The government responded to Parliament regarding the NRC nationwide
  • Home
  • India
  • રાષ્ટ્રવ્યાપી NRCને લઈને સરકારે સંસદમાં આપ્યો જવાબ

રાષ્ટ્રવ્યાપી NRCને લઈને સરકારે સંસદમાં આપ્યો જવાબ

 | 12:21 am IST
  • Share

  • CAA હેઠળ આવતા લોકો નિયમ સૂચિત થયા બાદ નાગરિકતા માટે અરજી કરી શકે છે
  • BSFની ક્ષમતા વધતા સરહદે થતાં ગુના ઘટશે: ગૃહ મંત્રાલય

સંસદના શિયાળુ સત્રની બીજા દિવસે કેન્દ્ર સરકારે રાષ્ટ્રવ્યાપી રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર(NRC)ને લઈને મોટી સ્પષ્ટતા કરી છે. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, NRCની તૈયારીને લઈને હજુ સુધી કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. લોકસભામાં મંગળવારે તેની જાણકારી ગૃહરાજ્ય મંત્રી નિત્યાંનંદ રાયે જણાવ્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે, દેશભરમાં હાલના તબક્કે NRC લાગુ કરવાના મોરચે કોઈ વિચાર કરવામાં આવ્યો નથી.

આ સાથે કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, નાગરિકતા અધિનિયમ 2019, (સીએએ) 12 ડિસેમ્બર, 2019ના રોજ સૂચિત કરવામાં આવ્યો હતો અને 10 જાન્યુઆરી, 2020ના રોજ લાગુ થયો હતો. સીએએ હેઠળ આવતા લોકો નિયમ સૂચિત થયા બાદ નાગરિકતા માટે અરજી કરી શકે છે. લોકસભામાં ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, સીએએના દાયરામાં જે પણ આવશે તે નિયમ લાગુ થયા બાદ નાગરિકતા માટે પોતાની અરજી કરી શકશે.

રાયે એક પ્રશ્નના જવાબમા જણાવ્યું હતું કે, જ્યાં સુધી આસામનો સવાલ છે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટના નિર્દેશને પગલે NRCમા સામેલ કરવાની પૂરક યાદીની હાર્ડ કોપી અને ઓનલાઇન પરિવાર અનુસાર બાકાતની યાદી 31 ઓગસ્ટ, 2019ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

BSFની ક્ષમતા વધતા સરહદે થતાં ગુના ઘટશે: ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે સંસદને જણાવ્યું હતું કે બોર્ડર સિક્યોરિટી ફોર્સના ટેરિટોરિયલ જ્યુરિડિક્શનને 15 કિલોમીટરથી વધારીને 50 કિલોમીટર કરવાના પરિણામે સ્ટેટ પોલીસના સહયોગ સાથે ટ્રાન્સ-બોર્ડર ક્રાઇમ પર વધારે સારું નિયંત્રણ મેળવી શકાશે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સજદા એહમદે મંત્રાલયને પ્રશ્ન કર્યો હતો કે શું સરકાર 11 ઓક્ટોબરના જાહેરનામાને પરત ખેંચવા માટે વિચારણા કરે છે ખરી ત્યારે મંત્રાલયે આ જવાબ આપ્યો હતો.

નોંધનીય છે કે, જાહેરનામા અનુસાર દેશના બોર્ડર સ્ટેટ પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને આસામમાં બીએસએફનું જ્યુરિડિક્શન વધી જતાં ધરપકડ કરવાની, સર્ચ કરવાની અને જપ્તી ઓપરેશન કરવાની બીએસએફની ક્ષમતા વધી જશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો