The Forest Department recently completed the task of wearing a radio collar to 75 lions
  • Home
  • Gujarat
  • વન વિભાગ ખાતાના પેંધા અધિકારીઓએ વનરાજને પણ ના બક્ષ્યા, ટાર્ગેટ પૂરો કરવા કર્યો ખિલવાડ

વન વિભાગ ખાતાના પેંધા અધિકારીઓએ વનરાજને પણ ના બક્ષ્યા, ટાર્ગેટ પૂરો કરવા કર્યો ખિલવાડ

 | 4:54 pm IST

વનવિભાગ દ્વારા થોડા સમય પહેલા 75 જેટલા સિંહોને રેડિયો કોલર પહેરાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પરંતુ આ રેડિયો કોલરની કામગીરી સામે મોટો ઘટસ્ફોટ થયો છે. આ ઘટસ્ફોટથી વન વિભાગની પોલ ખુલ્લી પડી ગઈ છે.

વનવિભાગના એક બાદ એક કારસ્તાનો સામે આવતા હોય છે, જેમાં જંગલના રાજા એવા સિંહોની જિંદગી સાથે પણ ખિલવાડ કરવામાં આવતો હોય છે. સરકાર દ્વારા સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે કરોડો રૂપિયાનો ખર્ચ ઉધારવામાં આવે છે. જેમાં થોડા સમય પહેલા સાત લાખ રૂપિયાનું એક એવા 75 રેડિયો કોલર વિદેશથી મંગાવી સિંહોના આખા ગ્રુપમાંથી એક તંદુરસ્ત અને યુવાન સિંહને રેડીયો કોલર પહેરવાની નક્કી કરવામાં આવ્યું, જેથી સિંહોના ગ્રુપ પર દેખરેખ રહે અને તેની સમગ્ર હિલચાલથી વનવિભાગ માહિતગાર રહે પરંતુ એક ગ્રુપના એક સિંહને રેડિયો કોલર પહેરવાને બદલે અવૈજ્ઞાનિક રીતે અથવા ટાર્ગેટ પૂરો કરવા માટે વનવિભાગ દ્વારા અમરેલીના લીલીયાના અંટાળીયા વિસ્તારમાં વસવાટ કરતા 8 બચ્ચા અને ત્રણ સિંહણો મળીને 11ના ગ્રુપમાંથી ત્રણે-ત્રણ સિંહણોને રેડીયો કોલર પહેરાવી દેવામાં આવ્યું છે. તથા તેની આસપાસ ક્યારેક સાથે અને ક્યારેક અલગ રહેતા ગ્રુપના સિંહોને પણ રેડિયો કોલર પહેરાવી દીધું છે. આ સમગ્ર મામલે સામે આવેલા વીડિયોએ વન વિભાગની પોલ ખોલી નાખી છે.

આ સમગ્ર મામલે વનવિભાગના અધિકારીઓ કંઈ પણ બોલવા તૈયાર નથી પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વનવિભાગના અધિકારીઓ પોતાનો લૂલો બચાવ ઓફ કેમેરા કહે છે કે રેડીયો કોલરવાળા સિંહનું છે ગ્રુપ છે તે ચાર ગ્રુપ ભેગા થઈ ગયા હોય પરંતુ આ મામલે 40 વર્ષ સુધી ગીરમાં અને સિંહોની સાથે કાયમી ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત વન અધિકારી જણાવે છે કે સિંહોના બે ગ્રુપ ક્યારે ભેગા થતા નથી. ભેગા થવાની તો વાત એક બાજુ પર રહી પરંતુ એકબીજાના એરિયામાં પણ પ્રવેશતા નથી અને જો ભેગા થઈ જાય તો જીવ સટોસટની લડાઈ પણ થાય છે. સિંહણો ક્યારેક ભેગી થવાની ઘટના બનતી હોય પરંતુ ચાર ગ્રુપ ભેગા થાય તે વાત માની શકાય તેવી નથી. અને પોતે પોતાની નોકરી દરમિયાન ક્યારે આવી ઘટના ન જોઈ હોવાનું સ્પષ્ટ જણાવે છે.

આમ વનવિભાગે સરકારી નાણાંનો દુર્વ્યય કરવા માટે અને ટાર્ગેટ પૂરો કરવા માટે સિંહોને ગ્રુપમાંથી એક સિંહને રેડીયો કોલર પહેરાવાની ગાઈડ લાઈનને બદલે એકી સાથે વસવાટ કરતા સિંહોને પહેરાવી તેની સાથે ખિલવાડ કર્યો હોવાનું સ્પષ્ટ માની શકાય છે.

આ વીડિયો પણ જુઓ : અમરેલીમાં ડાયરાના કાર્યક્રમમાં ચલણી નોટોનો વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન