા અને એની ત્રણ દીકરીઓને કહ્યું, ‘(સ્વિત્ઝર્લેન્ડ, ગામડું, બાળકો વગેરે બધું જ છોડીને) હું સ્ટેશનેથી સીધો અહીં તમારી પાસે આવ્યો અને પહેલી જ નજરમાં તમે લોકો મને ગમી ગયાં. હું ખરેખર નસીબદાર છું, કારણ કે પહેલી જ નજરમાં તમને કોઈ ગમી જાય એવું બહુ ઓછું બનતું હોય છે. હું સમજું છું કે આવી રીતે પોતાની લાગણી વ્યક્ત કરવામાં સામાન્ય રીતે માણસને સંકોચ થાય, પણ હું કશા સંકોચ વિના તમને આ બધું કહી રહ્યો છું. બેઝિકલી, હું લોકો સાથે બહુ હળીભળી શકતો નથી એટલે શક્ય છે કે હવે પછી લાંબા સમય સુધી હું તમને મળવા ન પણ આવું એવું પણ બને. ના, એવું ન સમજશો કે મને કોઈ વાતે માઠું લાગ્યું છે કે પછી કે તમને ઉતારી પાડવા હું આવું કહી રહ્યો છું. ના, ના, તમારી સાથેની દોસ્તી મારા માટે મહત્ત્વની છે. હું અહીં આવ્યો ત્યારે મારા મગજમાં એક ભાર હતો (કે બાળકોના સંગાથ વિના મોટેરાંઓની દુનિયામાં મને કઈ રીતે ફવશે?), પણ અહીં આવીને મેં તમારા ચહેરા જોયા કે તરત મારો ભાર હળવો થઈ ગયો. હું ચહેરા વાંચી શકું છું. જેમ કે, એડેલૈડા (વચલી દીકરી, ઉં. ૨૩, ચિત્રકળાની શોખીન), તારા ચહેરા પરથી મને લાગે છે કે તું સુખી છે. તારી બે બહેનો કરતાં તારામાં સહાનુભૂતિ વધારે છે. તું લોકોને હળવાશથી મળે છે અને ઝડપથી, સ્ફ્ુરણાથી લોકોને તું તરત સમજી શકે છે. તારો ચહેરો એક પ્રેમાળ બહેનનો ચહેરો છે. અને એલેક્ઝાન્ડ્રા (જેને અમીર તોત્સ્કી સાથે પરણાવવા પિતા મથી રહ્યો હતો એ મોટી દીકરી, ઉં. ૨૫), ચહેરો તો તારો પણ એડેલૈડાની જેમ સ્વીટ છે, પણ તારી અંદર બોજ છે. કોઈ છૂપી સમસ્યા તને સતાવી રહી છે, જેના વિશે તું કોઈની સાથે વાત નથી કરી રહી. અને મેડમ લિઝાવેતા (ત્રણેય દીકરીઓની માતા, જનરલ એપાન્ચિનની પત્ની, પ્રિન્સ મિશ્કિનના કૂળની નારી), તમારા વિશે હું ખાતરીપૂર્વક કહી શકું કે તમે એકદમ બાળક છો. ઉંમરમાં તમે વડીલ છો, પરંતુ સારી કે ખરાબ, કોઈપણ પરિસ્થિતિમાં છેવટે તમે બાળકની જેમ જ વર્તો-વિચારો છો. મારી આ વાતથી ખોટું ન લગાડતાં. બાળકોને હું કેટલા આદરપાત્ર ગણું છું એ તો તમે જાણો જ છો. તો… આ બધું મેં જે તમને કહ્યું એ સાવ અમસ્તું નથી કહ્યું. થોડું સમજી-વિચારીને મેં તમને આ બધું કહ્યું.’

આટલું કહીને પ્રિન્સ અટક્યો.

લિઝાવેતા એકદમ રાજી થઈને બોલી, ‘લો કરો વાત. મારા વરે તો અમને તારી ચકાસણી કરવા કહેલું અને મારી દીકરીઓ તો તને (માથે પડેલા) ગરીબ સગા તરીકે જોઈ રહી હતી, પણ છોકરીઓ, આ પ્રિન્સ માથે પડે એવો નથી. એ પોતે જ કહે છે કે એ આપણને વારંવાર મળવા નહીં આવે. અને પ્રિન્સ, તમે મારા વિશે જે કહ્યું એ એકદમ સાચું છું. હું સાવ બાળક જેવી છું. અને તું પણ સાવ બાળક જેવો છે. આપણે બેય (મિશ્કિનો) એકદમ સરખાં છીએ.

ફેર ફ્ક્ત એટલો છે કે તું પુરુષ છે, હું સ્ત્રી છું અને તું સ્વિત્ઝર્લેન્ડ જઈ આવ્યો છે જ્યારે હું ક્યારેય સ્વિત્ઝર્લેન્ડ નથી ગઈ.’

‘મમ્મા, બહુ ઉતાવળી ન થા,’ નાની દીકરી અગલાયા ચીડાઈ, ‘પ્રિન્સ પોતે જ કબૂલે છે કે એણે આપણને જે બધું કહ્યું એ કંઈ અમસ્તું નથી કહ્યું. સમજી-વિચારીને, ગણતરીથી કહ્યું છે.’

‘તમે લોકો પ્રિન્સને ચીડવો નહીં. એનામાં તમારા ત્રણેય કરતાં વધુ બુદ્ધિ છે. અને હા પ્રિન્સ, તેં અમારા ત્રણના ચહેરા વિશે કહ્યું, પણ અગલાયાના ચહેરા વિશે કશું ન કહ્યું.’

‘અત્યારે હું કશું કહી શકું તેમ નથી. પછી ક્યારેક કહીશ.’ પ્રિન્સ બોલ્યો.

‘ના, ના, તું અગલાયાને અવગણે એ ન ચાલે.’

‘હું અગલાયાને અવગણતો નથી. અગલાયા, તું બહુ જ રૂપાળી છે. એટલી બધી રૂપાળી કે તારી સામે જોતાં પણ ડર લાગે.’

‘બસ, એટલું જ?’ લિઝાવેતાએ પૂછયું, ‘આ તો દેખાવની વાત થઈ. એના વ્યક્તિત્વનું શું?’

‘સૌંદર્યને પરખવું અઘરું છે. એ માટે હું હજુ તૈયાર નથી. સૌંદર્ય ગૂઢ હોય છે.’

વચલી એડેલૈડાએ ટાપસી પૂરી, ‘ગૂઢ હોય કે ન હોય. બાકી, અગલાયા ખૂબ રૂપાળી તો છે જ.’

‘ખૂબ જ,’ પ્રિન્સ ઉષ્માપૂર્વક અને ઉત્સાહભેર બોલ્યો, ‘નાસ્તાસ્યા ફિલિપોવ્ના (નાસ્તિ) જેટલી રૂપાળી. જોકે, નાસ્તિ કરતાં અગલાયાનો ચહેરો ઘણો જુદો છે.’

આ સાંભળીને ચારેય મહિલાઓ ચોંકી. લિઝાવેતાએ અધ્ધરશ્વાસે પૂછયું, ‘કોના જેટલી? નાસ્તાસ્યા ફિલિપોવ્ના જેટલી? તું એને ક્યારે મળ્યો? કઈ નાસ્તાસ્યા ફિલિપોવ્ના?’

પ્રિન્સે સમજાવ્યું કે એ નાસ્તિને ક્યારેય મળ્યો તો નથી, પણ થોડી વાર પહેલાં ઓફ્સિમાં ગાન્યાએ નાસ્તિની જે તસવીર જનરલ એપાન્ચિનને દેખાડી એ એણે (પ્રિન્સે) જોઈ.

‘મારે અત્યારે જ એ તસવીર જોવી છે.’ લિઝાવેતા ઉત્તેજિત સ્વરમાં બોલી, ‘ગાન્યા અત્યારે ઓફ્સિમાં જ હશે. એને બોલાવો. ના, હમણાં મારે ગાન્યાનો ચહેરો નથી જોવો. એક કામ કર. પ્રિન્સ, તું જા અને ગાન્યા પાસેથી એ તસવીર લઈ આવ.’

પ્રિન્સ ઊભો થયો અને ડાઇનિંગ રૂમથી જનરલ એપાન્ચિનની ઓફ્સિ તરફ્ જવા નીકળ્યો ત્યારે ચાલતાં ચાલતાં મનમાં સહેજ ડંખ સાથે એણે વિચાર્યું, ‘નાસ્તિ વિશે આ લોકોને વાત કરીને મેં બાફ્યું…’ પણ પછી તરત બીજો વિચાર એના મનમાં ઝબક્યોઃ ‘ના, ના… જે થઈ રહ્યું છે એ કદાચ સારા માટે જ છે.’

ગાન્યા પાસે જઈને પ્રિન્સે ટૂંકમાં બધી વાત કરી અને નાસ્તિની તસવીર માગી.

ગાન્યા ભડક્યો, ‘તને કોણે કહ્યું હતું દોઢ ડાહ્યા થવાનું? તને કંઈ ખબર નથી (કે મામલો કેટલો લોચાવાળો છે).’ પછી ગાન્યા ધીમેથી બબડયો, ‘ઇડિયટ…’

‘સોરી, મને જે સૂઝયું તે કહ્યું. મેં કહ્યું કે નાસ્તિ જેટલી જ રૂપાળી છે અગલાયા.’

ગાન્યા બબડયો, ‘નાસ્તિ તારા મગજમાં ઘૂસી ગઈ છે.’ આટલું કહીને ગાન્યા વિચારમાં ડૂબ્યો. થોડી પળો બાદ પ્રિન્સે તસવીર માગી. ગાન્યાને અચાનક એક આઇડિયા આવ્યો, ‘જો પ્રિન્સ, મારું એક કામ કરીશ? અં… ના… ના…’ આટલું કહીને ગાન્યાએ ફ્રી થોડું વિચાર્યું. પ્રિન્સને એણે એકદમ વેધક નજરે નિહાળ્યો. પછી એ ધીમેથી બોલ્યો, ‘જો પ્રિન્સ, એ મહિલાઓ (લિઝાવેતા અને એની દીકરીઓ) અત્યારે મારા પર કોઈ કારણસર ભડકેલી છે. એમાં મારો કશો વાંક નથી. પણ એ બધું છોડ. મારે અગલાયાને એક અત્યંત મહત્ત્વનો સંદેશો પાઠવવાનો છે. એ સંદેશો આ કવરમાં છે. બીજા કોઈને ખબર ન પડે એ રીતે આ કવર તું અગલાયાને પહોંચાડીશ?’

‘આ કામ મને ગમે એવું નથી.’

‘જો પ્રિન્સ, આ બહુ જ મહત્ત્વનું છે. અગલાયા કદાચ મને જવાબ આપશે. અગલાયાનો જવાબ મારા માટે ખૂબ મહત્ત્વનો છે. ખૂબ એટલે ખૂબ જ મહત્ત્વનો છે.’

ગાન્યાને લાગ્યું કે પ્રિન્સ ના પાડશે. એ કાકલૂદીભરી નજરે પ્રિન્સને જોઈ રહ્યો. છેવટે પ્રિન્સ બોલ્યો, ‘લાવ, હું કવર આપી દઈશ.’

‘લે… પણ કવર ખૂલ્લું છે.’

‘વાંધો નહીં. હું નહીં વાંચું.’ પ્રિન્સે સપાટ સ્વરમાં ખાતરી આપી.

કવર અને નાસ્તિની તસવીર લઈને પ્રિન્સ ગયો. ગાન્યા માથું પકડીને બેસી રહ્યો. એ મનોમન બણબણ્યો, ‘અગલાયા બસ જરા ઇશારો કરે… તો હું નાસ્તિને છોડી દઈશ, કદાચ…’ (ક્રમશઃ)