આંખમાં અમી તો દુનિયા ગમી; જીભમાં અમી તો દુનિયા નમી - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • આંખમાં અમી તો દુનિયા ગમી; જીભમાં અમી તો દુનિયા નમી

આંખમાં અમી તો દુનિયા ગમી; જીભમાં અમી તો દુનિયા નમી

 | 1:25 am IST

આ દુનિયાની અંદર માણસ સુખી થવા માટે પ્રયત્નો કરે છે, પરંતુ માણસ સુખી થવા માટે વિવેક શીખવો જોઈએ. દરેક બાબતમાં વિવેક જોઈએ. જમવામાં વિવેક જોઈએ, તો બોલવામાં પણ વિવેક જોઈએ છે. તેથી જ કહ્યું છે કે,

લક્ષ્મી વસંતી જીહ્યાગ્રે, જીહ્યગ્રે મિત્ર બાંધવઃ ।

જીહ્યગ્રે બંધન પ્રાપ્ત, જીહ્યગ્રે મરણં ધુવમ્ર ।।

મધુરવાણીએ કરીને કોઈ વ્યક્તિ મોટા માણસોની પ્રશંસા કરે તો તેને લાખ રૂપિયાનું ઈનામ આપી દે છે અને ખરાબ વાણી બોલીને કોઈનો તિરસ્કાર કરે તો તેના હાડકાં પણ ભાગી નાંખે છે. જે લોકો મધુરવાણી બોલે છે તેઓનાં તમામ કાર્ય સિદ્ધ થાય છે અને જે ખરાબ વાણી બોલે છે તેઓ સાથે તમામ લોકોને વેર થાય છે. તેથી કોઈ તેમની સાથે વાત કરવા પણ માંગતું નથી. જીભની અંદર જ લક્ષ્મી, મિત્ર અને સંબંધીઓનો નિવાસ કહ્યો અને જીભની અંદર જ બંધન અને મૃત્યુ રહેલું છે.

એક રાજએ સુંદર મહેલ બનાવ્યો હતો. તે મહેલ જોવા માટે આજુબાજુના ગામડાંવાળા અસંખ્ય લોકો આવતા હતા. રાજાનાં ખૂબ વખાણ કરતા હતા, પરંતુ રાજ્યનો મુખી મહેલ જોવા આવ્યો ન હતો. તેની રાજાને ખબર પડી. એટલે મુખીને બોલાવી સાથે લઈને ખુદ રાજા સુંદર મહેલ બતાવવા લાગ્યો. મહેલ ખૂબ જ વિશાળ હતો. પરંતુ અંદર જવા માટે ફક્ત નાનકડી જગ્યા રાખેલ. કારણ કે, દુશ્મનો એકી સાથે પ્રવેશ ન કરી શકે.

સંપૂર્ણ મહેલ જોઈને પણ મુખી કંઈ બોલ્યા નહીં. એટલે રાજાએ પૂછયું કે, તમોને આ મહેલ કેવો લાગ્યો? ત્યારે મુખીએ કહ્યું કે મહેલ તો સારો છે, પરંતુ તેનો દરવાજો બહુ સાંકડો છે તેથી તમે જ્યારે મરી જશો ત્યારે બહાર તમને કંઈ રીતે કાઢશે? કારણ કે, તમારું શરીર બહુ જાડું છે. મુખીની આવી વાણી સાંભળીને રાજાના રોમેરોમમાં ક્રોધ વ્યાપી ગયો તેથી હુકમ કર્યો અને તેને કેદમાં પૂરી દીધો.

સમય થતાં મુખી ઘેર ના આવ્યા એટલે પટલાણીએ આવીને રાજા પાસે મુખીના સમાચાર પૂછયા. રાજાએ કહ્યું કે, તેને બોલવાનું ભાન નથી તેથી મેં જેલમાં પૂરી દીધો છે. એમ કહીને વાત કરી. વાત સાંભળી પટલાણી બોલ્યાં કે, અરે મહારાજા! તેમાં મૂંઝવાનો કોઈ પ્રશ્ન જ નથી. કદાચ તમારું મડદું દરવાજામાંથી બહાર ન નીકળે તો પછી ટુકડા કરીને બહાર કાઢશું.

રાજાએ તેને પણ તુરંત કેદમાં પૂરી દીધી. બા-બાપુજી ઘેર ન આવ્યા એટલે મુખીના દીકરાએ આવી રાજાને વાત કરી કે, મારા બા-બાપુજી ક્યાં છે? રાજા કહે કે, એ બંનેને મેં જેલમાં પૂરી દીધાં છે. પછી કેદમાં પુરવાનું કારણ કહ્યું તે સાંભળીને મુખીનો છોકરો બોલ્યો કે, હે રાજાજી! મારી વાત સાંભળો. તમો મરી જાવ પછી દરવાજામાંથી બહાર કાઢવાની કે ટુકડા કરવાની કોઈ જરૂર નથી. કારણ કે અંદર ચોગાન મોટું છે તેથી તમને કેરોસીન છાંટીને અંદર જ સળગાવી દેશું. આમ બોલતાંની સાથે તેને પણ રાજાએ જેલમાં પૂરી દીધો. જીહ્યાગ્રે બંધન પ્રાપ્તં

આથી જ શ્રીજીમહારાજ સર્વજીવ હિતાવહ શિક્ષાપત્રીના ૨૦મા અને ૨૦૧મા શ્લોકમાં કહે છે કે, અમારા આશ્રિતોએ ક્યારેય પણ ગાળ ન બોલવી તથા અપશબ્દો ન બોલવા. કોઈના હૃદયને ઠેસ લાગે તેવો શબ્દ ન ઉચ્ચારવો. સર્વે મનુષ્ય માત્રે પોતાની જીભ મીઠી રાખવી.

જો થાય મીઠી જીભ તો, સર્વે કાર્ય થાય સિદ્ધ;

જીભમાં રાખે ઝેર તો, આખા મુલકથી થાય વેર.

અર્થાત્ આપણી જીભ મીઠી હશે તો આખી દુનિયા સાથે આપણા સારા સંબંધો રહેશે. માટે ભગવાનને નિત્ય પ્રાર્થના કરવી કે, હે! ભગવાન મારી જીભના ટેરવે મધ જેવી મીઠાશ વસો, મારી જીભનાં મૂળમાં પણ મધુનું સિંચન હો…

જિહવાયાઃ અગ્રે મધુ મે જિહ્મામૂલે મધૂસતમ્ ।

તેથી જ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી માટે જ કહે છે કે,

આંખમાં અમી તો દુનિયા ગમી;

જીભમાં અમી તો દુનિયા નમી.

આપણે આપણી આંખથી સારું જોઈશું તો, દુનિયા બધી સારી લાગશે, અને આપણે ખરાબ જોવાની દ્રષ્ટિ રાખીશું તો દુનિયા ખરાબ દેખાશે. આપણે બોલવાનો વિવેક રાખીશું, બધાને માન આપીશું, પ્રેમ આપીશું, તો દુનિયાના બધા માણસો આપણને પણ માન આપશે, પ્રેમ આપશે. આમ, દરેક ક્રિયામાં વિવેકની જરૂર છે. તેમાંય ખાસ કરીને વાણીનો વિવેક તો અવશ્ય જોઈએ, જોઈએ અને જોઈએ આપશે, પ્રેમ આપશે. આમ, દરેક ક્રિયામાં વિવેકની જરૂર છે. તેમાંય ખાસ કરીને વાણીનો વિવેક તો અવશ્ય જોઈએ, જોઈએ અને જોઈએ જ.

– સાધુ હરિકૃષ્ણસ્વરૂપદાસજી કુમકુમ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન