The elderly who Corona victim went to Mehsana-Wadhwan on March 16th
  • Home
  • Ahmedabad
  • કોરોનાથી મૃત્યુ પામેલા વૃદ્ધની છેલ્લા પખવાડિયાની હિસ્ટ્રી, દિલ્હીથી અ’વાદ પછી ભાવનગર પહોંચ્યા

કોરોનાથી મૃત્યુ પામેલા વૃદ્ધની છેલ્લા પખવાડિયાની હિસ્ટ્રી, દિલ્હીથી અ’વાદ પછી ભાવનગર પહોંચ્યા

 | 7:30 am IST

ભાવનગરમાં 70 વર્ષના વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું બાદ કોરોના વાઈરસનો પોઝિટીવ રીપોર્ટ આવતા ભારે ભળભળાટ વ્યાપી ગયો છે. હાર્ટની બિમારી ધરાવતા આ વૃધ્ધ દિલ્હીની મુસાફરી કરીને આવ્યા બાદ તા. ૨૧ માર્ચથી હોમ ક્વોરોન્ટાઈન પર હતા. પરંતુ ગઈ કાલે બુધવારે તેમની તબીયત એકાએક લથડતા તેઓને સર ટી. હોસ્પિટલમાં ICUમાં દાખલ થયા હતા, જ્યા તેઓનું રાત્રીના ૧૨.૪૫ કલાકે મૃત્યુ નિપજ્યું હતું, તેઓના બ્લડના નમૂના લેવામાં આવ્યા હતા, જે આજે ગુરૂવારે સવારે ૧૦.૧૫ કલાકે કોરોના પોઝિટીવ હોવાનો રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ દ્વારા તાબડતોબ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તેના પરિવારજનો તેમજ દર્દીના સંપર્કમાં આવેલા લોકોની વિગતો એકત્ર કરવાનું શરૂ કર્યું હતું.

ભાવનગર શહેરના સાંઢિયાવાડ, જોગીવાડની ટાંકી, ઈન્ડિયા હાઉસ ખાતે રહેતા ઉ.વ. ૭૦ વર્ષના વૃધ્ધની ગઈ કાલે તા. ૨૫ માર્ચે તબિયત લથડી હતી. જેથી તેના પરિવારજનો દ્વારા રાત્રીના સમયે ખાનગી વાહન કરીને સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેમને હાર્ટની બિમારી હોવાથી તેઓને તુરંત ICUમાં દાખલ કરી દેવાયા હતા, જ્યાર બેથી અઢી કલાકની સારવાર લીધી હતી, દરમિયાનમાં રાત્રીને ૧૨.૪૫ કલાકે તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તેઓની સારવાર દરમિયાન લોહીના નમૂના લઈને લેબમાં મોકલવામાં આવ્યા હતા. જે નમૂના આજે ગુરૂવારે સવારે ૧૦.૧૫ કલાકે કોરોના પોઝિટીવના આવ્યા હતા. આરોગ્ય તંત્રને જાણ થતા જ દર્દીના રહેણાંક વિસ્તારને કોર્ડન કરી દેવાયો હતો.

મહાનગર પાલિકાના કમિશનર એમ.એ.ગાંધીએ જણાવ્યું હતુ કે, ‘છેલ્લે તેઓ દિલ્હીની વિઝીટ કરી કરીને ભાવનગર પરત ફર્યા હતા. તેઓ દિલ્હીથી અમદાવાદ ફ્લાઈટમાં અને ત્યાંથી ખાનગી વાહન મારફત ભાવનગર આવ્યા હતા, એ સમયે તેઓની તબીયત સારી હતી, તેઓ દિલ્હીથી આવ્યા હોવાથી ભાવનગર મેડીકલ ટીમ દ્વારા તા. ૨૧ માર્ચે હોમ ક્વોરોન્ટાઈ પર રહેવા કડક સુચના આપી હતી. દરમિયાનમાં, તેઓની તબીયતની લથડતા જાતે જ સારવાર લેવા સર ટી. હોસ્પિટલમાં પહોંચી ગયા બાદ ત્યા તેઓનું મૃત્યુ નિપજ્યું છે.

મૃત્યુ પામેલા દર્દીની છેલ્લા પખવાડિયાની હિસ્ટ્રી 

  • તા.૧૧ માર્ચે દિલ્હીથી ફ્લાઈટમાં અમદાવાદ આવી અને ત્યાંથી પોતાની ઈનોવા કારમાં ભાવનગર પહોંચ્યા હતા.
  • તા.૧૧થી ૧૪ માર્ચ તેમના પરિવાર સાથે રહ્યા હતા. મસ્જિદમાં નિયમિત નમાજ પઢવા ગયા હતા. ઘરના મહોલ્લાના નાકે બેસતા હતા. તેમના સગા સંબંધી સહિતના લોકો સાથે સંપર્કમાં રહ્યા હતા.
  • તા. ૧૬ માર્ચે તેમના પત્ની સાથે તેઓ પોતાની ફોર વ્હીલર લઈને (ડ્રાઈવર સહિત) તેમના દિકરીના ઘરે મહેસાણા ગયા હતા.
  • તા.૧૬ માર્ચે મહેસાણાથી વઢવાણ તેમના સંબંધીના ઘરે ગયા હતા અને રાત્રીના ૧૦ કલાકે ભાવનગર પરત ફર્યા હતા.
  • તા. ૨૧ માર્ચે ભાવનગર મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તેઓને હોમ ક્વોરોન્ટાઈન પર મૂકવામાં આવ્યા હતા.
  • તા.૨૨ માર્ચે દર્દીને થોડી શરદી અને ઉધરસ જોવા મળી હતી.
  • તા. ૨૩ માર્ચે વધુ તબીયત નાદુરસ્ત થતા તેઓ જાતે ભાવનગરની સુચક હોસ્પિટલમાં સારવાર લેવા ગયા હતા. દવા લીધી પણ તબીયતમાં સુધારો થયો નહીં.
  • તા. ૨૪ માર્ચે HCG હોસ્પિટલમાં ગયા હતા. ત્યાંથી સર ટી. હોસ્પિટલમાં સારવાર લેવા જવાનું કહ્યું હતું.
  • તા. ૨૪ માર્ચે કાર્ડિયાક પ્રોબ્લમ હોવાથી તેઓ સર ટી. હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં તેમને ICUમાં દાખલ કરાયા હતા.
  • તા. ૨૫ માર્ચે બીમારી વધતા તેઓના લોહીના નમૂના લેવામાં આવ્યા, સારવાર દરમિયાન રાત્રીના ૧૨.૪૫ કલાકે તેઓનું મૃત્યુ નિપજ્યું હતું.
  • તા. ૨૬ માર્ચે સવારે ૧૦.૧૫ કલાકે કોરોના વાઈરસનો પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો.

૧૨૫ લોકો વૃદ્ધના સંપર્કમાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ:

ભાવનગરમાં કોરોના વાઈરસનો પ્રથમ પોઝિટીવ કેસ સાથે મૃત્યુની ઘટના પ્રકાશમાં આવી છે, ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા મૃત્યુ પામેલા વૃધ્ધના સિધા સંપર્કમાં આવેલા લોકોનો સંપર્ક કરીને સર્વે હાથ ધર્યો હતો, મૃત્યુના ગણતરીના કલાકમાં જ ૧૨૫ લોકોનું લીસ્ટ તૈયાર કરાયું હતું. ભાવનગર શહેરમાં કોરોના પોઝિટીવ કેસ નોંધાવાની સાથે જ આરોગ્યની ઉંઘ હરામ થઈ ગઈ છે. તાબડતોબ સંબધિત ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો અને સ્ટાફ દ્વારા મૃતકના ઘર, વિસ્તારમાં સર્વે હાથ ધર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન