આ ચાર જસ્ટિસે ન્યાયતંત્રમાં અને લોકતંત્રમાં સુધારાનું રણશિંગુ ફૂંક્યું - Sandesh
  • Home
  • Ahmedabad
  • આ ચાર જસ્ટિસે ન્યાયતંત્રમાં અને લોકતંત્રમાં સુધારાનું રણશિંગુ ફૂંક્યું

આ ચાર જસ્ટિસે ન્યાયતંત્રમાં અને લોકતંત્રમાં સુધારાનું રણશિંગુ ફૂંક્યું

 | 2:47 am IST

જસ્ટિસ જોસેફ કુરિયન

જસ્ટિસ કુરિયનનો જન્મ ૩૦ નવેમ્બર ૧૯૫૩માં કેરળમાં થયો હતો. કેરળ લો એકેડેમી તિરુવનંપુરમમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. વર્ષ ૧૯૭૭-૭૮માં તેઓ કેરળ યુનિવર્સિટી એકેડેમી કાઉન્સિલ સભ્ય બન્યા હતા. વર્ષ ૧૯૮૩-૮૫ સુધી તેઓ કોચી યુનિવર્સિટીના સેનેટ સભ્ય રહ્યા હતા. વર્ષ ૧૯૭૯માં કરેળ હાઇકોર્ટમાં કુરિયને વકીલાત શરૂ કરી હતી. કુરિયાન ૧૯૮૭માં સરકારી વકીલ બન્યા હતા અને વર્ષ ૧૯૯૪-૯૬ સુધી એડિશનલ જનરલ એડવોકેટ રહ્યા હતા. વર્ષ ૧૯૯૬માં સિનિયર વકીલ બન્યા. ૧૨ જુલાઇ ૨૦૦૦માં તેઓ કેરળ હાઇકોર્ટમાં જજ પદે આવ્યા હતા. ફેબ્રુઆરી ૨૦૧૦થી માર્ચ ૨૦૧૩ સુધી હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રહ્યા હતા. ૮ માર્ચ ૨૦૧૩ના દિવસે તેઓ સુપ્રીમના જજ બન્યા હતા. જે ૨૯ નવેમ્બર ૨૦૧૮ના દિવસે નિવૃત્ત થશે.

જસ્ટિસ ચેલમેશ્વર  

આધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં તા.૨૩ જુલાઇ ૧૯૫૩માં જસ્ટિસ ચેલમેશ્વરનો જન્મ થયો હતો. જસ્તી ચેલમેશ્વરે દક્ષિણ ભારતન પ્રતિષ્ઠિત મદ્રાસ લોયલા કોલેજમાંથી ભૌતિકશાસ્ત્ર વિષય સાથે સ્નાતક થયા હતા. ત્યાર બાદ આંધ્ર પ્રદેશ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. ૧૩ ઓક્ટોબર ૧૯૯૫માં જસ્ટિસ ચેલમેશ્વર એડિશનલ એડવોકેટ જનરલ બન્યા હતા. ત્યાર બાદ કેરળ અને ગુવાહાટી હાઇકોર્ટમાં મુખ્ય જજ તરીકેની ફરજ અદા કર્યા બાદ ઓક્ટોબર ૨૦૧૧માં તેઓ સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા. જસ્ટિસ ચેલમેશ્વરે જજની નિમણૂકને લઇને નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશનનું સમર્થન કર્યું હતું. આ ઉપરાંત વર્ષોથી ચાલી આવતી કોલેજિયમ વ્યવસ્થાની ટીકા કરી હતી. જસ્ટિસ જસ્તી ચેલમેશ્વર અને રોહિગ્ટન ફલી નરીમાનના બે સભ્યોની બેચે વિવાદિત કાયદાને રદ કરી દીધો હતો. આ નિર્ણયની દેશભરમાં પ્રશંસા થઈ હતી.

જસ્ટિસ રંજન ગંગોઇ  

જસ્ટિસ રંજન ગંગોઇનો જન્મ ૧૮ નવેમ્બર ૧૯૫૪માં થયો હતો. તેઓ ૧૯૭૮માં વકીલ થયા હતા. ગુવાહાટી હાઇકોર્ટમાં લાંબા સમય સુધી વકીલાત કર્યા બાદ ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૧ના રોજ ગુવાહાટી હાઇકોર્ટમાં સ્થાયી જજના પદે તેઓ નિમણૂક થયા હતા. ત્યાર બાદ ૯ સપ્ટેમ્બર ૨૦૧૦ના રોજ તેમની બદલી પંજાબ હરિયાણા હાઇકોર્ટમાં થઇ હતી. ફેબ્રુઆરી ૨૦૧૧માં પંજાબ અને હરિયાણા કોર્ટમાં તેઓ મુખ્ય જજ બન્યા હતા. ૨૩ એપ્રિલ ૨૦૧૨ના રોજ તેઓ સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા. જસ્ટિસ રંજન ગંગોઇ એ બેચમાં નામ ધરાવે છે જેણે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ માર્કેડેય કાત્જુને સૌમ્યા મર્ડર કેસ પર બ્લોગ લખવા પર વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજરી આપવા માટે કહ્યું હતું. સિનિયોરિટી પ્રમાણે ઓક્ટોબર ૨૦૧૮માં તેઓ દેશની સૌથી મોટી કોર્ટમાં જસ્ટિસ દીપક મિશ્રની નિવૃત્તિ બાદ મુખ્ય જજ બનવાની લાઇનમાં છે.

જસ્ટિસ મદન ભીમરાવ લોકુર

જસ્ટિસ મદન ભીમરાવ લોકુરનો જન્મ ૩૧મી ડિસેમ્બર ૧૯૫૩ના રોજ થયો હતો. જસ્ટિસ લોકુરે દિલ્હીની મોર્ડન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. દિલ્હીની યુનિવર્સિટીની સેન્ટ સ્ટિફન કોલેજમાં ઇતિહાસ વિષય સાથે સ્નાતક થઇ દિલ્હી યુનિવર્સિટીમાંથી ૧૯૭૭માં એલએલબીનો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ દિલ્હી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરી હતી. ૧૯૮૧માં પરીક્ષા પાસ કરીને સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરનારા એકમાત્ર જજ હતા. તેમણે સિવિલ લો, ક્રિમિનલ લો, કોન્સ્ટિટયૂશન લો તથા રેવન્યૂ એન્ડ સર્વિસ લોમાં તેઓ નિષ્ણાત છે. વર્ષ ૧૯૯૦ થી ૧૯૯૬ સુધી કેન્દ્ર સરકારના વકીલ રહ્યા હતા અને કેન્દ્ર સરકાર તરફથી અનેક મુદ્દાઓની રજૂઆત કરી હતી. ૪ જૂન ૧૯૧૨ના રોજ તેની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી.