The government had asked for data on deaths due to lack of oxygen
  • Home
  • India
  • ઓક્સિજનની અછતને લઈને માંડવિયાએ વિપક્ષની ઝાટકણી કાઢી

ઓક્સિજનની અછતને લઈને માંડવિયાએ વિપક્ષની ઝાટકણી કાઢી

 | 11:24 pm IST
  • Share

  • જીવનરક્ષક ઓક્સિજનનું ઉત્પાદન વધારવા સરકારે પગલાં લીધાં તેની નોંધ લો

  • વિશ્વમાં અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંક સૌથી ઓછો

  • સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વિપક્ષને આડેહાથ લીધી

દેશમાં કોરોનાની બીજી લહેર વખતે સર્જાયેલી ઓક્સિજનની અછતનાં મામલે કેન્દ્રનાં આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ વિપક્ષોને ઝાટકી નાંખ્યા હતા. તેમણે વિપક્ષોને ઓક્સિજનની અછતનાં મામલે રાજકારણ રમવાનું બંધ કરવા તાકીદ કરી હતી. જીવનરક્ષક ઓક્સિજનનું ઉત્પાદન વધારવા સરકારે લીધેલા પગલાંની પ્રશંસા કરો તેમ કહ્યું હતું.

લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન ચર્ચામાં તેમણે કહ્યું કે સરકાર દ્વારા ઓક્સિજનની માંગ વધ્યા પછી તેની પ્રાપ્તિ અને પુરવઠો તેમજ ઉત્પાદન વધારવા તમામ પગલાં લેવામાં આવ્યા હતા. આવા સંજોગોમાં પણ લોકો રાજકારણ રમવાનું બંધ કરતા નથી તે દુર્ભાગ્યપૂર્ણ છે. આ રાજકારણ રમવાનો વિષય નથી તેમ તેમણે કોંગ્રેસનાં સાંસદ સુરેશ ધાનોરકરનાં પ્રશ્નનાં જવાબમાં જણાવ્યું હતું.

સરકારે ઓક્સિજનની અછતથી મૃત્યુના ડેટા માંગ્યા હતા

માંડવિયાએ ઓકિસજનની અછતથી મૃત્યુનાં ખોટા દાવાઓ અંગે વિપક્ષોને ઝાટક્યા હતા. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે આ મુદ્દે રાજ્યો પાસેથી ડેટા માંગ્યા હતા જેમાં પંજાબે ૪નાં મૃત્યુની વિગતો આપી હતી. ઓક્સિજનની અછતને કારણે મૃત્યુ થયા હોય તો તેમનાં આંકડા છુપાવવાની જરૂર નથી તેમ તે સમયે પીએમ મોદીએ મુખ્ય પ્રધાનોની મિટિંગમાં જણાવ્યું હતું.

ફક્ત 19 રાજ્યોએ વિગતો આપી હતી જે સરકારે જાહેર કરી હતી આમ છતાં તેનાં પર રાજકારણ રમાઈ રહ્યું છે.ભારતમાં દર 10 લાખે કોરોનાના કેસ અને મૃત્યુનાં પ્રમાણ વિશ્વમાં સૌથી ઓછું ભારતમાં કોરોનાના કેસ અને મૃત્યુના સંદર્ભમાં માંડવિયાએ કહ્યું હતું કે ભારતમાં દર મિલિયન દીઠ એટલે કે 10 લાખે કોરોનાના 25,000 કેસ હતા અને 340 મૃત્યુ નોંધાયા હતા. આમ આખા વિશ્વમાં કોરોનાનો આંક ભારતમાં સૌથી ઓછો હતો.

કુલ 3.46 કરોડ લોકો સંક્રમિત થયા હતા અને 4.6 લાખનાં મોત થયા હતા. મૃત્યુ દર 1.36 ટકા રહ્યો હતો જે વિશ્વમાં સૌથી ઓછો છે. આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રકચરની ઓછી સુવિધા અંગે અગાઉની સરકારો પર આક્ષેપો કરવાને બદલે તેને વધુ મજબૂત કરવા પગલાં લીધા હતા. પીએમ મોદીનાં નેતૃત્વમાં સરકારે તેની શક્તિ નહીં પણ ઈચ્છાશક્તિ દર્શાવી હતી.

બાળકો માટે ત્રણ વેક્સિનની ટ્રાયલ હાથ ધરાઈ

માંડવિયાએ કહ્યું હતું કે દેશમાં 12થી 17 વર્ષનાં બાળકો માટે ત્રણ વેક્સિન પર ટ્રાયલ હાથ ધરવામાં આવી રહી છે. તેનાં સફળ ક્લિનિકલ ટ્રાયલ પછી નિષ્ણાતોનાં ગ્રૂપ દ્વારા મંજૂરી આપવામાં આવશે.

દેશમાં ઓમિક્રોનની ગંભીરતા ઓછી રહેશે: આરોગ્ય મંત્રાલય

દેશમાં મોટાપાયે વેક્સિનેશન અને અગાઉનાં સંક્રમણથી ઓમિક્રોનની અસર ઓછી રહેશે તેમ આરોગ્યમંત્રાલયે જણાવ્યું હતું. ભારતમાં લાખો લોકો અગાઉ કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે તેથી ઓમિક્રોનથી સંક્રમણ ઓછું રહેશે તેવી ધારણા છે. સરકારે કહ્યું હતું કે સંક્રમણ વધશે કે ઓછું રહેશે તે હજી સ્પષ્ટ નથી. વૈજ્ઞાનિક તપાસ અને તારણોનો અભ્યાસ કરાઈ રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો