The Dronagiri mountain where the mountain is worshiped by the temple itself
  • Home
  • Astrology
  • જ્યાં પર્વતને જ મંદિર માનીને તેની પૂજા થાય છે તે દ્રોણાગીરી પર્વત  

જ્યાં પર્વતને જ મંદિર માનીને તેની પૂજા થાય છે તે દ્રોણાગીરી પર્વત  

 | 7:16 am IST

શ્રદ્ધા – યાત્રા

ભારતના દરેક ધાર્મિક સ્થળ સાથે એક કે તેથી વધારે પૌરાણિક માન્યતાઓ જોડાયેલી છે. દરેક સ્થળનું પોતાનું આગવું મહત્ત્વ છે અને લોકો તે પૌરાણિક માન્યતાને અનુસરીને તે ધાર્મિક સ્થળના દેવતાઓ પાસે પોતાની માનતાઓ માંગતા હોય છે. આજે આપણે ભારતના છેલ્લા ગામના પર્વતની વાત કરવાની છે. આ પર્વતનું નામ દ્રોણાગીરી પર્વત છે. લક્ષ્મણજી રાવણ સાથેના યુદ્ધમાં ઘવાયા ત્યારે હનુમાનજી સંજીવની જડીબુટ્ટીની શોધમાં આખો પર્વત ઉઠાવીને લાવ્યા હતા, આ એ જ પર્વત છે. હનુમાનજીનાં પાવન ચરણો અહીં પડયાં હોવાથી આ પર્વતને ખૂબ પૂજનીય માનવામાં આવે છે.

દ્રોણાગીરી પર્વતને ભારત દેશનો છેલ્લો પર્વત માનવામાં આવે છે. તે પર્વતની બીજી તરફ તિબેટ છે, તેથી આ ગામને દેશનું છેલ્લું ગામ પણ કહેવામાં આવ્યું છે. આ પર્વત ઉપર ભોજપત્ર નામનું જંગલ વસેલું છે. આ જંગલ અલગઅલગ જડીબુટ્ટીઓથી ભરેલું છે. આ જંગલ આયુર્વેદ શાસ્ત્રનું મનપસંદ જંગલ છે. કહેવાય છે કે સતયુગમાં અહીં અનેક ઋષિમુનિઓ આશ્રમ બાંધીને રહેતા હતા. એટલું જ નહીં મહાભારત યુગમાં પાંડવો તેમજ કૌરવોના ગુરુ દ્રોણાચાર્યે પણ આ જંગલમાં આવીને તપસ્યા કરી હતી તેમજ પાંડવો પણ પોતાના વનવાસ દરમિયાન આ પર્વત ઉપર આવ્યા હતી. અહીં તેઓ જે જગ્યા ઉપર રહ્યા હતા તે જગ્યાને પાંડુગીરી તરીકે ઓળખવામાં આવે છે.

એક માન્યતાનુસાર દેવી સતીએ પણ ભગવાન શિવને રીઝવવા માટે અહીં આવીને આકરી તપસ્યા કરી હતી. તેથી જ આ પર્વતને શક્તિપીઠ પણ માનવામાં આવે છે. કહેવાય છે કે આ પર્વત ઉપર ગર્ગા ઋષિનો પણ આશ્રમ હતો. આ ઋષિના નામ ઉપરથી જ ભારતની પવિત્ર નદી ગંગાનું નામ પડયું છે. આ સિવાય મર્હિષ વેદવ્યાસના પુત્ર સુખદેવ મુનિનો આશ્રમ પણ આ પર્વત પર હતો, જેનું નામ સુખદેવી રાખવામાં આવ્યું હતું. સ્કંદ પુરાણના માનસ ખંડમાં પણ આ પર્વતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આટઆટલી પવિત્ર જગ્યાઓના કારણે શાસ્ત્રોમાં આ પર્વતને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યો છે અને શાસ્ત્રોમાં એક નજર કરીએ તો યુગોથી એવું કહેવાય છે કે દ્રોણાગીરી પર્વત એ જડી બુટ્ટીઓનો પર્વત છે. આ પર્વત ઉપર અઢળક જડીબુટ્ટીનો ભંડાર છે.

અહીં ડાબા હાથે પૂજા કરવાનું મહત્ત્વ  

આ પર્વતની ખાસિયત એ છે કે અહીં કોઇ મંદિર નથી. અલબત્ત, લોકો દ્રોણગીરી પર્વતને દેવસમાન માને છે અને દેવની જેમ જ પૂજા કરે છે, પણ પર્વતદેવતાની પૂજા કરવા માટે તેની ટોચ ઉપર કે તેની તળેટીમાં કોઇ જ મંદિર નથી. પર્વતદેવતાની પૂજા લોકો ખુલ્લામાં જ કરે છે. આખી જગ્યા જ અત્યંત પવિત્ર હોવાને કારણે અહીં કોઇ મંદિર બનાવવામાં નથી આવ્યું. લોકો પોતાની ઇચ્છાનુસાર કોઇપણ જગ્યાએ પૂજા કરી શકે છે. આપણે કોઇપણ દેવની પૂજા માત્ર જમણા હાથે જ કરીએ છીએ, ડાબા હાથનો ઉપયોગ આપણે ક્યારેય નથી કરતા, પણ જો તમારે દ્રોણાગીરી પર્વતની પૂજા કરવી હોય તો ડાબા હાથે જ કરવી પડશે. તેની પાછળ પણ કારણ છે. હનુમાનજી જ્યારે આ પર્વત ઉપર લક્ષ્મણ માટે સંજીવની જડીબુટ્ટી લેવા માટે આવ્યા ત્યારે તેમણે આ પર્વતને ડાબા હાથે ઉપાડયો હતો, અને તે આ હાથેથી જ પર્વત ઊંચકીને લઇ ગયા હતા. આ પર્વતની પૂજા કર્યાં બાદ તેને ખાસ પ્રસાદ અને મદિરાનો ભોગ ચડાવવામાં આવે છે. અહીંના લોકોની માન્યતા પ્રમાણે દ્રોણાગીરી પર્વત ઉપર પર્વતારોહણ કરવાની મનાઈ છે.

આ પર્વતને ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને લોકોનું માનવું છે કે હજી પણ અહીં દેવતાનો વાસ છે, તેથી પર્વતારોહણ કરવા અહીં કોઇ નથી જતું. જે ભૂલથી પણ પર્વતારોહણ કરવાનો પ્રયત્ન કરે છે તેમને ખૂબ ખરાબ પરિણામ ભોગવવું પડે છે. આ પર્વત પાસેના ગામમાં વસતાં લોકોમાં જો કોઇનું મૃત્યુ થાય તો તે લોકો મૃતકને સળગાવતાં પણ નથી, તેઓ સળગાવવાને બદલે દફન કરી દેતાં હોય છે. આ પાછળનું કારણ જણાવતાં લોકો કહે છે કે જો મૃત શરીરને સળગાવીશું અને તેનો ધુમાડો તે પર્વત સુધી પહોંચશે તો યુગો પહેલાં હનુમાનજીએ અહીંથી જે સંજીવની જડીબુટ્ટી લીધી હતી તે નષ્ટ થઇ જશે. આજે પણ અહીં વસતા લોકો માને છે કે આ પર્વત ઉપર સંજીવની બુટ્ટી છે પણ હજી સુધી તે કોઇને મળી નથી.

દ્રોણાગીરી પર્વત પાસેના ગામની વિશેષતા એ છે કે અહીં ભાગ્યે જ યુવાનો કે બાળકો જોવા મળે છે. અહીં મોટેભાગે વૃદ્ધો જ વસે છે અને એ પણ છ મહિના માટે જ. બાકીના છ મહિના આ પર્વત ઉપર ખૂબ જ બરફ હોય છે. તેથી ત્યાં કોઇ નથી રહી શકતું. આ પર્વત ઉપર ગરમ પાણીનું ઝરણું પણ વહેતું જોવા મળે છે. ત્યાંના લોકોનું માનવું છે કે દેવી પાર્વતીના વાળ ધોયા બાદ તેમાંથી જે ટીપાં ટપક્યાં હતાં, તે જગ્યાએ આ ગરમ પાણીનો કુંડ બની ગયો છે. તે બારેમાસ એવો જ રહે છે.

આવવું શી રીતે?

આ પર્વતનાં દર્શન કરવા માટે તમે જુમા ગામથી પગપાળા જઇ શકો છો. જુમા ગામથી પગપાળા જવાનો રસ્તો છે, ત્યાંથી તમે થોડે દૂર સુધી જઇ શકો છો. ઘણાં લોકો અહીં દર્શન કરવા તેમજ સંજીવની જડીબુટ્ટીની શોધ માટે આવે છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન