The government is seriously considering imposing disaster Ses on GST
  • Home
  • Business
  • વેપાર ઉદ્યોગો ગંભીર કટોકટીમાં ત્યારે સરકાર GST પર આપદા સેસ લાદવાની તૈયારીમાં!

વેપાર ઉદ્યોગો ગંભીર કટોકટીમાં ત્યારે સરકાર GST પર આપદા સેસ લાદવાની તૈયારીમાં!

 | 9:20 pm IST

કોરોના મહામારી સામે લડવા વધારાનાં નાણાં ઊભા કરવા સરકાર દ્વારા GST પર આપદા સેસ લાદવા ગંભીરપણે વિચારાઈ રહ્યું છે. સૂત્રોનાં જણાવ્યા મુજબ પાંચ ટકાનાં સ્લેબમાં આવતી ગુડ્ઝ અને સર્વિસિસ સિવાય અન્ય સ્લેબમાં આવતી માલસામગ્રી અને સેવાઓ પર 5 ટકા આપદા સેસ લાદવાની સંભાવના છે. કેરળે વર્ષ 2018માં વિનાશક પૂર પછી આખા રાજ્યમાં ડિઝાસ્ટર રિલીફ સેસ નાખ્યો હતો. આખા દેશમાં આ પ્રકારે સેસ લાદનારું કેરળ પહેલું રાજ્ય છે. હાલ આ દરખાસ્ત નાણાં મંત્રાલયની વિચારણા હેઠળ છે. આ મુદ્દે જ્યારે કેરળ અને આસામનાં નાણાપ્રધાનનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમણે આ પ્રકારની હિલચાલને યોગ્ય ગણાવી ન હતી. વેપાર ઉદ્યોગો જ્યારે ગંભીર કટોકટીમાં ફસાયા છે ત્યારે તેની નકારાત્મક અસરો જન્મી શકે છે. ટૂંક સમયમાં જ્યારે GST કાઉન્સિલની બેઠક મળવાની છે ત્યારે આ મુદ્દો ચર્ચાય તેવા સંકેતો મળે છે.

GST એક્ટમાં સ્પેશિયલ સેસ લાદવાની જોગવાઈ

જીએસટી (કમ્પેન્સેશન ટુ સ્ટેટસ) એક્ટ 2017માં અન્ય કોઈપણ પ્રકારની ચીજવસ્તુઓ કે માલસામગ્રી પર ચીજવસ્તુની અંદાજિત કિંમતને આધારે એડવેલોરમ 15 ટકા સુધી વધારાનો સેસ લાદવાની જોગવાઈ કરવામાં આવી છે. કેરળ પહેલું એવું રાજ્ય છે કે તેણે 1 ઓગસ્ટ 2019થી બે વર્ષ માટે અમલમાં આવે તેવી રીતે GST પર 1 ટકાનો વધારાનો સેસ લાદ્યો હતો. કેરળે 12 ટકા, 18 ટકા અને 28 ટકા GST ધરાવતી ચીજો પર આવો સેસ અમલી બનાવ્યો હતો. જો કે આસામનાં ભાજપનાં નાણાપ્રધાન હેમંત બિશ્વા શર્માએ કહ્યું હતું કે હાલ સ્થિતિ એવી નથી કે આ પ્રકારનો વધારાનો સેસ લાદી શકાય. વેપાર ઉદ્યોગો હાલનાં સંજોગોમાં કોઈપણ પ્રકારનો વધારાનો સેસ સહન કરવાની સ્થિતિમાં નથી. વેપાર ઉદ્યોગો કથળેલી હાલત પછી કર્મચારીઓ અને મજૂરોની છટણી કરી રહ્યા છે અને પગારમાં કાપ મૂકી રહ્યા છે. શર્મા જીએસટી કાઉન્સિલનાં એક સભ્ય છે.

આલ્કોહોલ અને તમાકુની બનાવટો પર સેસ લાદી શકાય

જો કે શર્માએ કહ્યું હતું કે આલ્કોહોલ અને તમાકુની બનાવટો જેવી મોજશોખની લક્ઝરી ચીજો પર વધારાનો સેસ લાદવા વિચારી શકાય. આગામી 6-7 મહિનામાં આવો સેસ લાદવા વિચારી શકાય. શર્માએ કહ્યું હતું કે સ્થિતિમાં ધીમેધીમે સુધારો થઈ રહ્યો છે. આસામમાં સંપૂર્ણ લોકડાઉન વખતે GST ક્લેક્શન 20 ટકા હતું જે હવે વધીને 50 ટકા થયું છે અને આવતા મહિને વધીને 80 ટકા થઈ શકે છે. જીએસટીની આવકમાં એક ક્વાર્ટરની આવક જેટલો એટલે કે ત્રણ મહિનાની આવક જેટલો ઘટાડો થયો છે. જેની ઘટ પુરવા રાજ્ય સરકારો નાણાં ઊભા કરવાનાં અન્ય સ્ત્રોતો વિચારી શકે છે. જેમ કે બજારમાંથી દેવાં સ્વરૂપે નાણાં ઊભા કરવા, વેયઝ એન્ડ મિન્સ એડવાન્સિસ દ્વારા પૈસા મેળવવા, ઓવરડ્રાફ્ટ લેવો. જો કે આ બધું કેન્દ્ર સરકાર દ્વારા કેટલું ફંડ આપવામાં આવે છે તેનાં પર આધારિત છે. ગયા મહિને RBI દ્વારા રાજ્ય સરકારો માટે WMAની લિમિટમાં 60 ટકાનો વધારો કર્યો હતો.

આ વીડિયો પણ જુઓ: વલસાડ ગુંદલાવ GIDCમાં કંપનીમાં આગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન