સરકાર લાવી રહી છે કાયમી નોટબંધી લાવતો કાયદો, જાણો શું હશે જોગવાઇ - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • સરકાર લાવી રહી છે કાયમી નોટબંધી લાવતો કાયદો, જાણો શું હશે જોગવાઇ

સરકાર લાવી રહી છે કાયમી નોટબંધી લાવતો કાયદો, જાણો શું હશે જોગવાઇ

 | 8:39 pm IST

કેન્દ્રની મોદી સરકાર દ્વારા અર્થતંત્ર પર મોટો પ્રભાવ પાડતાં નોટબંધી, જીએસટી અને બેન્કો માટે બેલઆઉટ પેકેજ જેવા મહત્ત્વના પગલાં લેવાયાં છે. હવે મોદી સરકાર બેંન્કિંગ વ્યવસ્થામાં વધુ એક કાયદો લાવી રહી છે જેની અસર ન કેવળ ફક્ત બેન્કો પર પરંતુ બેન્કના બચત ખાતામાં નાણાં રોકનાર એક એક ગ્રાહક આ કાયદાના દાયરામાં રહેશે. આ કાયદાના કારણે અનંત નોટબંધી અથવા તો નવું નાણાકીય માળખું રચાશે.

કેન્દ્ર સરકાર સંસદના શિયાળુ સત્રમાં ફાઇનાન્શિયલ રિઝોલ્યૂશન એન્ડ ડિપોઝિટ ઇન્શ્યોરન્સ બિલ (FRDI, 2017) લાવવાની જોરશોરથી તૈયારી કરી રહી છે. સરકાર પાસે હાલ સંસદના બંને ગૃહમાં બહુમતી હોવાના કારણે ખરડો સહેલાઇથી પસાર થઇ જશે. આ અગાઉ સરકારે આ ખરડો ચોમાસું સત્રમાં સંસદમાં રજૂ કર્યો હતો. તે સમયે ખરડો સંયુક્ત સંસદીય સમિતિને મોકલી અપાયો હતો. હવે સરકાર સંસદીય સમિતિના સૂચનોના આધારે નવો ખરડો રજૂ કરવાની તૈયારી કરી ચૂકી છે.

કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરાઇ રહેલા નવા કાયદા દ્વારા સરકારી અને ખાનગી બેન્કો, વીમા કંપનીઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓમાં નાદારી નોંધાવવાની સમસ્યા સામે લડવા માટે એક નવું માળખું રચાશે. સરકારનો દાવો છે કે, આ કાયદો સીમાસ્તંભ સ્વરૂપ આર્થિક સુધારો બની રહેશે. આ નવા કાયદામાં સૌથી ખતરનાક જોગવાઇ કાયમી નોટબંધીની છે. અત્યારે બેન્કો માંદી પડે તો સરકાર તેની તિજોરીમાંથી નાણાં આપીને ઉગારે છે પરંતુ આ કાયદો અમલમાં આવ્યા પછી બેન્કોની એનપીએની સમસ્યા તીવ્ર બને તો નવું રિઝોલ્યૂશન કોર્પોરેશન નક્કી કરશે કે બેન્કના ખાતામાં ગ્રાહકે ડિપોઝિટ કરેલા નાણાંમાંથી તે કેટલા નાણાં ઉપાડી શકશે. દાખલા તરીકે અત્યારે તમારા બેન્કના સેવિંગ્સ ખાતામાં એક લાખ રૂપિયા છે. જે તમે ઇચ્છો ત્યારે ઇચ્છો એટલા ઉપાડી શકો છો પરંતુ નવો કાયદો આવ્યા પછી રિઝોલ્યૂશન કોર્પોરેશન નક્કી કરશે કે આર્થિક સંકટના સમયમાં ગ્રાહકોને તેમના ખાતામાંથી કેટલા નાણાં ઉપાડવાની પરવાનગી અપાય અને તેમની કેટલી બચત બેન્કોના એનપીએના નિકાલમાં વાપરવામાં આવે.

બેન્કના ખાતામાં જમા નાણાંની ગેરેંટી નાબૂદ થઇ જશે
કેન્દ્ર સરકારનો નવો એફઆરડીઆઇ કાયદો અમલમાં આવતાં જ પ્રવર્તમાન કાયદા અંતર્ગત મળતી ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેંટી સમાપ્ત થઇ જશે. હાલ ગ્રાહકોને અલગ અલગ બેન્કોમાં જમા તેમના નાણાંની ગેરેંટી આ કાયદા દ્વારા જ મળે છે. આ કાયદાની એક મહત્ત્વની જોગવાઇ એ છે કે જો બેન્ક માંદી પડે અને તેને દેવાળિયું ઘોષિત કરાય તો બેન્કે ગ્રાહકોને ફરજિયાત એક લાખ રૂપિયા સુધીની થાપણ પરત કરવી પડે છે. આ કાયદાના કારણે દેશની હાલની બેંન્કિંગ વ્યવસ્થા સૌથી સુરક્ષિત મનાય છે. પરંતુ તે નાબૂદ થઇ જતાં બેન્ક ખાતામાં પડેલા નાણાંની કોઇ ગેરેંટી રહેશે નહીં. આ કાયદાના કારણે જ ગ્રાહકોને વિશ્વાસ છે કે તેમના નાણાં ડૂબી નહીં જાય.

નવું રિઝોલ્યૂશન કોર્પોરેશન બનશે
નવો કાયદો આવતાંની સાથે જ ગ્રાહકોને અપાતી બેન્ક ગેરેંટીનો અંત આવી જશે. જૂના કાયદાના અંત સાથે નાણામંત્રાલય અંતર્ગત નવા રિઝોલ્યૂશન કોર્પોરેશનની રચના કરાશે. અત્યારે બેન્કોની આર્થિક સ્થિતિના મૂલ્યાંકન અને બેન્કોને આર્થિક સંકટમાંથી બહારર આવવાની સલાહ આપવાનું કામ રિઝર્વ બેન્ક કરતી હતી. પરંતુ નવો કાયદો પસાર થયા પછી રિઝોલ્યૂશન કોર્પોરેશન આ કામ કરશે.