The doors of USA are open for Indians from November 8
  • Home
  • Featured
  • 8 નવેમ્બરથી ભારતીયો માટે USAનાં દ્વાર ખુલ્લાં

8 નવેમ્બરથી ભારતીયો માટે USAનાં દ્વાર ખુલ્લાં

 | 7:30 am IST
  • Share

  • જાન્યુઆરી 2020થી લદાયેલા ટ્રાવેલ પ્રતિબંધો આંશિક રીતે હટાવવા બાઇડેન સરકારનો નિર્ણય
  • ફુલ્લી વેક્સિનેટેડ પ્રવાસીઓ માટે ફ્લાઇટના 72 કલાક પહેલાંનો નેગેટિવ ટેસ્ટ ફરજિયાત
  •  આ સપ્તાહમાં અમેરિકાએ કેનેડા અને મેક્સિકો સાથેની જમીન સરહદ ખોલવાની પણ જાહેરાત કરી 

 

યુએસ એફડીએ અને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા માન્ય કોરોના રસીના બંને ડોઝ લેનારા ભારતીયો 8 નવેમ્બરથી અમેરિકાનો પ્રવાસ ખેડી શકશે. વ્હાઇટ હાઉસે શુક્રવારે જણાવ્યું હતું કે, કોરોના રસીના બંને ડોઝ લેનારા વિદેશી પ્રવાસીઓ પર લદાયેલા પ્રવાસના નિયંત્રણો 8 નવેમ્બરથી ઉઠાવી લેવાશે.

જાન્યુઆરી 2020માં ચીનથી આવતા પ્રવાસીઓ પર અમેરિકાએ સૌથી પહેલાં પ્રતિબંધો લાદ્યા હતા. ત્યારબાદ તત્કાલિન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અન્ય ડઝનબંધ દેશોના નાગરિકોના અમેરિકા પ્રવેશ પર રોક લગાવી દીધી હતી. કોરોના મહામારીના પ્રારંભે અમેરિકાએ લાગુ કરેલી ટ્રાવેલ પોલિસીમાં શુક્રવારે ધરખમ બદલાવ જાહેર કરાયો હતો. અમેરિકાએ યુરોપ, ભારત, બ્રાઝિલ અને ચીનથી આવતા પ્રવાસીઓ માટે દરવાજા ખુલ્લા મૂકવાનો નિર્ણય કર્યો છે.

વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર નવી સિસ્ટમમાં કોરોનાની રસીના બંને ડોઝ લેનારા અને 72 કલાક પહેલા કરાવેલા કોરોના નેગેટિવ ટેસ્ટ ધરાવતા પ્રવાસીઓ અમેરિકા જતી ફ્લાઇટમાં સવાર થઇ શકશે. તેમણે પોતાની કોન્ટેક્ટ ટ્રેસિંગ માહિતી પણ આપવાની રહેશે. જો કે કોરોનાની રસી નહીં લેનારા વિદેશી નાગરિકોને અમેરિકામાં પ્રવેશ અપાશે નહીં. કોરોનાની રસી નહીં લેનારા અમેરિકન પ્રવાસીઓએ સ્વદેશ પરત ફરતી વખતે કોરોના નેગેટિવ ટેસ્ટ રજૂ કરવાનો રહેશે. 

વ્હાઇટ હાઉસ દ્વારા 20 સપ્ટેમ્બરના રોજ સૌથી પહેલા આ અંગે સંકેત આપ્યા હતા પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રવાસ ક્યારથી શરૂ થશે તે અંગે જાહેરાત કરાઇ નહોતી. અમેરિકાના આ નિર્ણયને એરલાઇન્સ કંપનીઓએ વધાવી લીધો છે. 8મી નવેમ્બરથી એર ટ્રાવેલના નવા નિયમો અમલમાં આવી રહ્યાં છે તેની સાથે આ સપ્તાહમાં અમેરિકાએ કેનેડા અને મેક્સિકો સાથેની જમીન સરહદ ખોલવાની પણ જાહેરાત કરી હતી.

અમેરિકાનો પ્રવાસ કરવા ઇચ્છતા ભારતીયો માટે યુએસએફડીએ અથવા તો વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ઇમર્જન્સી યૂઝ માટે માન્ય ગણાયેલી કોરોના રસીના બંને ડોઝ ફરજિયાત રહેશે. તેનો અર્થ એ કે ભારતમાં સીરમ ઇન્સ્ટિટયૂટ દ્વારા નિર્મિત કોરોનાની રસી કોવિશીલ્ડના બંને ડોઝ લેનારા અમેરિકાનો પ્રવાસઔ કરી શકશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો