The four benefits of doing regular facial or cleanup
  • Home
  • Fashion & Beauty
  • નિયમિતપણે ફેશિયલ કે ક્લીનઅપ કરાવવાના ચાર ફાયદા  

નિયમિતપણે ફેશિયલ કે ક્લીનઅપ કરાવવાના ચાર ફાયદા  

 | 9:00 am IST

મેકઓવર :- શહનાઝ હુસૈન

ઘણીવાર પાર્લર ચલાવતાં બ્યુટિશિયન આપણને નિયમિત ફેશિયલ કે ક્લીનઅપ કરાવવું જોઇએ એવી સલાહ આપતાં હોય છે. જોકે આ સલાહ સાંભળીને મોટાભાગે લોકો એવું વિચારતાં હોય છે કે આ લોકોને પૈસા કમાવવાની ઇચ્છા છે એટલે આપણને આવી સલાહ આપે છે. પણ ખરેખર આપણી આ માન્યતા ખોટી છે. કદાચ આવી સલાહ આપતાં બ્યુટિશિયનને પૈસા કમાવવાની લાલચ હોય તો પણ તે અજાણતાય આપણને સાચી સલાહ આપે છે અને ખરું પૂછો તો ફેશિયલ કે ક્લીનઅપ કરવું એટલું અઘરું પણ નથી. તમે ઘરે તમારી રીતે દર મહિને ફેશિયલ કરી શકો છો. આ ખૂબ જ સરળ છે ને આમાં વધારે ખર્ચ પણ થતો નથી. વાત માત્ર એટલી જ છે કે ત્વચાને સારી રાખવી હોય તો દર મહિને ફેસિયલ કે ક્લીનઅપ ચોક્કસ કરાવવું જોઇએ અને કેમ કરાવવું જોઇએ એવો પ્રશ્ન ઉદ્ભવતો હોય તો ચાલો જાણી લઇએ તેના ફાયદા.

વધતી ઉંમર જલદી નહીં દેખાય  

વધતી ઉંમરની સૌથી પહેલી ખબર તમને તમારી નિસ્તેજ ત્વચાથી પડી જાય છે. આપણાં શરીરમાં કોલેજન નામનું તત્ત્વ હોય છે. આ કોલેજન ત્વચાને ટાઇટ રાખવાનું કાર્ય કરે છે. ઉંમર વધવાની સાથે જો ત્વચાની માવજત ન રાખીએ તો કોલેજન ઘટે છે અને ત્વચા કરચલીવાળી બને છે. શરીરની અંદર રહેલું કોલેજન ત્વચાનું મોઇશ્ચર બેલેન્સ કરવાનું કાર્ય કરે છે. તે ઘટતા ત્વચાનું મોઇશ્ચર પણ ઘટે છે. નિયમિત રૂપે કરાવેલું ફેશિયલ ત્વચાની અંદરના મોઇશ્ચરને બેલેન્સ કરવાનું કાર્ય કરે છે અને તેના કારણે ત્વચા નિસ્તેજ કે કરચલીવાળી નથી લાગતી.

બ્લેક અને વ્હાઇટ હેડ્સથી છુટકારો મળે છે  

પ્રદૂષણ અને ધૂળના કારણે આજકાલ મોટેભાગે સ્ત્રીઓને નાક ઉપર બ્લેક હેડ્સ અને દાઢી ઉપર વ્હાઇટ હેડ્સની તકલીફ થઇ જતી હોય છે. આ બંનેને દૂર કરવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય ફેશિયલ અને ક્લીનઅપ છે. તે કરાવવાથી નાક ઉપર અને દાઢી ઉપરના ડેડ સેલ્સ દૂર થાય છે, ત્વચા સ્વચ્છ બને છે અને તેની સાથેસાથે પ્રદૂષણ તેમજ કચરો ત્વચામાં ગયો હોય તેના કારણે બ્લેક હેડ્સ થયા હોય તે પણ દૂર થાય છે.

પિગ્મેન્ટેશન ઓછું થશે અને સ્કિનટોન સુધરશે  

ઘણાં લોકોને ચહેરા પર કાળા ડાઘ પડી જતાં હોય છે તેમજ ડાર્ક સર્કલ્સનો પ્રશ્ન પણ આજકાલ મહિલાઓ માટે જાણે કોમન બનતો જાય છે. આ પ્રકારનાં પિગ્મેન્ટેશન વધતી ઉંમરની સાથે વધતાં જાય છે. આજકાલ વધતી જતી ગરમી, તડકો, પ્રદૂષણ અને હોર્મોન્સના અસંતુલનને કારણે જો તેની માવજત ન કરવામાં આવે તો તે દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. જો તમે રેગ્યુલર ફેશિયલ કરાવશો તો તેના કારણે પિગ્મેન્ટેશનની અસર ત્વચા પર નહીં થાય અને કાળા ડાઘ કે ડાર્ક સર્કલની તકલીફ પણ નહીં રહે.

ત્વચાના કોષો ક્લીન રહેશે  

રોજબરોજના દોડધામવાળા જીવનમાં આપણે આપણી ત્વચાની સંભાળ બરાબર નથી લઇ શકતાં. રોજે બહાર જવાનું થાય તેથી ત્વચાના કોષોમાં કેટલું પ્રદૂષણ અને ધૂળ તેમજ માટી ભરાઇ જતાં હોય છે. વળી પરસેવો તેમજ થોડોઘણો મેકઅપ ચહેરા ઉપર લગાવીએ તે બધું જ ત્વચાના કોષને અસર કરતું રહે છે. એવા સમયે ફેસિયલ ત્વચાનાં છીદ્રોને, કોષોને સ્વચ્છ કરવાનું કાર્ય બખૂબી કરી જાણે છે. તે કોષોને ઊંડાણપૂર્વક સ્વચ્છ કરીને સ્વસ્થ રાખે છે, ડેડ થતાં બચાવે છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન