ફિલ્મની પટકથા આખી અંગ્રેજીમાં લખાઈ અને હિન્દીમાં અનુવાદ થઈ - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • ફિલ્મની પટકથા આખી અંગ્રેજીમાં લખાઈ અને હિન્દીમાં અનુવાદ થઈ

ફિલ્મની પટકથા આખી અંગ્રેજીમાં લખાઈ અને હિન્દીમાં અનુવાદ થઈ

 | 12:50 am IST

ગોલ્ડન એરા  :- મોના સુતરિયા

અમર પ્રેમ ૧૯૭૨માં આવેલી અનોખી પ્રેમકથા છે. અમર પ્રેમમાં બંગાળના જ હીરો- હિરોઈન દર્શાવવામાં આવ્યા છે. કારણ કે ફિલ્મ મૂળ બંગાળી ફિલ્મ નિશિ પદમા ઉપરથી બનાવવામાં આવી હતી. ફિલ્મનું દિગ્દર્શન શક્તિ સામંતે કર્યું છે. મૂળ બંગાળી ફિલ્મની પટકથાના લેખક અરવિંદ મુખરજીએ જ અમર પ્રેમ માટે પટકથા લખી આપી છે. ફિલ્મમાં હીરો રાજેશ ખન્ના અને હિરોઈન શર્મિલા ટાગોરની પ્રેમકથા મુખ્ય નથી. મુખ્ય પ્રેમ સ્કૂલમાં ભણતા એક છોકરા નંદુનો છે. જે તરૂણાવસ્થામાં પ્રવેશી રહ્યો છે. એની સાવકી માતાના મહેણા-ટોણા અને મારથી કંટાળીને એ પાડોશમાં રહેતી વારાંગના પુષ્પાના ઘેર આવી વધારેમાં વધારે સમય વીતાવે છે. અને પુષ્પાના પ્રેમમાં પડી જાય છે. સોના જેવું હૃદય ધરાવતી પુષ્પા એની લાગણીઓનું જતન કરી એને જીવનમાં આગળ વધવા, ભણી-ગણીને કંઈક બનવા પ્રેરણા આપે છે. પુષ્પાના ઘેર પ્રેમથી સમય વીતાવવા એક એકાકી બિઝનેસમેન આનંદ બાબુ પણ આવે છે. એ પુષ્પા અને નંદુની લાગણી સમજીને નંદુનું જીવન પાટે ચઢાવવામાં પુષ્પાને મદદ કરે છે. લોકોના મહેણાટોણાથી દુખી થતી પુષ્પાને સમજાવે છે કે કુછ તો લોગ કહેંગે… લોગોં કા કામ હૈ કહના! છોડો બેકાર કી બાતોં મેં… કહીં બીત ના જાયે રૈના!

મૂળ બંગાળી ફિલ્મ નિશિ પદમા ૧૯૭૦માં બની હતી અને ખુબ સફળ થઈ હતી. એમાં રાજેશ ખન્નાવાળી ભુમિકા ઉત્તમકુમારે ભજવી હતી. બંગાળી ફિલ્મમાં હીરોનું નામ અનતા બાબુ હોય છે. રાજેશખન્નાએ નામ બદલીને દોઢેક વર્ષ પહેલાં જ આવીને સુપરહીટ થયેલી ફિલ્મ આનંદની યાદમાં હીરોનું નામ આનંદ બાબુ કરાવ્યું. એની દલીલ હતી, આ નામનુ લોકો તરત આવકારશે.

ફિલ્મના કથા-પટકથા લેખક અરવિંદ મુખરજીને હિન્દી ભાષા આવડતી જ નહોતી. તેથી એમણે આખી પટકથા અંગ્રેજીમાં લખી હતી. પછીથી રમેશ પંત નામના હિન્દી લેખકે તેનો હિન્દી અનુવાદ કરી આપ્યો. પરંતુ રાજેશ ખન્નાએ જ્યારે પટકથા વાંચી તો એને લાગ્યું કે આમાં એક ડાયલોગ, પુષ્પા… આઈ હેટ ટીયર્સ! અંગ્રેજીમાં જ વધારે અસરકારક રહેશે. રાજેશ ખન્નાનું એ સુચન શક્તિ સામંતે સ્વીકારી લીધું અને રાજેશ ખન્નાની ધારણા સાચી પડી. આ ડાયલોગ આજના યુવાનોને પણ અસર કરી જાય છે.

આ ફિલ્મનું સંગીત પણ અમર બની ગયું છે. ફિલ્મનું સંગીત રચવા માટે આર. ડી. બર્મન રોજ રાત્રે ૯-૦૦ વાગ્યે એક રૂમમાં જતા રહેતા હતા અને સવારે ૯-૦૦ વાગ્યા સુધી રૂમમાં જ પુરાઈ રહેતા હતા. જેથી ધુન બનાવવામાં કોઈ જ જાતની ખલેલ ન થાય!

રાજેશ ખન્નાએ આનંદ બાબુનું પાત્ર આત્મસાત કરવા માટે મૂળ બંગાળી ફિલ્મ સતત ૨૪ વખત જોઈ હતી. ફિલ્મમાં સોથી પહેલું દ્રશ્ય પુષ્પા આઈ હેટ ટીયર્સ ડાયલોગવાળું જ છે.આ સીન માટે શર્મિલા ટાગોરે સૈફ અલીખાનના જન્મ પછી આ પહેલી જ વખત કેમેરાનો સામનો કર્યો હતો.

ફિલ્મામાં વાત બંગાળની છે, પરંતુ આખી ફિલ્મ મુંબઈના નટરાજ સ્ટુડિયોમાં જ શૂટ કરવામાં આવી છે. ફિલ્મનું યાદગાર ગીત ચિનગારી કોઈ ભડકે… હુગલી નદીમાં હોડીમાં બેઠાં બેઠાં હીરો ગાતો હોય એ રીતે પડદા ઉપર બતાવાયું છે. ખરેખર આ ગીત નટરાજ સ્ટુડિયોમાં પાણીની વિશાળ ટાંકી બનાવી એમાં હોડી ઉતારીને શૂટ કરવામાં આવ્યું છે. પાછળ દેખાતો હાવરા બ્રિજ અને લાઈટો પેઈન્ટિંગ કરીને ટાંકીની પાછળ લગાવવામાં આવેલું દ્રશ્ય છે. સાચી વાત પકડાઈ ન જાય એ માટે એને સતત આઉટ ફોકસ રાખવામાં આવ્યું છે. શક્તિ સામંતે હુગલી નદીમાં જ આ ગીતનું શુટીંગ કરવા માટે બંગાળ સરકાર પાસે પરવાનગી માગી હતી, પરંતુ એ જમાનામાં રાજેશ ખન્નાનો ક્રેઝ એટલો જોરદાર હતો કે સરકારે રાજેશ ખન્નાને એક ઝલક જોવા માટે મોટો માનવ મહેરામણ ઉમટી પડે તો કાયદો વ્યવસ્થા જાળવી ન શકાય એમ કહીને પરવાનગી આપી નહોતી.

[email protected]